અમેરિકાના ભારત દ્વેષની ચરમસીમા

- રાજેન્દ્ર એમ. જાની Wednesday 18th December 2024 06:25 EST
 
 

આપણે આઝાદી મેળવ્યા બાદ પહેલાં પાકિસ્તાન અને પછીથી ચીન આ બે દેશોને ભારતના શત્રુ તરીકે આપણે બધા જ ઓળખીએ છીએ, પરંતુ આ ઉપરાંત મારા મતે એક દેશ અદૃશ્ય રીતે ભારત દ્વેષી તરીકે મિત્રતાના અંચળા હેઠળ સતત ભારતવિરોધી વર્તી રહ્યો છે, જેને આપણે ક્યારેય ઓળખી શક્યા નહીં. તે દેશ છે અમેરિકા! મને ખબર છે કે પ્રથમ દૃષ્ટિએ તમે કોઈ જ આ વાત સાથે સંમત નહીં થાઓ, પરંતુ ઉપરથી મિત્રતાનો દેખાવ કરતાં આ અદૃશ્ય ભારત દ્વેષીનો આજ સુધીનો ઇતિહાસ જો ખુબ જ ધ્યાનથી જોઈશુ, તો તમે પણ મારી સાથે સંમત થશો.
પશ્ચિમ જગતમાં ભારત દ્વેષનું નેતૃત્વ અમેરિકાએ ઘણા લાંબા સમય પહેલાં જ સંભાળી લીધું હતું. P.L. 480 હેઠળ જાનવરો પણ ના ખાય તેવા ઘઉં કંટ્રોલમાંથી લાવીને ખાનાર જૂની પેઢી આજે તો તેને અડે પણ નહીં! યાદ છેને કે પછી ભૂલી ગયા? આ ઉપરાંત કાશ્મીરના પ્રશ્નને સતત સળગતો રાખવા, ભારતમાં વિભાજક બળોને સક્રિય રાખવા, મિશનરી પ્રવૃત્તિ ધર્માંતરણ અને પરિણામે દેશાંતર કરવાની નોર્થ ઈસ્ટ સહિત સમગ્ર ભારતમાં પ્રવૃત્તિ કરવામાં સક્રિય ભાગ લેવાનું નેતૃત્વ અમેરિકાએ લઇ લીધું. ભારતને સડેલા ઘઉં ખવડાવતા અને પાકિસ્તાનને F-16 ના આધુનિક યુદ્ધ વિમાનો સહિત આધુનિક શસ્ત્રોથી સુસજ્જીત રાખવાનું આ દેશ ક્યારેય ચુક્યો નથી. તેને પણ ખબર જ હતી કે આ હથિયારો ફક્ત અને ફક્ત ભારત સામે જ વાપરવાના છે, તો પણ! કાશ્મીરથી માંડી, બાંગ્લાદેશ સહિતની ઘટનાઓમાં પાકિસ્તાનને અમેરિકાનો આધુનિક શસ્ત્રો સહિત યુનોમાં પણ સતત સાથ મળતો રહ્યો. ભારત કોઈ પણ સંજોગોમાં અણુશક્તિ ના બને તે માટે આ દેશે પોતાનાથી શક્ય એટલા બધા જ પ્રયાસો કર્યા. જયારે પાકિસ્તાન અણુશક્તિ બને તે સામે સાવ જ વિપરીત રીતે આ દેશે આંખ આડા કાન કર્યા.
ભારત સામે પાકિસ્તાન દ્વારા ચલાવાતી આતંકવાદી પ્રવૃત્તિને રોકવા તેને તેના ટ્વિનટાવર ઉપર 9/11નો હુમલો ના થયો ત્યાં સુધી આતંકવાદ વિરુદ્ધ આ દેશે હરફ પણ ઉચ્ચાર્યો નહીં! પરંતુ ભારતની કરોડરજ્જુ વગરની વામણી નેતાગીરી અમેરિકાના ભારત પ્રત્યેના દ્વેષને પણ ઓળખી શકી નહીં. અમેરિકાના ભારત દ્વેષનું એક જ કારણ હતું કે ભારત સબળ બનીને ભવિષ્યમાં અમેરિકાના મહાસત્તા પદને પડકારરૂપ ન બને. ફક્ત ભારતમાં જ આ ક્ષમતા છે તે અમેરિકા શરૂઆતથી જાણી ગયું હતું, પરંતુ ભારત ખુદની હાલત પોતાની ક્ષમતાઓ ભૂલી ગયેલા હનુમાન જેવી હતી. તેનું એક જ કારણ હતું કે ભારતની સ્વાર્થી, દીર્ઘ દૃષ્ટિ વગરની અને વામણી નેતાગીરી. 2014 સુધી સુધી સબળ રાષ્ટ્રવાદી નેતૃત્વના અભાવે આમ જ બનતું રહ્યું. જો અમેરિકા સામે રશિયાનો ભારતને સાથ ના મળ્યો હોત તો આખું કાશ્મીર ક્યારનું ભારતથી અલગ થઇ ગયું હોત અને પૂર્વ પાકિસ્તાન ક્યારેય બાંગ્લાદેશ ના બની શક્યું હોત. તે વાત કોઈ પણ નકારી શકે નહીં.
અમેરિકા ઉપર 9/11ના રોજ થયેલા આતંકી હુમલાના કારણે અમેરિકાનો પાકિસ્તાન પ્રત્યેનો મોહભંગ થયો અને સબળ નેતૃત્વ નીચે આર્થિક તથા લશ્કરી બન્ને ક્ષેત્રે ચીનની હરણફાળે અમેરિકાના વૈશ્વિક મહાસત્તાના દરજજાને પડકાર આપતા અને પાકિસ્તાન પણ ચીનની બગલમાં પેસતાં ચીનનો નાછુટકે સામનો કરવાનાં હેતુથી ભારતની કરોડરજ્જુ વગરની નેતાગીરી તરફ અમેરિકાએ પોતાની ભારત તરફની નીતિમાં પોતાના અંગત સ્વાર્થના લીધે જ થોડું લચીલાપણું આવ્યુ, પરંતુ ભારત અમેરિકાને ભવિષ્યમાં પણ પડકારે નહીં, તે નીતિમાં કોઈ જ ફરક પડ્યો ન હતો.
માનનીય નરેન્દ્ર મોદીએ કટોકટીમાં બજાવેલી કામગીરી, માન. અડવાણીજીની રથયાત્રા, કાશમીરના લાલચોકમાં ધ્વજવંદન જેવા પડકારજનક કાર્યક્રમો દ્વારા પોતાની કુશળ સંગઠનશક્તિ - આયોજનશક્તિનો પરિચય સમગ્ર દેશને આપી દીધો હતો. અધુરામાં પૂરું, ગુજરાતનાં સફળ મુખ્ય પ્રધાન તરીકેની કામગીરીથી અમેરિકાએ પહેલાંથી આ માણસની ક્ષમતાઓને ઓળખી લીધી હતી. તેથી જ મોદીજીએ ક્યારેય અમેરિકાના વિસા માંગ્યા જ નહોતા, તેમ છતાં મોદીને અમેરિકાના વિસા નહીં અપાય તેવી જાહેરાત કરવા સાથે ભારતમાંના અમેરિકાના સહયોગી શાસક પરિબળો દ્વારા મોદીજીને ઉગતા જ ડામવા માટે સાવ નીચી કક્ષાના તનતોડ પ્રયત્નો કરી લીધા હતા. જો તમે આ વાત સાથે સહમત ના હો તો તમે હજી અમેરિકા અને તેની CIAને ઓળખી જ શક્યા નથી.
ભારતના સદ્દભાગ્યે 2014માં માન. મોદીસાહેબની પ્રખર રાષ્ટ્રવાદી નેતાગીનો ઉદય થયો. સંઘમાં સતત ‘નમસ્તે સદા વત્સલે માતૃભૂમિ’નું રટણ કરતાં આ તપસ્વીના તપની પરિપૂર્તિ કરવાની તક તે ચૂકી જ કઈ રીતે શકે? વડાપ્રધાન તરીકે મોદીસાહેબનું એક જ સૂત્ર હતું ‘તેરી ગાથા અમર રહે માઁ, હમ દિન ચાર રહે ના રહે’ અને ‘India first’. તે સિવાય બીજું બધું જ ગૌણ હતું. શરૂઆતમાં ચીન અને ઈસ્લામી આતંકવાદ વિરુદ્ધ ઉપયોગી થાય તે દૃષ્ટિથી મોદીસાહેબને અમેરિકા સહિત પશ્ચિમીજગતે ખૂબ જ લાડ કર્યા અને એશિયન ‘નાટો’ની ઓફર કરીને કાયમ માટે જે રીતે યુરોપી દેશોને અમેરિકા નિર્ભર કરતા કરી દીધા છે તે જ રીતે ભારત સહિત બધા એશિયન દેશોને પોતાના ઉપર આધારિત કરી વિશ્વસત્તા બની રહેવાનો કારસો કર્યો હતો, પરંતુ રાષ્ટ્રવાદની ગળથૂથી ધરાવતા નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કોઈના પણ દબાણમાં આવ્યા વગર ભારતને એક વૈશ્વિક મહાસત્તાના રૂપમાં ઉભરતું કરી દીધું તે ભારત દ્વેષી અમેરિકાને કોઈ પણ સંજોગોમાં પોષાય તેમ નહોતું. યુક્રેન-રશિયાના યુદ્ધમાં અમેરિકાના કોઈ પણ પ્રતિબંધોની પરવા કર્યા વગર સમયની કસોટીમાં ભારતના મિત્ર તરીકે ખરા ઉતરેલ રશિયાને સાથ આપીને તો મોદી સાહેબે એક જ તીરથી કેટલાય નિશાન સાધ્યા.
1) ચીન - રશિયાની ધરી બનતી રોકી ચીનને એકલું પાડી દીધું.
2) રશિયા પાસેથી પાણીના ભાવે કાચું તેલ ખરીદી તેને રિફાઇન કરી પ્રતિબંધ મુકનારા યુરોપી દેશોને જ વેચીને તો મોદી સાહેબે કમાલ જ કરી. આ રીતે ભારતને આર્થિક રીતે સમૃદ્ધ કર્યું.
3) પશ્ચિમના દેશો ભારતને જે આધુનિક હથિયારો અને તેની ટેકનોલોજી ભારતને નહોતા આપતા તેવા ઉચ્ચ ગુણવત્તાવાળા હથિયારો રશિયા પાસેથી મેળવ્યા.
4) રશિયાના સહકારથી બ્રિકસ દેશોનું સંગઠન મજબુત બનાવીને તેમાં નેતૃત્વ કર્યું.
5) જે ભારત વિદેશી હથિયારો અને ટેકનોલોજી ઉપર આધારિત હતું તે ભારત હથિયારો સહિત કેટલીય ટેકનોલોજીનું રશિયા સહિતના દેશોમાં નિકાસકાર બન્યું.
6) કેટલાય દેશોમાં વસ્તુવિનિમય અથવા રૂપિયામાં વેપાર ચાલુ કરી અમેરિકાના ડોલરને ગંભીર પડકાર આપ્યો. જગત જમાદાર અમેરિકાને ખુલ્લો પડકાર આપ્યો.
અમેરિકાનું પ્રભુત્વ ના સ્વીકારે તેને સમગ્ર વિશ્વના દુશ્મન તરીકે ચીતરી તેનું કાસળ કાઢી નાંખવા માટે આ દેશ ભારે કુખ્યાત છે. ઈરાકના શાસક સદ્દામ હુસૈન ઉપર અણુ હથિયારો અને કેમિકલ હથિયારો બનાવે છે તેવા મનઘડંત આક્ષેપો કરી વિલન તરીકે દર્શાવી વિનાકારણ ઇરાક ઉપર હુમલો કરીને સદ્દામ હુસૈનની હત્યા કરી. આ જ રીતે ક્યુબાના ફિડલ કાસ્ટ્રોની પણ હત્યા કરી. તેમનો ગુનો એક જ હતો કે તેમને અમેરિકાનું આધિપત્ય સ્વીકાર્ય નહોતું. આવી તો કેટલીય ઘટનાઓને અમેરિકા દ્વારા અંજામ આપવામાં આવેલ છે. બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીના સામેના બળવા પાછળ પણ આ જ પરિબળો હોવાની શક્યતા છે. એક મત પ્રમાણે તો બાંગ્લાદેશનું વિભાજન અને ભારતના ઉત્તર પશ્ચિમના પ્રદેશોને તોડીને એક અલગ ખ્રિસ્તી દેશનું નિર્માણ કરવાનું આ સુનિયોજિત કાવતરું છે.
અમેરિકાના નેતૃત્વ હેઠળ પશ્ચિમ જગતને મોદી સાહેબની સિદ્ધિઓ બિલકુલ પોષાય તેમ નથી, પણ અહીં તેમનો પનારો મોદી સાહેબ જોડે પડયો છે. ભારતની વધતી જતી આંતરરાષ્ટ્રીય ક્ષમતાને તેઓ અવગણી શકે તેવી હાલતમાં પણ નથી. કોરોના વખતે બધા વિકસિત દેશો પોતાની કોરોના રસી વેચીને વૈશ્વિક આફત વખતે રોકડી કરવામાં પડ્યા હતા, ત્યારે આફતને અવસરમાં ફેરવવામાં નિષ્ણાંત મોદી સાહેબે જરૂરિયાતવાળા લાચાર દેશોને કોરોનાની રસી મફત આપીને પોતાની વૈશ્વિક ઓળખ સફળ રીતે ઉભી કરી હતી! તેથી અમેરિકાએ લાચારીથી ભારત સામે ‘Love and hate’ની નીતિ અપનાવી. હવે મોદી સાહેબે અમેરિકાની હાલત સાપે છછુંદર ગળ્યા જેવી કરી નાંખી હતી. નથી ગળી શકતા કે નથી છોડી શકતા! આમ છતાં, ભારત દ્વેષી હાલના પ્રમુખ બાઇડેન વાળા અમેરિકાના નેતૃત્વ હેઠળના આ પશ્ચિમના દેશોએ ભારતના વિકાસમાં અવરોધો ઊભા કરવામાં પાછું વળીને જોયું જ નથી.
ઉદાહરણ તરીકે ભારત નિર્મિત તેજસ વિમાનોના એન્જિન મળવામાં અંતરાય; ભારતને હથિયારોની આધુનિક ટેક્નોલોજી ન મળે તેવા પ્રયત્નો; ભારતના વિજય માલ્યા, નીરવ મોદી, સજય ભંડારી જેવા આર્થિક અપરાધીઓનું જે તે દેશની કોર્ટનાં આદેશ થયા છતાં પ્રત્યાર્પણ ન કરવું; ભારતને બુલેટ ટ્રેનો પૂરી પાડવા અંગે જાપાનના ઠાગાઠૈયા, કેનેડામાં ખાલિસ્તાની આંદોલનને સક્રિય ટેકો આપવો, નિર્જર જેવા સામાન્ય ખાલિસ્તાનીના મોતમાં અમેરિકા-કેનેડા દ્વારા ભારત સરકારને સંડોવાનો પ્રયત્ન; 2019ની લોકસભાની ચૂંટણીમાં અમેરિકા અને ઉદ્યોગપતિ જ્યોર્જ સોરોસના સહકારથી ભારતના વિપક્ષીઓએ મોદી સાહેબને હરાવવા તનતોડ પ્રયત્નો કરવામાં પાછું વળીને જોયું જ નથી. પરંતુ મોદી સાહેબની ચાણક્ય નીતિ આગળ આ બધા જ હથિયારો એક પછી એક બુઠ્ઠાં થઇ રહ્યા છે. અને એ તો બધા જ જાણે છે કે મોદી સાહેબ તેમના વિરોધીને ક્યારેય ભૂલતા નથી. પછી ભલે તે અમેરિકાના પ્રમુખ બાઇડેન જ કેમ ના હોય. મોદી સાહેબ વિશ્વના તેમની પસંદગીના નેતાઓને આલિંગન આપી તેમના પ્રત્યે સ્નેહ દર્શાવવા માટે પ્રખ્યાત છે. પરંતુ ના જાણે કેમ તેઓ અમેરિકાના હાલના પ્રમુખ બાઇડેનને આલિંગન આપતાં હોય ત્યારે અફઝલ ખાનને શિવાજી મહારાજ આલિંગન આપતાં હોય તેવું મને લાગે છે. ખરેખર તાજેતરની અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીઓમાં બાઇડેનના સહયોગી કમલા હેરિસને હરાવી મોદીજીના પરમ મિત્ર ડોનાલ્ડ ટ્રમ્પને જીતાડવામાં અમેરિકાના ભારતીયોનો સિંહ ફાળો હતો. એ તો ખુદ વિજયી ટ્રમ્પ પણ સ્વીકારે છે. કમલા હેરિસની જગ્યાએ હાલના પ્રમુખ બાઇડેન હોત તો તેમના હાલ પણ કમલા હેરિસ જેવા જ થયા હોત તેમાં કોઈને પણ શંકા હોવી જ ના જોઈએ.
સને 2013ના ભારતના બજેટના સમયે જ ‘હિડનબર્ગના’ બોગસ રિપોર્ટથી ભારતના અદાણી જૂથને ઘેરીને ભારતના ઔદ્યોગિક વિકાસને અવરોધવાનું કાવતરું નિષ્ફળ ગયા પછી અદાણી જૂથે ગાલ ઉપર લપડાક મારતાં હોય તેમ અમેરિકામાં એનર્જી સિક્યુરિટી અને ઇન્ફ્રા સ્ટ્રક્ચર ક્ષેત્રે 10 મિલિયન ડોલરનું રોકાણ કરવાની જાહેરાત કરતાં અમેરિકાની સરકાર અને ત્યાંના સ્થાપિત ઉદ્યોગિક જૂથો માટે ખૂબ જ અસહ્ય થઈ પડયું. તેમજ બાંગ્લાદેશના ચૂંટાયેલા વડાંપ્રધાન શેખ હસીનાને પદભ્રષ્ટ કરી તેની જગ્યાએ અમેરિકા પ્રેરિત મોહમ્મદ યુનુસની ગેરકાયદે સરકારને વીજળી આપવાનો અદાણીએ ઇન્કાર કર્યો. પરિણામે અમેરિકાના દાયકાઓ જૂના ભારત દ્વેષની ચરમસીમા દર્શાવતા હોય તેમ અગાઉ પ્રમાણે જ સને 2014ના ભારતના બજેટના સમયે જ અદાણીને ‘બ્લ્યુ બેરી કેસ’ની 54 પાનાની ચાર્જશીટ દાખલ કરી સીધેસીધું ભારતના પ્રથમ પંક્તિના ઉદ્યોગપતિની ધરપકડનું વોરંટ અમેરિકી કોર્ટે કાઢીને ખરેખર ભારત દ્વેષને ચરમસીમાએ પહોંચાડ્યો! જેની ભારતમાં કોઈ FIR કે કોર્ટ કેસ પણ નથી થયેલ એવા ભારતીય દ્વારા, ભારતમાં, ભારતીય સામે થયેલ સાવ કાલ્પનિક ગુના માટે અમેરિકાની કોર્ટ એક ભારતીય ઉદ્યોગપતિ અદાણી સામે ધરપકડનું વોરંટ કાઢે, અને આવા કાલ્પનિક ગુનામાં કોંગ્રેસ અથવા તેના સાથી પક્ષોની રાજ્ય સરકારો જ સંડોવાયેલી હોય તેમ છતાં તે સરકારોની સામે પણ પગલાં લેવાની માંગણી કરવાના બદલે રાહુલ ગાંધી અદાણીની ધરપકડની માગણી કરે તે કેવું વિચિત્ર કહેવાય? રાહુલ ગાંધીની આગેવાની હેઠળ અગાઉના નિયત કાવતરા પ્રમાણે જ ભારતની મોદીજીવિરોધી વિપક્ષી લોબીએ ધારણા પ્રમાણેજ આ મુદ્દો ઝડપી લીધો. ખુબ જ આશ્ચર્યજનક રીતે ભારતની આ દેશદ્રોહી વિપક્ષી લોબીને ભોપાલ ગેસ દુર્ઘટનામાં હજારો દેશવાસીઓના મૃત્યુનું કારણ બનેલ યુનિયન કારબાઈડ સહિત કોઈ પણ વિદેશી ઉદ્યોગ કે દુશ્મન દેશ ચીનની વસ્તુઓ સામે કોઈ પણ વાંધો નથી! તેમને ફક્ત અને ફક્ત ભારતના ઉદ્યોગપતિઓ સામે જ વાંધો છે! આનાથી વધારે દેશદ્રોહની કઈ ચરમસીમા હોઈ શકે?
આમ હાલ અમેરિકાનો ભારત પ્રત્યેનો દ્વેષ ચરમસીમા ઉપર છે. ભારત દ્વેષી જ્યોર્જ સોરોસ અને બાઇડેન પ્રેરિત લોબી અમેરિકામાં પણ કાંઈક અંશે મોદી કૃપાથી પરાજિત થયેલ છે. પરંતુ અમેરિકાના નવા પ્રમુખ - મોદીમિત્ર ટ્રમ્પ જાન્યુઆરીમાં હોદ્દો સંભાળે ત્યાં સુધી હાલના પ્રમુખ બાઇડેન પ્રેરિત પરિબળો પોતાના અંતિમ ધમપછાડા મારી નવા પ્રમુખ ટ્રમ્પને મુશ્કેલીમાં મુકવાના અંતિમ કક્ષાના તમામ પ્રયાસો કરી લેશે તે ચોક્કસ છે. તે નીતિ અન્વયે જ બાઇડેન અને સોરોસની યુતિએ પ્રમુખપદ છોડતા પહેલાં હારતો ખેલાડી બધું ખેદાનમેદાન કરે તેવી ચાલો નીચેની વિગતે ચાલ્યા છે.
1) યુક્રેનને ભરપુર હથિયારો આપી તેને રશિયા ઉપર વાપરવાની છૂટ આપી ટ્રમ્પ સત્તા પર આવે તે પહેલાં આ યુદ્ધ ટ્રમ્પના કાબુ બહાર જાય તેવું ભીષણ બનાવવાના પ્રયત્નો કર્યા છે.
2) અદાણીના નામે મોદીજીને બદનામ કરવાની ચાલ ચાલી છે.
3) સિરિયામાં બળવાની આગ સળગાવીને એક બાજુ રશિયાના પુતિનનું ધ્યાન ત્યાં દોરી યુક્રેન ઉપરનું દબાણ ઘટાડયું છે તો બીજી તરફ ઈરાનનું ધ્યાન પણ ત્યાં દોરી ઇઝારાયેલ ઉપરનું ઈરાનનું દબાણ પણ ઘટાડેલ છે.
4) બાંગ્લાદેશમાં બાઇડેન-સોરોસ પ્રેરિત મોહમ્મદ યુનુસ સરકાર અને ધર્માંધો દ્વારા હિંદુઓ ઉપર અત્યાચારોના કારણે હિન્દુત્વના હામી નરેન્દ્ર મોદીને પણ મુશ્કેલીમાં મુકી દીધા છે.
5) આ જ સમયે ભારતમાં કિસાન આંદોલનની આગ પણ સળગાવી દીધી છે.
6) ડોલરના આધિપત્યવિરોધી મોદીને ચીતરી મોદી-ટ્રમ્પની જોડી ખંડિત થાય તેવી ચાલ પણ ચાલી છે. પરિણામે ટ્રમ્પએ 100 ટકા ટેરિફ લાદવાની ધમકી પણ આપી છે. હજુ પણ શક્ય તેટલા બધા જ અંતિમ ધમપછાડા આ ભારત અને ટ્રમ્પ દ્વેષીઓ બાઇડેન-સોરોસની મંડળી દ્વારા 20મી જાન્યુઆરી સુધી મારવાના છે જ.
જો આટલો સમય આવા બાઇડેન-સોરોસની ભારત દ્વેષી મંડળીના ગમેતેટલા ધમપછાડા પછી પણ સુખરૂપ વીતી જાય તો એ પણ ચોક્કસ છે કે મોદી સાહેબના નેતૃત્વમાં મોદી, ટ્રમ્પ અને પુતિનની ત્રિપુટી સમગ્ર વિશ્વનું નેતૃત્વ કરશે અને ચીન તથા ધર્માંધ પરિબળો સામે એકજૂટ થઇ લડાઈ અપાશે. જોકે તે પહેલાં આ દ્વેષી પરિબળો કઈ હદ સુધી જાય છે તે જોવું રહ્યું.
(લેખક રાજેન્દ્ર એમ. જાની વ્યવસાયે એડવોકેટ અને આરાસુરી અંબાજી માતા મંદિરના નિવૃત્ત અધિકારી છે. તેઓ નિજાનંદ માટે રાજકીય વિશ્લેષણ, સંશોધનાત્મક લેખો, વાર્તા-કવિતા વગેરેના સર્જનમાં પ્રવૃત્ત છે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter