ગત વર્ષ, ગત થોડા દાયકાઓ અને તેથી પણ આગળના સમયગાળામાં ઘણું બધું થઈ ગયું છે. બ્રિટિશ સમાજના ભદ્ર વર્ગ માટે રોજબરોજની સંસ્કૃતિ બની ગયેલા હોય તેમ જણાતા અપ્રામાણિકતા અને શોષણના પડતર ઉદાહરણોનું નિરાકરણ લાવવાના પ્રયાસ કોઈ કરી શકે નહિ. આમ છતાં, આપણે તાજેતરના થોડાં ઉદાહરણો પર નજર નાખી શકીએ.
રોયલ પેટ્રોનેજ - રહેમનજર હેઠળ વિકસતા ધ ચર્ચે આપણને સેક્સ ટ્રાફિકિંગ, બાળશોષણ, ગુલામી, નાણાકીય એન્ટરપ્રાઈસીસ, વૈશ્વિક સંપત્તિઓની લૂંટફાટ, સ્વદેશી સંસ્કૃતિઓનો વંશીય સંહાર સહિત જથ્થાબંધ શોષણોનાં ઉદાહરણ પૂરાં પાડ્યાં છે જે અતિ વિશાળ હિમશીલાનું ટોચકું જ છે. ટેન કમાન્ડમેન્ટ્સના ઉલ્લંઘન પ્રતિ ઉદાહરણીય નિષ્ઠા દર્શાવવા દેશના તથાકથિત ‘અંતઃકરણ’ સ્વરૂપે અને સમૂહો માટે લેજિસ્લેશન્સ લાવવા અને વહીવટ કરવા આપણા હાઉસ ઓફ લોર્ડ્ઝમાં 26 બિશપો બેઠા છે. હજુ લાંબો સમય વીત્યો નથી, એલિઝાબેથકાળના ઈંગ્લેન્ડમાં મુખ્ય ચાર વર્ગો હતાઃ નોબિલિટી (ઉમરાવ), ધ જેન્ટ્રી (કુલીન), ધ યેઓમેનરી (જમીનદાર) અને ગરીબ. આ પ્રત્યેક વર્ગમાં ઉપવર્ગો પણ હતા. મારા મિત્રો, આ બાબત જ ભારતમાં બ્રિટિશ રાજના જ્ઞાતિ સમીકરણોનું મૂળ છે અને ભારતીય મૂર્ખાઓ આ છેતરામણી ચાલબાજીમાં ફસાઈ ગયા હતા. દેશના નૈતિક ક્ષેત્રના મધ્યસ્થી આર્ચબિશપ ઓફ કેન્ટરબરી જસ્ટિન વેલ્બીને ચર્ચ ઓફ ઈંગ્લેન્ડ સાથે સંકળાયેલા મહત્ત્વના બાળ શોષણખોર સંબંધિત નુકસાનકારી રિપોર્ટમાં ભૂમિકા ભજવવા બદલ ગત સપ્તાહે રાજીનામું આપવાની ફરજ પડાઈ હતી.
એમાં કોઈ વિવાદ નથી કે કહેવાતા ‘શિક્ષિત કુલીન’ લોકો પણ સરકારથી માંડી આપણી ઘણી અગ્રેસર સંસ્થાઓ સહિત આપણા સત્તા અને નિર્ણયકારી કેન્દ્રોમાં જથ્થાબંધ રીતે બેઠેલા છે. હા, હું ઓક્સફર્ડ, કેમ્બ્રિજ, LSE અને ઘણી બધી યુનિવર્સિટીઓનો જ ઉલ્લેખ કરું છું. આ સંસ્થાઓ સામાજિક એન્ટરપ્રાઈઝીસનું ઉછેરકેન્દ્ર છે અને ચોક્કસ વિચારધારા સાથેના કુલીન વર્ગનું સર્જન કરે છે. પ્રારંભિક દિવસોમાં આ કાર્ય ક્વીન અને દેશ માટે હતું. જોકે, ગત સદીના બદલાવા સાથે તેઓ ધીરેધીરે સોશ્યાલિસ્ટ જીન થકી પ્રદૂષિત થતા રહેલ છે. બે વિશ્વ યુદ્ધો દરમિયાન, આપણે પ્રત્યક્ષ કે પરોક્ષપણે આવી સંસ્થાઓ સાથે સંકળાયેલા ડબલ એજન્ટ્સ નિહાળ્યા હતા. ગત થોડા દાયકાઓ દરમિયાન, ઘણી સંસ્થાઓમાં વોક (કહેવાતા જાગૃત) ગાંડપણ છવાયું છે. કેટલાક તો પુરુષ અથવા સ્ત્રીઓ વચ્ચેનો તફાવત પણ કહી શકતા નથી અને આપણને લૈંગિક સમાનતા વિશે લેક્ચર્સ આપતા રહે છે. અન્યો આતંકવાદના અસરગ્રસ્તો અને આતંકવાદી વચ્ચેનો ભેદ પણ કહી શકતા નથી.
આવા જ એક કિસ્સામાં, ગત સપ્તાહે જ આપણે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં એક ફજેતીના સાક્ષી બન્યા છીએ. ધ ઓક્સફર્ડ યુનિયને ‘ધીસ હાઉસ બિલિવ્ઝ ઈન ધ ઈન્ડિપેન્ડન્ટ સ્ટેટ ઓફ કાશ્મીર’ ટાઈટલ સાથે ચર્ચા ગોઠવી હતી. ઓક્સફર્ડ જેવી યુનિવર્સિટીએ કટ્ટરવાદીઓને ઉત્તેજન આપવા તેના પ્રીમાઈસીસનો ઉપયોગ કરવા દીધો હોય તેવી આ કોઈ પ્રથમ ઘટના નથી. આ વખતે ઓક્સફર્ડ યુનિયને મુઝમ્મિલ અય્યુબ ઠાકુર અને ઝફર ખાન જેવા જાણીતા કટ્ટરવાદીઓ (કેટલાક તેમને ત્રાસવાદના હમદર્દ પણ કહી શકે છે)ને આમંત્રણ આપ્યું હતું. જરા વિચારો, ઓક્સફર્ડ યુનિયને પ્રતિબંધિત ત્રાસવાદી સંગઠન જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (JKLF) સાથે સંપર્કો ધરાવતા લોકોને પ્લેટફોર્મ આપ્યું હતું. આ એ જ આતંકવાદી સંગઠન છે જે અસંખ્ય મોત, વંશીય સંહાર તેમજ જમ્મુ અને કાશ્મીરમાં હિન્દુઓના જેનોસાઈડ માટે જવાબદાર છે.
આ બાબત આંતરરાષ્ટ્રીય કાયદા અને સંપૂર્ણ જમ્મુ અને કાશ્મીરનું ભારતમાં વિલિનીકરણ થયું છે અને આથી, તે ભારતનું અભિન્ન અંગ હતું, છે અને હંમેશાં રહેશે તેવી હર મેજેસ્ટીની સરકારની ડીક્રી- આદેશ સંબંધિત છે. આમ છતાં, આ ભ્રષ્ટ અને વિકૃત શૈક્ષણિક વિચારધારાના કિલ્લાઓ હત્યારાઓ અને ત્રાસવાદના સમર્થકો બ્રિટિશ ભૂમિ પર તેમની ઘૃણા અને ઝેર ઓકી શકે તેને પ્રોત્સાહન આપે છે. એમ લાગે છે કે કેટલીક હેટ સ્પીચીઝ એસ્ટાબ્લિશમેન્ટને પણ સ્વીકાર્ય છે.
કુલીન વર્તુળોમાં આ પ્રકારના દુરાચરણ જોવાં મળતા હોય ત્યારે ખુદ પ્રાઈમ મિનિસ્ટરના યજમાનપદે નંબર 10 ખાતે દિવાળીની ઊજવણી ઈવેન્ટમાં માંસ પીરસાય અને પરિણામે ઈવેન્ટનો ફીઆસ્કો થાય તેમાં કોઈ નવાઈ ખરી? નિરાશાજનક માફી માગવા પહેલા નંબર 10 અને પ્રાઈમ મિનિસ્ટર સ્ટાર્મરે ઘણો સમય લીધો. આ ઈવેન્ટના કર્તાહર્તા કોણ હતા, તેમણે કોની સાથે સલાહમસલતો કરી, કોને આમંત્રણો અપાયા અને કયા આધારે ભૂતકાળના સુસ્થાપિત પ્રોટોકોલ્સ રદ કરાયા તેવા પાયાના પ્રશ્નોનો ઉત્તર તો તેમણે હજુ આપ્યો નથી.
અપ્રામાણિકતા અને શોષણની સંસ્કૃતિ હંમેશાં ઉપરથી જ આવે છે. આપણે જોયું છે કે તેમના અંગતોનું તેઓ કેવી રીતે રક્ષણ કરે છે, તે રાજકારણી, રોયલ્ટી, પાદરી વર્ગ અથવા તેમના ફંડ આપનારા હોઈ શકે છે. ભૂતકાળમાં પણ આવા જથ્થાબંધ શોષણ તેમની આત્મસંતુષ્ટિ અને વિચિત્રપણે દેશ માટે થતા હતા. વર્તમાનમાં પણ આત્મસંતુષ્ટિ પ્રાથમિકતા છે પરંતુ, દેશના બદલે સોશિયાલિઝમ, વોકનેસ તથા કટ્ટરવાદીઓ અને આતંકવાદીઓના તુષ્ટિકરણને પ્રોત્સાહન આપતી વિચારધારા તેમની પ્રાથમિકતા બની છે. આ સોશિયલ એન્જિનીઅરીંગ છે જે વિકૃતિમાં ફેરવાઈ છે.
હવે આજે આપણી સમક્ષ નોબિલિટી બાકી રહી છે જે પોતાના હિતોનું રક્ષણ કરવા વેચાઈ ગઈ છે. કુલીન વર્ગ પણ તેને અનુસરી રહ્યો છે કારણકે તેમના કામકાજ નોબિલિટીની રહેમનજર પર આધાર રાખે છે. જમીનદાર વર્ગ પાયદળ છે જેમને કુલીન અને ગરીબો વચ્ચેનું અંતર જાળવી રાખવા નાણા ચૂકવાય છે.
અને ગરીબો, તેઓ ત્યાંજ છે જ્યાં હંમેશાંથી રહ્યા છે, તેમને રોજ કચડતા રહેતા બૂટ્સની નીચે. બ્રિટિશ રાજની આધારશિલા રહેલી અપ્રામાણિકતા અને શોષણની સંસ્કૃતિ આજે તેની પોતાની જ પડતીનું મૂળ બની છે. મને લાગે છે કે કર્મની ગતિ હંમેશાં ન્યારી અને રહસ્યમયી જ હોય છે.