એક બાબત તો નિર્વિવાદ છે કે બ્રિટિશરો જ્યાં પણ વેપારના નામે ગયા છે ત્યાં સત્તા જમાવી રાજરજવાડાઓની કલાકૃતિઓ અને સોના-ચાંદીની પૌરાણિક આઈટમ્સની લૂંટફાટ જ ચલાવી છે... ભલે તે ભારત હોય કે ઘાના. 19મી સદીમાં વેસ્ટ આફ્રિકન દેશ ઘાનાના અશાન્ટે લોકો અને બ્રિટિશ દળો વચ્ચે જે યુદ્ધો ખેલાયાં તેમાં બ્રિટિશરોએ સોનાની બનાવેલી હસ્તકારીગરી તેમજ રાજઘરાણાના મુગટ સહિતની સંખ્યાબંધ આઈટમ્સની લૂંટ ચલાવી હતી.
હવે 150 વર્ષ પછી વિક્ટોરિયા એન્ડ આલ્બર્ટ મ્યુઝિયમ (V&A) અને બ્રિટિશ મ્યુઝિયમે તેમની પાસે રહેલી સોના અને ચાંદીની 32 અમૂલ્ય આઈટમ્સ ત્રણ વર્ષ માટે લોન તરીકે મોકલી આપી છે. લોનનો સમયગાળો વધારી પણ શકાય છે. યુકેના કે્ટલાક મ્યુઝિયમ્સ વિવાદાસ્પદ આઈટમ્સ કાયમી પરત કરી ન શકે તેવો કાનૂની પ્રતિબંધ તેમના પર લદાયેલો છે પરંતુ, લોન તરીકે આપવાની છૂટ છે. અશાન્ટે લોકો માટે આ આઈટમ્સ આધ્યાત્મિક મહત્ત્વ ઘરાવતી વસ્તુઓ છે. અશાન્ટે લોકો વિચારે છે કે આજે ચીજવસ્તુઓ લોન સ્વરૂપે દેશમાં પરત આવી છે તો ભવિષ્યમાં કાયમી રીતે પણ આવી શકે છે. જોકે, બ્રિટિશરો લૂંટેલો માલ ઓહિયાં કરી જવામાં જ માને છે. ભારતમાંથી લૂંટીને લઈ જવાયેલો અને બ્રિટિશ તાજમાં રખાયેલો કોહિનૂર હીરો પરત કરવામાં જે ગલ્લાંતલ્લાં કરાય છે તેનાથી આપણે ક્યાં અજાણ છીએ!
• કોઇના પર ગુસ્સો છે? કાગળ પર લખી ગુસ્સો ઠાલવો અને ફેંકી દો
કોઈના પર પણ ગુસ્સે થવું તે જોખમી છે અને તેમાં પણ બોસ અને પત્ની પર ગુસ્સો ઉતારવો ભારે જોખમનું કામ છે. જાપાનમાં સંશોધકોએ ગુસ્સા અને હતાશાની લાગણીમાંથી બહાર આવવા નવી પદ્ધતિ સૂચવી છે. કોઈના પર ગુસ્સો આવ્યો છે, વાંધો નહિ. જે તે વ્યક્તિ વિશે તમને નહિ ગમતી બાબતો એક કાગળ પર ઉતારી તમારો ગુસ્સો બરાબર ઠાલવી દો. તમારી લાગણીઓ ઠાલવી દીધા પછી ગુસ્સો હવે ઉતરી ગયો હશે. બસ, હવે બીજું કશું કરવાનું નહિ, જે કાગળ પર તમે ગુસ્સાની લાગણીઓ ઠાલવી હતી તે કાગળને ફેંકી દો કે નાશ કરી નાખો. જાપાનમાં હાકિડાશીસારા નામે સદીઓ જૂની પરંપરા છે જેમાં ગુસ્સાની લાગણીને કાગળ પર લખી દેવાય છે અને નાના વાસણમાં સીલ કરી તેને ફેંકી દેવાય છે. આ પરંપરાનો હેતુ આપણા હૃદયની મૂળ પવિત્રતાને પુનઃસ્થાપિત કરવાનો હોય છે. ‘સાયન્ટિફિક રિપોર્ટ્સ’ જર્નલમાં પ્રકાશિત અભ્યાસમાં 50 વોલન્ટીઅર્સ પર કરાયેલા પ્રયોગના તારણો મૂકાયાં છે. જે લોકોએ કાગળ પર નકારાત્મક લાગણીઓ લખીને ગુસ્સો ઠાલવી તેનો નાશ કર્યો હતો તેમના ગુસ્સાનું સ્તર તદ્દન ઘટી શૂન્ય થઈ ગયું હતું.
• લાફિંગ ગેસના નશાએ મોત નોતર્યું
લોકોને અવનવા પ્રકારે નશો કરવાની આદત પડી જતી હોય છે જે ઘણી વખત જીવલેણ નીવડે છે. લોકો ડ્રગ્સના રવાડે ચડે છે તો કોઈ પેઈન્ટ સુંઘીને નશો મેળવે છે. બકિંગહામશાયરની 24 વર્ષની યુવતી એલન મર્સરને લાફિંગ ગેસ એચલે કે નાઈટ્રસ ઓકસાઈડ શ્વાસમાં લેવાની આદત પડી ગઈ હતી. એલન દિવસના નાઈટ્રસ ઓક્સાઈડની 600 ગ્રામની બેથી ત્રણ બોટલ્સ અથવા લાફિંગ ગેસના 8 ગ્રામના 225 જેટલા મેટલ કેનિસ્ટર્સને સુંઘવાની અને નસાયુક્ત બની રહેવાની આદતે તેનો જીવ લીધો હોવાની બર્કશાયર કોરોનરની કોર્ટ સમક્ષ રજૂઆત કરાઈ હતી.
ગયા વર્ષે ફેબ્રુઆરીમાં મર્સરની હાલત એટલી ખરાબ થઈ હતી કે તે ઉભા રહીને ચાલી પણ શકતી ન હતી, બે સપ્તાહથી તે ટોઈલેટ પણ ગઈ ન હતી અને શ્વાસોચ્છવાસની તકલીફ ઉભી થઈ હતી. તેને તત્કાળ હોસ્પિટલમાં દાખલ કરાઈ પરંતુ, માત્ર 24 કલાકમાં તેનાં જીવનનો અકાળે અંત આવી ગયો હતો. સીનિયર કોરોનરે મોતનું કારણ નાઈટ્રસ ઓક્સાઈડનો વધુપડતો ઉપયોગ હોવાનું જણાવ્યું હતું. આ ડ્રગના કારણે તેનાં હલનચલન પર ગંભીર અસર થઈ હતી. ઈન્ક્વેસ્ટમાં જણાયું હતું કે એલનનાં પગમાં પસથી ભરેલાં ગૂમડાં હતાં, લોહીનાં ક્લોટ્સ જામી ગયાં હતા જેમાંથી થોડાં ફેફસાંમાં પણ પહોંચ્યાં હતાં. એલનનાં મોત સમયે નશો કરવાના ઈરાદાથી લાફિંગ ગેસ રાખવો ગેરકાયદે ન હતું પરંતુ, નવેમ્બર 2023થી તેના પર પ્રતિબંધ આવ્યો છે અને તેના ડીલર્સને 14 વર્ષ સુધી જેલની સજાની જોગવાઈ પણ કરાઈ છે.