માતાને બાળક વ્હાલું હોય પરંતુ, તેને કેદમાં રાખી શકાય નહિ અને જો તેને કેદમાં રાખો તો નાસી જ જાય. આવી ઘટના યુકેમાં લેન્કેશાયરના ઓલ્ધામના 17 વર્ષીય બ્રિટિશ ટીનેજર એલેક્સ બેટ્ટીની છે જે 6 વર્ષ અગાઉ 2017માં લાપતા બન્યો હતો. ખરેખર તો માતા મેલેની બેટ્ટી અને દાદા ડેવિડ બેટ્ટી સાથે સ્પેનના ફેમિલી વેકેશન પર નીકળેલાં 11 વર્ષના એલેક્સનું અપહરણ તેની માતાએ જ કર્યું હતું. તેના દાદાનું 6 મહિના અગાઉ જ મોત થયું છે. મેલેની હાલ ફિનલેન્ડમાં હોવાનું મનાય છે.
તરંગી માતાની સાથે બે વર્ષ ‘સ્પિરિચ્યુઅલ કોમ્યુનિટી’માં અને થોડો સમય મોરોક્કોમાં રહેલા એલેક્સને મેલેનીએ હવે તેઓ ફિનલેન્ડ જવાના છે તેમ કહ્યું ત્યારે એલેક્સ તેની પાસેથી નાસી છૂટ્યો હતો અને 6 વર્ષ તે વિચરતી જાતિના લોકો જેવી જ જિંદગી જીવ્યો હતો. એલેક્સ તેને કોઈ જોઈ ન જાય કે પકડી ન લે તે માટે રાતે જ બહાર નીકળતો, નાના મોટા કામકાજ કરતો, ખેતરો કે બગીચામાંથી ખોરાક મેળવી લેતો હતો. તે કોઈ પણ જગ્યાએ થોડા મહિના જ રહેતો અને અન્ય સ્થળે ચાલી નીકળતો. ચાર દિવસ સતત ચાલ્યા પછી તે દક્ષિણ ફ્રાન્સના પર્વતાળ વિસ્તારના શહેર ટોલોઝમાં પહોંચ્યો ત્યારે ડિલિવરી ડ્રાઈવર ફેબિયન એક્સિીડિનીએ તેને જોયો હતો. અહીં તેણે ડિલિવરીનું કામ પણ કર્યું અને આખરે તેણે એક્સિીડિનીને પોતાના અપહરણની વાત કરી હતી. એક્સિીડિનીએ ફેસબુક પર તેની નાની માટે એલેક્સનો સંદેશો પણ મોકલાવ્યો હતો. હવે એલેક્સ સલામતપણે ફ્રાન્સથી યુકે પરત આવ્યો છે અને ન્યાયતંત્રે તેની કસ્ટડી તેના 68 વર્ષીય નાનીમા સુસાન કારુઆનાને સોંપી છે. અપહરણ કરાયું તે પહેલા પણ તેની કાનૂની કસ્ટડી સુસાન પાસે જ હતી અને તે નાની સાથે જ રહેતો હતો. હવે તેણે સ્કૂલમાં જવાનું અને એન્જિનિઅર બનવાનું સ્વપ્ન નિહાળ્યું છે.
• આ બધાં પણ રાષ્ટ્રીય સ્મારક જ કહેવાય!
આ વર્ષે ઈંગ્લેન્ડ માટે નેશનલ હેરિટેજ લિસ્ટમાં 227 સ્થળો ઉમેરાયાં છે જેમાં, ધ બાર્કવે કેરેજ વોશ, પ્રોટોટાઈપ રેલવે સ્ટેશન અને સેકન્ડ વર્લ્ડ વોર રડાર સ્ટેશનનો પણ સમાવેશ કરાયો છે. ચાર સદી પહેલાનું ‘કાર વોશ’ રાષ્ટ્રીય ખજાનાનો જ એક હિસ્સો છે. અહીં કામ કરવા બદલ કદાચ નાણા પૂરતાં નહિ મળતા હોય પરંતુ, ખાઈઓ ખોદવા કરતાં તો સારું જ કામ હતું. આપણે જેને કાર વોશ કહીએ છીએ તેની શરૂઆત ચાર સદી કરતાં વધુ સમયથી થઈ હતી પરંતુ, તે ખરેખર કેરેજ વોશિંગ હતું. કેરેજ વોશ આજે પણ રોયસ્ટોન નજીકના સ્થળે છે જ્યાં તે વર્ષ 1600માં હતું. તેનું નિર્માણ કેરેજીસના કોચીસ ધોવા માટે કરાયું હતું. જોકે, અહીં આખે આખા કોચીસ ધોવાતાં ન હતા પરંતુ, તેના વ્હીલ્સ બરાબર સાફ કરાતાં હતાં. 20મી સદીના આરંભે મોટર કારનું આગમન થતાં કેરેજીસનો યુગ પૂરો થયો હતો. ડાર્લિંગ્ટનના રેલવે ટાવેર્નને ગ્રેડ 2 લિસ્ટિંગ અપાયું છે. સ્ટોકટોન અને ડાર્લિંગ્ટન રેલવે લાઈન પર બંધાયેલી ત્રણ પબમાંથી તે એક બિલ્ડિંગ છે જે રેલવે સ્ટેશનનું પ્રોટોટાઈપ કહી શકાય તેવું છે. નવા નેશનલ હેરિટેજ લિસ્ટમાં બીકન્સફિલ્ડ ગોલ્ફ ક્લબના ક્લબહાઉસ, નાર્થુન્બરલેન્ડમાં ચેઈન હોમ લો રડાર સ્ટેશન અને બ્રિટનના પ્રથમ મ્યુનિસિપલ પાર્ક્સમાં એક સાલ્ફોર્ડના પીલ પાર્કનો પણ સમાવેશ થાય છે.
• ઝેર એટલે ઝેર, તેના તો કદી પારખાં કરી શકાય?
આશરે ત્રણ વર્ષ અગાઉ યુએસના સૌથી ઉદારવાદી રાજ્ય ઓરેગોનના સત્તાવાળાઓએ હેરોઈન, કોકેઈન અને ક્રિસ્ટલ મેથ જેવી હાર્ડ ડ્રગ્સને રાખવામાં કોઈ અપરાધ નહિ ગણવાનું મતદાન કરાવ્યું ત્યારે કેમ્પેઈનરોએ તેને ડ્રગ્સ સામે નિષ્ફળ ગયેલા યુદ્ધનો અંત લાવવાના બહાદૂરીપૂર્વકના પગલા તરીકે ગણાવ્યું હતું. જોકે ‘હાથના કર્યા હૈયે વાગ્યા’ છે ત્યારે આ નીતિ નિષ્ફળ ગયાનું ભાન થયું છે. રાજ્યના સૌથી મોટા શહેર પોર્ટલેન્ડમાં ક્રાઈમ અને ગંદકી ફૂલીફાલી છે. પોર્ટેલેન્ડમાંથી બિઝનેસીસે ઉચાળા ભર્યા છે. પોર્ટલેન્ડની શેરીઓમાં શરાબપાન કરવું ગેરકાયદે છે પરંતુ, ઘરવિહોણા લોકો સરેઆમ જીવલેણ સિન્થેટિક ઓપિયોડના ધૂમાડા કાઢતા જ રહે છે. ડ્રગ્સના વપરાશના કારણે શહેરમાં મુલાકાતીઓ આવતા બંધ થઈ ગયા છે. હવે ઓરેગોનના ડેમોક્રેટિક ગવર્નર ટિના કોટેકે પારોઠના પગલાં ભરવામાં જ શાણપણ જોયું છે અને જોરશોરથી પ્રચાર કરાયો હતો તે પગલું પાછું લેવા તેમજ શહેરમાં જાહેરમાં ડ્રગ્સના ઉપયોગ પર પ્રતિબંધની જાહેરાત કરવી પડી છે જેથી બિઝનેસીસને પાછા લાવી શકાય અને શહેરમાં સલામતી આવે. ડ્રગ્સના ઓવરડોઝના કારણે ઓરેગોનમાં 2019માં 84 મોત થયા હતા તે 30 જૂન 2023 સુધીમાં વધીને 1100થી પણ ઉપર પહોંચી ગયા છે.
• માનવતા હજુ મરી પરવારી નથી
આમ તો રાજકારણીઓની મથરાવટી મેલી જ હોય છે કે તેઓ અન્યોના દુઃખ તરફ ધ્યાન આપતા નથી. જોકે, 74 વર્ષીય કન્ઝર્વેટિવ સાંસદ ડેવિડ ડેવિસે પાર્લામેન્ટ નજીક હુમલાનો ભોગ બનેલી એક ઘરવિહોણી વ્યક્તિને પોતાના ઘેર લાવી સોફા પર સુવાડીને માનવતા હજુ મરી પરવારી નથી તેનું જીવંત ઉદાહરણ આપ્યું છે. સાંસદ ડેવિડ ડેવિસ 12 ડિસેમ્બર મંગળવારે રવાન્ડા વોટિંગ પછી રાત્રે ઘર જવા નીકળ્યા હતા ત્યારે તેમણે બે હુમલાખોરને રફ સ્લીપર પર હુમલો કરતા નિહાળ્યા હતા. પૂર્વ SASરિઝર્વિસ્ટ ડેવિસે પોતાની કુશળતા કામે લગાવી હુમલાખોરોને મારી ભગાવ્યા હતા. તેમણે ગારેથ નામની ઘરવિહોણી વ્યક્તિને લોહીનીંગળતી હાલતમાં તેમના વેસ્ટમિન્સ્ટર ફ્લેટની સલામતીમાં લઈ જઈ પોતાના સોફા પર આરામથી સુવાડ્યો હતો. બીજા દિવસે સવારે તેને સારવાર કરાવવા A&Eમાં પણ લઈ ગયા હતા. 36 વર્ષથી સાંસદ અને 2016થી 2018 સુધી બ્રેક્ઝિટ સેક્રેટરી રહેલા ડેવિસ કહે છે કે તેમણે 35 વર્ષ અગાઉ એક વ્યક્તિને માથામાં માર વાગવાથી મોતને શરણ થતો નિહાળ્યો હતો ત્યારથી તેઓ આવું કશું થતું નિહાળે છે ત્યારે દખલગીરી અવશ્ય કરે છે. ભૂતકાળમાં તેમણે નાક પર માર સહન કર્યો છે અને થોડા દાંત પણ તૂટ્યા હતા.
• જરા સખણા રહેજો, નહિતર ઘણું ગુમાવશો!
બ્રિટિશ પેટ્રોલિયમ (BP)ના પૂર્વ વડા બર્નાર્ડ લૂનીએ ‘ગંભીર ગેરવર્તણૂક’ના પરિણામે 32.4મિલિયન પાઉન્ડ ગુમાવવાનો વારો આવ્યો છે. તેમના ગેરવર્તન મુદ્દે BP ને આક્ષેપો મળ્યા પછી લૂનીએ અચાનક સપ્ટેમ્બરમાં પદત્યાગ કર્યા પછી સ્વીકાર્યું હતું કે તેઓ કંપનીના બોર્ડ સાથે પૂરાં પારદર્શક રહ્યા ન હતા. જોકે, કંપનીએ તો સ્પષ્ટ જણાવ્યું છે કે લૂનીએ જાણીજોઈને બોર્ડને ગેરમાર્ગે દોર્યું હતું અને કંપનીએ કોઈ નોટિસ આપ્યા વિના હકાલપટ્ટી કરવાનો નિર્ણય લીધો હતો. લૂનીએ રાજીનામું આપ્યાના ત્રણ મહિના પછી તેમની હકાલપટ્ટી કરાઈ છે તેનો અર્થ એ થાય છે કે લૂનીના 12 મહિનાના નોટિસ પિરિયડનો તત્કાળ અંત લાવી દેવાયો છે. હવે લૂનીએ 32.4મિલિયન પાઉન્ડનો દલ્લો ગુમાવવો પડશે. લોનીના પદત્યાગ સાથે 113 વર્ષ જૂના એનર્જી ગ્રૂપમાં હલચલ મચી ગઈ હતી. લૂની સામે એક આક્ષેપ એવો હતો કે ભૂતકાળમાં જેની સાથે રિલેશનશિપ હતી તે મહિલાને તેણે પ્રમોશન આપ્યું હતું. તેણે આ સંબંધને કંપની સમક્ષ જાહેર કર્યો ન હોવાનું કહેવાય છે.
• ઝાઝી કીડીઓ સાપને પણ તાણી જાય
સમૂહની તાકાત સામે ભલભલા ભૂપને પણ નમવું પડે છે. ઈંગ્લિશ હેરિટેજ અનુસાર સાન્ડ્રિઘામ એસ્ટેટનો હિસ્સો કેસલ રાઈઝિંગ સૌથી ભવ્ય જાળવણી કરાયેલી ઈમારતોમાં એક ગણાય છે અને લોર્ડ હોવાર્ડ ઓફ રાઈઝિંગના પૂર્વજો આશરે એક હજાર વર્ષોથી નોરફોકના આ વિસ્તારની માલિકી ધરાવે છે. બોરિસ જ્હોન્સન અને લિઝ ટ્રસને વડા પ્રધાન બનાવવામાં મદદ કરનારા આ ઉમરાવને કેસલ રાઈઝિંગ પેરિશ કાઉન્સિલના ચેરમેનપદેથી રાજીનામું આપવાની ફરજ પડી છે. સામાન્ય પ્રજા ભલે મગતરાં એટલે કે મચ્છર જેવી હોય પણ તે શક્તિશાળી હાથીના કાનમાં ઘુસી જાય તો તેને પાગલ બનાવીને છોડે છે. માત્ર 200 લોકોની વસ્તી ધરાવતા વિસ્તારમાં સ્પીડ લિમિટ ઘટાડવાના ઠરાવનો લોર્ડ હોવાર્ડે વિરોધ કર્યો પરંતુ, નિવૃત 69 વર્ષીય કન્સલ્ટન્ટ પીડિઆટ્રિશિયન ક્લેર સ્મિથે અવાજ ઉઠાવી આ ઠરાવને સમર્થન આપ્યું. સતત 35 વર્ષથી પેરિશ કાઉન્સિલના ચેરમેન રહેલા લોર્ડને પોતાની સત્તા અને પ્રભાવનું અપમાન લાગ્યું અને તેમણે રાજીનામું જ આપી દીધું. કાઉન્સિલે તેમની એસ્ટેટના રૂમનો ઉપયોગ કરવો હોય તો લોર્ડની ઓફિસ સાથે શરતો અને નિયમો વિશે જાણકારી મેળવવી પડશે તેવા ફરમાન સામે કાઉન્સિલે કહી દીધું કે તેને ફી પોસાય તેવી નથી અને મીટિંગ માટે ક્રિકેટ ક્લબમાં વ્યવસ્થા ગોઠવી દીધી હતી.