લંડન સામાન્ય લોકો માટે સહેલાણીઓના સ્વર્ગ તરીકે ભલે જાણીતું હોય પરંતુ, ધનવાનો માટે તે ડાઈવોર્સ કેપિટલ તરીકે પ્રખ્યાત છે. લંડનના ધારાશાસ્ત્રીઓની ફોજ આવા ધનવાનોના કેસીસ શોધતા જ ફરે છે. તાજેતરમાં દુબઈના શાસક શેખ મોહમ્મદ બિન રશિદ અલ-મકતોમના ડાઈવોર્સ કેસમાં લંડનની કોર્ટે તેની પૂર્વ પત્ની પ્રિન્સેસ હાયા બિન્ત અલ-હૂસૈનને વિક્રમજનક 554 મિલિન પાઉન્ડ ચૂકવી આપવા હુકમ કર્યો હતો. આથી જ હવે કહેવાતું થયુ છે કે ડાઈવોર્સ મેળવવા લંડનની કોર્ટમા જાઓ અને ધણી પાસેથી ધનનાં ઢગલા મેળવો.
લંડન સાથે કનેક્શન્સ ધરાવતા ગર્ભશ્રીમંતો, સામંતો અને અન્ય વિદેશી ધનવાનોની પત્નીઓ પણ જોરદાર વળતર એટલે કે ભરણપોષણ માટે સંપત્તિમાં હિસ્સો મેળવવાં લંડનની કોર્ટ્સ તરફ જ દોટ મૂકતી થઈ છે. જોકે, હવે લંડનનું ડાઈવોર્સ કેપિટલનું સ્ટેટસ ભયમાં આવી પડે તેવી સ્થિતિ સર્જાવાની શક્યતા છે. ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ડાઈવોર્સ પછી નાણાકીય સંપત્તિનું વિભાજન કેવી રીતે કરવું તેનો નિર્ણય કરતા 50 વર્ષ જૂના કાયદાની સમીક્ષા શરૂ કરાઈ છે. નાણાકીય રીતે નબળા જીવનસાથી અને સામાન્યપણે પત્નીઓ તરફ જજીસે ઓછી ઉદારતા દર્શાવવી તેવી ભલામણ માટે લોબિઈંગ થઈ રહ્યું છે. સ્વાભાવિક છે કે ડાઈવોર્સ વકીલોની ફોજ આવા સુધારાનો જોરદાર વિરોધ કરે કારણકે તેના પર તો તેમના એશોઆરામી જીવન નભે છે.
• વિદેશમાં ટેટૂઝ કે પીઅર્સિંગ પાર્લર્સની મુલાકાત જોખમી!
આપણે પહેલા જેને છૂંદણા તરીકે ઓળખતા હતા તે હવે ટેટૂઝના નામે વિશ્વપ્રસિદ્ધ છે અને ટેટૂ ટુરિઝમ પણ વેગ પકડી રહેલ છે. હજારો બ્રિટિશરો શરીર પર ટેટૂઝ લગાવવા, શરીરના અવયવોને વીંધાવવા અથવા કોસ્મેટિક પ્રોસીજર્સ માટે વિદેશના પ્રવાસે જાય છે પરંતુ, તેઓ અજાણતા જ હેપિટાઈટીસ સી વાઈરસના ચેપનો શિકાર બની જાય છે. જો તત્કાળ સારવાર ન કરાવાય તો હેપિટાઈટીસ સી વાઈરસના કારણે લિવરની કામગીરી નિષ્ફળ બને છે અથવા લિવરનું કેન્સર પણ થઈ શકે છે. જોકે, વર્ષો સુધી તેના લક્ષણો દેખાતા ન હોવાથી નિદાન થાય ત્યારે મોડું થઈ ગયું હોય છે. નવા વિશ્લેષણ મુજબ ઈંગ્લેન્ડમાં હેપિટાઈટીસ સીનું નિદાન થયું ન હોય તેવા 70,000 જેટલા વયસ્ક લોકો છે. સ્ટરિલાઈઝ નહિ કરાયેલી નીડલ્સ મારફત આ વાઈરસ લોહીમાં ફેલાય છે અને મોટા ભાગના કેસીસ તો નસ વાટે ડ્રગ્સ લેનારાના હોય છે. નિદાન નહિ કરાયેલા લોકોમાંથી આશરે 2500 વયસ્કો યુકેની સરખામણીએ ઈન્ફેક્શન કન્ટ્રોલ સિસ્ટમ ખરાબ હોય તેવા દેશોમાં ટેટૂઝ અથવા પીઅર્સિંગ પાર્લર્સની મુલાકાત લેનારા છે. આ ઉપરાંત, સસ્તી ડેન્ટલ સારવાર, કોસ્મેટિક સર્જરી અથવા વેકેશનમાં વિદેશપ્રવાસમાં મેડિકલ ઈમર્જન્સી સર્જાઈ હોય તેવા કિસ્સા સહિત અન્ય પ્રોસીજર્સના કારણે પણ આ ચેપનો શિકાર બન્યા છે. આવા લોકોએ વિદેશપ્રવાસથી પરત ફર્યા પછી હેપિટાઈટીસ સી માટે પરીક્ષણ કરાવી લેવું હિતાવહ જ ગણાય.
• પાડે પાડા લડે અને ઝાડનો ખો વળે
અમેરિકાએ બીજા વિશ્વયુદ્ધમાં જાપાનના નાગાસાકી અને હિરોશિમા શહેરો પર અણુબોમ્બ ઝીંક્યા તે પછી ફેલાયેલા ઝેરી કિરણોત્સર્ગની અસર જાપાનમાં દાયકાઓ સુધી જોવા મળી હતી. વિશ્વયુદ્ધ પછીના શીતયુદ્ધમાં જગત જમાદાર દેશોએ અણુશસ્ત્રોના પરીક્ષણો કર્યાં તેના કારણે દાયકાઓ સુધી ઊંડે સુધી જમીનો પર અસરો સર્જાઈ હોવાનું વિએના યુનિવર્સિટી ઓફ ટેકનોલોજીના અભ્યાસે જણાવ્યું છે. આ તો ‘પાડે પાડા લડે અને ઝાડનો ખો વળે’ જેવી વાત થઈ છે. સેન્ટ્રલ યુરોપ અને ખાસ કરીને જર્મની ઓસ્ટ્રિયાના જંગલોમાં મળી આવતા જંગલી ડુક્કર કે સુવરને કિરણોત્સર્ગની એટલી ખરાબ અસર થઈ છે કે તેમનું માંસ ખાવાલાયક રહ્યું નથી. આ ડુક્કરો ખાવાલાયક રહ્યાં ન હોવાથી તેનો શિકાર પણ ઘટી ગયો છે અને તેમની વસ્તીમાં ભારે વધારો જોવા મળે છે. અગાઉ એમ મનાતું હતું કે 1986ની ચેર્નોબિલ ન્યુક્લીઅર પાવર પ્લાન્ટની દુર્ઘટનામાં સિઝિયમ-137 રેડિયોએક્ટિવ તત્વથી વાતાવરણમાં કિરણોત્સર્ગ ફેલાયો હશે. પરંતુ,એન્વિરોન્મેન્ટલ સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં પ્રસિદ્ધ અભ્યાસે સ્પષ્ટ કર્યું છે કે અણુશસ્ત્રોના ન્યુક્લીઅર ફિઝન પરીક્ષણોમાં સંકળાયેલા સિઝિયમ-135નું પ્રમાણ આ ડુક્કરોમાં વધુપડતું છે. જંગલી ડુક્કરોનો મુખ્ય ખોરાક જમીનની અંદર ઉગતાં મશરૂમ્સ છે તેમાં આ રેડિયોએક્ટિવ તત્વનું વધુ પ્રમાણ જોવા મળ્યું છે.
• જાન બચી ઔર લાખો ભી પાયે
પ્રેટ એ મેન્જર ચેઈનના વિક્ટોરિયા કોચ સ્ટેશનની શોપમાં કાર્યરત મહિલા કર્મચારી આશરે અઢી કલાક સુધી એક ફ્રીઝરમાં ફસાઈ જતાં તેણે જાન ગુમાવવો પડે તેવી હાલત સર્જાઈ હતી કારણકે આ વોક-ઈન ફ્રીઝરનું તાપમાન માઈનસ 18 ડીગ્રી પર સેટ કરાયેલું હતું. માત્ર જીન્સ અને ટી-શર્ટ પહેરેલી મહિલા કર્મચારીએ શરીરને ઠંડું પડી જતું બચાવવા ક્રોઈસાન્ટના કાર્ડબોર્ડ બોક્સીસનો ઉપયોગ કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. આમ છતાં, તેના હાથપગ ઠંડા પડી ગયા હતા અને હાઈપોથર્મીઆની અસર થઈ હતી. જોકે, સારવાર મળતાં તેનો જીવ બચીી ગયો હતો. જુલાઈ 2021ની ઘટનામાં ડિસ્ટ્રિક્ટ જજ નીતા મિન્હાસે પ્રેટને 800,000 પાઉન્ડનો દંડ ફટકાર્યો હતો અને 23,667 પાઉન્ડ કાનૂની ખર્ચા તરીકે ચૂકવી આપવા આદેશ કર્યો હતો. પ્રેટ જેવી ચેઈન્સ માટે હેલ્થ અને સલામતીની બાબતોમાં નિષ્કાળજી સામાન્ય બીના બની જાય છે અને કર્મચારીઓ માટે વર્કિંગ કંડીશન્સ પર ધ્યાન અપાતું નથી કારણકે જાન્યુઆરી 2020માં પણ આ જ ફ્રીઝરમાં અન્ય કર્મચારી ફસાઈ ગયો હતો.
• નોટ્સ એપનો સર્જનાત્મક ઉપયોગ
સ્માર્ટફોન્સનું વળગણ ખતરનાક હોવાનું બધા માને છે પરંતુ, વાંક ફોનનો નથી આપણે તેનો કેવી રીતે અને કેટલા પ્રમાણમાં ઉપયોગ કરીએ છીએ તેના પર આધાર રહેલો છે. સેન્ટ્રલ લંડનસ્થિત રોયલ કોર્ટ થીએટર માને છે કે નોટ્સ એપનો સર્જનાત્મક ઉપયોગ કરી શકાય છે. રોયલ કોર્ટ નાટ્યલેખકોની આગામી પેઢી ઉભી કરવા માટે રાષ્ટ્રવ્યાપી સ્પર્ધાના ભાગરૂપે 18થી 27 વયજૂથના યુવાનોને તેમના ફોન્સ પરનું લખાણ મોકલવા જણાવે છે. વિજેતાઓને વેસ્ટ એન્ડ થીએટર માટે તેમના અવ્યક્ત વિચારોને વિકસાવવાની તક મળશે. રોયલ કોર્ટને દર વર્ષે આશરે 3000 સ્ક્રિપ્ટ મળે છે અને તેમાંથી ગણીગાંઠી સ્ક્રિપ્ટ જ સ્ટેજ સુધી પહોંચી શકે છે. નવી યોજનામાં નવોદિત નાટ્યલેખકે સંપૂર્ણ નાટક લખ્યા વિના જ પોતાની ઓળખ સ્થાપવી શક્ય બનશે. પસંદ કરાયેલા યુવાનોને 250 પાઉન્ડ પણ અપાશે જેથી તેઓ ડિસેમ્બર સુધીમાં પાંચ મિનિટની સ્ક્રિપ્ટ જાહેર વાંચન માટે તૈયાર કરી શકે.
• ‘બિયર ગોગલ્સ’થી ગુલાબી આકર્ષણ ન થાય
ચશ્મા ભલે રંગીન ન હોય પરંતુ,થોડા પિન્ટ બિયરનું સેવન કર્યા પછી દુનિયા કદાચ ગુલાબી લાગવા માંડે પરંતુ, ખાલી ‘બિયર ગોગલ્સ’ પહેરવાથી એટલે કે બિયરની આંખે નિહાળવાથી કોઈ વ્યક્તિ વધુ આકર્ષક લાગવા માંડે તેમ વિજ્ઞાનીઓ માનતા નથી. ડેટિંગ અને આલ્કોહોલની વાત આવે ત્યારે કદાચ હિંમત આવી જાય તે સત્ય છે કારણકે શરાબસેવન કોઈની સાથે વાતચીત કરવાનો વિશ્વાસ આપે છે પરંતુ, સામેની વ્યક્તિ ‘ગુલાબી ગુલાબી’ લાગવા માંડે તેમાં કોઈ માલ નથી. યુનિવર્સિટી ઓફ પિટ્સબર્ગના અભ્યાસમાં સંવનનકાળમાં વ્યક્તિના દેખાવ અને મનગમતી વ્યક્તિનો સાથ મેળવવા બહાર જવાનું કહેવા પૂરતી હિંમત બાબતે હળવા નશાની ભૂમિકા ચકાસાઈ હતી. જર્નલ ઓફ સ્ટડીઝ ઓન આલ્કોહોલ એન્ડ ડ્રગ્સ અનુસાર જે યુવાનો પર અભ્યાસ કરાયો તેમણે શરાબપાન કર્યું હોય કે ન કર્યું હોય છતાં, ફોટોગ્રાફ્સ અને વીડિયોઝમાં વ્યક્તિઓના દેખાવ વિશે જણાવવાનું કહેવાયું ત્યારે કોઈ જ તફાવત જણાયો ન હતો.