માણસે કદી આશા છોડવી ન જોઈએ કારણકે ઈશ્વરના દરબારમાં દેર હૈ, અંધેર નહિ. યુએસના ઓક્લાહોમાના 71 વર્ષીય ગ્લીન સિમોન્સને આનો અનુભવ થઈ ગયો છે. જે હત્યા ગ્લીને કરી ન હતી તેના ગુનામાં તેમને 48 વર્ષ જેલમાં ગોંધી રખાયા હતા. હવે આખરે તેમને નિર્દોષ જાહેર કરાયા છે. મૂળ તો એક હત્યાના કેસમાં તેમને મૃત્યુદંડની સજા જાહેર કરાઈ હતી જે એક દાયકાની લડત પછી આજીવન કેદમાં ફેરવાઈ હતી. ન્યાયતંત્રને પણ જણાયું છે કે ખોટો ચુકાદો અપાઈ ગયો કારણકે એડમન્ડ સિટીની લિકર શોપના ક્લાર્કે બે લૂંટારા માટે પોલીસની ઓળખપરેડમાં ખોટી રીતે ગ્લીનને અપરાધી તરીકે ઓળખી બતાવ્યા હતા.
ગ્લીને 48 વર્ષ એક મહિનો અને 18 દિવસ જેલમાં વીતાવ્યા પછી મુક્તિ મેળવી છે જેના લીધે તેઓ યુએસમાં સૌથી લાંબો સમય કેદમાં રહી નિર્દોષ જાહેર કરાયેલા કેદી બન્યા છે. સિમોન્સ કહે છે કે આ વાત ધીરજ અને દૃઢતાની છે. કોઈને એમ કહેવા ના દેશો કે આ નહિ થાય કારણકે તે ખરેખર બની જ શકે છે. લિવરનું કેન્સર ધરાવતા ગ્લીન કીમોથેરાપી લઈ રહ્યા છે અને ઓક્લાહોમા સ્ટેટ પાસેથી 175,000 ડોલરનું વળતર મેળવવાની લાંબી લડાઈ પણ શરૂ કરી છે.
• શાહી પરિવારમાં રિસામણા અને મનામણાની રમતો
બ્રિટિશ શાહી પરિવારમાં રિસામણા અને મનામણાની રમતો ચાલી રહી છે. પ્રિન્સ હેરી અને મેગન મર્કેલના રિસામણા હજુ સમાપ્ત થયા નથી પરંતુ, પડદા પાછળ પ્રયાસો ચાલી જ રહ્યા છે. જોકે, ડચેસ ઓફ યોર્ક એટલે કે 64 વર્ષીય સારાહ ફર્ગ્યુસન સામે રિસામણાનો સુખદ અંત આવી ગયો છે. કિંગ ચાર્લ્સ અને ક્વીન કેમિલાએ શાહી પરિવારની જાહેર ક્રિસમસ ઉજવણીમાં સારાહને બોલાવ્યા પછી 30 વર્ષે મનામણા થયા છે. એક રીતે કહેવાય કે ડચેસ ઓફ યોર્કને લોટરી જ લાગી ગઈ છે કારણકે સારાહ છેલ્લે 1992માં સાન્ડ્રિંઘામ ચર્ચમાં શાહી પરિવાર સાથે જોવાં મળ્યાં હતા. સારાહે તેમની બે પુત્રી બીટ્રિસ અને યુજિન સાથે તસવીરો પણ ખેંચાવી હતી. એક ચર્ચા એવી પણ ચાલે છે કે પ્રિન્સ ફિલિપ અને ક્વીન એલિઝાબેથ જીવતાં હોત તો આ શક્ય બન્યું ન હોત કારણકે તેમને સારાહ ખાસ પસંદ ન હતા. કિંગ ચાર્લ્સ પણ પારિવારિક તકરારોનો અંત લાવવા ઈચ્છે છે તેમજ ક્વીન કેમિલા સાથે તેમના સારા સંબંધો કામ કરી ગયા હોય તેમ જણાય છે.
• ‘સોનું દેખી મુનિવર ચળે’ તો, બેરોનેસનો કોઈ વાંક?
વહેતી નદીમાં બધા હાથ ધોઈ નાખવા ઈચ્છતા હોય તેમ કોરોના મહામારીના ગાળામાં ભ્રષ્ટાચાર કરવામાં કોઈએ પાછીપાની કરી નથી. હાથે ચડ્યો તે ચોરના હિસાબે બેરોનેસ મિશેલ મોને 202 મિલિયન પાઉન્ડના PPE કોન્ટ્રાક્ટ્સમાં નફાનું હિત ધરાવતાં હોવાનું બહાર આવી ગયું છે બાકી, અનેક હાડપિંજરો કબાટમાં પૂરાઈને જ રહ્યાં હશે. જોકે, બેરોનેસ મોને પણ ગાંજ્યા જાય તેવાં નથી. તેમણે તો કહી દીધું કે સરકારને આ કોન્ટ્રાક્ટ્સમાં તેમના હિતો વિશે જાણકારી હતી. શરૂઆતથી જ કેબિનેસ ઓફિસ, સરકાર અને ને તેમના સંબંધોની જાણ હતી. જા બિલ્લી મોભામોભ... કોણ કોને પૂછવા કે કહેવાં જવાનું છે? કોન્ટ્રાક્ટ મળ્યા તે કંપની PPE Medproની પાછળ તેમના ફિયાન્સે અને હાલના પતિ ડૌગ બેરોમેન હતા અથવા તેમને પોતાને કોઈ નાણાકીય લાભ મળવાનો હતો કે કેમ તેના કોઈ ખુલાસા બેરોનેસે કર્યાં નથી. આપણામાં કહેવત છે ને ‘સોનું દેખી મુનિવર ચળે’, તો આ તો બેરોનેસ મોને છે, તેમનો કોઈ વાંક કાઢી શકાય?
• સમરથ કો નહિ દોષ ગુંસાઈ!
ડ્યૂક અને ડચેસ ઓફ સસેક્સ એટલે કે પ્રિન્સ હેરી અને મેગન મર્કેલની ચેરિટી આર્ચવેલ ફાઉન્ડેશનનાં વળતાં પાણી થયાં છે. ટેક્સ આઈલિંગ દસ્તાવેજો મુજબ ચેરિટીને મળતાં દાનમાં ગયા વર્ષે 11 મિલિયન ડોલરનો ભારે ઘટાડો થયો છે જેના પરિણામે તેને 674,485 ડોલરની ભારે ખોટ ગઈ છે. ફાઉન્ડેશનને 2021માં એક જ દાતા પાસેથી 10 મિલિયન ડોલર સહિત કુલ 13 મિલિયન ડોલરનું દાન મળ્યું હતું. હવે ગયા વર્ષે બે દાતા પાસે થઈને કુલ માત્ર 2 મિલિયન ડોલરનું દાન મળ્યું છે. જોકે, પાંચ કર્મચારી સાથેની ચેરિટીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર જેમ્સ હોલ્ટને 20,000 ડોલરના બોનસ સાથે 207,405 ડોલરનો પગાર ચૂકવાયો છે. હકીકત એ છે કે હેરી અને મેગન ફાઉન્ડેશનમાંથી કોઈ પગાર લેતાં નથી. તેમને તો શાહી પરિવારના વટાણા વેરનારા પુસ્તકની રોયલ્ટી અને નેટફ્લીક્સ સાથેના શોમાંથી માતબર આવક મળી જ હશે!
• જરા સખણા રહેજો, નહિતર ઘણું ગુમાવશો!
બ્રિટિશ પેટ્રોલિયમ (BP)ના પૂર્વ વડા બર્નાર્ડ લૂનીએ ‘ગંભીર ગેરવર્તણૂક’ના પરિણામે 32.4મિલિયન પાઉન્ડ ગુમાવવાનો વારો આવ્યો છે. તેમના ગેરવર્તન મુદ્દે BP ને આક્ષેપો મળ્યા પછી લૂનીએ અચાનક સપ્ટેમ્બરમાં પદત્યાગ કર્યા પછી સ્વીકાર્યું હતું કે તેઓ કંપનીના બોર્ડ સાથે પૂરાં પારદર્શક રહ્યા ન હતા. જોકે, કંપનીએ તો સ્પષ્ટ જણાવ્યું છે કે લૂનીએ જાણીજોઈને બોર્ડને ગેરમાર્ગે દોર્યું હતું અને કંપનીએ કોઈ નોટિસ આપ્યા વિના હકાલપટ્ટી કરવાનો નિર્ણય લીધો હતો. લૂનીએ રાજીનામું આપ્યાના ત્રણ મહિના પછી તેમની હકાલપટ્ટી કરાઈ છે તેનો અર્થ એ થાય છે કે લૂનીના 12 મહિનાના નોટિસ પિરિયડનો તત્કાળ અંત લાવી દેવાયો છે. હવે લૂનીએ 32.4 મિલિયન પાઉન્ડનો દલ્લો ગુમાવવો પડશે. લોનીના પદત્યાગ સાથે 113 વર્ષ જૂના એનર્જી ગ્રૂપમાં હલચલ મચી ગઈ હતી. લૂની સામે એક આક્ષેપ એવો હતો કે ભૂતકાળમાં જેની સાથે રિલેશનશિપ હતી તે મહિલાને તેણે પ્રમોશન આપ્યું હતું. તેણે આ સંબંધને કંપની સમક્ષ જાહેર કર્યો ન હોવાનું કહેવાય છે.