અમેરિકાના વર્જિનિયાના બ્રિસ્ટોલની અગિયારમા ધોરણમાં અભ્યાસ કરતી હેલીએ ગુજરાતીઓના ગૌરવમાં વધારો કર્યો છે. હજી હમણાં સ્વીટ સિક્સટીન જેનું ઊજવાયું તેવી હેલી ગયા વર્ષે ફ્યુચર બિઝનેસ લીડર ઓફ વર્જિનિયા સ્ટેટની ચૂંટણી જીતીને સેક્રેટરી બની હતી. આ વર્ષે એ જ સંસ્થામાં પ્રેસિડેન્ટની ચૂંટણીમાં તે વર્જિનિયા રાજ્યની ફ્યુચર બિઝનેસ લીડર તરીકે વિજેતા બનીને પ્રેસિડેન્ટ બની છે.
પ્રેસિડેન્ટ તરીકેની વર્જિનિયા રાજ્યની ચૂંટણી પાટનગર વોશિંગ્ટનમાં યોજાઈ હતી. આમાં વર્જિનિયા રાજ્યની ૩૦૦ જેટલી હાઈસ્કૂલના ૨૫૦૦ જેટલા પ્રતિનિધિ વિદ્યાર્થીઓ ઉપસ્થિત હતા.
આ જ વખતે બિઝનેસ એન્ટરપ્રેન્યોર (નવઉદ્યોગ સાહસિક)ની ચૂંટણી પણ હતી તેમાં વર્જિનિયા રાજ્યના યુનિવર્સિટી ઓફ વર્જિનિયાઝ કોલેજ એટવાઈઝના સેક્ટરમાંથી પ્રતિનિધિ તરીકે તે ચૂંટાઈ. સમગ્ર અમેરિકાની બિઝનેસ એન્ટરપ્રેન્યોરના પ્રેસિડન્ટ તરીકેની ચૂંટણીમાં ઊભા રહેવાનો અધિકાર માત્ર આવા ચૂંટાયેલા પ્રતિનિધિને જ હોય છે. આમ હેલી બબ્બે ચૂંટણીમાં જીતનાર ગુજરાતી યુવતી છે.
હેલી એની હાઈસ્કૂલમાં ટેનિસની કેપ્ટન છે અને આમાં તેને કેટલાક એવોર્ડ અને મોમેન્ટોસ પ્રાપ્ત થયેલ છે. આ ઉપરાંત કોઈ પણ વિષય પર તત્ક્ષણ અભ્યાસપૂર્ણ પ્રવચન વિનાતૈયારી કરવાની એની ક્ષમતા હાઈસ્કૂલમાં છતી થઈ છે.
મા તૃપ્તિ પાસેથી ઘરે જ નૃત્ય શીખેલી હેલી સમાજના કાર્યક્રમોમાં અવારનવાર નૃત્ય કરતી હોય છે. એન્જિનિયર અને હોટેલમાલિક હેતલ પટેલની લાડકી દીકરી અને લેખક-પ્રાધ્યાપક ચંદ્રકાંત પટેલની પૌત્રી વિવિધ વિષયોની બુદ્ધિપૂર્વક ચર્ચા કરે છે. હેલીની પ્રવૃત્તિ અને વિજય સમગ્ર ગુજરાતી સમાજની શોભા વધારે છે.