માનવી માટે અગ્નિ અને અનાજની વાવણી પછી કદાચ સૌથી મોટી શોધ પગરખાં જ હશે. આખા વિશ્વમાં કરોડો લોકો જાણી-અજાણી સંખ્યાબંધ બ્રાન્ડ્સના પગરખાં પહેરતા હશે પરંતુ, તમને કદી વિચાર આવ્યો છે કે તમારા પગને રક્ષણ આપવા મૂળ તો મોચી કહેવાતા કસબીઓ કેટલી મહેનત કરતા હશે. લંડનની સેન્ટ જેમ્સ સ્ટ્રીટમાં 1849થી આવેલી લક્ઝરી બ્રિટિશ બ્રાન્ડ જ્હોન લોબનો ઈતિહાસ લગભગ બે સદી જૂનો એટલે કે ક્વીન વિક્ટોરિયાના સમયનો છે. જ્હોન લોબની મહત્ત્વાકાંક્ષા વિશિષ્ટ મોચીકામ શીખવાની હતી પરંતુ, કોઈએ મચક ન આપતા તેણે ઓસ્ટ્રેલિયામાં સ્થળાંતર કર્યું અને સોનાની શોધમાં આવતા સાહસિકો માટે તેણે સિડની નજીક ટુરોનમાં નાના તંબુમાં ખાસ પ્રકારના બૂટ્સ બનાવવાની શરૂઆત કરી હતી. લોબ 1863માં લંડન પાછો ફર્યો અને તેણે પ્રિન્સ ઓફ વેલ્સ માટે રાઈડિંગ બૂટ્સ તૈયાર કર્યા અને તેમની દુકાન તો જાણે નીકલ પડી અને ત્રણ વર્ષ પછી રિજેન્ટ્સ સ્ટ્રીટમાં બૂટિકની શરૂઆત થઈ. મોચીકામ ખરેખર અઘરું છે. આ બ્રાન્ડના ઉત્પાદનોની દરેક જોડીમાં સ્પેશિયાલિસ્ટ ફિટર્સ અને ક્રાફ્ટર્સની કારીગરી જોવા મળે છે. માપના લાકડાના બૂટ -ફર્મા થકી દરેક કસ્ટમરના જૂતાં બનાવાય છે. આવા 10,000થી વધુ ફર્મામાં પ્રિન્સેસ ઓફ વેલ્સનાં માપના ફર્મા પણ જોવાં મળે છે.
• અમેરિકન્સમાં વધી રહેલી આક્રમકતા
આમ તો પાશ્ચાત્ય દેશોમાં શિષ્ટાચારનું ચલણ જોવા મળે છે. યુકેમાં અંગ્રેજો માટે કહેવાતું કે તે શરાબ પીને લાઈટના થાંભલા સાથે અથડાઈ જાય તો પણ થાંભલાને ‘સોરી’ કહી નાખે. જોકે, હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. અમેરિકામાં તો જાણે શિષ્ટાચારનું ખૂન થઈ રહ્યું છે. અમેરિકામાં થોડાં વર્ષોથી લોકપ્રિય બનેલી ટેનિસ અથવા પિંગ પોંગ પ્રકારની નવી પિકલબોલ રમત લોકોમાંથી આક્રમકતા બહાર લાવી રહી છે. આ રમતમાં ટેબલ હોતું નથી પરંતુ, ટેનિસ કોર્ટના ચોથાન ભાગનું કોર્ટ હોય છે, રેકેટના બદલે નક્કર પેડલ્સ અને પ્લાસ્ટિકના બોલ્સ હોય છે. આ રમત ઝડપથી રમવાની હોય છે, રમત ઝડપથી પૂરી કરવામાં આક્રમકતા અને ગાળાગાળી તેમજ ક્યારેક તો મારામારી સુધી વાત વધતી જાય છે. પાંચ વર્ષ અગાઉ પિકલબોલ રમનારાની સંખ્યા થોડા મિલિયન હતી તે વધીને આજે 36 મિલિયન છે. એકબીજા પ્રત્યે લોકોનો પ્રગાઢ અણગમો બહાર આવવા સાથે ધ ગ્રેટ પિકલબોલ વોર્સ જોવા મળે છે. થોડા વર્ષોથી અમેરિકાના લોકો વધુ અશિષ્ટ કે અસભ્ય બની રહ્યા છે. રાજકારણ, જાહેર અને ખાનગી સામાજિક આદાનપ્રદાનમાં પારસ્પરિક આદરના સર્વસ્વીકૃત નિયમોના બદલે ફાઈટ ક્લબના પ્રોટોકોલ્સ-નિયમોએ સ્થાન મેળવી લીધું છે જેના પરિણામે લોકો વચ્ચેનું બંધન ઢીલું પડ્યું છે.
• રાજકારણીઓ કદી હસ્તધૂનનથી થાકતા નથી!
કોઈના લગ્નના સત્કાર સમારંભમાં ગયા હશો તો જાણ હશે જ વરવધૂએ વારંવાર ઉઠીને તેમને અભિનંદન પાઠવનારાઓ સાથે હાથ મેળવવા પડે છે અને આમાં તેઓ થાકી જતા હોય છે. રાજકારણીઓ કદી હસ્તધૂનનથી થાકતા નથી, કદાચ તેમને વધુ બળ મળતું હશે. તાજેતરમાં જ અવસાન પામેલા ન્યૂ મેક્સિકોના પૂર્વ ગવર્નર બિલ રિચાર્ડસને 2002માં આઠ કલાકમાં 13,392 હસ્તધૂનનનો વિક્રમ સર્જ્યો હતો. તેમના અગાઉ 1907માં પ્રેસિડેન્ટ થિયોડોર રુઝવેલ્ટે 8,513 હથેળીઓને સ્પર્શ કર્યો હતો. જ્યોર્જ વોશિંગ્ટન તો કદી હસ્તધૂનન કરતા ન હતા તેમ કહેવાય છે. આવી જ રીતે જર્મોફોબિક ડોનાલ્ડ ટ્રમ્પ પણ જંતુઓનો ચેપ લાગવાના ભયે હસ્તધૂનન ટાળતા પરંતુ, 2017માં તેમણે ફ્રાન્સના પ્રમુખ ઈમાન્યુએલ મેક્રોં સાથે માત્ર 29 સેકન્ડ હાથ મિલાવ્યા હતા. પ્રમુખપદની ચૂંટણી બે વખત હારી ગયેલા એડલાઈ સ્ટીવન્સન કહે છે કે કોઈ પણ ઉમેદવારે હજારોની સાથે હાથ મેળવી તમને મળીને ખુશી થઈ તેમ કહેવા તૈયાર રહેવું પડે છે. ખરેખર તો આવી ખુશી થતી નથી અને બીજી વખત તે વ્યક્તિને મળવાનું પણ થતું નથી.
• ફ્રેડી મર્ક્યૂરીની અંગત ચીજોની ઊંચી બોલી
મૂળ પારસી ફરોખ બલસારા એટલે કે જાણીતા ગાયક અને પિયાનોવાદક ફ્રેડી મર્ક્યૂરીના 1991માં અવસાન પછી પણ તે ચાહકોના દિલમાં આજે પણ જીવંત છે. લંડનના સોધેબીમાં તેની અંગત ચીજવસ્તુઓની હરાજી થઈ તેમાં ફ્રેડી જેના વડે પોતાની પ્રખ્યાત મૂંછોને સંવારતો હતો તે ચાંદીના નાના સરખા કાંસકાના 35,000 પાઉન્ડ તેમજ ગાર્ડનના જે દ્વાર પર ફ્રેડી માટે આદરાંજલિ અને લવ નોટ્સ લખાઈ હતી તેના 400,000 પાઉન્ડથી વધુ ઉપજ્યા હતા. આવી તેના અંગત વપરાશની 1400 આઈટમ્સ હરાજી હેઠળ મૂકાયેલી છે. ફ્રેડીએ બોહેમિયન રહોપસોડી વીડિયોમાં વિક્ટોરિયન સ્ટાઈલની ચાંદીની સર્પાકાર બંગડી પહેરી હતી તેની હરાજીએ તો જ્વેલરીની હરાજીનો વિક્રમ તોડી નાખ્યો છે જેની અંદાજિત વેચાણરકમ કરતા 100 ગણી કિંમત 698,500 પાઉન્ડમાં બોલી લાગી હતી. અગાઉ, 2008માં જ્હોન લેનોનના માદળિયાની જ્વેલરીનો સેટ 295,000 પાઉન્ડમાં વેચાયો હતો. ચાંદીના કાંસકાના 400થી 600 પાઉન્ડ મળવાની આશા હતી પરંતુ, 35,000 પાઉન્ડમાં વેચાણ થયું જ્યારે તેના બેબી ગ્રાન્ડ પિયાનો માટે ત્રણ મિલિયન પાઉન્ડ મળવાની આશા હતી પરંતુ, તેના 1.7 મિલિયન પાઉન્ડ ઉપજ્યા હતા.બોહેમિયન રહોપસોડીનો હસ્તલિખિત ડ્રાફ્ટ 1.4 મિલિયન પાઉન્ડમાં વેચાયો હતો.
• ગુફાઓમાં પરિપક્વ કરાતી સૌથી મોંઘી ચીઝ
ઉત્તર સ્પેનમાં ઘણી પ્રખ્યાત કેબરેલ્સ બ્લુ ચીઝને પર્વતોની ગુફાઓમાં પરિપક્વ કરવામાં આવે છે અને તે ઊંચી કિંમતે વેચાય છે. એસ્ટુરિયન પ્રિન્સિપાલિટીની 51મી વાર્ષિક હરાજી સ્પર્ધામાં શ્રેષ્ઠ કેબરેલ્સ ચીઝનો એવોર્ડ હાંસલ કરેલી પર્વતોની ગુફાઓમાં પરિપક્વ કરાતી આ ચીઝ વિશ્વની સૌથી મોંઘી ચીઝ પુરવાર થઈ છે. આ ચીઝના 2.2 કિલોગ્રામના વ્હીલના 30,000 યુરો ઉપજ્યા છે. લોસ પ્યુર્ટોસ ફેક્ટરીની માલકણ રોઝા વાડાનું કહેવું છે કે તેમની ચીઝને 1400 મીટરની ઊંચાઈ પરની પર્વતગુફામાં 7 સેન્ટિગ્રેડના ઉષ્ણતામાને ઓછામાં ઓછાં આઠ મહિના સુધી પકવવા માટે રખાય છે. એસ્ટુરિયાઝના ઓવિડો નજીકના રેસ્ટોરાં માલિક ઈવાન સુઆરેઝને ઊંચી બોલીમાં કેબરેલ્સ ચીઝ વેચાઈ હતી. અગાઉ, 2019માં કેબરેલ્સ ચીઝનો સૌથી ઊંચી કિંમતનો ગિનેસ વર્લ્ડ રેકોર્ડ 20,500 યુરોનો હતો. જોગાનુજોગ એ છે કે ત્યારે પણ ચીઝની બોલીમાં ઈવાન સુઆરેઝે મેદાન માર્યું હતું. થોડી કઠણ અને તીવ્ર સ્વાદ સાથેની કેબરેલ્સ ચીઝ ગાયના કાચા દૂધ અથવા ગાય, ઘેટી અને બકરીના દૂધનાં કાચા દૂધના મિશ્રણમાંથી બનાવાય છે. તેને પિકોસ દ યુરોપા નેશનલ પાર્ક નજીક કેબરલ્સ વિસ્તારની ગુફાઓમાં મહિનાઓ સુધી પકવાય છે. રોડથી દૂર હોવાના કારણે પર્વતોની ગુફામાંથી ચાલીને નીચે ઉતારવામાં આવે છે. સામાન્ય રીતે એક કિલો કેબરલ્સ ચીઝ 35થી 40 યુરોમાં વેચાતી હોય છે.