22 જાન્યુઆરી 2024. એક ઐતિહાસિક દિવસ... સમગ્ર વિશ્વની નજરમાં અયોધ્યા હતું. સદીઓના ઇંતઝાર બાદ રામલલા તેમના જન્મસ્થાન પર વિરાજમાન થઇ રહ્યા હતા, અને દુનિયાભરમાં ફેલાયેલા સનાતન ધર્મીઓમાં પ્રચંડ ઉત્સાહ-ઉમંગ-ઉલ્લાસ છલકતો હતો. સહુ કોઇ આ ઐતિહાસિક ઘટનાના સાક્ષી બનવા તલપાપડ હતા. આમાંનો એક હું પણ ખરો. આથી જ જ્યારે સ્વામીજીએ (પ.પૂ. સચ્ચિદાનંદજીએ) પૂછ્યું કે ‘22મીએ અયોધ્યા આવવું છે?’ ત્યારે મારા અંતરમાં ઉમટેલા હરખને વ્યક્ત કરવા શબ્દો નહોતા મળ્યા. લાખો - કરોડો લોકો આ ભવ્યાતિભવ્ય પ્રસંગને ટીવી પરદે નિહાળીને પણ અભિભૂત થઇ ગયા હતા જ્યારે મને તો અયોધ્યા જઇને આ અનમોલ અવસરના રૂબરૂ સાક્ષી બનવાનું સદભાગ્ય સાંપડ્યું. સ્વામીજીની આંગળી ઝાલીને હું પણ અયોધ્યા પહોંચ્યો હતો. સમજો કે મને વેડિંગ એનિવર્સિરી પ્રસંગે મળેલી અવિસ્મરણીય ભેટ હતી.
વાત એમ છે કે પહેલી જાન્યુઆરી 2024ના રોજ અમારી 54મી વેડિંગ એનિવર્સરી પ્રસંગે હું અને ભાવિની સ્વામીજીને મળવા દંતાલી આશ્રમે ગયા હતા. પ.પૂ. સચ્ચિદાનંદ સ્વામી સાથે મને રશિયા, ચાઇના, યુએસ, યુરોપ સહિત વિશ્વના અનેક દેશોનો પ્રવાસ કરવાનું મને સદભાગ્ય સાંપડ્યું છે. બે વર્ષ પહેલાં તેમને રાષ્ટ્રપતિના હસ્તે પદ્મવિભૂષણનો ઇલકાબ એનાયત થયો ત્યારે પણ તેઓ મને રાષ્ટ્રપતિ ભવનમાં સાથે લઇ ગયા હતા. આ વખતે પણ તેમણે મને પૂછ્યછયુંઃ 22મીએ અયોધ્યા આવવું છે? અને સાચું કહું તો, મારા બત્રીસેય કોઠે દીવા થઇ ગયા હતા. અયોધ્યા જેવી પવિત્ર ભૂમિની યાત્રા, રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠાનો ઐતિહાસિક પ્રસંગ અને સ્વામીનું સાંનિધ્ય - સદભાગ્યનો ત્રિવેણીસંગમ રચાયો હતો. મેં તો તરત જ આમંત્રણ માથે ચઢાવ્યું.
સ્વામીશ્રી સચ્ચિદાનંદજી સાથેના અયોધ્યામાં પ્રવાસમાં મારા ઉપરાંત દંતાલીથી તેમના અંગત મદદનીશ ભાઈશ્રી જિજ્ઞેશભાઈ પટેલ અને થરાદથી રમેશભાઈ પણ સાથે હતાં. આ ઉપરાંત સુરતના અગ્રણી બિલ્ડર અને દાતા એવા શ્રી લવજીભાઈ દાલીયા પણ આ પ્રવાસમાં હતા. નામ કરતાં ‘બાદશાહ’ ઉપનામથી વધુ જાણીતા શ્રી લવજીભાઇએ રામમંદિરના નિર્માણ 1 કરોડ રૂપિયાથી વધુનું દાન આપ્યું છે.
અમે 20મી જાન્યુઆરીએ સવારે અમદાવાદથી અયોધ્યાની ફ્લાઈટ પકડીને લગભગ બે વાગ્યે ઉતારે પહોંચ્યા. આ વિશેષ પ્રસંગ માટે અમે આમંત્રિત હોવાથી મુખ્ય યજમાન શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે શાનદાર ટેન્ટ સિટીમાં અમારા ઉતારાની વ્યવસ્થા ગોઠવી હતી. દરેક ટેન્ટમાં આઠ-આઠ સાધુસંતોનો ઉતારો હતો. લવજીભાઇએ તેમના સ્ટાફના આઠેક જણાને રસોઇના તમામ સીધુસામાન સાથે બે ઇનોવા કારમાં બે દિવસ પૂર્વે જ અયોધ્યા મોકલી આપ્યા હતા. ‘બાદશાહ’ કોને કહે?! રાવરસાલો તો હોય જ ને?! જોકે પૂ. મોરારિબાપુના લાગણીભર્યા આગ્રહથી અમે બધા તેમના નિવાસસ્થાન ‘કૈલાસ’માં રોકાયા હતા. એક તો લવજીભાઇનો પૂ. બાપુ સાથેનો ઘનિષ્ઠ સંબંધ અને બીજું, પૂ. બાપુને સ્વામીજી પ્રત્યે અનહદ આદર. 92 વર્ષના સ્વામીજીને કોઇ વાતે તકલીફ ના પડવી જોઇએ એવી તેમની સદ્ભાવના. તેમણે પોતાનું નિવાસસ્થાન અમારા માટે ખોલી આપ્યું હતું. લવજીભાઇના પત્ની નામે કૈલાસબહેન પણ સગાંસંબંધીઓ સાથે ‘કૈલાસ’ પહોંચ્યા હતા.
સ્વામીજી આરામમાં ગયા એટલે અમારી ત્રિપુટી લંચ લીધા બાદ અયોધ્યાની પદયાત્રાએ નીકળી પડી. અમે જે નજારો જોયો તેનું સંપૂર્ણપણે શબ્દોમાં વર્ણવી શકવાનું શક્ય નથી, તમને એક ઝાંખી રજૂ કરું તો રસ્તાઓ સ્વચ્છ - પહોળા અને સુશોભિત હતા. ચોમેર ભારે ભીડ. હવામાં લાઉડ સ્પીકરનો અવાજ એવો ગાજતો હતો, જાણે મહામેળામાં પહોંચી ગયા હોઇએ તેવો માહોલ હતો. ઠેર ઠેર દુકાનોમાં ગિરદી. જ્યાં જૂઓ ત્યાં ભગવો છવાયો હતો. કોઇના માથે કેસરિયા ટોપી હતો તો કોઇના ગળામાં ખેસ. અને ધજાપતાકા તો અત્ર-તત્ર-સર્વત્ર. સાધુ-સંતો અને તેમના શિષ્યોના નાનામોટાં ટોળાંની અવરજવર એકધારી ચાલુ હતી, કોઇ વિશાળ જટાધારી છે તો કોઇની કાબરચીતરી દાઢી ફરફરે છે. થોડી થોડી વારે જયશ્રી રામના નારાથી અયોધ્યાનું આકાશ ગાજતું રહેતું હતું. સહુ કોઇ રામમય હતું. ઉતારે પાછા પહોંચતાં સાંજ પડી ગઇ હતી. બહાર કડકડતી ઠંડી જામી રહી હતી, પણ રૂમમાં ઈલેક્ટ્રિક હીટરની સગવડ જોઇને ખૂબ જ રાહત અનુભવી.
જરાક પોરો ખાધો ત્યાં તો ‘બાદશાહ’ ખબર લાવ્યા કે પૂ. મોરારિબાપુ પધારે છે. તરત બધા કામે લાગી ગયા. રૂમોમાં આડુંઅવળું પડેલું સરખું ગોઠવી દીધું. થોડી મિનિટોમાં પૂ. મોરારિબાપુ પધાર્યા, અને સીધા જ સ્વામીશ્રી સચ્ચિદાનંદજીના રૂમમાં પહોંચ્યા. જન-કલ્યાણની પ્રતિબદ્ધતાને વરેલા આ બંને સંતોના મિલનની ઘડી ખરેખર અદભૂત હતી. પૂ. બાપુએ તેમને કહ્યું કે ‘આપને કોઈ વાતે અગવડ તો નથી ને? બધું બરાબર છે? ખાલી ખબરઅંતર પૂછવા જ આવ્યો છું.’ આમ કહીને ઉમેર્યું કે સામાન્ય રીતે તો અહીં ‘કૈલાસ’માં જ મારું રોકાણ હોય છે. ઉપરના માળે આ માટે તમામ સુવિધાઓ પણ છે, પરંતુ આ વખતે એક ચાહકનો અતિશય લાગણીભર્યો આગ્રહ હતો કે ‘બાપુ, એક દિવસ તો અમારે ત્યાં રહો જ’ એટલે આજનો રાતવાસો તેમના નિવાસસ્થાને છે.
સ્વામીજીને મળી
પૂ. બાપુએ આખા ઉતારામાં ફર્યા, અને જે કોઇ અહીં રોકાયું હતું તેમના ખબરઅંતર પૂછી વિદાય લીધી. જતાં જતાં સૂચના પણ આપતા ગયા કે આખું ‘કૈલાસ’ માટીના કોડીયાવાળા દીપ પ્રગટાવીને સુશોભિત કરવું. આ પછી તો બધાંએ ખૂબ ઉત્સાહથી દીવાળી જેવો માહોલ કર્યો.
બીજા દિવસે મુખ્ય સ્મારકો જોયાં. જેમાં સ્વરસામ્રાજ્ઞીની સ્મૃતિમાં બનાવાયેલો લતા મંગેશકર ચોક, હનુમંત મઢી તથા સરયુ નદી પરના નવનિર્મિત ઘાટ, એકસરખા રંગ - કદની સ્વચ્છ દુકાનો, ઝગમગાટ કરતી રંગબેરંગી રોશની, દીવડાંઓની હારમાળા, ગીતસંગીત, નૃત્ય અને સવિનય શિસ્તપાલન કરાવતા સેંકડો સુરક્ષા જવાનોનો લોખંડી બંદોબસ્ત.
અયોધ્યામાં મુકામ દરમિયાન આપણા વેદ-શાસ્ત્રોના અભ્યાસુ એવા સંત રામભદ્રાચાર્યજીને મળવાનો સોનેરી લ્હાવો પણ અમે માણ્યો. પ્રજ્ઞાચક્ષુ સંત રામભદ્રાચાર્યજી એટલે વિદ્વતા અને નમ્રતાનો સોનેરી સમન્વય.
જે લોકો પ.પૂ. રામભદ્રાચાર્યજીના નામ-કામથી અપરિચિત છે તેમને જણાવવાનું કે આ પ્રજ્ઞાચક્ષુ વિદ્વાને આપણા અનેક સંસ્કૃત ગ્રંથોનો સરળ ભાવાનુવાદ કરીને તેને લોકભોગ્ય બનાવ્યા છે. રામજન્મભૂમિ કેસના વિજયમાં પણ તેમનું અતુલ્ય યોગદાન છે. હિન્દુ શાસ્ત્રોના પ્રખર અભ્યાસુ સંત રામભદ્રાચાર્યજીએ કેસની સુનાવણી દરમિયાન રામજન્મભૂમિ મામલે સુપ્રીમ કોર્ટ સમક્ષ એવા નક્કર તથ્યો આધારિત સંદર્ભ રજૂ કર્યા હતા કે પાંચેય જસ્ટિસ પણ આશ્ચર્યચકિત થઇ ગયા હતા. બે ખરા અર્થમાં જ્ઞાની અને વિરલ વિભૂતિઓની મુલાકાતને નજર સમક્ષ નિહાળીને ખરેખર અમે સહુ કોઇ ધન્ય થઇ ગયા.
અને આખરે આવી ગયો 22 જાન્યુઆરીનો ઐતિહાસિક દિવસ. વહેલી સવારમાં જ અમે બે કારમાં ભવ્યાતિભવ્ય રામ મંદિરના મેઇન ગેટ પાસે પહોંચ્યા. જેમની પાસે અંદર જવાના પાસ હતા તેમને અંદર પ્રવેશવા દીધા. તેમના માટે ખુરશીમાં બેસવાની વ્યવસ્થા હતી. જ્યારે બીજા લોકો માટે વેઈટિંગ એરિયામાં ઊભા રહેવાની વ્યવસ્થા હતી. અંદર અને બહાર બંને જગ્યાએ જાયન્ટ એલઇડી સ્ક્રિન ગોઠવાયા હતા. સ્વામીજીની વ્હીલચેર સાથે જિજ્ઞેશભાઈ અંદર ગયાં. લવજીભાઈ અને તેમનાં પત્ની કૈલાસબેન પણ ડોનર પાસ હોવાથી અંદર ગયાં. જ્યારે મેં અને રમેશભાઈએ વેઈટિંગ એરિયામાં ઊભા ઊભા ટીવી સ્ક્રિન પર આખો પ્રસંગ માણ્યો.
પ્રાણપ્રતિષ્ઠાનો પ્રસંગ ખરેખર અદભૂત હતો. જીવનમાં આવા અવસરના સાક્ષી બનવાનું બહુ ઓછા લોકોના નસીબમાં હોય છે. મને 15 ઓગસ્ટ 1947નો એ દિવસ આજેય યાદ છે. સ્કૂલમાં જતાં ત્યાં હાથમાં ત્રિરંગો ફરકાવતાં. રાષ્ટ્રગીતો ગાતા હતા કંઇક તે દિવસ જેવો ઉમંગ-ઉલ્લાસ-ઉત્સાહનું મોજું ફરી વળ્યું હતું.
700 વર્ષના અત્યાચારી મુસ્લિમ યુગ પછી, 175 વર્ષ અંગ્રેજોની ગુલામી પછી, અને 50 વર્ષ સુધી સેક્યુલારિઝમ સાથેનું બ્લાટન્ટ તુષ્ટિકરણ બાદ જાણે હવે સનાતન ધર્મનો ઉદય થયો હોય તેવું લાગતું હતું. બીજા શબ્દોમાં કહું તો, સાચું રામરાજ્ય હવે શરૂ થયું છે, જ્યારે ભારતના ખૂણેખૂણે બધાની સાથે સહચારથી, પ્રેમથી અને ભરપૂર આશાથી વિકાસ થઈ રહ્યો છે.
આ ઐતિહાસિક પ્રસંગના સાક્ષી બન્યા બાદ પ.પૂ. સ્વામીજીના શબ્દો હતાઃ ‘મેં મારા 92 વર્ષના જીવનમાં ક્યારેય આવું ભવ્ય અને દિવ્ય દર્શન નથી કર્યું. સમગ્ર ભારતના હજારો સંપ્રદાયોના વડાઓને એક સાથે ‘જયશ્રી રામ’ના નાદ સાથે આનંદવિભોર થયેલાં જોવા અદભૂત અવસર હતો.’
ભાજપે ચૂંટણી ઢંઢેરામાં આપેલા ‘મંદિર વહીં બનાયેંગે...’ના વચનને લોકલાડીલા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સંપૂર્ણપણે ન્યાયપ્રક્રિયાનું પાલન કરીને, શાંતિપૂર્વક પૂરું પાડ્યું. નરેન્દ્રભાઇએ જગતને એક ઉદાહરણ પૂરું પાડ્યું છે કે ગમેતેવી કઠિન મુશ્કેલીઓમાં પણ ધીરજ રાખો, હંમેશા સત્યનો જ વિજય થાય છે.