અમિતાભ બચ્ચનઃ નર્યું મનોરંજન નહીં, પ્રોત્સાહનનો પ્રેરણાસ્રોત

આરોહણ

રોહિત વઢવાણા Tuesday 14th July 2020 06:24 EDT
 
 

અમિતાભ બચ્ચન કોરોના પોઝિટિવ હોવાના સમાચાર આગની જેમ ફેલાઈ ગયા. લોકો તેમના લાંબા અને સ્વસ્થ જીવન માટે પ્રાર્થના કરી રહ્યા છે. આપણી બધાની ઇચ્છા છે કે બિગ-બી જલ્દી ચેપમાંથી બહાર આવે. લોકોએ તેના કોવિડ-૧૯ પોઝિટિવ હોવા પર જે રીતે પ્રતિક્રિયા આપી છે તે નોંધનીય છે. સ્થાનિક અખબારોથી લઈને ધ ન્યૂ યોર્ક ટાઇમ્સ સુધી, દરેક ટેબ્લોઇડ અને ન્યૂઝ ચેનલે આ સમાચારને આવરી લીધા છે. કેવી રીતે અને શા માટે કોઈ ફિલ્મ સ્ટાર આટલો લોકપ્રિય બની શકે? અને આટલા લાંબા સમયથી સફળતાની ટોચ પર રહી શકે? વિશ્વના કેટલા ફિલ્મ કલાકારોએ આવી સફળતા મેળવી હશે? બચ્ચનમાં એવી તે કઈ ખાસિયત છે જે તેને દરેક વય જૂથોમાં પ્રિય બનાવે છે?

પ્રથમ કારણ તો એ હોઈ શકે કે તેમની જીવનયાત્રાએ વિશ્વભરના લાખો લોકોને પ્રેરણા આપી છે. આજે જ્યારે બૉલીવુડ પર કેટલાક પરિવારોનું વર્ચસ્વ હોવાના આક્ષેપ કરવામાં આવે છે, ત્યારે અમિતાભ ઇન્ડસ્ટ્રી બહારના વ્યક્તિ હતા જેમણે દાયકાઓથી ફિલ્મ જગત પર રાજ કર્યું છે. તેમને હિન્દી ફિલ્મ ઉદ્યોગના પ્રથમ સુપરસ્ટાર પણ માનવામાં આવે છે.
બીજું કદાચ એ કારણ હોય કે તેમનું આજીવન કાર્યરત રહેવું લોકો માટે પ્રેરક બન્યું છે. તેના જીવનમાં આવેલા ટર્ફ અને ક્રેસ્ટ લોકોના હૃદયમાં ભાવનાત્મક તરંગોની જેમ હિલ્લોળે ચડે છે. લોકોને તેમની ચડતી-પડતી પોતીકી લાગે છે અને એવી ઉમ્મીદ જગાવે છે કે આપણે પણ કેવીય સમસ્યામાંથી બહાર નીકળી શકીશું. લોકો જીવનને કેવી રીતે લે છે, સમાજ સામે, સિસ્ટમ સામે અને આવનારી પરિસ્થિતિ સામે લડાઈ કરવાની, સામી છાતીએ ઉભા રહેવાની તાકાત કેટલા લોકોમાં હોય છે? અમિતાભે તે કરી બતાવ્યું અને એટલા માટે જ લોકો તેને માને છે.
તેનો ‘સરકાર’ ફિલ્મનો ડાઈલોગ - ‘મુઝે જો સહી લગતા હૈ વો મેં કરતા હું... મેરે યે કામ તરાહ તરાહ કે લોગ અપને અપને નઝરિયે સે દેખતે હૈ, ઔર મેરે બારેમેં અપની એક રાય બના લેતે હૈ’ જાણે કે તેના જીવન જીવવાની પદ્ધતિ પરથી જ લખાયો હોય તેવું લાગે છે. તેમણે પણ જીવનમાં જે ઠીક લાગ્યું તે કર્યું. પોતાના નિયમો ઘડ્યા અને તેનું પાલન કર્યું. કોઈના બનાવેલા ચીલા પર ન ચાલ્યા અને જરૂર પડી ત્યારે પોતાનો માર્ગ ખુદ કંડાર્યો.
ત્યાર બાદ તેમનો ‘સરકાર-૩’ ફિલ્મનો ડાઈલોગ - ‘હર અચ્છાઈ કી કોઈ નિર્ધારિત કિંમત હોતી હૈ, વો ચાહે ફિર પૈસા હો, જ્ઞાન હો યા દર્દ... દર્દ કી કિંમત ચૂકાની પડતી હૈ...’ અને ખરેખર જ તેણે પોતાની સફળતાની, પ્રસિદ્ધિની અને આટલી લોકપ્રિયતાની કિંમત મહેનત કરીને ચૂકવી છે. સતત કાર્યરત રહીને, નિવૃત થવાના સમયે પણ યુવાનને શરમાવે તેટલું કામ કરીને, લોકોને માટે પ્રેરણાસ્ત્રોત બનીને તેમને લોકોને માત્ર મનોરંજન જ નહિ પરંતુ પ્રોત્સાહન પૂરું પાડ્યું છે.
શરૂઆતમાં સતત નિષ્ફળતાઓ અને રિજેક્શનનો સામનો કરીને પણ તેઓ પોતાના ધ્યેય પર ટકી રહ્યા અને પછી જ્યાં ચોકલેટી અને રોમેન્ટિક હીરોનો સમય ચાલતો હતો તેણે બદલીને એન્ગ્રી યંગમેનનો સમય લાવ્યા. ધીમે ધીમે સફળતાની ટોચ સુધી અને ત્યાંથી ફરીથી નિષ્ફળ ફિલ્મોનો દોર શરૂ થયો. કેટલોક સમય બિઝનેસમાં પણ ઝંપલાવ્યું પરંતુ તેમાં નરી નિષ્ફળતા જ સાંપડી. આખરે કેટલાક સમય બાદ ટીવીના નાના પરદે એન્ટ્રી મારી અને ફરીથી સફળતાની ટોચ પર પહોંચ્યા. જેમ વાઈન જૂની થાય તેમ વધારે સારી બને તેમ અમિતાભની ઉંમર સાથે તેમની પ્રસિદ્ધિ અને લોકપ્રિયતામાં ઉત્તરોત્તર વધારો થતો ગયો.
ભગવાન તેમણે લાબું અને તંદુરસ્ત આયુષ્ય આપે તેવી પ્રાર્થના સાથે... (અભિવ્યક્ત મંતવ્યો લેખકના અંગત છે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter