એમ કહેવાય છે કે ન્યાયની દેવી આંધળી હોય છે કારણકે તેની આંખો પર પાટા બંધાયેલા હોય છે. તે માત્ર પુરાવાઓ સાંભળીને જ ન્યાય તોળે છે અને મોટા ભાગે સાચો ન્યાય મળતો નથી. ન્યાયનો સિદ્ધાંત કહે છે કે સેંકડો અપરાધી ભલે છૂટી જાય પરંતુ, એક નિરપરાધને સજા થવી ન જોઈએ. જોકે, આ સિદ્ધાંત પુસ્તકોમાં જ પુરાયેલો રહે છે. ગ્રેટર માન્ચેસ્ટરના સાલ્ફોર્ડમાં 33 વર્ષીય માતા પર બળાત્કારના અપરાધમાં એન્ડ્રયુ માલ્કિન્સને ખોટી રીતે 17 વર્ષ જેલના સળિયા પાછળ ગાળ્યા પછી ગુના સાથે સંકળાયેલું DNA એનાલિસિસ અન્ય વ્યક્તિનું હોવાનું સાબિત થતા કોર્ટ ઓફ અપીલે તેને જુલાઈમાં મુક્ત કરી દીધો હતો. હવે બ્રિટિશરો પર જરા પણ વિશ્વાસ નહિ કરતા એન્ડ્રયુ કહે છે કે બ્રિટિશરેો સત્યનો સામનો કરી શકતા નથી. દેવાળિયા થઈ ગયેલા માલ્કિન્સન દક્ષિણ સ્પેનના સેવાઈલેમાં એક તંબુમાં રહે છે અને બેનિફિટ્સની રકમ પર જીવે છે અને ન્યાયની દેવીએ ખોટી રીતે તેમના 17 વર્ષ જેલના સળિયા પાછળ વેડફી નાખ્યાનો અફસોસ કરવા સાથે વળતરની રાહ જોઈ રહ્યા છે. સરકાર સ્વીકારે છે કે ન્યાયની કસુવાવડ થઈ છે પરંતુ, વળતર માટે હજુ બે કરતાં વધુ વર્ષની રાહ જોવી પડશે.
• નવો કોર્પોરેટ મંત્રઃ કામનું કામ અને મોજની મોજ
સામાન્યપણે કોર્પોરેટ લાઈફ અને અંગત જીવન અલગ રાખવામાં આવે છે પરંતુ, એરએશિયાના મલેશિયન એન્ટ્રેપ્રીન્યોર બોસ ટોની ફર્નાન્ડીઝ આમ માનતા નતી અને તેમનો વાંક પણ કાઢી શકાય તેમ નથી. શરીરને મસાજ કરાવીને તણાવભર્યા સપ્તાહનો અંત લાવી શકાય તે માની શકાય પરંતુ, આવો વૈભવ માત્ર અંગત જીવનમાં જ લઈ શકાય તેનું ભાન આખરે તેમને થયું છે. ક્વીન્સ પાર્ક રેન્જર્સ ફૂટબોલ ક્લબના 59 વર્ષીય પૂર્વ માલિકે મેનેજમેન્ટ મીટિંગ દરમિયાન ટોપલેસ મસાજ કરાવ્યો અને લિન્ક્ડઈન પર તેની તસવીર પણ મૂકી તેનાથી સોશિયલ મીડિયામાં તેમના પર ભારે પસ્તાળ પડી છે. ‘અનપ્રોફેશનલ, અયોગ્ય અને અસન્માનીય’ ગણાવાયેલી આ તસવીર તેમણે પાછી ખેંચી લેવા સાથે બોદો ખુલાસો કર્યો છે કે આ રીતે મસાજ કરાવવા તેમના સહયોગીએ સૂચન કર્યું હતું. અરે ભાઈ, કોઈ પણ ગમે તે સૂચન કરે પણ તેનો અમલ કરવાની સામાન્ય બુદ્ધિ તો આપણી જ હોય ને! એપ્સમ કોલેજમાં ભણેલા ફર્નાન્ડીઝે 2001માં માત્ર1 ડોલરથી પણ ઓછી કિંમતે મલેશિયન સરકાર પાસેથી એરએશિયા ખરીદી લીધી હતી અને ફોર્બસ અનુસાર તેમની સંપત્તિ 275 મિલિયન ડોલરની છે.
• ગેંગસ્ટર્સ સંચાલિત સુવિધાજનક જેલનો પર્દાફાશ
આપણી સામાન્ય સમજ એવી છે કે સરકાર દ્વારા અપરાધીઓને જેલમાં નાખવામાં આવે છે અને જેલનું સંચાલન સરકાર જ કરે છે પરંતુ, વેનેઝૂએલાની રાજધાની કારાકાસની બહાર ટોકોરોન ખાતે ખતરનાક કેદીઓ દ્વારા ચલાવાતી જેલનો પર્દાફાશ થયો છે. સાચી વાત તો એ છે કે આ નાના નગર સમાન જેલસંકુલમાં કેદીઓ વર્ષોથી પત્નીઓ, પ્રેમિકાઓ અને બાળકો સાથે રહેતા હતા એટલું જ નહિ, તેમાં રહેવાના મકાનો, બેન્ક, કેસિનો, બેઝબોલ પિચ, ઝૂ, ડિસ્કો અને સ્વિમિંગ પૂલની સુવિધા પણ હતી. સત્તાવાળાઓની રહેમનજર વિના આ શક્ય બને નહિ છતાં, હકીકત છે કે 11,000 પોલીસ કર્મચારીઓની મદદથી જેલસંકુલમાં દરોડો પાડવામાં આવ્યો ત્યારે આવી આશ્ચર્યજનક સુવિધાઓની જાણકારી બહાર આવી હતી. પ્રેસિડેન્ટ માડૂરોની સરકારે જેલ વિશે વધુ માહિતી જાહેર કરી નથી પરંતુ, સુરક્ષાદળોનો દરોડો પડ્યો તે પહેલા જ જેલ અને જેલની બહાર અપરાધ સામ્રાજ્ય ચલાવતો ગેંગલીડર હેક્ટર ગુએરેરો ફ્લોરેસ ઉર્ફ નિનો ગુએરેરો સહિત સીનિયર ગેંગલીડર્સ ઘટનાસ્થળેથી અદૃશ્ય થઈ ગયા હતા. કેદીઓની સગાંસંબંધી મહિલાઓ અને બાળકોને જેલમાંથી હાંકી કઢાયા હતા. ટોકોરોન જેલ 1982માં 750 કેદી માટે બંધાઈ હતી અને હાલ તેમાં 7500થી વધુ કેદી છે.
• રેસ્ટોરાંમાં કેક કાપવાની પણ કિંમત વસૂલાઈ!
આપણે મોટા ભાગે રેસ્ટોરાંમાં જન્મદિન ઉજવીએ એટલે કેક કાપ્યા પછી તેના ટુકડા કરી સર્વ કરવાનું વેઈટર્સને જ સોંપી દઈએ છીએ પરંતુ, ઈટાલીની પિનો ટોરિનિઝ રેસ્ટોરાંએ આવી સેવા આપવા બદલ ગ્રાહક પાસેથી નાણા વસૂલતા વિવાદ સર્જાયો હતો. આ રેસ્ટોરાંમાં માત્ર ભોજન મળતું હોવાથી જન્મદિન ઉજવનારા ફેબિયો બ્રેગોલાટોએ બહારથી કેક મંગાવી હતી અને કેક કટિંગ પછી મહેમાનોને પીરસી દેવા સૂચના આપી હતી. આ બધુ પતી ગયા પછી બિલ આવ્યું ત્યારે તેમાં કેકના ટુકડા કરી પીરસવાની સેવા માટે 16 ડોલરનો ચાર્જ પણ ઉમેરવામાં આવ્યો હતો. ગ્રાહકે પૂછપરછ કરતા રેસ્ટોરાં મેનેજરે ઉત્તર વાળ્યો હતો કે નાની કેકને કાપી મહેમાનોને પીરસવામાં ઘણો સમય લાગ્યો હતો અને આ સમય દરમિયાન વેઈટર પાસે અન્ય કામ ન લઈ શકાતા તેના સમય અને સેવાનો ચાર્જ વસૂલવામાં આવ્યો છે. અગાઉ પણ આ રેસ્ટોરાંએ અન્ય પરિવાર પાસેથી કેકના ટુકડા કરી પીરસવા માટે 22 ડોલરનો ચાર્જ વસુલ કર્યો હતો.
• વિશ્વમાં સૌથી તીખાં 135 કેરોલિના રીપર્સ મરચાં ખાવાનો વિશ્વવિક્રમ
કોઈ પણ વ્યક્તિને તીખું મરચું ખાવાનું કહો તેમાં જ મરચાં લાગી જતા હોય છે ત્યારે વિશ્વમાં સૌથી તીખાં મરચાં ખાવાનું તેનું કેટલું ગજું? સામાન્ય રીતે આપણે બે કે ત્રણ મરચાં ખાઈ શકીએ પણ શરત એટલી કે તે મોળાં હોવાં જોઈએ. કેનેડાના મરચાંપ્રિય રહેવાસી માઈક જેકે વિશ્વમાં સૌથી તીખાં કેરોલિના રીપર્સ મરચાં ખાવાનો વિશ્વવિક્રમ બનાવ્યો છે. તેણે માત્ર 6 મિનિટ અને 49.2 સેકન્ડમાં પૂરાં 50 મરચાં ખાઈ જવાનો વિક્રમ ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્ઝમાં નોંધાવ્યો છે. આ વિક્રમથી તે ધરાયો ન હોય તેમ તેણે વધુ 85 મરચાં ખાઈ નાખ્યા હતા. આમ, તેણે એક જ બેઠકે 135 કેરોલિના રીપર્સ મરચાં ખાવાનો નવો વિક્રમ નોંધાવી દીધો છે. જેક કહે છે કે પહેલું તીખું મરચું ખાવાનો અનુભવ સૌથી ખરાબ રહે છે જાણે કે તીખાશનો દરિયો ઠલવાઈ ગયો હોય. કેરોલિના રીપર્સ મરચાંની તીખાશ સરેરાશ1.64 મિલિયન સ્કોવિલે હીટ યુનિટ (SHU)ની છે તેની સરખામણીએ કેયેન્ને (cayenne) પેપરની તીખાશ સરેરાશ30,000થી 50,000 SHU અને જાલાપેનો મરચાની તીખાશ 2500થી 8,000 SHUની વચ્ચેની હોય છે. માઈક જેક અન્ય ઘણા વિક્રમો પણ ધરાવે છે.
• માતાપિતાના શરાબપાનની બાળકો પર ચોક્કસ અસર
જો માતાપિતા બાળકોને શરાબપાનથી દૂર રાખવા માગતા હોય તો તેમણે પોતાના જ શરાબપાન પર નિયંત્રણ રાખવું જોઈએ તેમ જર્નલ ઓફ એડોલેસન્ટ હેલ્થમાં પ્રકાશિત અભ્યાસ સ્પષ્ટ કરે છે. અભ્યાસ કહે છે કે જો પેરન્ટ્સ અથવા માતા કે પિતા, શરાબના અઠંગ શોખીન હોય તો તેમના બાળકો પણ મોટા થઈને શરાબના શોખીન બનવાનું જોખમ ચાર ગણું વધી જાય છે. અભ્યાસ મુજબ મહિલાઓ એક જ સમયે ઓછામાં ઓછું ચાર ડ્રિન્ક્સ અને પુરુષો પાંચ ડ્રિન્ક્સ લેતાં હોય તો તેમને શરાબી ગણાવી શકાય. માતાપિતાની આદત સમય જતાં બાળકોમાંમ ઉતરી આવે છે કારણકે તેઓ જે નિહાળે છે તેનું ઝડપથી અનુકરણ કરતાં હોય છે. જો પેરન્ટ્સ સતત નશાની હાલતમાં જ રહેતા હોય તો બાળકો પણ તેમને અનુસરે છે. ખરેખર તો શરાબપાન શરાબ પીનારાને જ અસર કરે છે તેમ નથી પરંતુ, બાળકો સહિત આસપાસના લોકોને પણ તેમની આદતમાં સામેલ કરે છે તેમ યુએસ સેન્ટર્સ ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રીવેન્શનના આલ્કોહોલ પ્રોગ્રામના નેતા ડો. મેરિસ્સા એસ્સરનું કહેવું છે. સામાન્ય રીતે જે બાળકો 13 વર્ષ અથવા તેનાથી ઓછી વયે શરાબ પીવાનું ચાલું કરે છે તેમાંથી 45 ટકાથી વધુ આલ્કોહોલના વ્યસનની સમસ્યાઓથી પીડાય છે. જે બાળકો 21 વર્ષની વય સુધી શરાબ પીવાનું ટાળે છે તેમાંથી 10 ટકાથી ઓછાં યુવાનોને શરાબપાનની વિકૃતિઓ લાગુ પડે છે.