કોઈ પણ દેશના ટુરિસ્ટ વિદેશમાં પોતાના દેશના પ્રતિનિધિ સમાન હોય છે. તેઓ દેશની શાન વધારે છે તો ઘણી વખત છબી બગાડે પણ છે. આલ્બેનિયાના પ્રવાસે ગયેલા ઈટાલીના ચાર પર્યટકોના જૂથે રેસ્ટોરાંમાં જમ્યા પછી 80 યુરો (68 પાઉન્ડ) બિલ નહિ ચૂકવીને પોતાના દેશની આબરુના ધજાગરા કર્યા હોવાની ઘટના બહાર આવી છે. આલ્બેનિયાના ઐતિહાસિક નગર બેરાતની આ ઘટના ક્યારે થઈ છે જે સ્પષ્ટ નથી પરંતુ, ત્યાંની રેસ્ટોરાંએ સોશિયલ મીડિયામાં આ ઘટનાને ચગાવી હતી. આનો પ્રભાવ બંને દેશમાં એટલો પડ્યો કે આલ્બેનિયાના પ્રાઈમ મિનિસ્ટર એડી રામાએ આલ્બેનિયાની મુલાકાતે આવેલાં ઈટાલીના વડા પ્રધાન જીઓર્જીઆ મેલોની સમક્ષ આ મુદ્દો ઉખેળ્યો હતો. વડા પ્રધાન મેલોનીએ દેશની આબરુ બચાવવા તત્કાળ ઈટાલીની એમ્બેસીને આ બિલ ચૂકવવા ફરમાન કર્યું હતું.
જોકે, તેમણે એક વાત સાચી કરી કે ઈટાલિયન્સ નિયમોનો આદર કરે છે અને તેમના દેવાં ચૂકવી દે છે. જોકે, કહેવત એવી છે કે ‘એક મછલી સારે તાલાબ કો ગંદા કર દેતી હૈ’. રેસ્ટોરાંના માલિકે પણ સ્પષ્ટતા કરી છે કે તેમને ત્યાં જમ્યા પછી બિલ ન ચૂકવાયું હોય તેવું પહેલા કદી બન્યું નથી.
• ચોરના દિલમાં રામ વસ્યાઃ ચોરાયેલી 700,000 મધમાખી પાછી મળી!
ચોરાયેલી વસ્તુ પાછી મળે એ નસીબની વાત છે અને તેમાં પણ 700,000 મધમાખી સાથેના 14 મધપૂડા પાછા મળે અને તે પણ બે સપ્તાહ પછી એ તો ચોરના દિલમાં રામ વસ્યા કહેવાય! કાર્ડિફની બહાર વેસ્ટ કોસ્ટ એપિઅરીઝની માલિકીના 14 મધપૂડા 28થી 31 જુલાઈની વચ્ચે ચોરાઈ ગયા હતા. સામાન્યપણે એક મધપૂડામાં 50,000થી 60,000 જેટલી મધમાખી હોય છે. જોકે, પોલીસને કોઈએ માહિતી આપી દીધા પછી ચોરી થયાના બે સપ્તાહે આ મધપૂડા સાજીસમી હાલતમાં ઘટનાસ્થળથી ત્રણ માઈલ દૂર મળી આવ્યા હતા. જો મધપૂડા પાછા ન મળ્યા હોત તો કંપનીને 9000થી 11,000 પાઉન્ડનું નુકસાન થયું હોત. કંપનીના માલિકોને પણ મધપૂડા પાછા મળવાથી ચમત્કાર થયાના આશ્ચર્ય સાથે આનંદ થયો છે. આ મધપૂડામાંથી હવે મધ ખેંચી લેવામાં નહિ આવે પરંતુ, મધમાખીઓની કાળજી લેવાશે. જોકે, બ્રિટિશ બીકીપર્સ એસોસિયેશનના જણાવ્યા મુજબ આ ચોરીને જે નેશનલ પ્રસિદ્ધિ સાંપડી હતી તેને નજરમાં રાખતા ચોરાયેલા મધપૂડાને સાચવવા ભારે મુશ્કેલ લાગ્યા હશે.
• બ્રિટિશ એરવેઝમાં બેગ્સ ખોવાય તે સામાન્ય!
ઈંગ્લિશ ક્રિકેટ કેપ્ટન બેન સ્ટોક્સ, એક્ટર બેરી કેઓઘન, કોલીન રુની, વેલ્શ ઓપેરો સિંગર કેથેરાઈન જેન્કિન્સ, સુપર મોડેલ્સ નાઓમી કેમ્પબેલ અને કિમ કાર્ડેશીઆન... આ બધામાં તમને સામ્ય શું લાગે છે? આ તમામ અને અન્યો પણ બ્રિટિશ એરવેઝની કામગીરીથી ત્રસ્ત સેલેબ્રિટીઝ છે જેમના લગેજ કોઈ ને કોઈ સમયે ખોવાયાં છે અથવા ગેરવલ્લે ગયા છે. સામાન્યપણે લોકો લગેજની ચિંતા કર્યા વિના વિમાનમાં બેસી જાય તેવા દિવસો હવે રહ્યાં નથી અને બેન સ્ટોક્સને પણ તાજેતરમાં તેનો અનુભવ થઈ ગયો હતો. સ્ટોક્સે તેનું લગેજ નહિ મળ્યાની ફરિયાદ ટ્વીટર પર કરી તેની સાથે જ બ્રિટિશ એરવેઝના સત્તાવાળાઓએ માફી માગી લીધી પરંતુ, લાંબા સમય સુધી તેની બેગ મળી ન હતી. બ્રિટિશ એરવેઝને કદાચ એમ હશે કે માફી માગવા સાથે તેમની ફરજ પૂરી થઈ જાય છે. પરંતુ, આંતરરાષ્ટ્રીય આંકડા એમ કહે છે કે પ્રવાસીઓની સંખ્યામાં સમગ્રતયા એક બિલિયનથી વધુ ઘટાડો થયો હોવાં છતાં, એરલાઈન્સ થકી ગેરવલ્લે જતાં સામાન કે બેગ્સની સંખ્યા વધીને 26 મિલિયન થઈ ગઈ છે. 2022માં પ્રતિ 1000 પ્રવાસીએ 7.60 બેગ્સ ખોવાઈ હતી જે આંકડો 2021માં પ્રતિ 1000 પ્રવાસીએ 4.35 બેગ્સનો હતો.
• ટ્રાફિક વ્યવસ્થા હવે રોબોટ હસ્તક
માનવવસ્તી વધવાની સાથોસાથ ટ્રાફિક પણ વધતો જાય છે ત્યારે ટ્રાફિકની વ્યવસ્થા જાળવી રાખવી મુશ્કેલ બને છે. આ સંજોગોમાં રોબોટ્સ ટ્રાફિક વોર્ડન્સની મદદે આવ્યા છે જેઓ મુશ્કેલી ઉભી કરનાર કાર કે કોઈ પણ વાહનને ખસેડી રોડ ક્લીયર કરી આપે છે. લિવરપૂલમાં લોકોને ફોર્ક-લિફ્ટ અને નાની ટાંકીના સંયોજન જેવું મશીન ડિસેબલ્ડ પાર્કિંગ સ્પેસમાં પાર્ક કરાયેલી વોલ્વો ટ્રકને ખસેડી રહ્યું હોવાનું જોઈને મોજ આવી ગઈ હતી. ફ્રેન્ચ બનાવટનો રોબોટ ઈસ્ટ્રેક્ટ (Eastract) 2.5 ટનનું વજન ઊંચકી શકે છે. આ રોબોટ કારની નીચે ફોર્ક સરકાવીને રીકવરી વાહન પર ચડાવી દેવામાં કુશળ છે. અકસ્માતમાં ફસાયેલી કારને પણ ખસેડી શકે તેવા આ યંત્રમાનવની વર્તમાન કિંમત 75,000 પાઉન્ડ છે અને તેનાથી કાર કે ટ્રકની ચેસીસને નહિવત્ નુકસાન થતું હોવાથી ભારે ડિમાન્ડમાં છે.
• હસે તેનું ઘર વસે અને રોગમુક્ત રહે
કોઈ પણ માણસનું હાસ્ય ચેપી હોય છે અને તે ભલભલાને હાસ્યનો ચેપ લગાડી શકે છે. કહેવત હસવામાં ખસવું થવાની હોય પરંતુ, ખરેખર તો હાસ્ય દિલદિમાગ અને આત્માને ખુશ રાખે છે. ‘લાફ્ટર થેરાપી’ હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ ઘટાડે છે કે કેમ તેના વિશે બ્રાઝિલમાં પ્રથમ ક્લિનિકલ ટ્રાયલ થઈ હતી. કોઈને કોમેડી કરતા નિહાળીએ તો આપણને પણ કોમેડી કરવાની ઈચ્છા થઈ જાય છે. આથી જ ચાર્લી ચેપ્લિન અને તેના હાસ્યને આજે પણ લોકો યાદ કરે છે. તમે અરીસા સામે ઉભા રહીને અવનવા ચેનચાળા થકી હસી શકો છો. જોકે, મિત્રો અને પરિવાર અને બાળકો સાથે મુક્તમને હસવાથી બધાને ફાયદો થાય છે. નેધરલેન્ડ્ઝમાં ડોક્ટરોની કોન્ફરન્સમાં જણાવાયું હતું કે હૃદયરોગના પેશન્ટ્સને સપ્તાહમાં ઓછામાં ઓછાં બે વખત સારી રીતે હસવાનું પ્રોત્સાહન આપવું જોઈએ. બ્રિટનમાં NHS 7.6 મિલિયન દર્દીને લાફ્ટર થેરાપી કે કોમેડી નાઈટ્સની સારવાર ઓફર કરી શકે છે.ખરેખર તો એવું કહેવાય છે કે પેટમાં દુઃખવા લાગે ત્યાં સુધી હસવું જોઈએ. હસવાથી ઓક્સિજન પમ્પ કરવાની હૃદયની ક્ષમતા વધે છે. હસવાથી ‘હેપ્પી હોર્મોન’ એન્ડોર્ફિન્સનો સ્રાવ વધે છે અને તેનાથી સોજા કે દાહ અને બ્લડ પ્રેશર ઘટે છે. જો હસવાથી આટલા બધા લાભ મળતા હોય તો ઘર બરાબર વસે તેમાં કોઈ શંકા ખરી?
• માઈગ્રન્ટ્સની હેરાફેરીનો શું ભાવ ચાલે?
હંગેરીના વડા પ્રધાન વિક્ટર ઓરબાનની માઈગ્રેશન બિલ મુદ્દે ઈયુ સાથે ઠેરી જતા તેમણે 800થી વધુ વિદેશી માનવ તસ્કરોને જેલમાંથી છોડી દીધા છે. આના પરિણામે, આસપાસના ઓસ્ટ્રિયા સહિત પૂર્વ યુરોપના દેશોની ઊંઘ હરામ થઈ ગઈ છે કારણકે આ તસ્કરો મુખ્યત્વે માઈગ્રન્ટ્સની હેરાફેરી કરતા હોય છે. હજુ વધુ 1500 માનવ તસ્કરોને પણ છોડી મૂકવાના છે. આને જ કહેવાય ‘પેટનો બળ્યો ગામ બાળે’. સામાન્ય રીતે તો આ કેદીઓને તેમના સ્વદેશ મોકલી આપવાના રહે છે પરંતુ, હંગેરી આમ કરવાનું નથી અને મોટા ભાગના હ્યુમન સ્મગલર્સ તેમના જૂના પુરાણા ‘શું ભાવ ચાલે છે’ની સ્ટાઈલમાં કામ કરતા થઈ જશે તે નિશ્ચિત છે. એસાઈલમ સીકર્સ અને ગેરકાયદે માઈગ્રન્ટ્સને બ્રિટન, જર્મની અને અન્ય દેશોમાં પહોંચવા ગ્રીસ અને બલ્ગેરિયાથી પશ્ચિમ યુરોપ સુધીનો જમીનમાર્ગ સૌથી વ્યસ્ત રહે છે. હંગેરીએ એસાઈલમ સીકર્સને અરજીઓ કરવા સર્બિયા અને યુક્રેન મોકલવાનો પ્રયાસ કર્યો જેનો ઈયુએ જોરદાર વિરોધ કર્યો હતો. આની સામે, હંગેરીએ વિદેશી માનવ તસ્કરોને જેલમુક્ત કરવાનું પગલું ભરતાં યુરોપીય દેશોના હાજાં ગગડી ગયા છે અને ઓસ્ટ્રિયાએ તો સરહદો જ બંધ કરી દીધી છે.