વેલ્સના ભાષાપ્રેમી નિવૃત્ત શિક્ષક ટોની શિયાવોનેએ ત્રણ વર્ષ અગાઉ આદરેલા કાનૂનીયુદ્ધમાં વિજય મેળવી જાણે ઈતિહાસ રચી દીધો છે.શિયાવોનેને કાર પાર્કના ઉપયોગ બદલ 60 પાઉન્ડનો દંડ કરાયો હતો જે ચૂકવવા ઈનકાર કરી તેમણે કહ્યું હતું કે પાર્કિગ ટિકિટની ભાષા ઈંગ્લિશ છે. તેમણે તમામ પત્રવ્યવહાર વેલ્શ ભાષામાં કરાય નહિ ત્યાં સુધી દંડ નહિ ચૂકવવાની જિદ પકડી હતી. પાર્કિંગ કંપનીએ કોર્ટમાં કેસ કર્યો ત્યારે કાનૂની પ્રતિનિધિની ગેરહાજરી દર્શાવી સિવિલ કોર્ટે કેસ કાઢી નાખ્યો હતો. અપીલ કોર્ટમાં ડેપ્યુટી ડ્સ્ટ્રિક્ટ જજે કંપનીએ અપીલ કરવામાં ભારે વિલંબ કર્યો હોવાનું જણાવી શિયાવોનેની તરફેણમાં ચુકાદો આપી કહ્યું હતું કે કંપનીએ વેલ્શ ભાષા બોલનારાઓના અધિકારોનું અપમાન કર્યું છે. તેમણે શિયાવોનેનો ટ્રાવેલ ખર્ચ ચૂકવી આપવા કંપનીને આદેશ કર્યો હતો જે તેણે કેન્સર રિસર્ચ વેલ્સ ચેરિટીને દાનમાં આપ્યો હતો. કંપનીએ ઈંગ્લિશમાંથી વેલ્શ ભાષામાં અનુવાદ કરી મોકલ્યો હોત તો પણ તેના કાઉન્સેલના ટ્રાવેલિંગ ખર્ચ કરતાં ઓછો ખર્ચ થયો હોત.
• સ્મોકર્સ વેપિંગ તરફ વળે તો NHSને બચત
ઈંગ્લેન્ડમાં વયસ્ક વસ્તીના 13.6 ટકા લોકો એટેલે કે લગભગ 6મિલિયનથી વધુ લોકો તમાકુનું ધૂમ્રપાન કરે છે જે અકાળે મોતનું સૌથી મોટું કારણ છે. ધૂમ્રપાનના કારણે આશરે 506,000 લોકો હોસ્પિટલમાં દાખલ થાય છે અને 74,600 લોકો મોતને શરણ થાય છે. આના કારણે આશરે 2. બિલિયન પાઉન્ડનો બોજો પડે છે. સરકારની નવી નીતિ લોકોને વેપિંગ તરફ વાળવાની છે. આ યોજનામાં એક મિલિયન સ્મોકર્સને તમાકુ છોડવામાં મદદ મળે તે માટે ‘વેપ કિટ્સ’ ઓફર કરાશે. જો ઈંગ્લેન્ડના અડધોઅડધ સ્મોકર્સ પણ વેપિંગ તરફ વળે તો NHSને વાર્ષિક 500 મિલિયન પાઉન્ડની બચત થઈ શકે છે. બ્રૂનેલ યુનિવર્સિટીનીા સંશોધન મુજબ જો ધૂમ્રપાન કરનારાઓ ઈ-સિગારેટ તરફ વાળી શકાય તો તમાકુવાળી સિગારેટ્સના કેન્સર કરનારા રસાયણો સાથે સપર્ક ટળવાથી સ્મોકિંગ સંબંધિત રોગમાં 70 ટકાનો ઘટાડો થઈ શકશે. બ્રિટિશ જર્નલ ઓફ હેલ્થકેર મેનેજમેન્ટમાં પ્રકાશિત અભ્યાસ અનુસાર જો 50 ટકા સ્મોકર્સને ઈ-સિગારેટ તરફ વાળી શકાય તો હોસ્પિટલ એડમિશન્સ 13 ટકા ઘટી જાય અને પરિણામે, NHSને વાર્ષિક 518 મિલિયન પાઉન્ડની બચત થઈ શકે છે. આની સાથોસાથ, કેન્સર, હાર્ટ એટેક, સ્ટ્રોક, ક્રોનિક બ્રોન્કાઈટિસ અને એમ્ફીસેમા જેવાં રોગોનું જોખમ પણ ઘટી શકે છે.
• શિક્ષકે રાક્ષસને પણ શરમાવે તેવાં કૃત્યો આચર્યા
આપણા સમાજમાં ગુરુ એટલે કે શિક્ષકને દેવનો દરજ્જો અપાયો છે પરંતુ, ઘણા શિક્ષકો રાક્ષસને પણ શરમાવે તેવાં કૃત્યો આચરે ત્યારે સમાજને નીચાજોણું થાય છે. પ્રિન્સ જ્યોર્જ અને પ્રિન્સેસ શાર્લોટની પ્રાઈમરી સ્કૂલના પૂર્વ બ્રિટિશ ડેપ્યુટી હેડ ટીચર મેથ્યૂ સ્મિથે શાળાના બાળકોને તેમની અશ્લીલ તસવીરો અને વીડિયો મોકલી આપવા સામે નાણા ચૂકવવાની ઓફર કરી હતી. સાઉથ લંડનના ઇસ્ટ ડલવિચના 35 વર્ષીય મેથ્યૂ સ્મિથ ભારતના કિશોર સાથે આવી વાતો કરતા રંગે હાથ ઝડપી લેવાયો હતો. તેણે ભારતીય ટીનેજરને શાળાની ફી ભરવા પાઉન્ડ ચૂકવ્યા હતા. નેપાળના કાઠમંડુની બ્રિટિશ સ્કૂલમાં સ્મિથે પાંચ વર્ષ કામ કર્યું ત્યારે પણ બાળકોનું શોષણ કર્યું હતું. સ્મિથના લેપ ટોપ પર બાળકોની અશ્લીલ તસવીરો મળી આવી હતી જેને તે ડાર્ક વેબ પર શેર કરતો હતો. સધર્ક ક્રાઉન કોર્ટે 22 આરોપની કબૂલાત કરનારા સ્મિથને 12 વર્ષની જેલની સજા ફરમાવી હતી.
• પ્રેમને ખાતર હવે લોન પણ ચૂકવવી રહી!
કોઈને ગમે તેટલો પ્રેમ કરતા હો પરંતુ, દસ્તાવેજોમાં અને ખાસ કરીને લોનપેપર્સમાં વાંચ્યા વિના સહી કરવી નહિ. લંડનમાં રહેતાં શિઆઓમિન ઝાંગે માત્ર પ્રેમને ખાતર અને પત્નીની ફરજના ભાગરૂપે પતિ ઝેનશિન ઝાંગના કહેવાથી તેમના બિઝનેસની 50 મિલિયન પાઉન્ડ (500 મિલિયન હોંગકોંગ ડોલર)ના લોન ગેરંટી એગ્રીમેન્ટ પર સહી કરી આપી હતી અને હવે લંડન હાઈ કોર્ટે તે રકમ ચૂકવી આપવા આદેશ કર્યો છે. જોવાની વાત તો એ છે કે મિસિસ ઝાંગ તે સમયે સ્પેનમાં રજા ગાળી રહી હતી અને પતિએ તેને સહી કરવાં દસ્તાવેજનું આખરી ફેક્સ કરી મોકલ્યુ હતું. ઝાંગે માત્ર છેલ્લાં પાના પર નજર ફેરવી સહી કરી નાખી હતી. પતિનુ 2019માં મોત થયું અને તેની કંપની લોન પરત ચૂકવવામાં નિષ્ફળ રહી હતી. હાઈ કોર્ટના જસ્ટિસ બ્રાઈટે કહ્યું કે તેઓ પત્નીના પ્રેમની દલીલને સ્વીકારે છે પરંતુ, યુકે કન્ઝ્યુમર કાયદા હેઠળ તેને રક્ષણ મળી શકે નહિ અને તે દેવાંની ચૂકવણીને પાત્ર છે.
• માતાની વિનંતી કાઉન્સિલના બહેરા કાને અથડાઈ
ફૂગ અને ભેજથી છવાયેલું મકાન બદલી આપવા 56 વર્ષીય પેટ્રિશિયા બ્રૂક્સે કરેલી વિનંતી ઓલ્ધામ કાઉન્સિલના બહેરા કાને અથડાઈ જેના પરિણામે તેમના 27 વર્ષીય પુત્ર લ્યૂક બ્રૂક્સનું ગયા વર્ષે ઓક્ટોબરમાં ન્યુમોનિયાથી મોત થયું હોવાની શંકા ઉઠાવાઈ હતી. રોચડેલ કોરોનર્સ કોર્ટમાં ચાલેલી ઈન્ક્વેસ્ટમાં માતા પેટ્સીએ પોતાનું દુઃખ વ્યક્ત કરતા કહ્યું હતું કે જો તેમને મકાન બદલી અપાયું હોત તો પુત્રને ગુમાવવો પડ્યો ન હોત. પુત્રના મોતના સપ્તાહો પહેલાં તેમણે કાઉન્સિલને ખાનગી મકાનમાલિકના ઘરમાં પાણીના ભારે લીકેજ અને ફૂગ વિશે જાણકારી આપી નવું ઘર ફાળવવાં વિનંતી કરી હતી. બીજી તરફ, મકાનમાલિકે સમારકામ કરાવવાનો ઈનકાર કર્યો હતો. પેટ્રિશિયા બ્રૂક્સે પર્યાવરણીય હેલ્થ વર્કર અને ઓફિસરને પણ જાણ કરી હતી જેમણે ફરિયાદને ગંભીરતાથી લીધી નહિ. જોકે, સીનિયર કોરોનર જોઆન કીઅર્સ્લેએ લ્યૂક બ્રૂક્સના મોતમાં ભેજવાળા મકાનની કોઈ ભૂમિકા નહિ હોવાનું સ્પષ્ટ કરવા સાથે સ્વીકાર્યું હતું કે ફૂગના કારણે તેને ન્યુમોનિયા થવાથી મૃત્યુ થયું હતું.
• અક્ષમ પત્નીનાં કેરર સાથે રંગરેલિયાનો પ્રયાસ ભારે પડ્યો
પાપ તો છાપરે ચડીને પોકારતું જ હોય છે. અક્ષમ પત્નીની સારસંભાળ લેનારી મહિલા કેરિસ બોન સાથે છાનગપતિયા કરવાનો પ્રયાસ બર્મિંગહામંના 73 વર્ષીય પૂર્વ લેબર કાઉન્સિલર માઈક રાઈસને ભારે પડ્યો છે. એમ્પ્લોયમેન્ટ ટ્રિબ્યુનલે જાતીય હેરાનગતિ બદલ કેરિસને 7,000 પાઉન્ડનું વળતર ચૂકવી આપવા પૂર્વ કાઉન્સિલરને આદેશ કર્યો છે. રાઈસ સામે કેસ કરી કેરિસે કહ્યું હતું કે તેણે શરાબના નશામાં પ્સ્તાવ મૂક્યો હતો. રાઈસની પત્ની સુસાન્ના પૂર્વ કાઉન્સિલર અને NHS ડાયરેક્ટર હતી જેને બ્રેઈન વિકૃતિ હતી અને ચાલી કે વાત કરી શકતી ન હતી. 40 વર્ષીય બોનને સુસાન્નાની કાળજી રાખવા નોકરીએ રખાઈ હતી. રાઈસ તરફથી સેક્સ્યુઅલ હેરાનગતિ વધી જતા કેરિસે નોકરી છોડી રાઈસ દંપતીની કંપની સામે જાતીય ભેદભાવ અને હેરાનગતિ બાબતે કાનૂની કાર્યવાહી કરી હતી. રાઈસના કારણે તેની માનસિક હાલત ખરાબ થઈ હોવાનું પણ કેરિસે કહ્યું હતું.
• મહિલા ફાયરફાઈટર્સ સાથે અયોગ્ય વ્યવહાર
આપણે વાતો ભલે સ્ત્રીદાક્ષિણ્ય કે સન્માન અથવા સશક્તિકરણની કરતા હોઈએ પરંતુ, પુરુષપ્રધાન સમાજનું મગજ સદીઓ વીતી ગયાં પછી પણ આદિમ જ રહ્યું છે. ગમે ત્યારે ધરબાયેલી વૃત્તિ બહાર આવી જાય છે. કેન્ટ ફાયર એન્ડ રેસ્ક્યુ સર્વિસમાં કેટલીક મહિલા ફાયરફાઈટર્સને ફાયર સ્ટેશન્સમાં તેમના ફાયર કિટ્સ પહેરવા અગાઉ પુરુષ સહકર્મચારીઓ અને જાહેર જનતાની સમક્ષ જ અંડરવિયર સુધી વસ્ત્રો કાઢવાની ફરજ પડાય છે. ફાયર બ્રિગેડ્સ યુનિયન દ્વારા આવી પ્રેક્ટિસનો સખત વિરોધ કરાયો છે. યુનિયને આ વિરોધપત્ર હિઝ મેજેસ્ટીઝ ઈન્સ્પેક્ટોરેટ ઓફ કોન્સ્ટેબ્યુલરી અને ફાયર એન્ડ રેસ્ક્યુ સર્વિસને પાઠવ્યો છે. આવી પદ્ધતિ અન્ય કોઈ સ્થળે ચાલતી નથી અને સામાન્ય રીતે કાર્યસ્થળે કોટનના વસ્ત્રો પહેરેલા હોય તેના ઉપર જ ફાયર કિટ્સ પહેરી લેવાય છે. ખરેખર તો મહિલાઓ માટે વસ્ત્રો બદલવાની અન્ય વ્યવસ્થા હોવી જરૂરી છે જેથી તેમની પ્રાઈવસી જળવાઈ રહે.
• દવા ઉત્પાદક કંપનીઓને તો ફાયદો જ ફાયદો
ઓવર ધ કાઉન્ટર મેડિસીન્સનો ઉપયોગ વધારવામાં આવે તો NHSને જીપી એપોઈન્ટમેન્ટ્સમાંથી મુક્તિ સાથે વર્ષે 1.4 બિલિયન પાઉન્ડની બચત થઈ શકે છે તેમ દવા ઉત્પાદકો કહી રહ્યા છે. હેફીવર, દાઝવાની નાની ઈજા, ડાયેરિયા અથવા છાતી-હૃદયમાં બળતરા જેવી સામાન્ય બીમારીઓમાં ફાર્માસિસ્ટ્સ સાથે લક્ષણો-ફરિયાદોની ચર્ચા કરી લેવાય તો ડોક્ટરની મુલાકાત લેવાની જરૂર પડશે નહિ. ઓવર ધ કાઉન્ટર મેડિસીન્સની ઉત્પાદક કંપનીઓની પ્રતિનિધિ PAGB દ્વારા પ્રીસ્ક્રીપ્શન્સ વિના જ મેળવી શકાય તેવી દવાઓનું રીક્લાસિફિકેશન કરી તેમાં વધુ દવાઓ ઉમેરવા રેગ્યુલેટર્સ સમક્ષ માગણી મૂકાઈ છે. હાલ પેઈનકિલર્સ, હોર્મોન રિપ્લેસમેન્ટ થેરાપી ઈરેક્ટાઈલ ડિસ્ફંક્શન સહિત કેટલીક સામાન્ય દવાઓનાં પ્રીસ્ક્રીપ્શન્સ લખાય છે પરંતુ, ફાર્મસીઝમાં તે સહેલાઈથી મળી જાય છે. તમામ પ્રીસ્ક્રાઈબ્ડ દવાઓની 10 ટકા જેટલી દવા ફાર્માસિસ્ટ સાથે સલાહ મસલત કરી ઓવર ધ કાઉન્ટર મેળવી શકાય તેમ છે. હકીકત તો એ છે કે NHSને ભારે બચતની વાતની પાછળ દવા ઉત્પાદક કંપનીઓ પોતાનો જ ફાયદો વિચારી રહી છે કારણકે જેટલી વધુ દવાઓ પ્રીસ્ક્રીપ્શન્સ વિના આપી શકાય તેટલો તેમનો ફાયદો વધે તેમ છે.