કહેવાય છે ને કે, ‘જર,જમીન અને જોરું, ત્રણેય કજિયાના છોરું’. પેરન્ટ્સની મિલકતમાં ભાગ લેવા ભાઈબહેનો ઝગડે અને મામલો કોર્ટ સુધી પહોંચે તે સારું તો નથી જ છતાં, આજકાલ સામાન્ય થઈ ગયું છે. રીતા રીઆ નામે 59 વર્ષીય બહેન સામે તેમના ત્રણ ભાઈએ કાનૂની દાવો માંડ્યો છે. આ બધાની માતા અનીતા રીઆએ 2016માં વસિયત કરી તમામ મિલકત દીકરી રીતાના નામે કરી હતી. ભાઈઓનું કહેવું છે કે અગાઉ, 1986ની વસિયતમાં મિલકત બધાને સરખે હિસ્સે વહેંચવામાં આવી હતી પરંતુ, બહેને અયોગ્ય દબાણ આચરી નવું વિલ 2015માં બનાવડાવ્યું જેમાં માતાએ તેને બધી મિલકત લખી આપી છે. આ નવું વિલ રદબાતલ ગણવાની હાઈ કોર્ટ સમક્ષ નવેસરથી માગણી કરાઈ છે. હાઈ કોર્ટે 2019માં બહેનની તરફેણ કરી હતી પરંતુ, બે અપીલો કરાયા પછી નવેસરથી વિચારણા થઈ રહી છે. જોવાની વાત તો એ છે કે 2021માં નવેસરથી કેસ ચલાવવાનો આદેશ આપતી વેળાએ કોર્ટ ઓફ અપીલના જજે ચેતવણી આપી હતી કે કાનૂની કાર્યવાહીમાં તમને કદાચ વારસો પણ નહિ મળે કારણકે વકીલોના બિલ્સ ચૂકવવામાં જ તે વપરાઈ જવાના છે. રીતા રીઆને જ અત્યાર સુધી 150,000 પાઉન્ડનો ખર્ચ થઈ ગયો છે. મિલકતમાં મુખ્યત્વે સાઉથ લંડનમાં એક ઘર છે જેની કિંમત આશરે 850,000 પાઉન્ડ જેટલી છે. આમ રોટલો મેળવવાં બીલાડીઓની લડાઈમાં ન્યાય કરાવનારા વાંદરા જ ફાવી જાય તેવી સ્થિતિ છે.
• હ્યુમન રાઈટ્સ કમિશનર સામે પણ બેન્કને વાંધો!
બેન્ક જેટલી ઝડપથી એકાઉન્ટ નહિ ખોલતી હોય એટલી ઝડપથી બંધ કરવામાં સક્રિયતા દર્શાવે છે. મહિલા અધિકારો અને લૈંગિક સમાનતા કેમ્પેઈનર અગ્રણી અને સ્કોટલેન્ડના ઈક્વલિટિઝ અને હ્યુમન રાઈટ્સ કમિશનર 64 વર્ષીય પ્રોફેસર લેસ્લી સોયર્સનું બેન્ક એકાઉન્ટ કોઈ કારણ આપ્યાં વિના બંધ કરી દેવાયું છે. તેઓ નેટવેસ્ટ ગ્રૂપની સબસિડિયરી રોયલ બેન્ક ઓફ સ્કોટલેન્ડ (RBS)માં 32 વર્ષથી એકાઉન્ટ ધરાવતાં હતાં. પ્રોફેસર સોયર્સ અને તેમના પતિ એલાન મેક્કેનીને જણાવાયું હતું કે તેમનું હજારો પાઉન્ડ સાથેનું જોઈન્ટ એકાઉન્ટ ઓગસ્ટમાં બંધ કરી દેવાશે અને તેમણે નેટવેસ્ટ ગ્રૂપની બહાર બેન્કિંગ ગોઠવણ કરી લેવી પડશે. કોઈ કારણ આપવા કે તેના વિશે ચર્ચા કરવાની અશક્તિ પણ RBS દ્વારા જાહેર કરાઈ છે. તેમના પતિએ અન્ય બેન્કમાં ખાતું ખોલાવવા પૂછપરછ કરી તો જવાબ મળ્યો કે પ્રોફેસર સોયર્સના નામ સામે પ્રશ્નાર્થ મૂકી દેવાયો છે.
• ઊંટે કાઢ્યાં ઢેકા તો માણસે કર્યાં કાઠડાં!
દુનિયાભરના બજારોમાં ચાઈનીઝ માલસામાન જોવા મળે છે, ભલે તેની આવરદા ટુંકી હોય પરંતુ, વેચાણ જોરદાર હોય છે. ચીનના લોકો ચોરી કરવામાં ઉસ્તાદ હોય છે. તેઓ પારકી જમીનથી માંડી ટેકનોલોજીને પોતાની બનાવી દેવામાં જરા પણ નાનમ કે છોછ અનુભવતા નથી. થોડા સમય પહેલા જ ચાઈનીઝ જાસૂસી બલૂન અમેરિકાના આકાશમાં અને ખાસ કરીને તેની મિલિટરી સાઈટ્સ ઉપર ઘૂસી આવ્યું હતું અને અમેરિકાએ તેને તોડી પાડવામાં જરા પણ વિલંબ કર્યો નહિ. જોકે, આના મપહેલા તેણે આઠ દિવસનો પ્રવાસ કર્યો હતો અને કોઈ સેન્સિટીવ ડેટા ચીન મોકલ્યો હતો કે કેમ તેના વિશે હજુ અસમંજસ છે. આના પરિણામે, રાજદ્વારી કટોકટી સર્જાવાનો ભય પણ ઉભો થયો હતો. સામાસામા આક્ષેપો પછી બધુ શાંત તો પડી ગયું પરંતુ, બલૂનના કાટમાળનું વિશ્લેષણ કરવામાં આવ્યું ત્યારે જાણ થઈ કે આમાં તો અમેરિકન માલસામાન અને ટેકનોલોજીની સાથોસાથ વિશિષ્ટ ચાઈનીઝ સેન્સર્સ અને અન્ય ઉપકરણો વપરાયેલાં છે. આને જ કહેવાય ‘ઊંટે કાઢ્યાં ઢેકા તો માણસે કર્યાં કાઠડાં!’. અમેરિકા પોતાની ટેકનોલોજીને ગુપ્ત રાખે છે અને ખાસ મિત્રદેશો સિવાય કોઈને આપતું નથી. પરંતુ, ચીન ‘યેન કેન પ્રકારેણ’ તેને પ્રાપ્ત કરવામાં સફળ થઈ જાય છે.
• માણસો તો ઠીક મારા ભાઈ, બ્રિટનનો પશુપ્રેમ પણ પ્રશંસાને પાત્ર
બ્રિટિશ સામ્રાજ્યની મથરાવટી એટલી મેલી કે તેણે સંસ્થાનવાદના નામે અનેક દેશો પર જોહુકમી લાદી, ત્યાંના લોકો પાસે ગુલામી કરાવી અને રીતસરની લૂંટ પણ ચલાવી હતી. માનવીઓ પ્રત્યે બ્રિટનને કોઈ પ્રેમ ભલે ન હોય પરંતુ, પશુ કે પ્રાણીપ્રેમ પ્રશંસાને પાત્ર ગણી શકાય. નાનો ઝેરી સાપ (એડર્સ ), લાલ ખિસકોલી, શાહુડી (હેજહોગ) અને ભૂખરી સીલ (જળબિલાડી) સહિતની લુપ્ત થઈ રહેલી પ્રાણી પ્રજાતિઓને બચાવવા 25 મિલિયન પાઉન્ડની ફાળવણી કરી છે. આ ફંડમાંથી લુપ્ત થતી પ્રજાતિઓ માટે ખાસ વાતાવરણ સર્જવા ગ્રીન ગ્રૂપ્સ, નેશનલ પાર્ક્સ અને જમીનમાલિકોને 3 મિલિયન પાઉન્ડ સુધીની ગ્રાન્ટ આપવામાં આવશે. યુકેમાં 1979 પછી મહત્ત્વની પ્રજાતિઓની વસ્તીમાં 60 ટકાનો ઘટાડો થયો છે. આ ઉપરાંત,17 વર્ષમાં ઉડતાં જીવડાંની સંખ્યામાં પણ બે તૃતીઆંશ ઘટાડો થયો છે. બ્રિટિશ પતંગિયાંની અડધોઅડધ પ્રજાતિ લુપ્ત થવાના આરે ઉભી છે.
• મનમાં જ પરણ્યા અને મનમાં રાંડ્યા
નવા વિચારોને આવકાર મળે તે માટે ચર્ચા આવશ્યક ગણાય છે જેમાં બે અથવા વધુ પક્ષકારો પોતાના વિચારો રજૂ કરે, સમર્થન અથવા વિરોધમાં દલીલો કરે તે જરૂરી છે. યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓ મુક્ત વાણી અભિવ્યક્તિથી દૂર થઈ રહ્યા છે. આના માટે સોશિયલ મીડિયા તેમજ કેમ્પસમાં ધાકધમકી દ્વારા વિરોધી સૂરને કચડી નાખવાની માનસિકતાને પણ જવાબદાર માનવામાં આવે છે. હવે ડિબેટિંગ સોસાયટીઝમાં વિચારો રજૂ કરવાના બદલે સંખ્યાબંધ ટ્વીટ્સના તીરો છોડાય છે અને ખુલ્લા પત્રો લખાય છે. જેના પરિણામે વ્યાપક ચર્ચાને અવકાશ રહેતો નથી. આવી સ્થિતિને ‘મનમાં જ પરણ્યા અને મનમાં રાંડ્યા’ સાથે સરખાવી શકાય. તાજેતરમાં જ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં મિનિસ્ટર ક્લેર કૌટિન્હોએ યુનિવર્સિટી કેમ્પસમાં વાણી સ્વાતંત્ર્ય જોખમ હેઠળ હોવાનો ભય વ્યક્ત કર્યો હતો.
• ખોટા ઉચ્ચાર કરશો તો મોતની સજા!
આપણું ભારત વૈવિધ્યમાં એકતા ધરાવે છે અને એમ પણ કહેવાય છે કે બાર ગાઉએ બોલી બદલાય. જોકે, કેટલાક ભાષાકટ્ટર દેશો આવું વૈવિધ્ય ચલાવી લેતાં નથી. આમાંનો એક દેશ નોર્થ કોરિયા છે. મગની ફાડ જેવાં સાઉથ અને નોર્થ કોરિયા વચ્ચે એટલી દુશ્મની છે કે સાઉથ કોરિયન ખુશામતી ઉચ્ચારો અને હાવભાવનો ઉપયોગ કરનારા નોર્થ કોરિયન લોકોને મોતની સજાનો કાયદો અમલી બનાવાયો છે. કોમ્યુનિસ્ટ પડોશી નોર્થના લોકો દ્વારા વપરાતી ભાષામાં સાઉથ કોરિયાનો પ્રભાવ ખાળવા આ કઠોર ‘પ્યોંગયાન્ગ’ કલ્ચરલ લેન્ગ્વેજ પ્રોટેક્શન એક્ટ’ લવાયો છે જેનો હેતુ કોરિયન બોલીને પવિત્ર કરવાનો છે. આ કાયદો માન્ય નહિ કરાયેલા નવા વપરાશી શબ્દો, જાપાની શબ્દભંડોળ, સમજી ન શકાય તેવાં શબ્દો, ‘અનૈતિક ટુંકાક્ષરો’ તેમજ ખાસ કરીને અમેરિકાની ચાપલૂસી કરતી સાઉથ કોરિયન બોલચાલને પ્રતિબંધિત ઠરાવે છે.
• ‘શહેરી’ પત્ની પર ખેડૂત પતિનો હુમલો
ગ્રામ્ય અને શહેરી વર્ગ વચ્ચે સદીઓથી ગજગ્રાહ ચાલતો રહ્યો છે. આ વાત પણ શહેરી અને ખેડૂતની જ છે. ચેશાયરના તારાપોરલેના ફાર્મમાં 65 વર્ષીય એન્ડ્રયુ બેઈલી ઘેટાં ઉછેરે છે. ઘેટાંની પ્રજનન સીઝન ચાલી રહી હતી ત્યારે જ તેની 47 વર્ષીય પ્રાઈવેટ નર્સિંગ આસિસ્ટન્ટ પત્ની લેસ્લી કામકાજમાં મદદ કરાવવાના બદલે મિત્રો સાથે 2022માં રજાઓ માણવા ચાલી ગઈ હતી. રજા માણીને પાછી ફરેલી લેસ્લીએ ઘરના ફ્રિજમાં ખોરાક નહિ હોવાની પણ ફરિયાદ કરી નાખી. એન્ડ્રયુએ આવી ‘શહેરી’ પત્નીનાં માથા પર બિયર ઢોળીને ગુસ્સો ઉતાર્યો હતો. આ પછી તો તેમના ડાઈવોર્સ પણ થઈ ગયા પરંતુ, પત્ની સાથે હુમલાના ગેરવર્તાવ બદલ વોરિંગ્ટન મેજિસ્ટ્રેટ્સ દ્વારા હાલ લેન્કેશાયરમાં રહેતા એન્ડ્રયુ બેઈલીને 24 મહિનાનો કોમ્યુનિટી સેવાનો ઓર્ડર કરી કોર્ટ ખર્ચના 800 પાઉન્ડ ચૂકવવાનો આદેશ કર્યો છે.