મૃત્યુ એ જીવનનું અંતિમ સત્ય છે જ્યારે સજીવ પ્રાણી માટી સાથે ભળી જાય છે. અત્યારે માનવજાતમાં અંતિમ સમયે ભારતીય સંસ્કૃતિ અનુસાર મૃતદેહને અગ્નિદાહ અપાય છે જ્યારે ઈસ્લામ અને ક્રિશ્ચિયન સહિતની ઘણી આસ્થાઓમાં દફનવિધિ કરાય છે. વિશ્વમાં અગ્નિદાહને વધુ પસંદ કરવામાં આવે છે કારણકે તેમાં જમીન ઓછી રોકાય છે અને રોગના જંતુઓ પણ માટીમાં ભળતાં નથી. હવે અમેરિકામાં અગ્નિદાહ કે દફનવિધિના બદલે સમગ્ર રસાયણોથી મુક્ત શરીરને ખેતરમાં અથવા ગીચ જંગલ જેવાં સ્થળોએ કુદરતી દફન કરી દેવાનું નવા રિસાઈકલિંગ વિકલ્પનું વલણ વધી રહ્યું છે. આ નેચરલ બરીઅલની વિધિમાં શરીરની આસપાસ ઘાસ, લાકડા જેવી વસ્તુઓ રાખીને ઊંડે દફન કરી દેવાયા પછી શરીરનું સંપૂર્ણ વિઘટન થવા સાથે તે માટીમાં ભળી જાય છે. તેનો ઉપયોગ ખાતર સ્વરૂપે થઈ શકે છે. ભારતમાં પણ જૂના જમાનામાં કૂતરા, બિલાડા કે ગાય અને બળદ જેવા પ્રાણીઓને ખેતરોમાં દાટી દેવાની પ્રથા હતી. આજે પણ ઘણા સ્થળે આ પ્રથા જોવા મળે છે.
• ડોક્ટર પણ આખરે તો માણસ જ છે!
આપણા ડોક્ટર સંજય ગઢિયા વિશે કોણ જાણતું નહિ હોય? મિડલેન્ડ્સમાં જનરલ પ્રેક્ટિશનર GP તરીકે વર્ષોથી સેવા આપતા ડોક્ટર સંજય ગઢિયા ફરજનિષ્ઠ અને સંવેદનશીલ તબીબ છે. તેમણે કોરોનાકાળ અને તે પછી પણ ઘણા કલાકો દર્દીઓને સેવા આપવામાં ગાળ્યા છે. તાજેતરમાં તેમની જીપી ઓફિસમાં અકળાયેલા દર્દીઓ દ્વારા રિસેપ્સનિસ્ટ્સ પર હુમલો કરવામાં આવ્યો હતો. આવું વર્તન યોગ્ય ન કહેવાય. જ્યારે દરેક દર્દીનું દર્દ સમજવા અને તેને યોગ્ય સારવાર પ્રીસ્ક્રાઈબ કરવામાં સમય જતો હોય ત્યારે બધાને ન્યાય આપવો લગભગ અશક્ય બની જાય છે. ડોક્ટર પણ આખરે માણસ છે. તેમને પણ થાક લાગે અને કંટાળો પણ આવી શકે છે.
• ઝાઝાં સંતાનોનો ઝાઝો સંતાપ
ઓઈલના મોટા નિકાસકાર યુએઈના શાસક શેખ મોહમ્મદ બિન ઝાયેદે ભારે મથામણ પછી સૌથી મોટા 43 વર્ષીય પુત્ર શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાનને અબુધાબીના ક્રાઉન પ્રિન્સ એટલે કે યુવરાજ જાહેર કરી દીધા છે. મુસ્લિમ શાસક હોવાથી તેમને પત્નીઓ અને તેમના થકી સંખ્યાબંધ પુત્રો હોય તે સાવ સ્વાભાવિક છે. કોને વારસદાર નિયુક્ત કરવો તેની મથામણ પણ ચાલતી જ હોય કારણકે રાજવી પરિવારોમાં પણ કાવાદાવા ભારે ચાલતા હોય છે અને એકની પસંદગીથી અન્યોને નારાજગી થવાની જ છે. અબુ ધાબી જેવાં અત્યંત ધનિક દેશના શાસક બનવું કોને ન ગમે? જોકે, શેખ મોહમ્મદ બિન ઝાયેદે પોતાના ભાઈઓ સહિત જૂના અને અનુભવી રાજવી સભ્યોને બાજુએ રાખી પોતાના વારસદારને નિશ્ચિત કરી લીધો છે. હવે બોલ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાનના હાથમાં છે કે તેમણે કેવી રીતે પોતાનું સ્થાન જાળવી રાખવું. જોકે, શેખ ઝાયેદે પોતાના ભાઈઓને પણ પ્રભાવશાળી સ્થાનો પર ગોઠવી દીધા છે. અલ નાહયાન રાજવી પરિવાર ઓછામાં ઓછી 300 બિલિયન ડોલરની સંપત્તિ સાથે વિશ્વમાં સૌથી ધનાઢ્યોમાં સ્થાન ધરાવે છે. અબુ ધાબી ઈન્વેસ્ટમેન્ટ એજન્સી દેશનું 790 બિલિયન ડોલરનું સોવરિન વેલ્થ ફંડ છે.
• આ ખાલી પડી રહેતા ચર્ચીસનું શું?
ચર્ચ ઓફ ઈંગ્લેન્ડના ઈતિહાસમાં સૌપ્રથમ વખત ઘટસ્ફોટ થયો છે કે 25 ટકાથી વધુ ચર્ચમાં દર રવિવારે પ્રાર્થનાસભા કે સર્વિસ યોજાતી નથી. મહામારી પછી ભાવિકોને પુનઃ ચર્ચમાં લાવવાના પ્રયાસોને સફળતા મળી નથી. કોવિડના સમયગાળામાં તો ચર્ચ સર્વિસીસની મર્યાદા હતી પરંતુ, હાલ તો શ્રદ્ધાળુઓની હાજરી જ ઘટતી જવાથી આ સમસ્યા સર્જાઈ છે. થાકેલા પાદરીઓ અને વોલન્ટીઅર્સ તથા નાણાકીય સમસ્યાના સંદર્ભે ચર્ચીસે 2019ની સરખામણીએ સર્વિસીસમાં કાપ મૂકવાની ફરજ પડી હતી. ગત વર્ષના ઓક્ટોબરમાં સર્વિસીસ ઓફર નહિ કરતા ચર્ચની સંખ્યા વધીને 26 ટકા થઈ છે. વયસ્કોની હાજરી 79 ટકા રહે છે પરંતુ, બાળકો અને યુવાનો ચર્ચમાં આવતાં નથી. ચર્ચ ઓફ ઈંગ્લેન્ડે 2019માં ચર્ચમાં દર રવિવારે પ્રાર્થના યોજવાની કાનૂની જરૂરિયાત કાઢી નાક્યા પછી પરિસ્થિતિ વધુ વણસી છે. કેટલાક ચર્ચ તો આજે પણ ઓનલાઈન સર્વીસીસ ઓફર કરે છે.
• 22,000 યુરોની હેન્ડબેગના કારીગરો ક્યાં છે?
નાના હતા ત્યારે વાર્તા સાંભળી હતી કે રૂનાં પોટલે પોટલાં જોઈને મુલ્લાજીને વિચાર આવ્યો કે આ રૂ કાંતશે કોણ અને પીંજશે કોણ? આવી જ વાત આજે લક્ઝરી હેન્ડબેગ્સ માટે યાદ આવે છે કે તેને બનાવશે કોણ અને ખરીદશે કોણ? ખેર ખરીદવાની વાત તો પછી છે, બનાવવાનો મુદ્દો મહત્ત્વનો છે. કોઈ પણ સ્ત્રી હોય તેના હાથમાં નાની કે સાદી હેન્ડબેગ તો જોવાં મળતી જ હોય. જોકે, સેલેબ્રિટીઝની વાત જ કઈ અલગ છે. તેમને સસ્તી નહિ પરંતુ, કિંમતી, લક્ઝરી અને કલાત્મક હેન્ડબેગ જોઈતી હોય છે જેથી તેમનો વટ જળવાઈ રહે. લક્ઝરી હેન્ડબેગ્સની માગ તો વધતી જ રહી છે પરંતુ, ખાટલે મોટી ખોડ એ છે કે આવી હેન્ડબેગ્સ બનાવનારા પ્રતિભાશાળી કારીગરો ઘટી રહ્યા છે. ફ્રાન્સના લક્ઝરી ગ્રૂપ હર્મેસને પણ કારીગરોની ભરતીની આ મોટી સમસ્યા નડી રહી છે. લેધરના કારીગરને આ બેગ હાથથી બનાવવા પાછળ ઓછામાં ઓછાં 15 કલાક લાગે છે. તેમને વેતન પણ સારૂં મળે છે પરંતુ, નવા કારીગરોને તેની ટ્રેનિંગ લેવામાં રસ નથી. ઉલ્લેખનીય છે કે અભિનેત્રી જેન બિર્કિન માટે 1984માં હર્મેસ દ્વારા 100,000 ડોલરની ‘બિર્કિન’ હેન્ડબેગ તૈયાર કરવામાં આવી હતી!
• ઉડતા વિમાને પાઈલોટને શર્ટમાં કોબ્રાનો અવાજ સંભળાયો
જરા કલ્પના પણ કરો કે 11,000 ફૂટની ઊંચાઈએ વિમાન ઉડતું હોય અને પાઈલોટને કોબ્રાનો ‘હિસ્...સ’ અવાજ સંભળાય તો તેની મનોદશા કેવી હોય? જોકે, આ તો કલ્પના પણ નથી. સાઉથ આફ્રિકાના ફ્રી સ્ટેટની રાજધાની બ્લોએમ્ફોન્ટેનથી પ્રીટોરીઆ જઈ રહેલી ખાનગી ફ્લાઈટના પાઈલોટ રૂડોલ્ફ એરામસને આવો હેરતઅંગેજ અનુભવ થયો હતો. વિમાન 11,000 ફૂટની ઊંચાઈએ ઉડી રહ્યું હતું ત્યારે તેને પોતાના શર્ટમાં જ ગજબની ઠંડકનો અનુભવ થયો હતો. થોડી વાર પછી તેણે સીટની નીચે જતા કોબ્રાનું માથું પણ જોયું અને તેના તો મોતીયા જ મરી ગયા, મગજ બહેર મારી ગયું! જોકે, તેણે સમય સાચવી લીધો અને ચાર પેસેન્જરને વિમાનમાં જીવલેણ કોબ્રા હોવાની માહિતી આપી સાવચેત રહેવા જણાવી દીધું. આ કેપ કોબ્રાનું ઝેર ઓછામાં ઓછાં નવ માણસનો જીવ લઈ શકે તેવું જીવલેણ હોય છે. અધુરામાં પુરું નજીકનું એરપોર્ટ હતું ત્યાં કન્ટ્રોલ ટાવર પણ ન હતું પરંતુ, એરામસે સ્થાનિક નિષ્ણાતની મદદથી ઈમર્જન્સી લેન્ડિંગ કરાવ્યું હતું. કોબ્રાને પકડવા મદારી પણ હાજર રખાયો હતો અને એન્જિનીઅર્સે પણ આખા વિમાનમાં ખાંખાખોળાં કર્યા પરંતુ, કોબ્રા તો અદૃશ્ય જ થઈ ગયો!
• 11,000 ચાઈનીઝ ફર્મ્સ એક જ ફ્લેટના સરનામે!
સત્તાવાળાઓનું ધુપ્પલ તો વિશ્વવ્યાપી હોય છે અને તેમાં બ્રિટિશ કસ્ટમ્સ અને રેવન્યુ ડિપાર્ટમેન્ટ પણ બાકાત નથી. બ્રિટિશ ટેક્સ ઓથોરિટીએ સંસદીય પબ્લિક એકાઉન્ટ્સ કમિટી સમક્ષ શરમજનક કબૂલાત કરી હતી કે તેણે વેલ્સના કાર્ડિફમાં એક રહેઠાણના ફ્લેટના સરનામે 11,000 ચાઈનીઝ ફર્મ્સનું રજિસ્ટ્રેશન થવા દીધું હતું. આ સરનામે કોઈ રહે છે કે નહિ અથવા તો એક જ સરનામે આટલી બધી કંપનીઓ કેવી રીતે હોય તેની તપાસ કરવાની જરા પણ દરકાર ઓથોરિટીએ કરી નહિ. આ રેલો પગ નીચે ત્યારે આવ્યો કે ફ્લેટના માલિક ડાયલાન ડેવિસને VATની 500,000 પાઉન્ડ જેટલી મોટી રકમની માગણી કરતા હજારો પત્ર HMRC દ્વારા મોકલવામાં આવ્યા. ડેવિસે પોલીસને અને એક્શન ફ્રોડમાં ફરિયાદ કર્યા પછી તપાસમાં જાણ થઈ કે આ સરનામે રજિસ્ટર્ડ થયેલી 2,350થી વધુ કંપનીઓ પાસેથી ટેક્સ ઓથોરિટીને નાણા લેવાના નીકળતા હતા. HMRCએ તો વિના વાંકે ડાયલાનની પ્રોપર્ટી જપ્ત કરવાના આદેશ પણ આપી દીધા હતા જે પાછા ખેંચી લેવાની ફરજ પડી છે.
• સેલેબ્રિટી એના ઓબ્રેગોન સરોગસીથી માતા બનતાં વિવાદ
કોઈ પણ સ્ત્રી માટે માતા બનવું તે તેના જીવનનું મહાસુખ બની રહે છે ત્યારે સેલેબ્રિટી ટીવી પ્રેઝન્ટર એના ઓબ્રેગોને 68 વર્ષની વયે સરોગસી થકી માતૃત્વ ધારણ કર્યા પછી સ્પેનમાં ભારે વિવાદ ફેલાવા સાથે રાષ્ટ્રીય ચર્ચા છેડાઈ છે. એના ઓબ્રેગોને સોશિયલ મીડિયામાં જાહેર કર્યું છે કે ‘મારાં જીવનના અંધારામાં પ્રકાશ રેલાયો છે. હું ફરી જીવંત બની છું.’ એનાનાં એકમાત્ર પુત્રનું 2020માં મૃત્યુ થયું હતું. સ્પેનમાં સરોગસી ગેરકાયદે હોવાના કારણે હજારો સ્પેનિયાર્ડ્સ માતાપિતા બનવાના સ્વપ્ના સાકાર કરવાનું સુખ મેળવવા વિદેશ જઈ 120,000 યુરો સુધી ખર્ચ કરી નાખે છે. સરકારના મહિલા મિનિસ્ટર્સ પણ સરોગસીને મહિલાના શરીરના શોષણનો એક વધુ પ્રકાર તેમજ મહિલા સામે હિંસાના પ્રકાર જણાવીને વખોડતાં રહે છે. સ્પેનની પ્રસિદ્ધ નવી માતા સામે નારાજગી અને સહાનુભૂતિનું પ્રમાણ એકસરખું જોવા મળ્યું છે.