ચા ઉકાળવા માટેની કિટલી અને જીમમાં કેટલબેલ વચ્ચેના તફાવતે ડોક્ટરની તથાકથિત બેદરકારી વિરુદ્ધ બોડીબ્લ્ડરના 580,000 પાઉન્ડના દાવાને નુકસાનમાં ફેરવી નાખ્યો હતો. સીન મરફીએ દાવો કર્યો હતો કે રગ્બી રમવા દરમિયાન થયેલી ઈજા માટે બાઈસેપ-બાવડાના સ્નાયુના ઓપરેશનના લીધે તેઓ બોડીબિલ્ડરનું કામ કરી શકતા નથી, રગ્બીની સ્પર્ધામાં ઉતરી શકતા નથી, અરે, વસ્ત્રો પણ બરાબર પહેરી શકતા નથી. આ ખેલાડીએ કોર્ટને જણાવ્યું હતું કે તેમના હાથની હાલત એટલી ખરાબ થઈ છે કે તેઓ કિચનમાં ખાલી કિટલી પણ ઊંચકી શકતા નથી.
જોકે, ઓપરેશન પછી સોશિયલ મીડિયા પર કરાયેલી પોસ્ટે બાજી બગાડી નાખી હતી જેમાં સીન મરફી રગ્બી રમતા અને 20 કિ.ગ્રાના કેટલબેલ સહિત ભારે વજનિયાં સાથે કસરત કરતા દેખાયા હતા. હવે તેણે ઓછામાં ઓછાં 100,000 પાઉન્ડના કાનૂની ખર્ચનું બિલ ભોગવવું પડશે. કોર્ટના જજે પણ ટીપ્પણી કરવી પડી કે મરફીએ મોટો દલ્લો મેળવવા ઈરાદાપૂર્વક જુઠાણું આચર્યું હતું. હવે તેની સામે કોર્ટની અવમાનનાની કાર્યવાહી પણ ચાલવાની છે. આમ, મરફીભાઈ કંસાર કરવા ગયા પણ નસીબમાં થુલી જ રહી.
• પાકિસ્તાન એરલાઈન્સની માઠી દશા બેઠી!
પાકિસ્તાનની હાલત ખરેખર ખરાબ છે કારણકે ભ્રષ્ટાચાર અને કૌભાંડોના કારણે પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સ (PIA) પર યુકે સિવિલ એવિયેશન ઓથોરિટીએ પ્રતિબંધ લગાવી દીધો છે. એટલે તે યુકેમાથી પોતાની ફ્લાઈટ્સ ચલાવી શકશે નહિ. આના પરિણામે, લંડન હીથ્રો એરપોર્ટ પર તેને ફાળવાયેલા સાત લેન્ડિંગ સ્લોટ્સ અન્ય એરલાઈન્સને ઓક્ટોબર સુધી લીઝ પર આપવાની ફરજ પડી છે. PIAએ પોતાના લેન્ડિંગ સ્લોટ્સ વિયેતનામ એરલાઈન્સ અને કુવૈત એરલાઈન્સને છ મહિના માટે લીઝ પર આપ્યા છે. આમ કરીને તેણે સ્લોટ્સ પર પોતાનો હક ચાલુ રાખ્યો છે. PIAના પાઈલોટ્સના કૌભાંડો અને તેમના લાઈસન્સની ગરબડોના કારણે યુકે એવિયેશન ઓથોરિટીને 2020માં જ પ્રતિબંધ લાદી દીધો હતો. હવે પાકિસ્તાન આગામી ત્રણ મહિનામાં યુકે માટે પોતાની ફ્લાઈટ્સ શરૂ કરવા આશાવાદી છે. બીજી તરફ, પાકિસ્તાન તેના ઈસ્લામાબાદ, લાહોર અને કરાચી ઈન્ટરનેશનલ એરપોર્ટ્સ પરની કામગીરીના આઉટસોર્સિંગ થકી ફોરેન એક્સચેન્જ કમાવા માગે છે.
• ધારાશાસ્ત્રી વ્યસ્ત હોય પણ શાંતિપ્રિય ગ્રામવાસીઓનું શું?
હવામાં ઉડાઉડ કરતા લંડનના વ્યસ્ત વકીલો અને ગામડાંમાં વસતા શાંતિપ્રિય ગ્રામવાસીઓ વચ્ચે કોઈ લેણાદેણી હોઈ શકે નહિ પરંતુ, તકલીફો જરૂર સર્જાતી હોય છે. ક્રિમિનલ લો નિષ્ણાત માયુસ કારીઆ પોતાને અતિ વ્યસ્ત ધારાશાસ્ત્રી ગણાવે છે પરંતુ, હેમ્પશાયરના ડર્લીના રહેવાસીઓ આ સોલિસિટર-એડવોકેટ માટે મોટી અને ખરી-ખોટી નામાવલિ ધરાવે છે. કારીઆના છ બેડરૂમના 1.3 મિલિયન પાઉન્ડના ઘર ખાતે હેલિપેડ બંધાવી વારંવાર હેલિકોપ્ટર ઉતરતું રહે તેવી યોજનાથી મોટો વિવાદ સર્જાયો છે. આશરે 1,000ની વસ્તી ધરાવતા ગામમાં વકીલના પાડોશીઓએ તેમની શાંતિનો ભંગ થવા સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. વિન્ચેસ્ટર કાઉન્ટીએ વકીલના ઘરની પાછળ બગીચામાં મહિનામાં બે વખત અવરજવરના અંગત ઉપયોગ માટે જ હેલિપેડ બાંધવાની પરમિશન આપી છે પરંતુ, હવે વકીલે તેમના કેટલાક બિલિયોનેર અસીલોની સુવિધા સચવાઈ રહે તે માટે હેલિપેડના અનિયંત્રિત ઉપયોગ માટે અરજી કરી છે અને આમાંથી જ હેલિકોપ્ટર્સના ઘોંઘાટથી ગામડામાં શાંતિભંગ અને પશુધન પર થનારી અસરના મુદ્દે વિવાદ સર્જાયો છે.
• ફૂટબોલ મેચ જોતા પતિને હેરાન કરવા બદલે દંડ
ટેલિવિઝન પર મિત્રો સાથે ચેલ્સી વિરુદ્ધ માન્ચેસ્ટર યુનાઈટેડની ફૂટબોલની મેચનો આનંદ માણી રહેલા 60 વર્ષીય પતિ સ્ટીવ હિલીને ઘેર બોલાવવા વાંરવાર ફોન કર્યા પછી તેના મિત્રોને પણ ફોન કરતા રહી હેરાનગતિ કરનારી 59 વર્ષીય પત્ની જોઆન હિલીને વિરાલ મેજિસ્ટ્રેટ્સ કોર્ટે 12 મહિનાના કોમ્યુનિટી ઓર્ડર સાથે 80 પાઉન્ડનો દંડ પણ ફટકાર્યો હતો. આમ તો પતિઓ કહ્યાગરા કંથ હોય છે પરંતુ, સ્ટીવે સ્વાભાવિક રીતે જ પત્નીનાં ફોનકોલ્સ લીધા નહિ ત્યારે જોઆને પતિના મિત્રો અને તેમની પત્નીઓને પણ સ્ટીવ ક્યાં છે તેવી પૂછપછ કરવા બે કલાકમાં 59 વખત ફોન્સ કર્યા હતા અને એક મિત્રની પત્નીને અપશબ્દો પણ સંભળાવ્યાં હતાં. પોલીસે જોઆનની પૂછપરછ કરી ત્યારે જાણ થઈ કે આ ઘટના સમયે જોઆને દારૂનો ભારે નશો કર્યો હતો અને નશાની હાલતમાં જ પતિ અને પતિના મિત્રો અને તેમની પત્નીઓને ફોન્સ કર્યાં હતાં. હવે જોઆને 20 દિવસ રીહેબિલેટેટિવ એક્ટિવિટીમાં હાજરી આપવી પડશે અને 234 પાઉન્ડનો કાનૂની ખર્ચ અને વિક્ટિમ સરચાર્જ ભોગવવો પડશે.
• ઓનલાઈન સપોર્ટના પ્રતાપે ઓડિયન્સ હાઉસફૂલ
સોશિયલ મીડિયાનો પ્રભાવ કેટલો બધો કહેવાય કે પહેલા દિવસે ઓડિયન્સમાં માત્ર એક વ્યક્તિ શો જોવા આવી હતી પરંતુ, બીજા દિવસે આખો શો હાઉસ ફૂલ થઈ ગયો. એડિનબરાની પરફોર્મર જ્યોર્જી ગ્રીઅરે એકપાત્રી અભિનય સાથે શો કર્યો હતો પરંતુ, શોમાં માત્ર એક ટિકિટ જ વેચાઈ તેનો એટલો આઘાત લાગ્યો કે ટ્વીટર પર આંસુભરેલા ફોટા સાથે પોસ્ટ મૂકી દીધી. અને કમાલ થઈ ગઈ. તેની આ પોસ્ટ વાંચી કોમેડિયન જેસોન મેનફોર્ડે વીડિયો મેસેજ મોકલી તેને સધિયારો આપ્યો કે તેને પણ આવો જ અનુભવ થયેલો છે, આ તો શરૂઆત છે માટે ચિંતા કરવી નહિ. આવતી કાલ અને આવતું સપ્તાહ સારાં જ રહેશે. અન્ય જાણીતા લોકોએ પણ પ્રોત્સાહક સંદેશા મૂક્યા. લેખક અને ટાઈમ્સના કોલમિસ્ટ ડેનિયલ ફિન્કેલસ્ટેઈને પોતાનો અનુભવ લખ્યો કે સ્પીચ આપવા ચાર કલાકનો પ્રવાસ ખેડી નોરવિચ પહોંચ્યા ત્યારે તેમની સ્પીચ સાંભળવા માત્ર બે વ્યક્તિ હાજર હતી. આ સંદેશાઓનો પ્રભાવ એટલો વ્યાપક રહ્યો કે માત્ર 24 કલાકમાં જ તેના બીજા શોની તમામ ટિકિટો વેચાઈ ગઈ!
• દમ વગરનો દાવોઃ હાથના કર્યા હૈયે વાગ્યા
એક શાંતિપૂર્ણ ગામ સરે હિલ્સને ‘રણમેદાન’માં ફેરવી નાખનારા વિવાદમાં મલ્ટિમિલિયોનેર દંપતીને તેમના કાનૂની દાવામાં કોર્ટનો આદેશ હાંસલ કરવાના પ્રયાસમાં નિષ્ફળતા મળતા 200,000 પાઉન્ડનું કાનૂની બિલ ભોગવવાનો વારો આવ્યો છે એટલે કે હાથના કર્યા હૈયે વાગ્યા છે. પ્રોપર્ટી ટાયકૂન માર્ક રેન્ડોલ્ફ ડાયર અને તેમની પત્ની ક્લેરનો દાવો હતો કે તેમના ચાર પાડાશી તેમને ભારે હેરાન કરી જીવવાનું હરામ કરી રહ્યા છે, તેમના 2.6 મિલિયન પાઉન્ડના ઘરની ફેન્સને આગ લગાવી ભારે નુકસાન કર્યું છે માટે 1.3 મિલિયન પાઉન્ડની નુકસાની રકમ તેમની પાસેથી વસૂલવામાં આવે. ડાયર દંપતીની પ્લાનિંગ અરજીઓનો આ પાડોશીઓ સતત વિરોધ કરતા આવ્યા છે. જોકે, કોર્ટના આદેશની વિનંતી લંડન હાઈ કોર્ટે ગત મહિને ફગાવી દીધા પછી જજ ડેક્સ્ટર ડિઆસ Kcએ ચુકાદો આપ્યો છે કે આ દાવાઅરજીમાં કોઈ દમ નથી અને ખામીપૂર્ણ છે, તેને કોર્ટમાં લાવવી જ ન જોઈએ. જજે બે દિવસની સુનાવણીના કાનૂની ખર્ચ તરીકે ચાર પાડોશીને 200,000 પાઉન્ડ ચૂકવી આપવા ડાયર દંપતીને આદેશ કર્યો છે.