મોટા ભાગના લોકોને બેઠા બેઠા પણ ઝોકાં આવી જાય છે અને હવે વિજ્ઞાનીઓ પણ કહે છે કે આવી રીતે ઝોકાં ખાઈ લેવાથી કંટાળો દૂર થાય છે અને માણસ ફરી સચેત બની જાય છે. આને પાવરનેપ પણ કહેવાય છે. હાલ એમ કહેવાય છે કે દિવસમાં 7 કલાકની ઊંઘ પૂરતી હોય છે ત્યારે જો તમને કોઈ કહે કે ચિનસ્ટ્રેપ પ્રજાતિનાં પેંન્ગ્વિન્સ દિવસના 11 કલાકની ઊંઘ મેળવે છે તો આશ્ચર્ય પામશો નહિ કારણકે તેઓ ઊંઘણશી જરા પણ નથી.
ચિનસ્ટ્રેપ પેંન્ગ્વિન બ્રાઉન સ્કુઆ જેવાં દુશ્મનોથી પોતાના બચ્ચાં અને માળાને બચાવવા ઊંઘતા ઊંઘતા જાગે છે એટલે કે 24 કલાકમાં ચાર ચાર સેકન્ડનું ઝોકું મારી લે છે. આમ તેઓ 10,000થી વધુ માઈક્રોસ્લીપ મેળવીને એલર્ટ રહે છે. પેંન્ગ્વિન્સ માટે આટલું ઝોકું પૂરતું આરામદાયક બની રહે છે. ફ્રાન્સના લેયોન્સમાં ન્યૂરોસાયન્સ રિસર્ચ સેન્ટરના પોલ-એન્તોઈને લિબોરેલ સહિતની ટીમે એન્ટાર્ટિકામાં માળામાં આરામ કરતા ચિનસ્ટ્રેપ પેંન્ગ્વિન્સની વસાહતનો અભ્યાસ કર્યો હતો. ઈલેક્ટ્રોએન્સેફેલોગ્રામ બ્રેઈન સ્કેનર્સ, વીડિયો રેકોર્ડિંગ અને પ્રત્યક્ષ નીરિક્ષણોના આધારે સંશોધકો એ તારણ પર આવ્યા હતા કે ચિનસ્ટ્રેપ દિવસમાં 10,000થી વધુ સમય ઝોકાં ખાઈ લે છે જેનો સમય માત્ર ચાર સેકન્ડ જેટલો હોય છે. જોકે, માનવી માટે ચિનસ્ટ્રેપની નકલ કરવી મુશ્કેલ અને જોખમી પણ છે. આવી માઈક્રોસ્લીપ કે ઝોકું જીવલેણ અકસ્માત નોંતરી શકે છે.
• બ્લુ ચીઝની 300 વર્ષ જૂની પરંપરા
આજકાલ તો અનેક પ્રકારની ચીઝ મળે છે પરંતુ, ક્રિસમસ આવી રહી છે ત્યારે લોકો પરંપરાગત બ્લુ ચીઝનો આગ્રહ રાખે છે. ઈંગ્લેન્ડના ડોરસેટમાં સ્ટુરમિન્સ્ટર ન્યૂટન નજીક વૂડબ્રીજ ફાર્મ બ્લુ ચીઝ માટે પ્રસિદ્ધ છે. આજકાલ ત્યાં ચીઝને પરિપક્વ બનાવાઈ રહી છે. અગાઉ, સ્કીમ્ડ મિલ્કમાંથી બનાવાતી ચીઝ હવે ગાયના આખા દૂધમાંથી બનાવાય છે. મૂળ તો આપણી નસોનો રંગ ભૂરાશ પડતો હોય છે તે રીતે આ ચીઝમાં ભૂરો રંગ છવાયેલો હોવાથી તેને ડોરસેટ બ્લુ વિન્ને (Dorset Blue Vinney) તરીકે પણ ઓળખાવાય છે. મોટા ભાગે બ્લુ ચીઝ પેશ્ચરાઈઝ્ડ નહિ કરાયેલા દૂધમાંથી બનાવાતી હોવાથી ઘણા લોકો તેને સ્વાસ્થ્યપ્રદ ગણાવે છે તો કેટલાક તેને ચેપગ્રસ્ત ગાયના દૂધની શક્યતા સાથે ટ્યુબરક્લોસિસ માટે જોખમી પણ કહે છે. ડોરસેટ બ્લુ ચીઝને પ્રોટેક્ટેડ જીઓગ્રાફિકલ સ્ટેટસ અપાયેલું હોવાથી માત્ર ડોરસેટમાં ઉત્પાદિત ચીઝને જ આ નામથી ઓળખાવી શકાય છે. ઐતિહાસિક રીતે તો બ્લુ ચીઝ ડોરસેટના માખણની આડપેદાશ હતી રેલવેનો જમાનો ન હતો ત્યારે માખણ કાઢેલા સ્કીમ્ડ દૂધમાંથી સખત અને સરળતાથી ચૂરો થઈ જાય તેવી ચીઝનું ઉત્પાદન કરાતું હતું. બીજા વિશ્વ યુદ્ધ પછી તેનું ઉત્પાદન નહિવત્ થઈ ગયું હતુ. જોકે, 1980ના દાયકાથી વૂડબ્રીજ ફાર્મ દ્વારા તેનું ઉત્પાદન શરૂ કરાયું હતું. જોકે, હવે તેને ગાય, ઘેટી અથવા બકરીનાં આખા અને પેશ્ચરાઈઝ્ડ દૂધમાંથી બનાવાય છે.
• મન હોય તો માળવે જવાય, મળો ટોમ હુશ્કેનબેટને!
જર્મનીના થુરિન્ગિઆ રાજ્યના ગોથા શહેરની નજીકના ગામના 23 વર્ષીય કન્સ્ટ્રક્શન વર્કર ટોમ હુશ્કેનબેટની મહત્ત્વાકાંક્ષા ખોદકામ કરનારી વિશાળ ટ્રકને ચલાવવાની હતી પરંતુ, તેની લંબાઈ માત્ર 1.30 મીટર (4 ફૂટ, 3 ઈંચ) હતી. સૌથી શક્તિશાળી ટ્રકના પેડલ સુધી પહોંચવા તેને પ્રોસ્થેસિસનો ઉપયોગ કરવો પડતો હતો. જોકે, મુશ્કેલી કરતાં તેની મહત્ત્વાકાંક્ષા વધુ મોટી હતી એટલે તેણે બે વર્ષ સુધી પોતાના બંને પગ પર શ્રેણીબદ્ધ ઓપરેશન્સ કરાવ્યા હતા, મ્યુનિખના સર્જનોએ ટોમ હુશ્કેનબેટના પગની લંબાઈમાં 22 સેન્ટિમીટરનો વધારો કરી આપ્યો છે જેથી હવે તે નવી લંબાઈ સાથે કોઈ ટેકનિ્કલ સહાય વિના જ વિશાળ ટ્રકને ચલાવી શકે છે. ટોમ હુશ્કેનબેટની લંબાઈ હવે 1.52મીટરની થઈ છે. આ માટે સર્જનોએ 14,000 યુરોના ખર્ચમાં અલગ અલગ 6 ઓપરેશન કરી ટોમના પગના ટિબિઆ હાડકાને ફ્રેક્ચર કરી ખાલી જ્ગ્યામાં ખાસ ટેલિસ્કોપિક સળિયા લગાવી આપ્યા છે. ઓપરેશનો પછી ભારે પીડા ભોગવ્યા પછી હુશ્કેનબેટ કહે છે કે, ‘મારું સ્વપ્ન સાકાર કરવા મારે પગને કપાવવા પડ્યા છે.’ રશિયન ઓર્થોપીડિક સર્જન ગાવરિલ ઈલિઝારોવે બીજા વિશ્વયુદ્ધ પછી પગને લંબાવવાની ટેક્નિક શોધી હતી અને સોવિયેત સંઘના રેડ આર્મીના પીઢ ઈજાગ્રસ્ત સૈનિકોની સારવાર કરી હતી.
• બિલિયોનેર્સમાં આપકમાઈથી બાપકમાઈ આગળ!
જાતમહેનત અને ઉદ્યોગસાહસિકતા દાખવી સંપત્તિ જમાવાય તેનો આનંદ અલગ જ હોય છે પરંતુ, વારસામાં મળેલી સંપત્તિના કારણે બિલિયોનેર બની ગયા હોય તેવું ગયા વર્ષે પહેલી વખત નોંધાયું છે. સ્વિસ બેન્ક UBS દ્વારા અબજોપતિઓ સંદર્ભે તૈયાર કરાયેલા વાર્ષિક રિપોર્ટ અનુસાર ગયા વર્ષે વારસામાં સંપત્તિ મેળવી બિલિયોનેર બનેલા 53 વારસદારોની કુલ સંપત્તિ 150.8 બિલિયન ડોલર હતી તેનાથી વિપરીત, જાતમહેનતથી સંપત્તિ એકત્ર કરનારા નવા 84 બિલિયોનેર્સની કુલ સંપત્તિ 140.7 બિલિયન ડોલર હતી. વારસામાં સંપત્તિ મેળવનારા બિલિયોનેર્સમાં પિતા ડિટ્રીચના મોતથી માર્ક મેટશિટ્ઝ છે જેને રેડ બુલમાં 20.5 બિલિયન ડોલરના મૂલ્યનો 49 ટકા હિસ્સો મળ્યો હતો. ગયા વર્ષે ટાટા સન્સમાં 18.4 ટકાનો હિસ્સો ધરાવતા પરિવારના ભારતના અબજોપતિ પાલોનજી મિસ્ત્રીના અવસાનથી શાપુર મિસ્ત્રીને 32.3બિલિયન ડોલરનો વારસો મળ્યો હતો. વિશ્વમાં ગત વર્ષના એપ્રિલ સુધીમાં અબજોપતિની સંખ્યા 7 ટકા વધીને 2,544 થઈ હતી જેમની સંયુક્ત સંપત્તિ 9 ટકાની વૃદ્ધિ સાથે 12 ટ્રિલિયન ડોલરના આંકે પહોંચી હતી.
• હું ભલે મરીશ પણ... તને તો રડાવીશ
સમરસેટ કાઉન્સિલના કહેવા મુજબ ઐતિહાસિક અને સંરક્ષિત દીવાલને તોડી પાડનારા 88 વર્ષીય ખેડૂત રોન નાઈટ હવે જીવ પર આવી જેલમાં જ મરવા માટે તૈયાર થઈ ગયા છે. અડધા સૈકા પહેલા તેમણે જ આ બાઉન્ડરી દીવાલને બનાવવામાં મદદ કરી હતી પરંતુ, પોતાની પ્રોપર્ટીમાં આવનજાવન કરી શકાય તે માટે તેમણે આ દીવાલનો થોડો હિસ્સો તોડી નાખ્યો હતો. કાઉન્સિલે દીવાલ તોડવા માટે પ્લાનિંગ પરમિશન આવશ્યક હોવાનું જણાવી નોટિસો ફટકારી હતી. અપીલની મુદત વીતી ગયા પછી તેમણે ચાર વખત કોર્ટમાં હાજર થવું પડ્યું છે અને તેમના દંડની રકમ 3200 પાઉન્ડ થઈ ગઈ છે જે તેઓ ચૂકવી શકે તેમ નથી. 6 વર્ષથી ચાલી રહેલા આ કાનૂની ઝગડામાં જજે તો રોન નાઈટને દીવાલને ફરી બાંધી દંડની રકમ નહિ ચૂકવાય તો 45 દિવસ જેલમાં રહેવું પડશે તેવી ચિમકી પણ આપી છે. હવે તેમણે ફરી 22 જાન્યુઆરીએ કોર્ટ સમક્ષ હાજર થઈ દંડ ભરવાનો છે. પરંતુ, રોનભાઈ ટસના મસ થતા નથી. પોતે કશું ખોટું કર્યું હોવાનું સ્વીકારી લઈ દંડ ભરવાના બદલે જેલમાં જવાનું પસંદ કરશે તેમ તેઓ કહે છે.