તમે મહિલા સેલેબ્રિટીઝ અને વિશેષતઃ અભિનેત્રીઓ પર ધ્યાન આપ્યું હશે તો તેમની અતિશય કિંમતી બેગ્સ અવશ્ય નજરમાં આવી હશે. વિશ્વમાં હર્મેસ બિર્કિન બ્રાન્ડની બેગ્સ અતિશય કિંમતી ગણાય છે. બિર્કિન ખરેખર અભિનેત્રી અને ગાયિકા હતી જેનું નામ પરદો છોડ્યા પછી 1984માં બેગ્સની બ્રાન્ડ સાથે વણાઈ ગયું હતું.
ઘટના એવી બની હતી કે લક્ઝરી બ્રાન્ડના બોસ જીન-લૂઈ ડૂમાસ અને બિર્કિનનો પેરિસથી લંડન જતી ફ્લાઈટમાં સંજોગાવશાત મેળાપ થઈ ગયો હતો ત્યારે બિર્કિને કહ્યું હતું કે તેને મનપસંદ લેધર બેગ મળતી નથી. આના પરિણામે, હર્મેસ બિર્કિન લેધર બેગનું સર્જન થયું. વિશિષ્ટતા અને ઊંચી કિંમતના કારણે તે સ્ટેટસ સિમ્બોલ બની ગઈ. હર્મેસ દરેક સીઝનમાં નવી સાજસજ્જા સાથે બેગ લોન્ચ કરે છે અને ચોક્કસ મોડેલનો સપ્લાય પણ મર્યાદિત રાખે છે તેમજ કોને બેગ મળી શકે, કોને નહિ તેની શરતો પણ રાખે છે. આનાથી વિશાળ રીસેલ માર્કેટ ઉભુ થાય છે. આવી બેગ્સ રીટેઈલમાં ઓછામાં ઓછી 8,000 પાઉન્ડની કિંમતે વેચાય છે અને ઉપયોગમાં લેવાયેલા મટીરીઅલ્સને આધારિત કિંમત વધી પણ શકે છે. જોકે, આ ઘણું સારું ઈન્વેસ્ટમેન્ટ પણ ગણાય છે. વર્ષ 2020માં મગરની ચામડીમાંથી બનેલી અને ડાયમન્ડ્સ ટાંકેલી છ વર્ષ પહેલાની મનમોહક બેગના હોંગ કોંગમાં ક્રિસ્ટીઝ ખાતે 380,000 ડોલર ઉપજ્યા હતા. એક વાત ખાસ કહેવાની કે વિક્ટોરિયા બેકહામ પાસે હર્મેસ બેગ્સનું સૌથી મોટું, અંદાજિત 120 બેગ્સનું કલેક્શન હોવાનું કહેવાય છે.
• જેનેટ યેલેન મશરૂમ્સ ખાઈને લળી પડ્યાં!
થોડા સમય પહેલા વિશ્વના સૌથી મોટા અર્થતંત્રના રખેવાળ એટલે કે યુએસ ટ્રેઝરી સેક્રેટરી જેનેટ યેલેન તેમના મેક્રોઈકોનોમિક્સની માસ્ટરી નહિ પરંતુ, વિશિષ્ટ આહારના કારણે ચર્ચામાં આવી ગયાં હતાં. બેઈજિંગના સત્તાવાર પ્રવાસે ગયેલાં 76 વર્ષીય યેલેને વારંવાર નમી એટલે કે લળી લળીને તેમના ચાઈનીઝ સમકક્ષનું અભિવાદન કર્યું પણ સામા પક્ષે તો કોઈ જ પ્રતિભાવ આપ્યો નહિ. રાજકીય શિષ્ટાચારનો ભંગ થવા બદલ કારણ એવું અપાયું કે યેલેને બિલાડીના ટોપ તરીકે પણ ઓળખાતા મશરૂમ્સમાંથી બનેલી પરંપરાગત વાનગી ‘જિઆન શોઉ ક્વિંગ’ આરોગી હતી. કહેવાય છે એવું કે મશરૂમ્સ કદાચ આરોગ્યની દૃષ્ટિએ લાભકારી હશે પરંતુ, તેનાથી ભ્રમણાઓ સર્જાય છે જેની અસર બે- ત્રણ દિવસ રહે છે.
મજાની વાત એ છે કે હાલ ભાજપના પણ અગાઉ કોંગ્રેસના વિવાદસર્જક નેતા અલ્પેશ ઠાકોરે 2017માં ‘કહેતા ભી દિવાના ઔર સુનતા ભી દિવાના’ની માફક મશરૂમ્સ સાથે વડા પ્રધાન મોદીને સાંકળી કહ્યું હતું કે, ‘શ્યામવર્ણના મોદી તાઈવાનના મશરૂમ્સ ખાઈને ગોરા થયા છે. મોદી માટે તાઇવાનથી ખાસ મશરૂમ મંગાવાય છે અને તેઓ રોજના પાંચ મશરૂમ ખાય છે. એક મશરૂમની 80,000 રૂપિયાની કિંમત લેખે તેઓ એક મહિનામાં 120,00,000 રૂપિયાનાં મશરૂમ ખોરાકમાં લે છે એટલે તેમના ચહેરા પર લાલાશ જણાય છે.’
• દુબઈના લક્ઝરી હોમ્સ માર્કેટમાં રશિયનોનો દબદબો
વિશ્વની સૌથી ધનવાન વ્યક્તિઓ નાણાકીય સ્વર્ગ તરીકે દુબઈમાં રસ લઈ રહેલ છે. દુબઈમાં વૈભવી ઘરનું સૌથી મોટું માર્કેટ છે અને 2023ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 10 મિલિયન ડોલરથી વધુ કિંમતના ઘર ખરીદવામાં રશિયન ખરીદારો પ્રથમ ક્રમે રહ્યા છે. રશિયનોએ લક્ઝુરિયસ ઘર ખરીદવામાં ભારતીય, બ્રિટિશર અને ઈટાલિયન ઈન્વેસ્ટર્સને પાછળ પાડી દીધા છે. દુબઈમાં આ ગાળામાં કુલ 1.7 બિલિયન ડોલરના 92 સોદાની સરખામણીએ હોંગકોંગ (988 મિલિયન ડોલર, 67 સોદા), ન્યૂ યોર્ક (942 મિલિયન ડોલર, 58 સોદા) અને લંડનમાં (736 મિલિયન ડોલર, 36 સોદા) થયા હતા. પાંચ વર્ષના ગાળામાં દુબઈમાં 10 મિલિયન ડોલરથી વધુ કિંમતના ઘરની ખરીદી 17 ગણી વધી છે. ગયા વર્ષે પ્રથમ રહેલાં લંડનમાં 10 મિલિયન ડોલરથી વધુ કિંમતના 246 ઘર વેચાયાં હતાં જેની કુલ કિંમત 4.7 બિલિયન ડોલર હતી જ્યારે દુબઈમાં 3.9 બિલિયન ડોલરની કુલ કિંમત સાથે 224 વૈભવી ઘર વેચાયાં હતાં. યુક્રેનના યુદ્ધ પછી રશિયા પર લદાયેલા પ્રતિબંધો પછી ધનવાન રશિયન અને યુક્રેનિયનોએ દુબઈ તરફ દોડ લગાવી છે. યુક્રેનયુદ્ધ પછી યુએઈમાં રશિયનોની વસ્તી પાંચ ગણી વધીને 500,000 જેટલી થયાનો અંદાજ છે. 2022ના ત્રીજા ક્વાર્ટરના રિપોર્ટમાં દુબઈમાં પ્રોપર્ટી ખરીદવાની યાદીમાં રશિયનો પછી, યુકે, ભારત, જર્મની, ફ્રાન્સ, યુએસ, પાકિસ્તાન, લેબેનોન, કેનેડા અને રોમાનિયાના રોકાણકારો હતા. જોકે, 2022ના પ્રથમ 6 મહિનામાં ભારતીયો પ્રોપર્ટી ખરીદવામાં સૌથી આગળ હતા જેમના પછી, યુકે, ઈટાલી, રશિયા અને ફ્રાન્સના નાગરિકો હતા.
• ખાયા,પિયા કુછ નહિ, ગિલાસ તોડા બારા આના..
બ્રિટિશ સરકારના ઘણા પ્રયાસો છતાં ચેનલ દ્વારા આવતા એસાઈલમ સીકર્સના પ્રવાહને અટકાવી શકાતો નથી. આ વર્ષે 13,250થી વધુ માઈગ્રન્ટ્સે ચેનલ ઓળંગી હતી. સુનાક સરકારે મોટા ઉપાડે આ માઈગ્રન્ટ્સને રાખવા માટે બે ક્રુઝ શિપ્સ ભાડે રાખ્યા હતા પરંતુ, તેમના માલિકોને પરત કરી દેવાની ફરજ પડી છે કારણકે તેમને લાંગરવાની વ્યવસ્થા સરકાર કરી શકી નથી. બિર્કેનહીડ, ટેસ્સાઈડ અને એડિનબરા સહિતના પોર્ટ સત્તાવાળાએ આ ક્રુઝ શિપ્સ લાંગરવા દેવાનો ઈનકાર કર્યો હતો. જો આ શક્ય બન્યું હોત તો ઈતિહાસમાં પહેલી વખત બ્રિટનમાં હજારો એસાઈલમ સીકર્સ ક્રુઝ શિપ્સમાં વસાવી શકાયા હોત. ક્રુઝ શિપ્સ ભાડે રાખવાનું મૂળ કારણ તો એ હતું કે માઈગ્રન્ટ્સને હોટેલ્સમાં રાખવાનો રોજનો 6 મિલિયન પાઉન્ડનો ખર્ચ ભારે પડે છે. બિબી સ્ટોકહોમ શિપમાં 506 લોકોને રાખી શકાય તેમ હતા જેના પરિણામે તે હોટેલ કરતાં વધુ સસ્તું પડવાનું હતું.
• મોંઘવારી તો ભાઈ સહુને નડે પણ, સાવ આવું?
જીવનનિર્વાહની કટોકટી એટલે કે મોંઘવારી દરેક પરિવારને નડી રહી છે ત્યારે ઈન્ફ્લેશન એટલે કે ફૂગાવાનો અર્થ બધાને સમજાઈ ગયો છે. પહેલા પાઉન્ડ લઈને જતાં અને કોથળો ભરીને સામાન ઘેર લઈ આવતા હતા. હવે કોથળો પાઉન્ડ લઈને જઈએ તો થેલી સામાન લાવી શકાય છે. આટલું ઓછું હોય તેમ હવે શ્રિન્કફ્લેશનનો જમાનો આવી ગયો છે. વોશિંગ પાવડરથી માંડી કેટ ફૂડ અને છેવટે લેવેટરીના લૂ પેપર પણ શ્રિન્કફ્લેશનમાં આવી ગયા છે. મોંઘવારીના કારણે લોકોની ખરીદ ઓછી થઈ જાય તે બિઝનેસીસને પણ પોસાય નહિ એટલે નવું ગતકડું આવ્યું છે. વસ્તુની કિંમતમાં ફેરફાર નહિ કરવાનો પણ તેની સાઈઝમાં થોડી કાપકૂપી કરી નાખવાની એટલે સરવાળે નફો મળી જ રહે. બ્રિટનની સૌથી મોટી ટોઈલેટ પેપર બ્રાન્ડ એન્ડ્રેક્સની દરેક શીટની સાઈઝ ઘટાડી દેવાઈ છે એટલે કે તેની પહોળાઈ અને લંબાઈમાં કાપ મૂકી દેવાયો છે. ગ્રાહકને વધુ કિંમત આપવી ન પડે પરંતુ, સરવાળે તો તેને મોંઘું જ પડવાનું છે. અન્ય ઉત્પાદકો પણ આવા જ રસ્તા અપનાવી રહ્યા છે. ભારતમાં પણ ઘણા સમયથી આ ચાલી રહ્યું છે. પ્રોડક્ટસના વજનમાં 10-20 ગ્રામ ઘટાડી દેવાય તો પણ ઉત્પાદકને ખોટ જાય નહિ અને વપરાશકારને કિંમત નહિ વધ્યાની રાહત જણાય.