ટેનિંગ શોપ્સમાં સ્કીન કેન્સરને આમંત્રણ

Tuesday 27th June 2023 10:02 EDT
 
 

ગોરા કે શ્વેત અને અશ્વેત કે ઘઉંવર્ણા લોકોમાં તફાવત શું હોય છે? એમ કહેવાય છે કે ગોરા કે યુરોપિયન લોકો દેખાવે ધોળા હોય છે પણ ગુનામાં આવે તો ફિક્કા પડી જાય, ગુસ્સામાં આવે તો રાતા દેખાય અને મૃત્યુ પામે તો કાળા દેખાય. આની સામે અશ્વેત કે ઘઉંવર્ણા લોકો કોઈ પણ પરિસ્થિતિમાં એકસમાન અથવા તો ‘સ્થિતપ્રજ્ઞ’ રહે છે. હવે ધોળા લોકોને લાલબૂમ દેખાવાની ઘેલછા લાગી છે. સૂર્યના તાપમાં રહેવાના બદલે દુકાનોમાં રખાતાં અલ્ટ્રાવાયોલેટ સનબેડ અથવા સ્પ્રે ટેનિંગનો ઉપયોગ કરનારાની સંખ્યા લાખોમાં થવા જાય છે.

બ્રિટનની હાઈ સ્ટ્રીટ્સમાં ટેનિંગ શોપ્સની સંખ્યા વધતી જાય છે. એક ડેટા કંપની અનુસાર 2012થી 2022ના 10 વર્ષના ગાળામાં ટેનિંગ શોપ્સની સંખ્યા લગભગ બમણી એટલે કે 1,127 થી વધીને 2,171 થઈ છે. સનબેડ્સ અને સ્કીન કેન્સર વચચે નિશ્ચિત કડી હોવાનું સ્પષ્ટ થયેલું હોવાં છતાં, કેન્સર ચેરિટીઓની સલાહને અવગણીને 35વર્ષથી ઓછી વયના લાખો લોકો વર્ષમાં ઘણી વખત તેનો ઉપયોગ કરવા રીતસરની લાઈનો લગાવે છે. સોશિયલ મીડિયા પણ ટેનિંગ અથવા તો ત્વચાને ઘેરી બનાવવામાં કેટલા લાભ છે તે ગણાવવામાં આગળ રહે છે. બ્રાઝિલ અને ઓસ્ટ્રેલિયામાં કોમર્શિયલ સનબેડ પર પ્રતિબંધ છે પરંતુ, બ્રિટનમાં ઘણાં વર્ષો પછી પણ તેની માગણીને સફળતા મળી નથી.

• રેસિઝમ દૂર કરવાની જાદુઈ છડી ક્યાં?

ડચેસ ઓફ સસેક્સ મેગન મર્કેલના હાસ્યાસ્પદ ગણાવાયેલા પોડકાસ્ટ અને શો આર્ચીટાઈપ્સ અને એનિમેટેડ સીરિઝ પર્લને રદ કરીન સ્પોટિફાય અને નેટફ્લિક્સે ભારે ડહાપણનું કામ કર્યું છે. આ નિર્ણયો કોર્પોરેટ વર્લ્ડ સ્વપ્નામાંથી જાગી રહ્યું હોવાની નિશાની છે. જે કદી પરિપૂર્ણ થવાના નથી તેવાં સ્વપ્નો વેચવાં એ પણ મૂર્ખામી છે. સસેક્સીઝ ઉપર જે 100 મિલિયન ડોલર ઓળધોળ થવાના હતા તે હવે નહિ થાય. આ નાણા ખરેખર જેઓ કશું કરવા માગે છે તેવા પ્રતિભાવંતો પાછળ ખર્ચાય તે વધુ યોગ્ય છે. લેખક, બ્રોડકાસ્ટર અને રાજકારણી સર ટ્રેવર ફિલિપ્સ લખે છે કે પૂર્વગ્રહ અને ગરીબીને દૂર કરવાની કોઈ જાદુઈ છડી નથી. રાજકારણ સહિત જાહેર જીવનનાં ઘણાં ક્ષેત્રોને આવરી લેતાં ખતરનાક ફિક્શન્સને કોર્પોરેટ ફંડિંગ વાસ્તવમાં અપરાધ છે. તમે જે ઈચ્છો તે બની શકશો કહેવા જેવું જુઠાણું કશું નથી. અસમાનતા અને અન્યાયના ઉપાયો કોઈ વ્યક્તિના હાથમાં નથી. જો આપણે કાળજે વાગતી અને ડંખ મારતી ભાષાથી દૂર રહીએ તો પણ સારું છે.

• પવનચક્કીઓ ચાલે, શાહી નાણાનો વરસાદ લાવે

‘સબ કા માલિક એક’ની માફક જ કિંગ પણ બધાના માલિક છે ભલે તે પછી નદી-નાાળાં, સમુદ્રની સપાટી અને તટ સહિતના કુદરતી સંસાધનો તથા રીજેન્ટ સ્ટ્રીટ, લંડનના વેસ્ટ એન્ડની વિશાળ પ્રોપર્ટીઝ કેમ ન હોય? ઘણી પ્રોપર્ટીઝની આવક મળતી નથી પરંતુ, ઓફશોર પવનચક્કીઓ ક્રાઉન એસ્ટેટના લાંબા ખિસ્સાઓ ભરી રહી છે. કિંગ ચાર્લ્સ દ્વારા તાજેતરમાં ક્રાઉન એસ્ટેટની માલિકીના સમુદ્રી સપાટીઓ સંદર્ભે 8.8 બિલિયન પાઉન્ડના સોદાઓ કરાયા હતા અને તેમાંથી પ્રાપ્ત નફાને જાહેર કલ્યાણ માટે ફાળવવાનાના મુદ્દે નેશનલ ઓડિટ ઓફિસ દ્વારા તપાસ હાથ ધરાઈ છે. જોકે, એબેરડીનશાયરના વિન્ડફાર્મ્સ આ પ્રોપર્ટી સોદામાંથી બાકાત છે કારણકે ત્યાંની પવનચક્કીઓ ક્રાઉન એસ્ટેટ માટે નાણાનો વરસાદ વરસાવી રહી છે. કિંગ ઈંગ્લેન્ડ અને વેલ્સના 12 નોટિકલ માઈલ સુધી પથરાયેલા સમુદ્રીતટોના સ્વામી છે અને હવે આ તટોને વિન્ડ ફાર્મ્સ માટે લીઝ પર અપાઈ રહ્યા છે. ક્રાઉન એસ્ટેટને 6 ઓફશોર વિન્ડફાર્મ્સ લીઝ મારફત 2024થી વાર્ષિક ૧ બિલિયન પાઉન્ડની જંગી આવક થવાની છે.

• પીવાનાં ‘પાણી’ માટે લોકો કરે પોકાર!

આપણી પૃથ્વી પર ઘૂઘવતા મહાસાગરો અને નદીઓમાં થઈ ભલે બે તૃતીઆંશ પાણી હોય પરંતુ, પીવાના પાણીની તો અછત જ છે. ઈંગ્લેન્ડના સસેક્સમાં ટુનબ્રિજ વેલ્સમાં ખામીના લીધે સેંકડો રહેવાસીઓ પાણી વગરના રહેવા ઉપરાંત, અને ગરમ વીકેન્ડમાં પીવાના પાણીની ભારે માગ ઉભી થઈ હતી જેના પરિણામે, ઈમર્જન્સી બોટલ્ડ વોટર સ્ટેશન્સ ગોઠવવાની ફરજ પડી છે. લોકોએ કેન્ટ અને સસેક્સમાં બોટલ્ડ વોટર માટે રીતસરની લાંબી લાઈનો લગાવવી પડી હતી ત્યારે ‘આવશ્યક ઉપયોગ’ માટે જ પાણીનો વપરાશ કરવાની લોકોને સલાહ અપાઈ છે. આમ તો પાણીની તંગી નથી પરંતુ, ગ્રાહકોને પૂરતાં પ્રેશરથી પાણી આપી શકાતું નથી અને ઘણા વિસ્તારો પાણી વગરના રહી જાય છે. પીવાના પાણીની સમસ્યાના લીધે કેટલીક શાળાઓ પણ બંધ રાખવી પડી હતી. વોટર કંપનીઓના ગેરવહીવટ અને યોગ્ય આયોજનના અભાવે આવી સ્થિતિ સર્જાતી હોવાની ટીકા થઈ રહી છે.

• પાડે પાડા લડે અને ઝાડનો ખો વળે

યુકેની યુનિવર્સિટીઓમાં માર્કિંગનો બહિષ્કારની ખરાબ અસર ‘પાડે પાડા લડે અને ઝાડનો ખો વળેની માફક વિદ્યાર્થીઓના ભવિષ્ય પર પડી રહી છે કારણકે તેમની પરીક્ષાના પરિણામો મળી રહ્યાં નથી. આવા સમયે દેશમાં સૌથી મોટા ગ્રેજ્યુએટ એમ્પ્લોયર્સમાં એક એકાઉન્ટન્સી ફર્મ પ્રાઈસવોટરકૂપર (PwC) દ્વારા ભરતી કરાયેલા 1600 ગ્રેજ્યુટ્સને હૈયાધારણ અપાઈ છે કે તેમનું ડીગ્રી રિઝલ્ટ મોડું આવશે તો પણ નોકરીને કોઈ અસર નહિ થાય અને તેઓ 7 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બરના સમયગાળામાં કામ પર આવી શકશે. ખરેખર તો તેમના નિયમ મુજબ ગ્રેજ્યુએટ દ્વારા નોકરી શરૂ કરતા પહેલા ડીગ્રી રિઝલ્ટ દર્શાવવાનું રહે છે. આ જ રીતે નેટવેસ્ટે પણ તેના ગ્રેજ્યુએટ પ્રોગ્રામ હેઠળ ભરતી કરાયેલાને ડીગ્રી પરિણામ નહિ મળ્યાનો ગેરફાયદો નહિ થાય તેવી ખાતરી ઉચ્ચારી છે. યુનિવર્સિટી એન્ડ કોલેજ યુનિયન (UCU)ના સભ્યોએ પગાર અને કાર્યશરતોના વિવાદમાં પરીક્ષાના માર્ક્સ મૂકવા અને કોર્સવર્કમાં જોડાવાનો ઈનકાર કર્યો છે. ગયા વર્ષે UCUના માર્કિંગ બોયકોટની અસર માત્ર 44 યુનિવર્સિટીને થઈ હતી પરંતુ, આ વર્ષે 145 યુનિવર્સિટીને અસર થઈ છે.

• સૂરજના કાળજે લાગ્યો ડાઘ

જાપાન ઉગતા સૂરજનો દેશ કહેવાય છે પરંતુ, સ્ત્રીઓના અધિકાર અને ખાસ કરીને રાજકારણમાં તેમના સ્થાન બાબતે અંધકાર પ્રવર્તે છે. વર્લ્ડ ઈકોનોમિક ફોરમના સર્વ મુજબ જાપાનમાં ‘લૈંગિક સમાનતા’ લગભગ તળિયે પહોંચી છે. સ્ત્રીઓનાં રાજકીય સશક્તિકરણ ક્ષેત્રે વિશ્વના 146 દેશમાંથી જાપાન 138મા ક્રમે આવ્યું છે જે ગયા વર્ષની સરખામણીએ 9 ક્રમ પાછળ છે. આમ સાઉદી અરેબિયા અથવા કુવેત કરતા પણ જાપાનમાં સ્ત્રીઓની ખરાબ હાલત છે. રાજકારણ હોય કે બિઝનેસ, જાપાનમાં સ્ત્રીઓને સારી તક અપાતી નથી. કેબિનેટમાં માત્ર 2 મહિલા મિનિસ્ટર છે જ્યારે ડાયટના ચૂંટાયેલા નીચલા ગૃહના આશરે 10 ટકા જ મહિલા સભ્ય છે. ઉલ્લેખનીય છે કે જેન્ડર ઈક્વલિટી મુદ્દે આઈસલેન્ડ સતત 14 વર્ષથી પ્રથમ ક્રમે છે જેના પછી, નોર્વે અને ફિનલેન્ડ . બ્રિટન 16મા અને યુએસ 43મા ક્રમે છે.

• રાત્રિપાર્ટીના રંગરસિયાઓ માટે મોતનો વહેલો પૈગામ!

આપણામાં કહેવત છે કે ‘રાતે વહેલા જે સૂએ, વહેલાં ઉઠે વીર, બળબુદ્ધિ ને ધન વધે સુખમાં રહે શરીર’ જોકે, હવે આખી રાત પાર્ટી કરી સવારે ઉંઘનારાની સંખ્યા વધતી જાય છે. રાતની પાર્ટીઓમાં શરાબ, સ્મોકિંગનો વધુપડતો ડોઝ આ રંગરસિયાઓ માટે મોતનો પૈગામ વહેલો લાવે છે. રાત્રિના રંગરસિયાઓમાં મોતનું જોખમ 98 ટકા વધુ જણાયું હતું. નવા સંશોધન મુજબ આવા રંગરસિયાઓનું આયુષ્ય ટુંકુ થાય છે કારણકે વિવિધ પ્રકારના કેન્સર અને હૃદય રોગનું જોખમ વધી જાય છે. આમની સરખામણીએ જે લોકો તંદુરસ્ત જીવનશૈલીને અનુસરી વહેલા નિદ્રાધીન થઈ વહેલી સવારે ઉઠી જાય તેમને આઠ કલાકની સારી ઉંઘ મળે છે. ફિનલેન્ડમાં સરરાશ 41 વર્ષની વયના 23,000 લોકોની લાઈફસ્ટાઈલ અને આરોગ્યનો અભ્યાસ 37 વર્ષ સુધી કરાયો હતો જેમાંથી 10 ટકા રાત્રિના રંગરસિયા હતા, 30 ટકા વહેલા ઉઠનારા વીર હતા અને બાકીના તેમની વચ્ચેના હતા. આ ગાળામાં 33 ટકાથી વધુ લોકો મોતને શરણ થયા હતા. સવારે વહેલા ઉઠનારામાંથી 51 ટકાની સરખામણીએ રાત્રિના રંગરસિયામાંથી સરેરાશ માત્ર 41 ટકા જ આઠ કલાકની પૂરતી ઉંઘ મેળવી શક્યા હતા.

• હસવામાંથી ખસવું- દોસ્ત જાની દુશ્મન બન્યાં

એક નાની સરખી મજાક પણ મિત્રોને દુશ્મન બનાવી દે છે જેને હસવામાંથી હાણ કહેવાય છે. કેરોલીન ડાકિન અને સારાહ બ્રેનાન બે પાક્કાં મિત્ર હોવાં સાથે બિઝનેસ પાર્ટનર પણ હતાં. હવે કેરોલીન સગર્ભા બની ત્યારે સારાહે તેમની કંપનીના કાર્યશૈલી ડોક્યુમેન્ટ્સની ગાઈડલાઈન્સમાં શબ્દો ઉમેરાવ્યાં કે ‘ભવિષ્યમાં ગર્ભનિરોધક (કોન્ટ્રાસેપ્શન)નો ઉપયોગ કરવો’ અને બંને બિઝનેસ પાર્ટનર વચ્ચે કાનૂની યુદ્ધ શરૂ થઈ ગયું. સારાહના બાળકની ગોડમધર કેરોલીન ડાકિને એમ્પ્લોયમેન્ટ ટ્રિબ્યુનલમાં દાવો કરી જણાવ્યું કે આ શબ્દપ્રયોગથી તેને વિના કારણે નિશાન બનાવાઈ છે. પાંચ વર્ષના કાનૂની વિવાદમાં કેરોલીનના દાવાને ફગાવતા માન્ચેસ્ટર ટ્રિબ્યુનલે ટીકા કરી હતી કે બે અંગત મિત્રો વચ્ચે આ શબ્દો માત્ર મજાકમાં વપરાયા હતા. કેરોલીન અને સારાહે સાથે મળીને સ્થાપેલી બિઝનેસ ટ્રેનિંગ કંપનીની સાથોસાથ તેમની મિત્રતા પણ ખતમ થઈ ગઈ.

• બ્રિટને ‘વ્હાઈટ ગિલ્ટ’ માનસિકતા છોડવી જોઈએઃ ટોની સેવેલ

બ્રિટને ‘વ્હાઈટ ગિલ્ટ’ની માનસિકતામાંથી બહાર આવી જવું જોઈએ કારણકે બ્રિટન સંસ્થાગત રીતે રેસિસ્ટ નથી. આ શબ્દો 2021માં બ્રિટનમાં રેસિઝમ વિશે લાંબો રિપોર્ટ આપનારા ડો. ટોની સેવેલના છે. કમિશન ફોર એથનિક એન્ડ રેસિયલ ડિસપેરિટીઝના ચેરમેન ડો.સેવેલે વિન્ડરશની 75મી વર્ષગાંઠ અગાઉ સ્પષ્ટપણે કહ્યું હતું કે વંશીય લઘુમતીઓઓનો વિકાસ થઈ શકે તે માટે ‘વ્હાઈટ ગિલ્ટ’ માનસિકતા છોડવી જરૂરી છે. બ્રિટને અસમાનતાના જટિલ સામાજિક મુદ્દાઓને સમજવા જોઈશે. અજાણતા પૂર્વગ્રહો પર વધુ ધ્યાન આપવાના બદલે કેટલીક વંશીય લઘુમતીઓએ સામનો કરવો પડે છે તેવી સમસ્યાઓના કારણો સમજી તેમને ઉકેલવા તરફ વધુ ધ્યાન આપવાની જરૂર છે. માત્ર રેસિઝમના ચશ્માંમાંથી બધી બાબતોને નિહાળવી ન જોઈએ. 1950ના દાયકામાં HMT Empire Windrush લાંગરવા સાથે આવેલા માઈગ્રન્ટ્સે પોતાની જાતને બદલી નાખી છે તો સામા પક્ષે બ્રિટનને પણ બદલી નાંખ્યું છે અને હજુ બ્રિટન બદલાતું રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter