અમેરિકાની સમૃદ્ધિને કારણે ત્રીજા વિશ્વના અને એક વખતના સામ્યવાદી જગતના દેશોના લોકો અમેરિકામાં વસવા સદા તત્પર રહે છે. જ્યારે આવું ન હતું ત્યારે અમેરિકામાં પ્રથમ જનાર ગુજરાતી તે વીરચંદ ગાંધી. એક વાર એકલા અને બીજી વાર પત્ની સાથે ગયા, પણ તેમને ક્યારેય અમેરિકામાં વસી પડવાનું મન ન થયું. આજથી સવાસો વર્ષ પહેલા એટલે ૧૮૯૩ની એ ઘટના. માત્ર ૨૯ વર્ષની વયે તેઓ ૧૮૯૩માં શિકાગોમાં મળેલી વિશ્વ ધર્મપરિષદમાં ગયા હતા. સ્વામી વિવેકાનંદ પણ તેમાં ગયા હતા.
૧૪ ભાષાઓના જાણકાર એવા વીરેન્દ્ર ગાંધી મહાત્મા ગાંધી કરતાં પાંચ વર્ષ મોટા હતા. મહાત્મા ગાંધી પોરબંદરમાં જન્મ્યા તો આ બીજા ગાંધી મહુવામાં. આમ બંને સૌરાષ્ટ્રના વણિક. મહાત્મા ગાંધીના પિતા કબા ગાંધી દીવાન હતા. વીરચંદના પિતા રાઘવજી તેજપાલ મહુવાના નગરશેઠ હતા. બંનેનો જન્મ સાગરતટના નગરમાં થયો હતો. મહાત્મા ગાંધી અને વીરચંદ ગાંધી બંને શાકાહારી ખોરાકના અખતરા એક રૂમમાં બેસીને કરતા હતા. ગાંધીજીને શરૂમાં વકીલ તરીકે કેસ ન મળતા ત્યારે વીરચંદ ગાંધીએ કેસ શોધવામાં મદદ કરી હતી.
વીરચંદ ગાંધીએ ભારતીય સંસ્કૃતિની ગરિમા પશ્ચિમી ગોરાઓ સમક્ષ રજૂ કરી. વિશ્વમાં ભારતીય સંસ્કૃતિનો ડંકો વગાડનાર તે પ્રથમ ગુજરાતી હતી. અમેરિકામાં તે ૧૮૯૩માં પ્રથમ ગયા ત્યારે પોતાની સાથે રસોઈયો લઈને ગયા હતા જેથી શાકાહારી ખોરાક ખાઈ શકે. ૧૮૯૩ અને ૧૮૯૬માં બે વાર તેઓ અમેરિકા ગયા હતા. ૧૮૯૬માં પત્નીને લઈને ગયા હતા. ૧૮૯૪, ૧૮૯૫ અને ૧૮૯૮ એમ ત્રણ વાર ઈંગ્લેન્ડ ગયા હતા. આ દેશોમાં થઈને તેમણે ૬૫૦ જેટલાં પ્રવચન કર્યાં હતાં. આ પ્રવચનોમાં જૈન ધર્મ અને ભારતીય સંસ્કૃતિને લગતાં હતાં. ૧૪-૧૪ ભાષાઓના જાણકાર વીરચંદ ગાંધી અત્યંત વિદ્વાન હતા. તેઓના પ્રવચનો માત્ર જૈન ધર્મને લગતાં જ ન હતાં, સાંખ્ય, યોગ, વૈશેષિક એવા ગહન વિષયો વિશે પણ એમના પ્રવચનો હતા. બીજા કોઈ ગુજરાતીના આટલા પ્રવચનો વિશે જાણ નથી.
ઈંગ્લેન્ડમાં તેમના પ્રવચનો અને વિદ્વતાથી પ્રભાવિત થઈને હર્બટ વોરન નામના અંગ્રેજે જૈન ધર્મ સ્વીકાર્યો હતો. તેમણે જૈનીઝમ વિશે પુસ્તક લખ્યું હતું અને ઈંગ્લેન્ડમાં ‘જૈન લિટરેચર સોસાયટી’ સ્થાપી હતી.
માધ્યમિક શિક્ષણ મહુવામાં લીધા પછી તેઓ આગળ ભણવા ભાવનગરની હાઈસ્કૂલમાં ગયા હતા. અહીં મેટ્રિકની પરીક્ષા સારા માર્ક્સે પાસ કરતાં તેમને ‘જશવંતસિંહજી’ સ્કોલરશિપ મળી. આ પછી તેઓ આગળ અભ્યાસ કરવા મુંબઈ એલ્ફિસ્ટન કોલેજમાં જોડાયા. અહીંથી મુંબઈ યુનિવર્સિટીની બી.એ.ની ડિગ્રી કાયદાના વિષય સાથે મેળવી. ૧૮૯૫માં તેઓ લંડનથી બાર-એટ-લો થયા. ૧૮૯૮માં ફરીથી પણ પાલિતાણાના તીર્થધામો અંગે તે લંડન ગયા હતા.
વીરચંદ ગાંધીએ જૈન સમાજની અભૂતપૂર્વ સેવા કરી. પાલિતાણામાં શેત્રુંજય પર્વત એ જૈનોનું ખૂબ જાણીતું યાત્રાધામ. સમગ્ર ભારતમાંથી જૈનો અહીં યાત્રા કરવા આવે. પાલિતાણાના રાજવી અહીં જૈન તીર્થની યાત્રા કરનાર પાસે માથાદીઠ યાત્રાવેરો વસૂલ કરતા. વીરચંદ ગાંધીએ આનો વિરોધ કર્યો. માથાદીઠ યાત્રાવેરો એ અન્યાય છે. ધર્મપાલનમાં મુશ્કેલી કરે છે. સૌને પોતાનો ધર્મ પાળવાનો અધિકાર છે. આ મુદ્દા રજૂ કરીને વિરોધ કર્યો. લાંબો પત્ર વ્યવહાર ચાલ્યો. મંત્રણા થઈ અને પાલિતાણા રાજ્યે માથાવેરો લેવાનો બંધ કર્યો. આવી જ રીતે સમેત શિખર જૈનતીર્થ નજીક એક કતલખાનું હતું. એ બંધ કરાવવા માટે એ બંગાળી ભાષા શીખ્યા. પછી જૂના બંગાળી દસ્તાવેજો અને પૂરાવા રજૂ કર્યા અને અંતે એ કતલખાનું સરકારે બંધ કરાવ્યું. વીરચંદ ગાંધી ૧૮૯૫માં મુંબઈ રાજ્યના પ્રતિનિધિ તરીકે પૂનામાં ભરાયેલા કોંગ્રેસના અધિવેશનમાં ગયા હતા.
માત્ર ૧૬ વર્ષની વયે જીવીબહેન સાથે પરણેલા વીરચંદ ગાંધી ઓગણીસમી સદીના છેલ્લા દશકામાં મુંબઈમાં અગ્રગણ્ય ગુજરાતી હતી. ૧૯૦૧માં વીરચંદ ગાંધીનું માત્ર ૩૭ વર્ષની વયે અકાળે અવસાન થયું. ટૂંકા જીવનકાળમાં તેમણે ભારતીય સંસ્કૃતિનો મહિમા પશ્ચિમી જગતમાં ફેલાવ્યો. જૈન ધર્મની વિશિષ્ટતાઓ વિશ્વ સમક્ષ રજૂ કરી. જૈન તીર્થધામોની સેવા કરી એ બધું વર્ષો સુધી ભૂલાયેલું રહ્યું, પણ ૧૯૯૦માં એમની શતાબ્દી નિમિત્તે મહુવા અને શિકાગોમાં એમની પ્રતિમા સ્થાપન કરીને એમની સેવાઓ બિરદાવાઈ. ૨૦૦૨માં ભારત સરકારે ટપાલની ટિકિટોમાં એમને સ્થાન આપીને બિરદાવ્યા.
શ્રીમદ રાજચંદ્રની જેમ અત્યંત ટૂંકા ગાળામાં વીરચંદ ગાંધીએ પ્રતિષ્ઠા મેળવી. બંને મહાત્મા ગાંધીના સંપર્કમાં આવેલા અને ગાંધીજીના જીવનમાં બનેલું પ્રદાન હતું.