અફઘાનિસ્તાનમાં તાલિબાન દ્વારા તખતો પલ્ટાવી દેવાયો છે. અફઘાન સંસદ અને રાષ્ટ્રપતિના મહેલમાં બેઠેલા તાલિબાન લડવૈયા વીડિયો બનાવી શેર કરી રહયા છે. સમગ્ર ઘટનાક્રમને ન્યૂઝ રૂમ દ્વારા ‘અફઘાનિસ્તાન ક્રાઇસીસ’, ‘ધી ફોલ ઓફ કાબુલ’ કહેવામાં આવી રહ્યો છે. આજે અફઘાનિસ્તાન અને તેના સંકટ સાથે જોડાયેલા કેટલાક શબ્દોની વાત કરીશું. તમે સેંકડો વખત આ શબ્દો સાંભળ્યા હશે, પરંતુ તેનો અર્થ ઓછા લોકો જાણે-સમજે છે. અહીં આ શબ્દોનું અર્થઘટન રજૂ કર્યું છે. આ શબ્દોનું અર્થઘટન સંદર્ભ આધારીત છે.
• તાલિબાનઃ મોહમદ મુસ્તફા ખાં ‘મદાહ’ના ઉર્દુ-હિન્દી શબ્દકોષ મુજબ તાલિબાન અરબી શબ્દ છે. જેનો મતલબ ઇચ્છુક, અભિલાષી, ખ્વાહિશમંદ વગેરે થાય છે, પરંતુ કેટલાક લોકો તાલિબાનને પશ્તો ભાષાનો શબ્દ કહે છે. હવે આ તો એકદમ ભાષા વિજ્ઞાનીઓવાળી વાત થઇ જશે એટલે આગળ વધીએ. જો પ્રેક્ટિકલ ઉપયોગની વાત કરીએ તો હવે તાલિબાનનો અર્થ સમૂહ જેવો થઇ રહ્યો છે. એક સંગઠનના ધોરણે જોઇએ તો તાલિબાનની પરિભાષા શું છે? સિવિલ વોર દરમ્યાન વર્ષ ૧૯૯૪માં પશ્તૂન ઇલાકાના મદરેસામાં ભણવાવાળા કેટલાક છાત્રોએ સશસ્ત્ર વિરોધ શરૂ કર્યો. કહેવામાં આવી રહ્યું છે કે તેમને જ સૌથી પહેલા તાલિબાન કહેવાયા.
પ્રેક્ટિકલ રૂપમાં તાલિબાનનો અર્થ સમૂહ એવો થાય છે અને તાલિબાન ઇસ્લામની દેવબંદ વિચારધારાનું પાલન કરતું એક સશસ્ત્ર સંગઠન છે. આ સંગઠનના નિયમો ખુબ સખ્ત છે. મહિલાઓએ માથું, ચહેરો અને શરીર ઢાંકી રાખવાના છે. પુરુષોએ પગની એડીથી થોડા ઉપર સુધી પાયજામા પહેરવાના છે. પશ્ચિમી કે કોઇ બીજા દેશ કે પ્રાંતના પરિધાન કે રહેણીકરણી માટે કોઇ છુટ નથી.
• જિહાદઃ જિહાદ શબ્દ આપણે સહુએ ખૂબ સાંભળ્યો છે. જિહાદનો સાચો મતલબ ‘ધર્મ માટે યુદ્ધ’ એવો છે, પરંતુ હવે તેને ધર્મની સાથે પરિવારની રક્ષા માટે ઉઠાવાયેલા સશસ્ત્ર પગલાંઓની સાથે પણ જોડવામાં આવી રહ્યો છે. કોઇ માસુમ-નિર્દોષ ઉપર કરવામાં આવેલા જીવલેણ હુમલા જિહાદની શ્રેણીમાં નથી આવતા. તો કેટલાક લોકો એમ પણ માને છે કે જેમ-જેમ આતંકવાદ વધ્યો અને તેને વૈચારિક સાથ દેવા માટે ઇસ્લામને વચ્ચે લાવવામાં આવ્યો તો ‘બીજા ધર્મ સામે હિંસા’ જેવો સીમીત અર્થ થઇને રહી ગયો. ખાસ કરીને આંતરરાષ્ટ્રીય સમુદાય કે બિન ઇસ્લામિક સમાજો માટે. પ્રશ્ન એ પણ છે કે, શું જિહાદનો અર્થ ‘હોલી વોર’ (પવિત્ર લડાઇ) એવો થાય છે? હા, એકદમ. પરંતુ કુર્રાન મુજબ આ યુદ્ધનો મતલબ માનવીનો પોતાની સાથે જ સંઘર્ષ છે અને જિહાદ પોતાની ધાર્મિક સુરક્ષા માટે ઉઠાવાયેલા પગલાને પણ કહી શકાય છે. જોકે કેટલાય ઇસ્લામી વિદ્વાનો એવું પણ માને છે કે કોઇ બિન-મુસ્લીમ વ્યકિત કે દેશ ઉપર પ્રભુત્વ
સ્થાપિત કરવાની દાનતથી કરવામાં આવેલા હુમલાને જિહાદ ગણાવી શકાય નહીં.
• મુજાહિદઃ મોહમદ મુસ્તફા ખાં ‘મદાહ’ના ઉર્દુ-હિન્દી શબ્દકોષ મુજબ મુજાહિદ કે મુજાહિદીનનો અર્થ પરાક્રમી, કોશિશ કરવાવાળા, વિધર્મીઓ સાથે યુદ્ધ કરવાવાળા એવો છે, પરંતુ સામાન્ય બોલચાલમાં મુજાહિદીન જિહાદનું પાલન કરે છે તેના માટે મુજાહિદીન શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. ૧૯૭૦ આસપાસ અફઘાનિસ્તાનમાં તાલિબાન સંગઠનોનો ઉદય થયો. ધર્મના નામ ઉપર લડાઈ કરવાવાળા આ લોકોએ પોતાને મુજાહિદીન ગણાવવાનું શરૂ કર્યુ. ત્યારથી મુજાહિદ શબ્દનો અર્થ બદલાઇ ગયો. દુનિયા અંગત હિંસાનું જિહાદ તરીકે અર્થઘટન કરવાવાળા આવા લોકોને મુજાહિદ કહેવા લાગી. મતલબ કે જિહાદ અને મુજાહિદીનનો અર્થ અદલબદલ થઈ ગયો.
• શરિયાઃ બે ગ્રંથોના નામ જાણો... કુર્રાન અને હદીસ. કુર્રાન તો છે ઈસ્લામનો પાક - પવિત્ર ગ્રંથ અને મોહમ્મદ સાહેબની શિક્ષાઓનું સંકલન થઈ ગયું હદીસ. હવે આ બન્ને ગ્રંથોના આધાર ઉપર જે કાયદો બનાવાયો તેને શરિયા કહેવાયો. હકીકતમાં તેનો ઉચ્ચાર શરિયત થાય છે, પરંતુ હવે આમ બોલચાલમાં શરિયા ચાલે છે. તેનો શાબ્દિક અર્થ થયો ધાર્મિક કાનૂન અને ઈસ્લામના સંદર્ભમાં સમજીએ તો શરિયાનો અર્થ થાય છે અલ્લાહ દ્વારા જણાવાયેલા નિયમ અને કાનૂન. કુર્રાન અને હદીસના આધાર ઉપર બનેલા કાયદાને જ શરિયા કહેવાય છે. શાબ્દિક રૂપે શરિયાનો અર્થ ધાર્મિક કાનૂન થાય છે. હવે અફઘાનિસ્તાનમાં તખ્તો બદલાયા પછી આ વાત પણ થવા લાગી છે કે ઝડપથી ઇતિહાસ દોહરાવાશે અને શરિયા કાયદાનું મનમરજી અર્થઘટન કરીને તેના બંધનો અફઘાન જનતા ઉપર લાદવામાં આવશે.
• શૂરાઃ કુર્રાન મુજબ શૂરાનો મતલબ મશવીરા કરવું. અંગ્રેજીમાં કહીએ તો કન્સલ્ટ કરવું. હિતોપદેશ માટે શૂરા શબ્દનો ઉપયોગ થાય છે. કુર્રાન મુજબ મુસ્લિમ સમુદાયે પોતાના મામલાઓનો નિર્ણય અંદરોઅંદર મશવીર (ચર્ચા) કર્યા બાદ કરવો જોઈએ, જેને શૂરા કહેવાય છે. સામાન્ય રીતે મસ્જીદો, મજલીસો અને ઈસ્લામિક સંગઠનોના સભાગૃહોમાં શૂરાનું આયોજન કરવામાં આવે છે.
શૂરા મશવીરે સાથે એટલો જોડાયેલો છે કે ઈસ્લામિક રાષ્ટ્રોમાં આ શબ્દનો ખૂબ પ્રયોગ કરવામાં આવે છે. પાકિસ્તાનથી શરૂઆત કરીએ તો ત્યાંની સંસદને મજલીસ-એ-શૂરા કહે છે. અફઘાન રાષ્ટ્રપતિ અશરફ ગની પણ કેટલાય વખતે શૂરાનું આયોજન કરતા હતા. આ ઉપરાંત અફઘાનિસ્તાનમાં તખ્તા પલટ પછી સત્તામાં આવેલા તાલિબાને પણ કહ્યું છે કે દેશમાં કેવી સરકાર હશે, તેનો નિર્ણય ‘શૂરા’ પછી જ કરાશે.