ગયા વીકે આપણે ગુજરાતથી વાયા લંડન થઇને અમેરિકા જતા ગુજરાતીઓને મળ્યા. હવે આપણે અમેરિકાના ખૂણે ખૂણે સ્થાયી થયેલા આપણા ગુજરાતીઓને મળીએ, ત્યાનાં એમના વેપાર-વ્યવસાયોને અને રહેણીકરણીને જાણીએ એ પહેલાં આપણે અમેરિકામાં આપણે ઇન્ડિયનોએ કાયમી વસવાટ માટે કેવી રીતે એન્ટ્રી લીધી એનો ઇતિહાસ જાણીએ.
આ અમેરિકામાં આપણા ભારતીય એન્જિનિયરો, ફાર્મસીસ્ટો, ડોકટરો, ટેકનિશ્યનો, વિજ્ઞાનીઓની ભારે માંગ રહી છે. ૧૯૬૫માં અમેરિકી પ્રેસિડેન્ટ લીન્ડન બી જોન્સને કવોટા સિસ્ટમ નાબૂદ કરી લાયકાતના ધોરણે કવોલિફાઇડ લોકોને વીઝા આપવાના શરૂ કર્યા એનો લાભ આપણા ગુજરાતીઓએ સરસ રીતે લાભ ઉઠાવ્યો. જે ડિગ્રી ધારકો વધુ અભ્યાસાર્થે આવ્યા તેઓએ સહલાઇથી કાયદેસરના 'એલિયન' કાર્ડ એટલે કે ગ્રીનકાર્ડ મેળવ્યા. એ પછી ગ્રીનકાર્ડધારકનો પરિવારજનો આવ્યા, સગાના સગાઓ અને દીકરા-દીકરી પરણાવ્યા એના સાસરીપક્ષ અને એનાય સગા આવ્યા. આ બ્લડ રિલેશન્સને કારણે અમેરિકામાં ખાસ કરીને ગુજરાતનાં ગામના ગામ ઠલવાયાં, હવે તો સાઉથ ઇન્ડિયનો પણ ગુજરાતીઓની રેસમાં ઉતર્યા હોય એવું લાગે.
બલ્ડ રિલેશન્સ પર તો અમેરિકા જનારાઓમાં આપણા ગુજરાતીઓ નંબર વન. એમાંય મોટી સંખ્યામાં ચરોતરી પટેલો, સુરતીઓ અને ઉત્તર ગુજરાતના મહેસાણાના લોકો અમેરિકાના ખૂણે ખૂણે જઇને વસ્યા છે એમાં સુરતીઓ અને ચરોતરી પટેલો મોટેલ બીઝનેસમાં જામ્યા અને મહેસાણાવાળાને ગ્રોસરી સ્ટોર બીઝનેસમાં વધુ ફાવટ આવી.
યુ.કે.માં મોટા ભાગના ભારતીયો, ગુજરાતીઓ પૂર્વ આફ્રિકાના કેન્યા, યુગાન્ડા, ટાન્ઝાનિયાથી આવીને વસ્યા છે. અહીં સ્થાયી થયેલા ગુજરાતીઓની બોલચાલ અને રહેણીકરણીની સ્ટાઇલ એકદમ અલગ છે. જયારે અમેરિકા સ્થિત આપણા ગુજરાતીઓને સૌ "દેશીઓ" તરીકે ઓળખે છે એમની રહેવા, બોલવાની ઢબ અસ્સલ એમના પ્રાદેશિક મૂળ જેવી જ. ૪૦-૫૦ વર્ષથી યુએસ રહેતા સુરતી લાલાને ગાળ ના બોલે તો પેટ ચઢે એમ ચરોતરીને 'ઓવે, ચમ ને ચ્યાં" વગર ના હેંડે.
ન્યુયોર્ક, ન્યુજર્સીમાં અમારા કુટુંબીજનને ત્યાં થોડા દિવસ રોકાયા ત્યારે તેઓ અમને ગુજરાતી વેપારધંધાથી ધમધમતા ઓકટ્રી રોડ પર લઇ ગયા. અહીંની શાકભાજીની દુકાનોમાં કેલિફોર્નિયા અને ફલોરિડામાં સ્થાયી થયેલા ગુજરાતીઓએ ખેતરોમાં ઉગાડેલા તમામ તાજાં શાકભાજી મળી રહે છે, ઘંટીએ દળેલા વિવિધ જાતના લોટ (આટા) મળે છે એટલું જ નહિ અહીં જુવાનિયાને ખાવા-પીવામાં જરાય તકલીફ ના પડે એવાં અસ્સલ ચરોતરી, સુરતી ફ્રોઝન સ્વાદિષ્ટ વાનગીઓમાં મેથીથી મઘમઘતાં ઢેબરાં, દૂધીનાં મૂઠિયાં, કાંદા-પાલખનાં ક્રિસ્પી ભજીયાં, સુરતી ઉંધીયું, આલુ પરોઠા, બટેટા વડાં, ફ્રોઝન કેસર કેરીનો રસ, ઢાંસા-મેદુવડાનું રેડીમેડ ખીરૂ, ફ્રેશ પાણીપુરીઓનુ, ટેસ્ટી પાણી સાથે જ અનેક જાતની રોટલી, પરોઠાની વેરાયટી મળે. અહીં યુ.કે.માં જે નથી મળી શકતું એવા તમામ બ્રાન્ડના મસાલા અને ખાણીપીણીની ચીજવસ્તુઓ અહીં મળતી દેખાઇ. અહીં ઇલીંગ રોડની જેમ જ્વેલરો, સાડી અને ડિઝાઇનર્સ શો રૂમ્સ પણ જોવા મળ્યા.
ન્યુજર્સીના પિસ્કાટ વે'માં ધોતિયાં- સફેદ ટોપીધારી વૃધ્ધ વડીલોને પણ રસ્તા પર ફરતા દીઠા. આ વિસ્તારમાં રહેતા એક મિત્રને અમે મળવા ગયા ત્યાં મોટાભાગે બબ્બે માળના એપાર્ટમેન્ટમાં રહેનારા ગુજરાતીઓ રહેતા હોય એવું લાગ્યું. કારણ? એમની બાલ્કનીમાં સૂકવેલા ચણિયા, નાઇટડ્રેસ અને સાડલા ઉપરથી જ અમને જજમેન્ટ આવી જાય ને?! એકાદ ઘર બહાર ઘાસ ઉપર ડિસપ્લે કર્યાં હોય એ રીતે ચણિયા-સાડીઓ સૂકવેલી! મિત્રને ઘરે સીટીંગ રૂમમાં જ ગોદડાંની થપ્પી જોઇ સમજી ગયા કે આ 'માળા'માં ચારથી વધુ પંખીડાંનો મેળો વસે છે. એમની બાજુમાં રહેતા એમના એક સુરતી મિત્રને ઘરે અમને પણ જમવા તેડ્યા. ગેરેજમાં જ રસોઇ રાંધતા સુરતી બહેને "લ્યો.. ટાર આવો બેહો" કહી ખુરશી આપી પૂછ્યુ, “ટમને ઉભાં દાળભાત ભાવે કાં"! અમે મૂઝાયાં ઉભાં દાળ ભાત !!? એટલે??! મારી ફ્રેન્ડે મને કહ્યું, ‘ઉભા દાળભાત એટલે વરાની દાળમાં જ ચોખા રાંધીને એમાં બધાં શાક નાખીને બનાવ્યું હોય એ, તને ચોક્કસ ભાવશે.” એ મારી મિત્રને ઘેર માઇક્રોવેવને 'પાંજરા' તરીકે જ વાપરવામાં અને સંબોધવામાં આવે છે!
ન્યુજર્સીના એડિસનમાં એકાદ વીક રોકાઇ અમે શિકાગોની સહેલગાહે ઉપડ્યા. શિકાગોમાં પણ ગુજરાતીઓએ અમદાવાદના માણેકચોકને ટક્કર મારે એવું બજાર ઉભું કર્યું છે. ત્યાંય અમારા માદરે વતનના અને અમારી સાથે ભણેલા કેટલાક ભાઇ-બહેનો દીકરા-દીકરીઓના બ્લડ રિલેશન ઉપર આવીને રહ્યા છે. એમાં અમારી એક ફ્રેન્ડને બહુ વર્ષે મળવા ગયા, આ ગુજરાતી એરિયામાં રહેતી ફ્રેન્ડને મળી આનંદ વ્યક્ત કર્યો. મેં પૂછ્યું તારા દીકરા-દીકરી, વહુ કયાં છે? એવી પૃછા કરી તો કહે, “આ શર્મીને (નામ બદલ્યું છે) ના ઓળખી!, આ ડ્રાઇવે પર બેઠી બેઠી… પાપડી કરે છે!! ત્યાં તો સામે રહેતા એક આપણા પેન્ટધારી ચરોતરી બહેને સામે ઘરનું ડોર ખોલી બૂમ પાડી.. એ.. સુશીબેન (નામ બદલ્યું છે) કઢી જોઇએ તો લઇ જાવ.”વાહ ભઇ વાહ અમેરિકામાં ગુજરાતનું ગામડું!!!
આણંદ નજીક એક ગામના તમાકુના વેપારી પરિવારના દીકરા સહપરિવાર શિકાગોના એક સબબમાં વસ્યા છે. એમની ૩૦-૩૫ રૂમોની મોટેલ છે. એમાં જ એમનો પરિવાર વસે છે, આ ભાઇ ગાયત્રી ઉપાસક છે. એમનો દિવસ સવારે હવન-હોમથી શરૂ થાય. એમના રસોડે દાળ-કઢી અને મસાલેદાર શાકના વઘારથી મહેંકતા વાતાવરણ વચ્ચે અમેરિકનો ગૂંગળાય છે એટલે કોઇ અમેરિકન ગ્રાહક આ મોટેલમાં ઉતારો લેવા આવતો નથી!!
મારા એક સ્નેહીજન કેલિફોર્નિયામાં વસે છે, એમની દીકરીને મળવા અમે એમની સાસરીમાં ગયાં. ત્યાં ડોરબેલ વગાડતાં જ ડોર ખોલીને "ઓહો... તમે ચ્યારે લંડનથી આયાં? એમ કહી આવકાર્યાં. આપણી ગૂટકા પડીકીઓ પણ અમેરિકાના ખૂણે ખૂણે પ્રસરેલી છે એનો તકાજો આ લાલઘૂમ દાંતવાળા ભાઇને જોઇ થઇ જાય. સાડીના પાલવે હાથ લૂંછતાં દીકરીનાં સાસુએ ઉષ્માભેર અમને આવકાર્યાં. સીટીંગ રૂમમાં સોફા ઉપર ચઢીને ઉભડક (ભારતીય સંડાસમાં બેસવાની મુદ્રામાં) બેઠેલા લેંઘાધારી કાકા ચોતરે બેઠા હોય એમ બીડીની ચૂસકી લેતા ટીવી જોઇ રહ્યા હતા. આપણા ગુજરાતીઓને પણ એક વાતે સલામ ભરવી પડે હોં!! કારણ એમની બીજી-ત્રીજી પેઢીનાં સંતાનો અમેરિકન ગોરાઓ સાથે પ્રભૂતામાં પગલાં પાડવાનું પસંદ કરતા જણાય છે. ન્યુજર્સીમાં એવા એક લગ્નમાં અમે સામેલ થયેલા એમાં રૂપાળો ઇટાલીયન વર ભારતીય પોશાકમાં ઘોડે ચડી માંડવે આવેલો. શિકાગોના એક લગ્નમાં તો એક ફિલીપીન્સ અમેરિકન વરરાજો શણગારેલા ઘોડે ચઢી વાજતે ગાજતે જાનૈયા સાથે નીકળ્યો તે કલાકે કન્યાને માંડવે આવ્યો. ધન્ય ધન્ય મારા અમેરિકન ગુજરાતીઓ, લગે રહો…
---
ઇન્ડિયામાં બ્રિટીશ સલ્તનતનું રાજ હતું ત્યારે ૧૭૯૦માં એક મદ્રાસી બ્રિટીશ શીપમાં ટ્રાવેલ કરી મેસેચ્યુસેટમાં રહેતા ઇસ્ટ ઇન્ડિયન કંપનીના બ્રિટીશ કેપ્ટનના ઘરે નોકર તરીકે ગયેલો. ૧૮૯૯-૧૯૧૪ના સમયગાળા દરમિયાન કેટલાક શીખ ખેડૂતો શીપમાં વાયા હોંગકોંગ થઇને કેલિફોર્નિયા પહોંચ્યા હતા અને ત્યાં તેઓ કેલિફોર્નિયાના ખેતરો અને રેલરોડમાં કામે લાગ્યા હતા. ૧૯૧૨માં યુએસનું પહેલું શીખ ગુરૂદ્વારા સ્ટોકટનમાં ખૂલ્યું હતું.૧૯૧૩માં પહેલા ભારતીય એ.કે.મઝુમદારે યુએસ સિટીઝનશીપ મેળવેલી. ૧૯૧૪માં ધનગોપાલ મુખર્જીએ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં યુનિવર્સિટીમાં ડિગ્રી મેળવી. ૧૯૨૨માં આંધ્રપ્રદેશથી યેલ્લાપ્રાંગડા સુબ્બારાવ બોસ્ટન ગયા, તેમણે બોસ્ટન યુનિવર્સિટીમાં બાયોકેમેસ્ટ્રીની ડોકટરેટ ઉપાધિ મેળવી અને તેમણે કેમોથેરાપીની પહેલી શોધ કરેલી. ૧૯૨૩માં પંજાબના ભગતસિંઘ થીન્ડને ન્યુયોર્કમાં પહેલી યુએસ સીટીઝનશીપ મળેલી. એ અરસામાં પારસી ભીકાજી બલસારાને વ્હાઇટ પર્શીયન તરીકે સીટીઝનશીપ આપેલી.