આપણે લંચમાં જવા માટે ઘડિયાળના કાંટામાં કેટલી મિનિટ બાકી રહી તેની ગણતરી કરતા હોઈએ અને સાથી કર્મચારી સિગારેટ ફૂંકવા ‘સ્મોક બ્રેક’ લેતો હોય ત્યારે થતી અકળામણ સમજાવી શકાય તેમ નથી. હેપી યુકે કંપની દ્વારા કરાયેલા એક અભ્યાસ મુજબ સ્મોકિંગ નહિ કરતા કર્મચારીની સરખામણીએ ધૂમ્રપાન કરતો કર્મચારી વર્ષે એક સપ્તાહની વધુ રજા મેળવી લેતો હોય છે. કોન્ટ્રાક્ટમાં સ્પષ્ટ કરાયું ન હોય તે સિવાય કર્મચારીને કામકાજના સમયમાં સ્મોકિંગ બ્રેકનો અધિકાર નથી.
ઈંગ્લેન્ડ અને વેલ્સમાં વર્કપ્લેસમાં ધૂમ્રપાન કરવાથી 200 પાઉન્ડ અને સ્કોટલેન્ડમાં 50 પાઉન્ડ સુધીનો દંડ થઈ શકે છે. અભ્યાસના તારણો જણાવે છે કે 52 ચકા સ્મોકર્સ અને વેપર્સ કામ કરવા દરમિયાન નિયમિત સિગારેટ ફૂંકવા માટે સમય મેળવી લેતા હોય છે. ધૂમ્રપાન કરનારાઓ દરરોજ સરેરાશ 5થી 10 મિનિટ માટે તેમના ડેસ્ક પરથી ગાયબ થઈ જતા હોય છે. કેટલાક તો 20 મિનિટ જેટલો સમય આ રીતે પસાર કરી લેતા હોય છે. સ્મોકર્સ કામના કલાકો દરમિયાન જ દર વર્ષે 39 કલાકથી વધુ સમય સિગારેટ પીવામાં અથવા કામ નહિ કરવામાં વીતાવતા હોય છે જે એક સપ્તાહની વધારાની રજા સમકક્ષ ગણાય. સૌથી વધુ સ્મોક બ્રેક લેનારામાં 18-26 વયજૂથના કર્મચારીઓ છે જેમના પછી, 59-77 વયજૂથ અને 43-58વયજૂથનો ક્રમ આવે છે. સૌથી ઓછો સ્મોક બ્રેક 27-42 વયજૂથના કર્મચારીઓ લે છે. ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સના આંકડા મુજબ 2021માં 18થી વધુ વયના 13 ટકા અથવા તો 6.6 મિલિયન લોકો ધૂમ્રપાન કરતા હતા.
• હવે બેરિસ્ટર્સનો પણ ઓનલાઈન બિઝનેસ!
મોટા ભાગના ધંધાકીય કામકાજ હવે ઓનલાઈન થઈ ગયા છે ત્યારે બેરિસ્ટર્સ શું કામ બાકી રહે? જોકે, ક્લાયન્ટ્સ તો આવે કે ન આવે પણ કોઈ પણ ધંધા મૂડી વગર ચાલતા નથી. આવી સ્થિતિમાં સિમેન્ટ- કોંક્રીટની ઓફિસ કે ચેમ્બર્સ વિના 21ની સદીની બારની સેવા ઓફર કરી રહેલા ‘ધ બેરિસ્ટર ગ્રૂપ’ને જંગી કહી શકાય તેવું 10 મિલિયન પાઉન્ડનું ખાનગી ઈક્વિટી ઈન્વેસ્ટમેન્ટ મળી ગયું છે. 240 લોયર્સને સમાવતી છત્રકંપની ‘ધ બેરિસ્ટર ગ્રૂપ’ને લોઈડ્સ બેન્કિંગ ગ્રૂપના પ્રાઈવેટ ઈક્વિટી ડિવિઝન LDC તરફથી આ મૂડી મળી છે. બેરિસ્ટર ગ્રૂપના ત્રણ ડિવિઝન છે જેનો સંયુક્ત બિઝનેસ વાર્ષિક 9.3 મિલિયન પાઉન્ડની રેવન્યુ ધરાવે છે. અત્યાર સુધી તો લંડનની ચાર મુખ્ય ઈન્સ ઓફ કોર્ટ દ્વારા દ્વારા પરંપરાગત બેરિસ્ટર્સની સેવા અપાતી હતી જેમાં, ગ્રે‘સ ઈન, ઈનર ટેમ્પલ, લિંકન્‘સ ઈન અને મિડલ ટેમ્પલનો સમાવેશ થાય છે.
• કોરોના કાળથી વધેલી પુસ્તકોનાં વાંચનની તેજી યથાવત્!
કોરોના કાળમાં લોકડાઉન્સના કારણે સામાજિક સંપર્કો અને મનોરંજનના સાધનો તૂટી જવાના પરિણામે લોકો વાંચન તરફ વળ્યા હતા. ત્રણ વર્ષ પછી પણ આ શોખ જળવાઈ રહ્યો છે એટલું જ નહિ, મનોરંજનના સૌથી સસ્તા પ્રકાર તરીકે તેમાં તેજી યથાવત્ રહી છે. લોકોની સાથે પ્રકાશકોને પણ ભારે ફાયદો થયો છે એટલે કે આ વર્ષના તેનું વિક્રમી વેચાણ 15 ટકા વધીને 264.1 મિલિયન પાઉન્ડ તેમજ નફો 16 ટકા વધીને 31.1 મિલિયન પાઉન્ડ થયો છે. હેરી પોટરબુક્સના પ્રકાશક બ્લૂમ્સબેરીએ તેના શ્રેષ્ઠ નાણાકીય પરિણામો જાહેર કર્યા છે તે આનો પુરાવો છે. નાઈજેલ ન્યૂટને 1986માં બ્લૂમ્સબેરીની સ્થાપના કરી હતી અને તેની પાસે મોટા ભાગના પ્રકાશકોએ નકારેલી જેકે રોલિંગ્સની હેરી પોટર મેન્યુસ્ક્રિપટ આવી હતી જેને પ્રસિદ્ધ કરવાના નિર્ણયે કંપની અને લેખિકા બંનેનો સિતારો ચમકાવી દીધો હતો. એક હકીકત એ પણ છે કે લોકોને ઈબૂક્સ અને ઓડિયો બુક્સની સરખામણીએ પુસ્તક હાથમાં રાખીને વાંચવું વધુ ગમતું રહ્યું છે કારણકે બ્લૂમ્સબરીના વેચાણમાં 70 ટકા હિસ્સો ફીઝિકલ બૂક્સનો છે.