પશ્ચિમી દુનિયામાં કમાવાની તકો અને જીવવાની સુખ-સગવડોથી આકર્ષાઈને ભારતીયો મોટી સંખ્યામાં આવ્યા અને સ્થાયી થયા. આમાં ગુજરાતીઓની સંખ્યા સૌથી વધારે છે. અમેરિકામાં તે કમાયા. તેમનાં સંતાનો અમેરિકામાં જન્મ્યાં, ઉછર્યાં અને ભણીગણીને આગળ વધ્યાં. નદીઓમાં મહારાણી શી એમેઝોન નદી પ્રત્યેક સેકન્ડે લાખો ગેલન પાણી મહાસાગરમાં ઠાલવે છે અને તેની અસરે માઈલો સુધી આ મહા જળપ્રવાહ ખારા પાણીને મીઠું બનાવે છે, પણ અંતે બધું ખારું થઈ જાય. અમેરિકામાં આવી વસેલા આ ગુજરાતીઓનાં સંતાનો પશ્ચિમી સમાજમાં રહીને વ્યક્તિવાદી બને છે. તેમને પોતાની રીતે જીવવું હોય ત્યારે વૃદ્ધ મા-બાપ એમાં આડશ લાગે છે. નવી અને જૂની પેઢીના વૈચારિક અંતરને લીધે મા-બાપ સાથે ઓછું બોલે. માત્ર હા કે નામાં જવાબ આપે. પૌત્ર-પૌત્રીઓ પણ મા-બાપનું જોઈને દાદા-દાદીથી અંતર રાખે. વળી આ દાદા-દાદીને પણ વતનમાં ખાધેલાં ગુજરાતી શાકાહારી ભોજન ગમે, ત્યારે દીકરાઓ મિષાહારી હોય. આ બધામાં સિનિયર સિટીઝન એવા આ ગુજરાતીઓને પોતાની આર્થિક બચત, આવક કે પેન્શન હોય તો પણ ઘર જેલ સમાન લાગે.
એકાકીપણાથી જીવતર ઝેર બને. સંતાનોનું ખરાબ ના દેખાય માટે ધોલ મારીને ગાલ લાલ રાખવા જેવું, રડતાં હૃદયે હાસ્યનું મહોરું પહેરીને જીવવું ના હોય અને શાકાહારી હોય એવા માટેનું શાંતિધામ, આનંદધામ, સુખધામ ફ્લોરિડામાં ઓર્લેન્ડોથી ૬૦ માઈલ જેટલે દૂર સર્જાયેલી આ વસાહત છે.
૨૦૦૮માં આની શરૂઆત કરી તામિલનાડુમાં મૂળ વતની એવા ઈગ્ગી ઈગ્નિયાસે. આ ઈગ્ગી છે ખ્રિસ્તી ધર્મી યુવક. સ્વપ્નિલ અને સાહસિક ઈગ્ગી સમયપારખુ છે. સંવેદનાથી ભરેલું હૈયું ધરાવે છે. ગરીબીના કાદવમાં મહોરેલ કમળ શો ઈગ્ગી, ભાતભાતની વેદનાનો અનુભવી છે. માનવીનું દુઃખ ઓછું થાય તેવું કરવામાં એને રસ. આમાંથી શાંતિનિકેતનનો જન્મ થયો. આજે શાંતિનિકેતન વસાહત ત્રણ ભાગમાં અલગ અલગ સ્થળે છે. આમાં પ્રથમ ભાગમાં ૧૨૦ આવાસ છે. દરેક આવાસ એટલે કે સ્વતંત્ર કોન્ડોમિનિયમ. કોન્ડોમિનિયમમાં બે બેડરૂમ છે. રસોડું અને બેઠકખંડ સાથે સાથે છે. દરેકને કાર માટેનું ગેરેજ છે. રસોડું જેમાં તમે ભોજન, નાસ્તો કે ચા બનાવી શકો. બાથરૂમ-સંડાસના બે યુનિટ હોય છે. વોશર અને ડ્રાયર હોય છે.
શાંતિનિકેતનના રહેવાસીઓ માટે એક સાર્વજનિક રસોઈઘર અને ભોજનખંડ છે. જેમાં રસોઈ માટેનાં આધુનિક ઉપકરણો છે. રસોઈ કરનાર, સફાઈ કરનાર પગારદાર કર્મચારીઓ છે. સામાન્ય રીતે મહિનાની શરૂઆતમાં બપોર-સાંજના ભોજનનું આખા મહિનાનું તારીખવાર મેનુ જાહેરમાં મૂકાય છે. નિયત સમયમર્યાદામાં આવનારે જાતે જે અને જેટલું પસંદ પડે તેટલું લઈને ભોજનખંડમાં ફાવે તે ટેબલે ગોઠવાઈ જવાનું. ભોજન પત્યે વાસણ નિયત સ્થળે મૂકી દેવાનાં. જેની સફાઈ થઈ જાય. બંને વખતે દહીં હોય છે. જેટલું ઈચ્છો તેટલું વાપરી શકો. સલાડનું પણ તેમ જ. એકાદ કઠોળ અને બે શાક હોય. રોટલી, દાળ, ભાત, કઢી, ભાખરી બધું હોય. મેનુમાં વૈવિધ્ય હોય છે. ઢોકળાં, ખમણ, અન્ય ફરસાણ, પૂડા, હાંડવો, ભજિયાં, ગોટા વગેરે બદલાતું હોય. અવારનવાર મીઠાઈ હોય. વધારામાં ૧૨૦ નિવાસ તેથી કેટલાકમાં દંપતી હોય તો કેટલાંક વિધુર, વિધવા કે એકાકી પણ હોય. ૫૫ વર્ષથી નીચેની વ્યક્તિ આમાં નિવાસ ખરીદી ના કરી શકે. કાયમી રહી પણ ના શકે. બે-ચાર દિવસ અતિથિ ચાલે.
ભોજનખર્ચ ભાગે પડતું આવે. મોટેભાગે માથાદીઠ રોજના દશ ડોલરની આસપાસ હોય છે. આટલામાં તો બીજે નાસ્તો થાય! મહેમાન હોય તો નક્કી દિવસો પહેલાં જાણ કરવી પડે. કાયમ એક જ વખત જમો તો ખર્ચ ઘટે. થોડા દિવસ ના જમવાના હો તેની અગાઉથી જાણ થાય તો કપાત મળે. શાંતિનિકેતનમાં માત્ર શાકાહારી સિનિયર જ રહી શકે. જૈન અને સ્વામિનારાયણ ભોજન પણ ઉપલબ્ધ છે.
અહીં ભજન કે સત્સંગ, કસરત અને પત્તાંની સ્વૈચ્છિક ક્લબ હોય છે. વર્ષમાં પ્રવાસ પણ ગોઠવાય. શાંતિનિકેતનમાં મોટાભાગના ગુજરાતી છે. સંખ્યાબંધ ડોક્ટર્સ, એન્જિનિયર્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કે નિવૃત્ત વ્યવસાયીઓ છે. ગુજરાત, મહારાષ્ટ્ર, આફ્રિકા કે યુરોપમાંથી આવીને વસેલા ગુજરાતીઓ છે. એકલા વિધુર કે વિધવા માટે આ સલામત સ્થળ છે. ગુજરાતી ભાષાનો સહચાર મળે તેવી આ જગ્યા છે. શાંતિનિકેતન બે અને ત્રણ પ્રત્યેકમાં ૧૨૦ નિવાસ તો નંબર - એકમાં ૫૪ નિવાસ છે.
પિલાનીમાંથી મિકેનિકલ એન્જિનિયર અને એમ.બી.એ. અને અમેરિકામાંથી એમ.બી.એ થયેલા તેજસ્વી અને સ્વપ્નસેવી ઈગ્ગી આના સ્થાપક છે. અને અમેરિકાનાં બીજાં રાજ્યોમાં પણ આ કરવા ઈચ્છે છે. ગુજરાતીઓ માટે આ શાંતિનિકેતન અનન્ય છે.