વિશ્વભરમાં વસતો ભારતીય સમુદાય જ નહીં, પરંતુ સત્ય-અહિંસાના મૂલ્યોમાં માનનારા સહુ કોઇ ત્રીસમી જાન્યુઆરીએ રાષ્ટ્રપિતા ગાંધીજીને શ્રદ્ધાંજલિ-શબ્દાંજલિ-સ્મરણાંજલિ અર્પણ કરશે. બાપુ આ ફાની દુનિયા છોડી ગયાને આજે સાત દસકા કરતાં પણ વધુ સમય વીતી ગયો છે, પરંતુ તેમના વિચારો આજે પણ એટલા જ પ્રસ્તુત છે. અલબત્ત, એમ પણ કહી શકાય કે ગાંધીવિચારો તે સમય કરતાં પણ વર્તમાન કાલખંડમાં વધુ ઉપયુક્ત છે. ગાંધી વિચારોને નાથવાની કોશિશ વર્ષોથી થતી આવી છે. જોકે વાસ્તવિક્તા તો એ છે કે ગાંધીજીનાં વિચારો એ હદે લોકોનાં દિલમાં રોપાઇ ગયા છે કે ગોડસેનાં વંશજોને હજુ પણ કળ નથી વળતી.
ગાંધીજી સામાન્ય માનવીને જેમ જીવ્યા અને જે કહ્યું તે કર્યું. સાવ સાદા નિયમો અને મૂલ્યોના જીવનપથ પર તેઓ ચાલ્યા. હિંસાનું તેમના જીવન અને રાજકારણમાં કોઈ સ્થાન ન હતું. દક્ષિણ આફ્રિકાથી પરત આવીને માત્ર એક પોતડી પહેરીને દેશની સેવામાં દિવસ-રાત એક કરનાર મહાત્માની તોલે કોઈ કઈ રીતે આવી શકે.
ગાંધીજીએ તેમના મોત પૂર્વે એક વાર કહેલું કે, ‘જો મારે કોઈ ગાંડાની ગોળીથી મોત વહાલું કરવું પડે તો મોં હસતું રાખીશ. ભગવાન મારા દિલ અને હોઠ પર હશે અને જો આવું કંઈ થશે તો તમે એક આંસુ પણ ના વહાવતા.’ ગાંધીજીએ આ વાત જાન્યુઆરી ૧૯૪૮માં કરેલી. તેના થોડા દિવસો બાદ ગોડસે નામના એક ઝનૂની માણસે આ કૃત્યને અંજામ આપ્યો. ગાંધીજી પર હિંસક હુમલાઓ તો ભૂતકાળમાં પણ થયા હતા, ૩૦ જાન્યુઆરી ૧૯૪૮ના રોજ થયેલો હુમલો જીવલેણ બન્યો.
ગાંધીજી જ્યારે જાહેર જીવનમાં આવ્યા ત્યારે તેમણે કંઈકેટલાય લોકોનો વિરોધ સહેવો પડ્યો. કેટલાક વિરોધો તો હિંસક પણ હતા. પરંતુ ગાંધીજીએ અહિંસાને ક્યારેય તિલાંજલિ આપી નહીં. દક્ષિણ આફ્રિકાથી તેમના પર થયેલા હિંસક હુમલાઓની શરૂઆત થઈ હતી, પરંતુ ગાંધીજીએ ક્યારેય મૂલ્યો સાથે બાંધછોડ કરી નહીં. ગાંધીજી વગર પોલીસ પ્રોટેક્શને લાખો-કરોડો લોકો સુધી જ નહીં, તેમના દિલ સુધી પહોંચ્યા હતાં. તેમના પર જેટલા હુમલાઓ થયા તેટલો જ તેમનો સંદેશ વધુને વધુ ખ્યાતિ પામતો રહ્યો.
ગાંધી હેરિટેજ પોર્ટલ પર નજર નાખતા જાણવા મળે છે કે, ગાંધીજીના જીવન દરમિયાન અલગ અલગ રીતે કુલ ૨૩ વાર હુમલાઓ થયા હતા. ગાંધી ખુદ કહેતા કે તેઓ સાત વાર મોતથી બચ્યા હતા. ગાંધીજીને મારવા માટે કોઈએ બોંબ ફોડ્યો હતો તો ક્યારેક ટોળાએ તેમને ઘેરીને માર્યા. ટ્રેન યાત્રા દરમિયાન ક્યારેક ડબ્બા પર પથ્થરમારો થયો તો ક્યારેક કોઈ પાગલે કુહાડીથી હુમલો કર્યો હતો. પરંતુ ગાંધીજી તેમના રાહ પર ડગ્યાં નહીં. તેઓ એક પોતડી, લાકડી અને મોં પર મર્માળું હાસ્ય લઈને દેશનાં ભલા માટે સતત ચાલતા રહ્યાં. સત્ય-અહિંસાના માર્ગે ચાલનાર આવા ગાંધીજીનું હાસ્ય દુનિયાના તમામ શસ્ત્રભંડારને હરાવવા માટે ચિરંજીવ હતું, છે અને રહેશે.
ગાંધીની (વિચાર)લાકડીને પકડ્યા વગર આજે કોઈને પણ છૂટકો નથી. મહાન માણસોની ખૂબી જ એ હોય છે કે તેમનાં મૃત્યુ બાદ તેઓ વધારેને વધારે પ્રસ્તુત લાગતા હોય છે. તેમના વિચારોની જાણે કે આજના વર્તમાન સમયમાં વધુ જરૂર હોય તેમ લાગે છે. અમેરિકાનાં ઇતિહાસમાં પહેલા અશ્વેત પ્રમુખ બરાક ઓબામા પણ ગાંધીજીનો ફોટો રાખતા હતા. અશ્વેતોના સંઘર્ષના મુખ્ય નેતા માર્ટીન લ્યુથર કીંગ પણ ગાંધીમૂલ્યોમાં વિશ્વાસ ધરાવતા હતા. તેમની પ્રેરણા ગાંધીજી હતા. તો દુનિયાના અન્ય કેટલાય લોકો તેમના વિચારોમાંથી પ્રેરણા લઇને માનવજાતનાં ભલા માટે કામ કરી રહ્યા છે.
આલ્બર્ટ આઇનસ્ટાઈન જેવા વૈજ્ઞાનિક પણ તેમના વિચારોથી પ્રભાવિત થયા હતા. તેઓ તેમની ઓફિસમાં માત્ર ગાંધીજીનું ચિત્ર રાખતા હતા. તેમણે એવું પણ કહેલું કે આવનારી સદીમાં લોકો માનશે નહીં કે ગાંધી જેવા માણસ ખરેખર પૃથ્વી પર અવતર્યા હતા. તો દુનિયાને હસાવતાં-હસાવતાં કારમા સત્યો કહેતા મહાન કલાકાર ચાર્લી ચેપ્લીન પણ ગાંધીજીથી પ્રભાવિત હતા. વાત અહીં નથી અટકતી. સમાજનાં બધા બંધનો તોડતા રહેતા રોકસ્ટાર્સ પણ ગાંધીવિચારનાં જાદુથી બચી શક્યા નહોતા. આમાં નોબલ પુરસ્કાર વિજેતા રોકસ્ટાર બોબ ડીલનનો સમાવેશ થાય છે. બોબ ડીલને તો ગાંધીજીને અંજલી આપતું એક ગીત પણ ગાયું છે તો માઈકલ જેકશન હોય કે બિટલ્સ બધા ગાંધીના કાયલ હતા. તેમના જીવનમાં કેટલાય પ્રસંગોમાં ગાંધીજીમાંથી તેમણે પ્રેરણા લીધી હોય તેવું જોવા મળે છે. આમ ગાંધીબાપુના વિચારોનો જાદુથી કોઈ બચી શક્યું નથી. એપલ જેવી બ્રાન્ડ બનાવનાર સ્ટીવ જોબ્સ પણ ગાંધીજીને માનતા હતા. તેમણે ગાંધીજીનો ઉપયોગ તેમની જાહેરખબરોમાં પણ કર્યો હતો. એવું તો શું હતું ગાંધીજીમાં...
મહાત્મા નામ તેમને રવિન્દ્રનાથ ટાગોરે આપેલું. ગાંધીજીનાં વિચારો એકદમ સીધાસાદા છે. સત્ય - અહિંસા તેનો પાયો છે. ગાંધીજી કહેતા કે મારે દુનિયાને કશું નવું શીખવાડવાનું નથી. સત્ય અને અહિંસા તો આદીકાળથી ચાલ્યા આવે છે. સત્ય જ છે. એ સિવાય બીજું કાંઈ જ આ જગતમાં નથી, એવો મારો વિશ્વાસ દિન-પ્રતિદિન વધતો જાય છે. સત્યની શોધનાં સાધનો જેટલાં કઠિન છે તેટલાં જ સરળ પણ છે. એ અભિમાનીને અશક્ય લાગે અને એક નિર્દોષ બાળકને તદ્દન શક્ય લાગે. સત્યના શોધકને રજકણથી પણ નીચે રહેવું પડે. જગત આખું રજકણને કચડે છે, પણ સત્યનો પુજારી તો રજકણ સુદ્ધાં તેને કચડી શકે એવો અલ્પ ન બને ત્યાં સુધી તેને સ્વતંત્ર સત્યની ઝાંખી પણ દુર્લભ છે.
મહાત્મા ગાંધીને મન સત્ય અજય અમર હતું. તેમનો પ્રયત્ન સત્યને પામવાનો હતો. તેઓ હંમેશાં પોતાને સત્યના શોધક કહે છે. તેમણે તેમની આત્મકથાનું નામ પણ ‘સત્યના પ્રયોગો’ આપ્યું છે. ગાંધીજી માટે સત્ય એ સર્વોપરી હતું. તેઓ લખે છે કે...
‘સત્યથી ભિન્ન કોઈ પરમેશ્વર હોય તેવું મેં નથી અનુભવ્યું. સત્યમય થવાને સારું અહિંસા એ જ એક માર્ગ છે. એમ આ પ્રકરણનો પાને પાને ન દેખાયું હોય તો આ પ્રયત્ન વ્યર્થ સમજું છું. પ્રયત્ન વ્યર્થ હોય શકે, પણ વચન વ્યર્થ નથી. મારી અહિંસા સાચી તોયે કાચી છે. અપૂર્ણ છે. તેથી મારા સત્યની ઝાંખી હજારો સૂરજને એકઠા કરીએ તો પણ એ સત્યરૂપી સૂરજના તેજનું પૂરું માપ ન મળી શકે એવા સૂરજના એક કિરણમાત્રના દર્શનરૂપ જ છે. એનું સંપૂર્ણ દર્શન સંપૂર્ણ અહિંસા વિના અશક્ય છે એટલું તો હું મારા આ જ લગીના પ્રયોગોને અંતે અવશ્ય કહી શકું છું.’
ગાંધીજીનું લક્ષ્ય માત્ર ભારતને આઝાદ કરવાનું નહોતું. તેના સાથે સાથે સામાજિક ચેતના અને સુધારા પણ તેમનાં માટે એટલા જ મહત્ત્વનાં હતા. તેઓ માનતા હતા કે દેશમાં બધા સુખ- શાંતિથી રહે. કોઈ તકરાર ના હોય. મહિલાઓને તેમનું સન્માન મળે. સમાજમાં કોઈ ઊંચનીચના બંધનો ના હોય. ગાંધીજી આ બધા સામાજિક દૂષણોની સામે પણ ખૂબ લડ્યા. સ્વતંત્રતા કરતા પણ સમાજને નવા મૂલ્યો આપવાની ગાંધીજીની નેમ હતી. ભારત જ્યારે આઝાદ થયું તે દિવસે ગાંધીજી દિલ્હીમાં ન હતા. તેઓ તો નોઆખલીમાં હિંદુ-મુસ્લિમ સમુદાય વચ્ચે ફાટી નીકળેલા તોફાનો શાંત કરાવવા જાતે જ પહોંચી ગયા હતા. તેમના મતે એખલાસ વગરની આઝાદી નકામી હતી. તેઓ હંમેશા ઇચ્છતા કે સ્વતંત્રતા માટે સમાજ અને દેશનાં લોકો પણ તૈયાર હોવા જોઇએ. આજના સમયમાં તેઓ આપણને એટલા જ યાદ આવે છે કારણ કે તેમના વિચારો આજે પણ એટલા જ પ્રસ્તુત છે. તેમના વિચારોને વીંધી શકે તેવી ગોળી હજુ શોધાઇ નથી. તેમની હત્યા બાદ જગત માટે તેઓ વધુને વધુ પ્રસ્તુત અને મોટા બનતા ગયા છે. આજે આપણી સમક્ષ ગાંધીજીની વિચારલાકડી પકડીને ચાલ્યા સિવાય બીજો કોઈ વિકલ્પ પણ ક્યાં છે?!