• નાઈલ નદીની લુપ્ત શાખાના ક્ષેત્રમાં પીરામીડ્સ બંધાયા છે

Tuesday 28th May 2024 10:15 EDT
 
 

ઈજિપ્તના રાજવીઓ-ફેરોઝની કબરો પીરામીડ્સ વિશે કોણ નથી જાણતું? આર્કીઓલોજિસ્ટ્સ લાંબા સમયથી વિચારતા હતા કે મોટા ભાગના પીરામીડ્સ રણમાં લોકોનો વસવાટ ન હોય તેવા સાંકડા પટ્ટામાં શા માટે બાંધવામાં આવ્યા છે. જોકે, હવે વિજ્ઞાનીઓએ સેટેલાઈટ ઈમેજીસ, જીઓફીઝિકલ સર્વેઝ અને લુપ્ત નદીશાખાના રેતક્ષેત્રથી પુરાવા મેળવ્યા છે કે સદીઓ અગાઉ નાઈલ નદીની લુપ્ત થઈ ગયેલી 40 માઈલ (64.37 કિલોમીટર) લંબાઈની શાખાનો પ્રવાહ અહીંથી પસાર થતો હતો.

નાઈલ નદીની આ શાખા લુપ્ત થઈ તે પહેલા વેપાર-વાણિજ્ય, સંસ્કૃતિ અને બાંધકામની સમાગ્રી માટે મહત્ત્વપૂર્ણ વિસ્તારમાં હતી. પીરામીડ્સનું નિર્માણ 4700 વર્ષ અગાઉ શરૂ કરાયું ત્યારે નાઈલ નદીની શાખા વર્તમાન નદીના પ્રવાહની સમાંતર વહેતી હશે અને તેનો ઉપયોગ મજૂરો અને ગ્રેનાઈટ્સ જેવી સાધનસામગ્રી લાવવામાં થતો હશે તેમ સંશોધકોનું કહેવું છે. આશરે 4200 વર્ષ પહેલા મહા દુકાળ પડ્યા પછી નાઈલની આ શાખાએ વહેણ બદલ્યું હોવાના અને કાળક્રમે તે અદૃશ્ય થઈ હોવાનું મનાય છે.

નદીઓ વહેણ બદલે કે લુપ્ત થાય તેવી અનેક ઘટનાઓ છે. ભારતમાં વેદકાળથી ઉલ્લેખ થતો આવ્યો છે તેવી વિશાળ અને પવિત્ર ગણાયેલી સરસ્વતી નદી મુખ્ય છે. અતિ પ્રાચીન સરસ્વતી નદી સાંસ્કૃતિક વિરાસત છે અને દેશમાં મળી આવેલી લોથલ અને ધોળાવીરા સહિત પ્રાચીન સભ્યતાઓ સરસ્વતી નદીના પ્રવાહપથ પર વિકસી હોવાના પુરાવાઓ પણ મળ્યા છે તેમજ અનેક સંસ્થાઓ દ્વારા લુપ્ત સરસ્વતીનો જળમાર્ગ શોધવાના પ્રયાસો ચાલી રહ્યા છે. લુપ્ત સરસ્વતી નદીની એક શાખા પર જ પાટણ અને સિદ્ધપુર જેવાં નગરો વસ્યાં હતાં. પ્રયાગ પાસેના ત્રિવેણી સંગમમાં ગંગા, યમુના અને ત્રીજી ગુપ્ત સરસ્વતી નદીનો પ્રવાહ મળતો હોવાનું કહેવાય છે. બીજી તરફ, ગુજરાતમાં સોનાની દ્વારિકા હતી જે સમુદ્રના પેટાળમાં ગરક થઈ ગઈ હતી તેના પુરાવાઓ પણ આધુનિક ટેકનોલોજી દ્વારા પ્રાપ્ત થઈ રહ્યા છે.

પહેલો સગો પાડોશી - ખરેખર, સાચે જ ?

આપણે એવા ઘણા કિસ્સા સાંભળ્યા છે જ્યાં કોઈ મૃતદેહની ઓળખ બરાબર થઈ ન હોય અને તેના અંતિમસંસ્કાર કરી દેવાયા હોયા દિવસો કે મહિના પછી, આ વ્યક્તિ જીવતી ઘરવાળાઓ સમક્ષ આવે તો સાનંદાશ્ચર્ય થઈ જાય. આવું જ કાંઈક અલ્જિરિયાના ઓમર બેન ઓમરાન બાબતે થયું છે. ઓમરાન તો કિશોરાવસ્થામાં હતો ત્યારે 1996માં ગુમ થયો હતો અને હવે 28 વર્ષ પછી ઘેર પરત ફર્યો છે અને તેની ઊંમર 45 વર્ષની છે. હકીકત એવી છે કે તેના પાડોશી દ્વારા જ ઓમરાનનું અપહરણ કરાયું હતું અને તેના ઘરથી માત્ર 200 મીટરના અંતરે જમીનની છેક અંદર નાની ઓરડી જેવાં કેદખાનામાં પૂરી રખાયો હતો. આ સમયે અલ્જિરિયામાં સિવિલ વોર ચાલતી હતી તે 2002માં પૂરી થઈ હતી. આ ગાળા પછી પણ ઓમરાન ઘેર ન આવ્યો ત્યારે લોકોએ માની લીધું કે આંતરવિગ્રહમાં તેનું મોત થયું હશે. આપણામાં તો કહેવાય છે કે પહેલો સગા પાડોશી કારણકે કોઈ પણ ઈમર્જન્સીમાં બીજા સગાવહાલા તો પછી આવે પાડોશી પહેલા અને વધુ કામમાં આવે છે. જોકે, ઓમરાન માટે તો પડોશી જ દુશ્મન પુરવાર થયો હતો. એમ કહેવાય છે કે વારસાની બાબતે કોઈ ઝગડો ચાલતો હોઈ વેર વાળવા ઓમરાનનું અપહરણ કરી બંદી બનાવી રખાયો હતો. અપહરણકારનો ઓમરાન પર એટલો પ્રભાવ હતો કે તે આ બંધનાવસ્થામાંથી છૂટ, મદદ મેળવવા કોઈ પ્રયાસ જ ન કર્યો. તેની માનસિક ક્ષમતા ઘણી ક્ષીણ થઈ ગઈ હતી. શકમંદ અપહરણકાર એકલો જ રહેતો હતો પરંતુ, રિપોર્ટ્સ મુજબ તે બે વ્યક્તિ માટે ખોરાક ખરીદતો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter