• કુરાન કહે છે, જુગાર રમવું હરામ પણ તે લોકો માટે, સરકાર માટે નહિ!

Tuesday 20th June 2023 14:46 EDT
 
 

સાઉદી અરેબિયા ઈસ્લામિક રાષ્ટ્ર છે અને ઈસ્લામના પવિત્ર ગ્રંથ કુરાનમાં જુગાર રમવાનું હરામ ગણાય છે પરંતુ, લક્ષ્મી ચાંલ્લો કરવા આવતી હોય ત્યારે મોંઢું ધોવા કોણ જાય? સાઉદી અરેબિયા પણ ધર્મને પાછળ રાખી લોકો સત્તાવારપણે જુગાર રમી શકે તે માટે ગેમિંગ કંપનીઓમાં 8 બિલિયન ડોલરનું જંગી રોકાણ કરવામાં જરા પણ છોછ અનુભવતું નથી. એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં પ્રભુત્વ જમાવવાના આશય સાથે સાઉદીએ 18 મહિનામાં આટલું રોકાણ કરીને ટેન્સેન્ટ, સોની અને અન્ય કંપનીઓને પાછળ રાખી દેવાની જાણે હોડ લગાવી છે. સાઉદીનું પીઠબળ ધરાવતા સેવી ગેમ્સ ગ્રૂપે ચીનની VSPO, સ્વીડનના એમ્બ્રેસર ગ્રૂપમાં હિસ્સો ખરીદ્યો છે તેમજ યુએસની કંપની સ્કોપેલીને સ્વહસ્તક લીધી છે.

જાન્યુઆરી 2022માં સ્થાપિત સેવી ગેમ્સ ગ્રૂપની સંપૂર્ણ માલિકી સાઉદી અરેબિયાના 650 બિલિયન ડોલરના પબ્લિક ઈન્વેસ્ટમેન્ટ ફંડ (PIF)ની છે. ગ્રૂપના અધ્યક્ષ ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન છે જેઓ માત્ર સાત વર્ષમાં સાઉદી અરેબિયાને ગેમ્સ અને ઈ-સ્પોર્ટ્સનું વૈશ્વિક કેન્દ્ર બનાવવાની મહેચ્છા રાખે છે. આ માટે સેવી ગ્રૂપને 38 બિલિયન ડોલરનું જંગી ફંડ અપાયું છે અને સાઉદીમાં 250 ગેમિંગ કંપનીઓ અને સ્ટુડિયોઝ આવે અને 39,000 નોકરીઓ પણ લાવે તેવી ગ્રૂપની યોજના છે. આ ઉપરાંત PIF દ્વારા જાપાનીઝ કંપની નિન્ટેન્ડામાં 8 ટકા મહિસ્સો ખરીદ્યો છે. ગેમિંગ/ મનોરંજન ઈન્ડસ્ટ્રી 2030 સુધીમાં સાઉદીની જીડીપીમાં 1 ટકાનો ફાળો આપશે તેવી ધારણા છે. સાઉદી અરેબિયામાં ગેમિંગ ઘણું લોકપ્રિય છે અને તેની 36 મિલિયન વસ્તીના 70 ટકા લોકો 35વર્ષથી ઓછી વયના છે. આટલા જ ટકા લોકો જુગાર સહિતની રમતો રમનારા છે.

વાતચીતના દોરમાં ‘ચાર’નો ચમત્કારી આંકડો

બે પ્રેમીજનની ગુફતેગુ ચાલતી હોય અને ત્રીજી વ્યક્તિ આવી ચડે તો તેમને ભીડ જમા થઈ ગઈ હોવાનું લાગે છે. જોકે, જ્યાં વાતચીતનો મુદ્દો હોય ત્યાં ચાર વ્યક્તિ એકઠી થાય ત્યારે વાતોનો જાણે અંત જ આવતો નથી, હંસીમજાકનો દોર ચાલ્યા કરે છે. આમ આ પરિસ્થિતિમાં ‘ચાર’ મેજિક નંબર ગણાય છે. ગુજરાતીમાં ભલે તે સ્ત્રીઓને અનુલક્ષીને કહેવાઈ છે પણ ‘ચાર’ વિશે કહેવત છે કે ‘ચાર મળે ચોટલા તો ભાંગી નાંખે ઓટલા.’ એટલે કે તેમની વાતો અથવા ગપસપ ખૂટતી જ- નથી. યુનિવર્સિટી ઓફ ઓક્સફર્ડના ઉત્ક્રાંતિકારી સાઈકોલોજિસ્ટ અને એન્થ્રોપોલોજિસ્ટ પ્રોફેસર રોબિન ડનબારે આપણે કેવી રીતે મેળમિલાપ કરીએ છીએ તેના વિશે દાયકાઓ અભ્યાસ કર્યો છે. તેઓ કહે છે કે મોટા ભાગના માણસો આશરે 150 સોશિયલ કનેક્શન્સ જાળવી શકે છે. નાના ગ્રૂપની વાત કરીએ તો ચાર વ્યક્તિનું ગ્રૂપ એકબીજાની વાતોને શ્રેષ્ઠ રીતે માણે છે. જો પાંચમી વ્યક્તિ તેમાં જોડાય તો થોડી જ સેકન્ડોમાં ગ્રૂપ વિભાજિત થઈને વાતો કરવા લાગશે, છેવટે એક વ્યક્તિ ભાષણ કરશે અને બાકીના તેને સાંભળે રાખશે. મોટા ગ્રૂપમાં વ્યક્તિએ નક્કી કરવાનું રહે છે બોલનારો ખરેખર મહત્ત્વની વાત કરે છે કે નહિ. જો વાત મહત્ત્વની ન જણાય તો મોટા જૂથના સભ્યો પણ નાના જૂથમાં વિભાજિત થઈ અલગ રીતે વાતચીત કરવા લાગશે. પ્રોફેસર ડનબાર કહે છે કે વિલિયમ શેક્સપિયરને માનવ સાઈકોલોજીના આ સિદ્ધાંતની જાણ હશે એટલે જ કદાચ તેના નાટકોના એક દૃશ્યમાં ચારથી વધુ મુખ્ય વ્યક્તિની સંવાદની ભૂમિકા દેખાતી નથી.

અમારી ગન્સ બતાવવા રાખી નથીઃ ટ્રમ્પના સમર્થકોની ધમકી

યુએસના પૂર્વ પ્રસિડેન્ટ અને 2024ની પ્રમુખપદની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પના ગ્રહો વાંકા ચાલી રહ્યા છે. જન્મદિનના આગલા દિવસે એટલે કે 13 જૂને ટ્રમ્પે ફેડરલ ક્રિમિનલ કેસમાં કોર્ટમાં હાજર થવું પડ્યું હતું. અમેરિકામાં પ્રેસિડેન્ટશિપ શરૂ કરાયા પછીના 234 વર્ષના ઈતિહાસમાં ટ્રમ્પ ફેડરલ ક્રિમિનલ કેસ કરાયો હોય તેવા પ્રથમ પૂર્વ પ્રેસિડન્ટ બન્યા છે. સેંકડો ક્લાસિફાઈડ દસ્તાવેજો પોતાની પાસે છુપાવી રાખવા સહિતના ચાર્જીસ પુરવાર થાય તો તેમને જેલમાં જવું પડશે તે પણ નિશ્ચિત છે છતાં ટ્રમ્પ કે તેમના લાખો સમર્થકોનો ઉત્સાહ કે જોશ જરા પણ ઓસર્યા નથી. ઉલટાનું સમર્થકો તો કહે છે કે આ અમારી ગન્સ બતાવવા રાખી નથી. આવી ધમકીનો સીધો અર્થ એ છે કે ક્રિમિનલ કેસમાં ટ્રમ્પને કશું થશે તો હિંસા ફેલાશે. પોતાને અપરાધી નહિ ગણાવતા ટ્રમ્પ જરા પણ પીછેહઠ કરવાના મિજાજમાં નથી. જો ટ્રમ્પ અપરાધી સાબિત થાય તો પણ તેમને પ્રચાર કરતા અટકાવી શકાય કે 2024માં ચૂંટણી જીત્યા પછી પ્રમુખપદના શપથ લેતા અટકાવી શકાય તેવી કોઈ જોગવાઈ અમેરિકી કાયદા કે બંધારણમાં નહિ હોવાનું કાનૂની નિષ્ણાતો કહે છે અને આ કારણથી જ કદાચ ટ્રમ્પ બીજી મુદત માટે જોરશોરથી પ્રચારમાં રચ્યાપચ્યા રહે છે.

વિદ્યાર્થીઓ બિચારા કમાશે ક્યારે અને લોન ભરપાઈ કરશે ક્યારે ?

આજકાલ ભણતર ઘણું મોંઘુ બની ગયું છે. એડમિશન, લોન, નોકરી અને ચૂકવણીનાં ચક્કરમાંથી વિદ્યાર્થી બહાર આવતો જ નથી. શિક્ષણ મેળવ્યા પછી પણ બાકી લોનના હપ્તા ચૂકવી શકાય તેવી નોકરી મળતી નથી. આના પરિણામે, ઈંગ્લેન્ડમાં ઉચ્ચ શિક્ષણક્ષેત્રે ચૂકવવાની બાકી રહેલી વિદ્યાર્થી લોન્સની રકમ વિક્રમી 205 બિલિયન પાઉન્ડના આંકડે પહોંચી છે. વિદ્યાર્થીઓ માટે 2012માં ટ્યુશન ફી ત્રણ ગણી વધારીને 9000 પાઉન્ડ કરાયા પછી બાકી સ્ટુડન્ટ લોન્સનો આંકડો ચાર ગણો થઈ ગયો છે. સરેરાશ વિદ્યાર્થી 2022-2023માં તેની સ્ટુડન્ટ લોન્સની પુનઃ ચૂકવણી શરૂ કરે ત્યારે તેના માથે લગભગ 45,000 પાઉન્ડના દેવાંનો ભાર આવી જાય છે. યુનિવર્સિટી સ્ટુડન્ટ લોન એકાઉ્સમાં એકત્ર થયેલું 4.7 બિલિયન પાઉન્ડનું વ્યાજ એક જ વર્ષમાં લગભગ બમણું થઈને 8.3 બિલિયન પાઉન્ડ થઈ ગયું છે. વિધિની વક્રતા તો એવી છે કે ઈંગ્લેન્ડમાં કન્ઝ્યુમર દેવાંની રકમ (213 બિલિયન પાઉન્ડ) અને બાકી વિદ્યાર્થી લોન (205 બિલિયન પાઉન્ડ) લગભગ સરખી છે. હકીકત એ પણ છે કે NHS ઈંગ્લેન્ડના વર્તમાન 160 બિલિયન પાઉન્ડના બજેટથી પણ સ્ટુડન્ટ લોન્સની વણચૂકવાયેલી રકમ વધારે છે. લોન્સ લેનારામાંથી 65 ટકાએ લોનની પુનઃચૂકવણી કરવાની હતી પરંતુ, 2022-23 માં માત્ર 37 ટકાએ તેની ચૂકવણી કરી છે.

બોરિસને ‘આવ બલા પકડ ગલા’ની આદત પડી ગઈ છે!

પૂર્વ વડા પ્રધાન બોરિસ જ્હોન્સનને ‘આવ પાણાં, પડ પગ પર’ની માફક જ મુશ્કેલીઓ વહોરી લેવાની જાણે આદત છે. કાયદો સ્પષ્ટ છે કે વાહન હંકારતી વેળાએ ડ્રાઈવરે સીટબેલ્ટ પહેરવો ફરજિયાત છે. બોરિસ જ્હોન્સને કોરોના લોકડાઉનમાં પાર્ટીગેટ કૌભાંડમાં કાયદો તોડનારા પ્રથમ વડા પ્રધાન તરીકે નામના મેળવી જ લીધી છે અને હવે કદાચ પૂર્વ વડા પ્રધાન તરીકે પણ કાર ડ્રાઈવ કરતી વખતે સીટબેલ્ટ નહિ પહેરીને કાયદો તોડ્યો છે. સાઉથવેસ્ટ લંડનના રિચમોન્ડ અપોન થેમ્સ ખાતે ટ્રાફિીક સિગ્નલ પર 58 વર્ષના બોરિસ તેમના સાસુ જોસેફાઈન મેકએફીની બાજુમાં બેઠા છે જેમના ખોળામાં બોરિસનો પાલતુ શ્વાન ડિલીન બેઠો હોય તેવી તસવીરો ફરવા લાગી છે. સીટબેલ્ટ નહિ પહેરવા બદલ 500 પાઉન્ડ સુધી દંડ થઈ શકે છે અને સરકાર આ ગુનાને લાઈસન્સ પર પોઈન્ટ મૂકી તેને સજાપાત્ર ઠરાવવાનું પણ વિચારી રહી છે. જાન્યુઆરીમાં રિશિ સુનાક પણ ઈતિહાસમાં બીજા સત્તા પરના વડા પ્રધાન બન્યા હતા જેમણે કાયદાનો ભંગ કર્યો હોય. તેઓ કારની પાછળની સીટમાં સીટ બેલ્ટ પહેર્યા વિના દેખાતા ન હતા. તેમને આ ગુના માટે ફિક્સ્ડ પેનલ્ટી નોટિસ અપાઈ હતી અને તેમણે ભૂલ સ્વીકારી પેનલ્ટી ચૂકવી દીધી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter