મોબાઈલ અથવા તો સ્માર્ટફોનનું ભારે વળગણ ચાલી રહ્યું છે. આ પાગલપનમાં ઓફિસરીનો ઘમંડ ઉમેરાય ત્યારે કેવી હાલત થાય તે આ કિસ્સો જ જણાવી શકે. છત્તીસગઢમાં કાનકેર નજીકના ડેમ પાસે ફૂડ ઈન્સ્પેક્ટર રાજેશ વિશ્વાસ રવિવારની રજામાં દોસ્તો સાથે પાર્ટી કરી રહ્યા હતા. અચાનક ‘રંગમાં ભંગ પડ્યો રે મારા ભાઈ અને ન થવાની જ થઈ’ના હિસાબે અધિકારી સાહેબના એક લાખ રૂપિયાના સ્માર્ટફોને 15 ફૂટ ઉંડાં પાણીમાં જળસમાધિ લઈ લીધી. સાહેબે તો ગામલોકોને મોબાઈલ શોધવામાં લગાવી દીધા છતાં ફોન હાથ ન લાગ્યો.
હિંમત હારે એ બીજા, સાહેબનો સ્માર્ટફોન ખોવાય તે કેમ ચાલે? ફૂડ ઈન્સ્પેક્ટરે તો ડીઝલથી ચાલતા મશીનો દ્વારા ડેમ ઉલેચી નાખવાનો આદેશ આપી દીધો. ડેમમાં આ વિસ્તારના ખેડૂતો માટે દુકાળમાં જીવાદોરી સમાન 4.1 મિલિયન લિટર પાણી હતું. એક લાખના મોબાઈલ માટે કરોડો રુપિયાના પાણીનું આંધણ કરી નાખનારા વિશ્વાસને સસ્પેન્ડ કરી દેવાયો પરંતુ, ખેડૂતોના જીવ હવે પડીકે બંધાઈ ગયા છે તેનું શું?
• માનવસૃષ્ટિની માતા કોણનો ઉત્તર છે કોમ્બ જેલી!
આપણે તો એમ જાણીએ છીએ કે વિશ્વમાં સૌપ્રથમ એકકોષી સજીવ અમીબા હતું જેના સતત કોષીય વિભાજનથી સમગ્ર સૃષ્ટિ રચાઈ હતી. હવે વિજ્ઞાનીઓ કહે છે કે મહાસાગરોમાં તરતી રહેતી કોમ્બ જેલી (Comb jellies) માનવજાતની માતા છે. આ પછી, પ્રાણીવિજ્ઞાનનો સૌથી મોટો કોયડો સર્જાયો કે સી-સ્પોન્જ (વાદળી) અને કોમ્બ જેલીમાંથી પ્રથમ કોણ હતું? નેચર જર્નલમાં પ્રસિદ્ધ અભ્યાસ મુજબ 500 મિલિયન કરતાં વધુ વર્ષ અગાઉ કોમ્બ જેલીના પૂર્વજ પ્રાણીએ ઉત્ક્રાંતિ વૃક્ષમાં પોતાની આગવી શાખા સ્થાપી હતી જેમાંથી સમયાંતરે પ્રાણીજગતની વર્તમાન ચાર પ્રશાખામાં વિભાજન થયું હતું. કોમ્બ જેલીમાં સ્નાયુઓ અને ન્યૂરોન્સ જોવાં મળે છે જે વાદળીમાં નથી. સ્નાયુઓ અને ન્યૂરોન્સના લક્ષણ ધરાવતું મૂળ પ્રાણી જ તમામ પ્રાણીઓનું સામાન્ય પૂર્વજ હોઈ શકે છે. એટલે કે તમામ પ્રાણીના અસ્તિત્વ ધરાવતા છેલ્લા પૂર્વજને પણ 700 મિલિયન અથવા વધુ વર્ષ પૂર્વે સ્નાયુઓ અને ન્યૂરોન્સ હતા તેમ અભ્યાસના લેખક અને યુનિવર્સિટી ઓફ વિયેનાના ડોક્ટર ડારિન શુલ્ઝનું કહેવું છે. આ સંશોધનમાં વિવિધ પ્રાણીઓનાં તેમના કોષના કેન્દ્રમાં પાતળા રેસા જેવા માળખાંમાં DNA માંથી રચાયેલાં ક્રોમોઝોમ્સનો સમાવેશ થયો હતો. વિશ્લેષણમાં કોમ્બ જેલીઝ અને અતિ પ્રાચીન એકકોષી ઓર્ગેનિઝમ્સના ક્રોમોઝોમ્સ વચ્ચે નોંધપાત્ર સમાનતા જણાઈ હતી.
• જેટલાં ઊંચે જઈશું , એટલાં જ નીચે જવાનો ખતરો
ન્યૂ યોર્ક સિટી તેની ગગનચૂંબી ઈમારતોના ભાર હેઠળ ડૂબી જશે અને સ્કાયલાઈનમાં વધુ ઉમેરો થશે તો સમસ્યા વધુ ઘેરી બનવાની ચેતવણી યુએસ જિઓલોજીકલ સર્વેના રિપોર્ટમાં અપાઈ છે. એ વાત તો સાચી છે કે જમીન ઓછી હોય ત્યારે લોકોને સમાવવા ઊંચી ઈમારતો બાંધવી પડે છે પરંતુ, તેની પણ કોઈ હદ રાખવી પડે! કારણકે રિપોર્ટ કહે છે કે ગગનચૂંબી ઈમારતો ન્યૂ યોર્ક સિટી પર 1.68 ટ્રિલિયન પાઉન્ડ (આશરે 762 મિલિયન ટન)નું વજન સ્થાપે છે. આ વજનમાં શહેરનાં દસ લાખથી વધુ બિલ્ડિંગ્સનો જ સમાવેશ કરાયો છે, તેના રોડ્સ કે બ્રીજ્સ અને અન્ય લેમ્પ પોસ્ટ્સનો ઉલ્લેખ જ નથી. આકાશને આંબતા બિલ્ડિંગ્સ વધુ પ્રેશર સર્જે છે. આમ તો જેટલાં ઊંચે જઈશું તેટલો નીચે જવાનો કે ડૂબવાનો ખતરો વધી શકે છે. સાચી વાત એ પણ છે કે ન્યૂ યોર્ક દર વર્ષે આશરે 1-2 મિલિમીટર નીચે ધસતું જાય છે. આમ તો, મેનહટ્ટનની મોટા ભાગના સ્કાયસ્ક્રેપર્સ ખડકાળ વિસ્તારમાં બંધાયેલા છે પરંતુ, અન્ય તટવર્તી, નદી કે લેકફ્રન્ટ પરની ઈમારતો પોચી જમીન પર બંધાયેલી છે જે ભવિષ્યમાં પૂરનું જોખમ સર્જી શકે છે.
• પારકા પૈસે પરમાનંદનો આ તે કેવો ફંદ?
બ્લેક કન્ટ્રીના હરમિન્દર ગિલ આજકાલ જેલની કોટડીનો આનંદ લઈ રહ્યા છે પરંતુ, તેમણે પોતાના એમ્પ્લોયરના 350,000 પાઉન્ડની ચોરી કરી જે પરમાનંદ માણ્યો હતો તે હવે અવળો પડી રહ્યો છે. વોરવિકશાયરની કંપનીના પેરોલ ડિપાર્ટમેન્ટમાં કામ કરતો 27 વર્ષીય ગિલ સિસ્ટમની ખામી શોધી અવારનવાર ચોરી કરવાના ચાળે ચડી ગયો હતો. કંપનીના બોસીસને જાણ થાય તે પહેલા તો બે વર્ષમાં તેણે 350,000 પાઉન્ડ સગેવગે કરી દીધા હતા. તેણે પોતાના અલગ અલગ છ એકાઉન્ટ્સમાં કંપનીના નાણા ટ્રાન્સફર કર્યા હતા. મે 2019થી ઓક્ટોબર 2021ના ગાળામાં તેણે કુલ 181 ટ્રાન્ઝેક્શન્સ કર્યા જેમાંથી સૌથી મોટું ટ્રાન્ઝેશન 32000 પાઉન્ડનું હતું. પારકાના પૈસા હોય તેમાં બચત શું કરવાની તેવું જ્ઞાન પચાવી ગયેલા હરમિન્દરે તો લક્ઝરી કાર્સની ખરીદી, મોજમઝા અને મોંઘા સ્થળોએ વેકેશનો ગાળવાની તજવીજો કરી લીધી. હવે તો તેની પાસે કશું રહ્યું નથી અને સાડા ચાર વર્ષની કેદ ભોગવી રહ્યો છે.
• ફ્રોડનો શિકાર બનતા બિઝનેસીસઃ વાંક કોનો કાઢીશું?
બિઝનેસીસ સાથે ફ્રોડ થવાની ઘટનાઓ અવારનવાર ચમકતી રહે છે. ઘણી ઘટનાઓ તો જાહેર કરાતી જ નથી.હોમ ઓફિસ દ્વારા 2020માં લખાયેલો પરંતુ, હાલમાં જ પ્રકાશિત રિપોર્ટમાં ઈન્ડસ્ટ્રીના સાત ક્ષેત્રોને આવરી લેતી 20 ટકા કંપની- બિઝનેસીસ 2020 સુધીનાં ત્રણ વર્ષમાં ફ્રોડનો શિકાર બન્યાની ઘટનાઓની તપાસ કરાઈ હતી. આ સમયગાળામાં હોલસેલ અને રીટેઈલ સેક્ટરમાં પ્રતિ કંપની એકથી 5000 જેટલી ફ્રોડની ઘટના નોંધાઈ હતી અને પ્રતિ બિઝનેસ સરેરાશ રકમ 16,000 પાઉન્ડ જેટલી હતી. તમામ સેક્ટર્સને ધ્યાનમાં લઈએ તો પ્રતિ 1000 બિઝનેસીસ માટે ફ્રોડની સંખ્યા આશરે 3,917 જેટલી હતી. હોમ ઓફિસે અનુમાન બાંધ્યું છે કે 2018 અને 2023ના સમયગાળામાં સાત ઈન્ડસ્ટ્રી સેક્ટરમાં કંપનીઓએ આશરે 4.5 મિલિયન ફ્રોડનો સામનો કરવો પડ્યો હોય. રસપ્રદ બાબત તો એ કહેવાય કે માત્ર 32 ટકા કંપનીએ ફ્રોડના અનુભવો વિશે પોલીસને જાણ કરી હતી અને માત્ર 25 ટકાએ નેશનલ ફ્રોડ રિપોર્ટિંગ સર્વિસ એક્શન ફ્રોડને જણાવ્યું હતું. બિઝનેસીસ તેની સાથે કરાયેલી છેતરપીંડીની જાણ જ નહિ કરે તો કાર્યવાહી કોની સામે કરાશે? બીજી તરફ, હોમ ઓફિસે પણ જોવું જ રહ્યું કે રિપોર્ટ જાહેર કરવામાં આટલો વિલંબ શા માટે કરાયો?