માણસની જીભ કદી સખણી રહેતી નથી અને લપસી જાય ત્યારે ભારે અનર્થો સર્જે છે. એક પુરુષ સહકર્મચારીએ લંડનની ફર્મ ખાન્સ સોલિસિટર્સમાં કાર્યરત મુસ્લિમ પેરાલીગલ ફોરિદા કૈસરની ખરાબ ટીખળ કરી કે જો તે હેડસ્કાર્ફ પહેરવાનું છોડી દેશે તો પુરુષોને આકર્ષી શકશે. સાચે જ કોઈ સ્ત્રી વિશે આવી ટીપ્પણી કરવી અયોગ્ય કહેવાય અને ડાઈવોર્સી ફોરિદાબહેનને અપમાન અને શરમની લાગણી થવી સ્વાભાવિક હતી. અધૂરામાં પુરું તે ફર્મ દ્વારા તેમની છટણી કરી દેવાઈ. રોષે ભરાયેલાં ફોરિદાએ એમ્પ્લોયમેન્ટ ટ્રિબ્યુનલમાં કંપની સામે સેસ્સ્યુઅલ હેરેસમેન્ટ અને ભેદભાવનો દાવો કરી દીધો. કંપનીના એક સોલિસીટર ઈમ્તિયાઝ અહેમદે હેડસ્કાર્ફ વિના ફોરિદાની તસવીર નિહાળી ઉપરોક્ત ટીપ્પણી કરી હતી. ટ્રિબ્યુનલે ઠરાવ્યું કે કૈસરના ડાઈવોર્સ વિશે જાણતા ઈમ્તિયાઝનું કહેવું એમ હતું કે જો તે હેડસ્કાર્ફ પહેરી રાખશે તો તેને પતિ નહિ મળે. ર્આ કેસની સુનાવણીમાં ફોરિદાનાં ખરાબ સ્વાસ્થ્ય અને માનસિક સમસ્યાઓ પણ બહાર આવી હતી. ટ્રિબ્યુનલે જાતીય કનડગત અને ભેદભાવ, ગેરવાજબી હકાલપટ્ટી સહિત ફોરિદાના દાવાઓ બહાલ રાખી તેને વળતરનો આદેશ આપ્યો છે જેની રકમ હવે જાહેર થવાની છે.
• બોલવા બોલવામાં પણ ફરક હોય છે
આ વાત પણ લપસણી જીભની જ છે પરંતુ, શિક્ષિત અને ઉચ્ચ હોદ્દા પર રહેલા લોકો પણ ઘણી વખત બોલવામાં લોચા મારે છે ત્યારે મોટા પ્રશ્ન સર્જાય છે અને છેવટે માફી માગવાની નોબત આવે છે. હાલ ટેસ્કોના ચેરમેનપદે ગોઠવાયેલા 74 વર્ષીય જ્હોન એલન 2018થી 2020ના ગાળામાં લોબીઈંગ ગ્રૂપ કોન્ફેડરેશન ઓફ બ્રિટિશ ઈન્ડસ્ટ્રી (CBI )ના ચેરમેન અને તે પછી ઓક્ટોબર 2021સુધી વાઈસ પ્રેસિડેન્ટ હતા. એમ કહેવાય છે કે જેરેમી કોર્બીને લેબરનેતા તરીકે નવેમ્બર 2019માં CBIની વાર્ષિક કોન્ફરન્સમાં સંબોધન કર્યું તે અગાઉ મધ્યકક્ષાની સીબીઆઈ મહિલા મેનેજરને એમ કહ્યું હતું કે ‘તમારાં શરીરને આ ડ્રેસ ખરેખર સારો લાગે છે.’ મહિલાએ તો સીબીઆઈના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ સમક્ષ ફરિયાદ કરી અને વાત આગળ વધી હતી.
એલનને ભારે ઠપકો મળ્યો અને તેમણે માફી માગવાની પણ ફરજ પડી હતી. આવી ટીપ્પણી મહિલાના શરીર વિશે હતી કે તેમના ડ્રેસ વિશે હતી તે સ્પષ્ટ થતું નથી. આથી જ કહેવાય છે કે બોલો, ત્યારે સમજી, વિચારીને બોલો. શબ્દના તીર કદી પાછાં વળતા નથી પરંતુ, સામેવાળાને વીંધી તો નાખે જ છે. જ્હોન એલન માટે આ કિસ્સો એકલદોકલ નથી. તેમણે 2017માં કહ્યું હતું કે યુકે બોર્ડરૂમ્સમાં શ્વેત પુરુષો હવે ‘ભયમાં મૂકાયેલી પ્રજાતિ’ છે અને તેમણે કદર મેળવવા સ્ત્રીઓ કરતાં બમણી સખત મહેનત કરવી પડશે.
• માથુ મૂકીને કરે કામ, તે માલામાલ બને
રસોઈમાં સ્વાદ અને સોડમ લાવવા માટે જે વઘાર નંખાય છે તેનાથી વાનગીઓનું કલેવર બદલાઈ જાય છે. ભારતીય વાનગીઓ પીરસતી ડાઈનિંગ ચેઈન મોગલી સ્ટ્રીટ ફૂડની વાત કરીએ તો જુલાઈ સુધીના વર્ષમાં તેની આવક ત્રણગણા વધારા સાથે 26.9 મિલિયન પાઉન્ડ સુધી પહોંચી ગઈ છે અને મહામારીના ગાળા પછી નફાની સ્થિતિ આવી છે. બ્રિટિશ શેફ, ફૂડ રાઈટર અને ટીવી પ્રેઝન્ટર નિશા કાટોના MBE દ્વારા 2014માં આ ફૂડ ચેઈનની સ્થાપના કરાઈ હતી. મઝાની વાત તો એ છે કે ફૂડ બિઝનેસમાં પ્રવેશ કર્યો તે પહેલાં નિશા કાટોનાએ નોર્ધર્ન સર્કિટ પર 20 વર્ષ સુધી ચાઈલ્ડ પ્રોટેક્શન બેરિસ્ટર તરીકેની કામગીરી નિભાવી હતી. તેમણે કેબિનેટ ઓફિસમાં એમ્બેસેડર, મેશનલ મ્યુઝિયમ્સ લિવરપૂલના ટ્રસ્ટી તરીકે પણ કામ કર્યું છે. આ પછી, તેમણે સતત કામ કરે છે તેમને સફળતા અવશ્ય મળે છે. પેલી ઉક્તિ છે ને કે ‘માંહી પડ્યા તે મહાસુખ માણે, દેખણહારા દાઝે જોને.’ ઉલ્લેખનીય છે કે તેમના વડપણ હેઠળનું મોગલી ટ્રસ્ટ દર વર્ષે 300,000 પાઉન્ડથી વધુ રકમ સ્થાનિક અને વૈશ્વિક સખાવતી સંસ્થાઓને દાન કરે છે.
• હવે માલેતુજારોની અવકાશમાં પણ સંભોગની ઘેલછા!
સ્પેસ ટુરિઝમ ઈન્ડસ્ટ્રી પા પા પગલી ભરી રહી છે ત્યારે કહેવાતો માલેતુજાર વર્ગ 100 માઈલની ઊંચાઈએ અવકાશી સ્વર્ગ અથવા તો ઝીરો ગ્રેવિટી વાતાવરણમાં રજાઓ ગાળવાની સાથે અંગત સંબંધો કેવા રહે તેનો રોમાંચ માણવા થનગની રહ્યો છે. આ અવકાશી પર્યટકો સ્પેસ ફ્લાઈટ દરમિયાન માઈક્રોગ્રેવિટી અને આયોનાઈઝિંગ રેડિયેશનના વધેલા સ્તર છતાં, જાતીય પ્રવૃત્તિથી અળગાં રહેશે તેમ માનવું પણ ભૂલભરેલું છે. જોકે, સ્પેસ સેક્સ અનેક જોખમો ધરાવતું હશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. સ્પેસ સેક્સ સંખ્યાબંધ બાયોલોજિકલ અને કાનૂની પ્રશ્નો ઉભાં કરશે. માનવીય પ્રજનનના પ્રરંભિક તબક્કાઓમાં માઈક્રોગ્રેવિટી અને આયોનાઈઝિંગ રેડિયેશનની અસર હજુ અજાણી છે. ઉંદર અને અન્ય પ્રાણીઓ પર અવકાશી પ્રયોગો થયા છે અને વિરોધાભાસી પરિણામો મળ્યાં છે ત્યારે માનવી માટે પણ તે બંધબેસતા હોય તેની કોઈ ગેરંટી નથી. માનવીમાં શુક્રાણુના ઉત્પાદનની જટિલ પ્રક્રિયામાં આશરે 74 દિવસ લાગી જાય છે. રેડિયેશનની તેના પર કેવી અસર હશે તે પ્રશ્ન પણ છે. પૃથ્વી પર પરત આવ્યા પછી પુરુષ અવકાશી પર્યટકને કાનૂની કરારમાં કેટલાક મહિના સુધી બાળકના પિતા નહિ બનવાનું જણાવાય તેવી પણ શક્યતા છે. અત્યાર સુધી તો સ્પેસફ્લાઈટ માત્ર કારકીર્દિ પર ધ્યાન કેન્દ્રિત રાખતા પ્રોફેશનલ અવકાશયાત્રીઓના એકાધિકારમાં હતી. હવે એવી દલીલ થઈ રહી છે કે જો માનવીએ દૂરસુદૂરના મિશનો હાથ ધરવા હશે તો સ્પેસ સેક્સને તેનો એક હિસ્સો ગણવો પડશે. કેનેડિયન સાઈકોલોજિસ્ટ ગ્રૂપે તો દલીલ કરી છે કે નાસાએ નવી શાખા ‘સ્પેસ સેક્સોલોજીને અનુસરવી જોઈશે.
• અમેરિકામાં 41 મિલિયન લોકો ફૂડ સ્ટેમ્પ્સ પર જીવે છે
અમેરિકા ભલે ડ્રીમલેન્ડ અથવા સ્વપ્નાનો દેશ કહેવાતો હોય પરંતુ, બધા લોકોના સ્વપ્ન સાકાર થતાં નથી. માનવીની પ્રાથમિક જરૂરિયાત રોટી, કપડાં અને મકાનની હોય છે તેમાં અમેરિકનો પણ બાકાત નથી. આખી દુનિયાને શસ્ત્રો વેચવા ફરતા જગત જમાદાર અમેરિકામાં સંખ્યાબંધ ભૂખ્યા લોકો સરકારી સહાય પર જીવે છે. આશરે 41 મિલિયન અમેરિકનો સપ્લીમેન્ટલ ન્યુટ્રિશનલ આસિસ્ટન્સ પ્રોગ્રામના હિસ્સારૂપે ફૂડ સ્ટેમ્પ્સ મેળવે છે જેથી તેમનું પેટ ભરાઈ શકે. કોવિડ મહામારીમાં ભારે મુશ્કેલી અનુભવતા પરિવારોને મદદ કરવા ઈમર્જન્સી ફાળવણી કરાઈ હતી પરંતુ, આવી ફાળવણી પહેલી માર્ચથી સત્તાવારપણે બંધ કરી દેવાઈ છે. આમ, લોકોને છતમાં પણ અછતનો અનુભવ થઈ રહ્યો છે.