લંડનના નેચરલ હિસ્ટ્રી મ્યુઝીયમ દ્વારા પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ 'વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર અોફ ધ યર' હરિફાઇનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં માતૃત્વ, હાસ્ય, આનંદ અને પ્રેમ સહિત વિવિધ વિષયોને આવરી લેતી તસવીરોએ ખૂબ જ આકર્ષણ જમાવ્યું છે. ૧૦૦ દેશોમાંથી લગભગ ૪૨,૦૦૦ જેટલી તસવીરો રજૂ થઇ છે. લોકો જે તસવીરને પસંદ કરેશે તેને 'પીપલ્સ ચોઇસ એવોર્ડ' મળશે. વિજેતા સહિત અન્ય પસંદ થયેલ તસવીરો આગામી જાન્યુઆરી માસથી ત્રણ માસ માટે લંડનના નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમમાં પ્રદર્શીત કરવામાં આવશે.
આપણી જનેતાના તો વખાણ કરીએ એટલા અોછા છે અને માટે જ લખાયું છે કે 'જનનીની જોડ સખી નહિં જડે રે લોલ.' એક માત્ર જનેતા જ એવી હોય છે કે જે પોતાના મોતની પરવા કર્યા વગર પોતાના સંતાનના જીવ બચાવવા બનતું બધુ કરી છૂટે છે. માત્ર મનુષ્ય જ નહિં જાનવરો અને પશુ પંખીઅોમાં પણ જનેતા પોતાના સંતાનને બચાવવા માટે ભલભલા હિંસક જાનવરો સામે ટકરાઇ જાય છે.
આ તસવીરમાં માદા પેંગ્વીનને પોતાના બાળકના રક્ષણ માટે વિશાળ કદના સાઉધર્ન જાયન્ટ પેટ્રલ પક્ષી સામે બાથ ભીડતી જણાય છે. જ્યારે અન્ય પેંગ્વીનનું જુથ બાળ પેંગ્વીનને ઘેરીને રક્ષણ કરી રહ્યું છે. કહેવાની જરૂર ખરી કે માદા પેંગ્વીનનો આક્રમક જુસ્સો જોઇને સાઉધર્ન જાયન્ટ પેટ્રલ પક્ષીએ હાર માનીને ચાલતી પકડી હતી. પેંગ્વીનનું જુથ હરહંમેશ વિવિધ આફતો કે મુશ્કેલીઅો વખતે પોતાના બાળકોને અને કમજોર માદાઅોને ઘેરી વળીને તેમને સુરક્ષા કવચ આપે છે. એડેલી પેંગ્વીનની આ તસવીર લિંક ગેસકિંગ નામના તસવીર કારે લીધી હતી.
બીજી તસવીર ભારતના કર્ણાટક સ્થિત બાંદીપુર નેશનલ પાર્કની છે. ભારતના વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર થોમસ વિજયન દ્વારા ટીખળ કરતા બાળ વાનરની આ તસવીરને પીપલ્સ ચોઇસ એવોર્ડ માટે ૫૦ ટકા કરતા વધારે વોટ અત્યાર સુધીમાં મળી ચૂક્યા છે. પ્રસ્તુત તસવીરમાં બાળ વાંદર ઝાડની ડાળી પર બેઠેલા બે પુખ્ત વાંદરની પુંછડીઅો પકડીને હિંચકા ખાતો બતાવાયો છે. બનવા જોગ છે કે તે પુંછડીઅો તેના માતા પિતાની જ હશે, જેઅો ખુદ પણ પોતાના સંતાનની આ હરકતને માણી રહ્યા છે.
કુદરત સાથેનું આ તાદમ્ય આપણને તંદુરસ્ત રાખવાનું મહત્વપૂર્વણ બળ બની રહે છે એમ તબીબો પણ જણાવી રહ્યા છે.