તર્ક અને લાગણીને કોઈ સંબંધ ખરો? આપણે જે લાગણીઓ અનુભવીએ છીએ તે શું તર્ક આધારિત હોય છે? જેમ કે આપણે કોઈ પર ગુસ્સો કરીએ, તો શું તે તર્ક આધારિત હોય છે? આપણે કોઈને પસંદ કે ના પસંદ કરીએ તો તેની પાછળ કોઈ લોજીક હોય છે?
સીમા અને વિમલા બંને એક જ શાળામાં ભણે. ખરેખર તો ક્લાસમેટ. બંને પડોશી અને સાથે જ શાળાએ જાય. સાંજે સાથે જ રમે અને મોટાભાગે રોજ મળે. પણ વર્ગમાં જાય ત્યારે સીમાને વિમલા ન ગમે. કારણ? કારણ કે વિમલા ક્લાસમાં બહુ પ્રશ્નો પૂછતી. પ્રશ્નો પૂછવા એ ખરાબ આદત છે? શું એ ખરાબ આદત હોય તો બીજા લોકો પણ વિમલાને પસંદ નહિ કરતા હોય? અને શું બીજા લોકો પ્રશ્નો કરતા હશે તો તેઓ પણ સીમાને નહિ ગમતા હોય? આ બધા સવાલના અલગ અલગ જવાબ હોઈ શકે અને તેમની સરખામણી કરીએ તો તેમાંથી કોઈ તર્કબદ્ધતા સામે ન આવે. પરંતુ માત્ર સીમાની લાગણીનો ઉમળકો દેખાય જેથી તે વિમલાને નાપસંદ કરતી હોય. ક્યારેક આપણે કોઈ ખાસ પ્રકારના લોકોને પસંદ કરીએ કે નાપસંદ કરીએ તો તેના માટેનું કારણ કેટલું તર્કબદ્ધ હોય છે? કોઈના પ્રેમમાં પડીએ તો તે લોજીકલ હોય છે?
સામાન્યરીતે લાગણીઓ તર્કબદ્ધ હોતી નથી. તે માત્ર કોઈક કારણથી આપણી અંદર ઉભરાય છે અને તેને આપણે ચકાસ્યા વિના પોષીએ છીએ. જેથી કરીને તે લાગણી વધારે સબળ બને છે અને તે આપણી પ્રતિક્રિયા બની જાય છે. આવી લાગણી કે પ્રતિક્રિયા પછીથી આપણી આદત બનતા જાય છે અને એક સમય એવો આવે છે કે આપણે વગર વિચાર્યે તેને એવા વળગી રહીએ છીએ કે જરૂર હોય ત્યારે પણ બદલી શકતા નથી.
તેવી જ રીતે ક્યારેક આપણે અનુભવોને આધારે માન્યતા બનાવી લઈએ છીએ. કેટલીય માન્યતાઓ આપણા મનમાં એટલા માટે બેસી ગયેલી હોય છે કે ઘણા સમયથી આપણે તેમને સ્વીકારી લીધી હોય છે. સાપ કરડે તો મરી જવાય તે અનુભવને કારણે આવેલી માન્યતા છે. પરંતુ શું દરેક વખતે તે અનુભવનો નિચોડ સાચો હોય છે? દરેક સાપ કરડે છે? શું દરેક સાપના કરડવાથી માણસ મરી જાય છે? ના. એવું નથી. પરંતુ તેમ છતાંય આપણે એક જનરલાઇઝેશન કરી લઈએ છીએ. તેવું જ આપણે કેટલાક લોકો માટે માની લઈએ છીએ કે તેઓ આપણને નુકસાન કરશે અથવા તો તેઓ આપણું ભલું નહિ કરે. પરંતુ તેવું થશે જ તેની કોઈ ખાતરી હોતી નથી. તેની પાછળ કોઈ તર્ક પણ હોતો નથી.
સવાલ પૂછનારને એક વ્યક્તિ નાપસંદ કરે તેનો અર્થ એ નથી કે બધા જ તેને નાપસંદ કરતા હોય. કોઈ વ્યક્તિ હંમેશા જ આપણને નુકશાન પહોંચાડવા કટિબદ્ધ હોય તેવું પણ નથી અને સાપ માણસને મારવા જ ફરતો હોય તેમાં પણ સચ્ચાઈ નથી. આ પૈકી કંઈ જ તર્કબદ્ધ નથી પરંતુ લાગણીના ઉમળકાનો કે અનુભવનો નતીજો છે કે આપણે તેવી માન્યતાને દ્રઢપણે વળગી રહીએ છીએ અને ક્યારેય તેમના અંગે પ્રશ્નો પૂછતાં નથી. આપણી લાગણીઓ, પ્રતિક્રિયાઓ આદતો અને પૂર્વાગ્રહોનું વિશ્લેષણ તર્કની કસોટી પર કરવું ઉપયોગી બની શકે છે. પછી ભલે તે કોઈ વ્યક્તિ અંગે આપણા અભિપ્રાય હોય કે આપણી ધાર્મિક શ્રદ્ધા હોય કે પછી રાજનૈતિક વિચારસરણી હોય - એક વાર તર્કની એરણ પણ તેમને જરૂર ચકાસવા. (અભિવ્યક્ત મંતવ્યો લેખકના અંગત છે.)