હોલિકાને બ્રહ્માજીનું વરદાન હતું કે, અગ્નિ તેને સ્પર્શ કરી શકશે નહીં, પરંતુ તેનું વરદાન નિષ્ફળ ગયું અને તે બળીને ભસ્મ થઈ ગઇ. કહેવાનું તાત્પર્ય એ છે કે જે હંમેશાં પ્રભુને પોતાની સાથે રાખે છે, પોતાના દિલમાં રાખે છે, પ્રભુ તેનું ક્યારેય પણ અહિત થવા દેતા નથી.
ફાગણ સુદ પૂનમ (આ વર્ષે 24 માર્ચ)ના દિવસે હુતાશણીનું એટલે કે હોલિકાનું વ્રત કરવાનું વિધાન છે. આ વાત સાંપ્રતકાળની કે યુગોયુગ પહેલાંની ભલે હોય, પરંતુ સત્ય સામે અસત્ય ક્યારેય ટક્યું નથી કે ટકી શકવાનું નથી. આ એક પરમ, શાશ્વત અને સનાતન સત્ય છે.
નિષ્ટનું જતન અને અનિષ્ટનું દહન એટલે હોલિકા દહન. માનવજીવનની નબળાઇ, વાણીવિલાસની લાલસા અને અહં ક્યાંકને ક્યાંક ડોકિયું કર્યાં વગર રહેતો નથી. પરંતુ ધર્મ, નીતિ, સત્સંગ અને સંસ્કાર તેને દબાવી દે છે. હોલિકા પર્વનું પણ કંઇ એવું જ છે. આસ્થા, શ્રદ્ધા અને નિષ્ઠા સામે અહંનો ટકરાવ છે. હોળીના પર્વ સાથે પૌરાણિક કથા સંકળાયેલી છે.
હોળી ઉત્સવની મુખ્ય પૌરાણિક કથા
હિરણ્યકશિપુ નામનો રાક્ષસ પોતાના જીવનમાં સંસારમાં પોતે જ મહાન છે એવું સાબિત કરનાર અસુર. જ્યાં જુઓ ત્યાં પોતાનું જ મહત્ત્વ એવી હલકી વિચારધારા ધરાવનાર અસુર ભોગી અને સ્વાર્થી હતો. સ્વાર્થ વિના એક પણ ડગલું ન ભરે તેવી તેમની મનોવૃત્તિ. પોતાની જાતને જ ઈશ્વર સમજતો હતો.
આ અસુરના ઘરમાં સુંદર અને પવિત્ર બાળકનો જન્મ થયો. તેનું નામ પ્રહલાદ. આ પુત્ર ભગવાનનો જ અંશ હતો. આ પવિત્ર બાળક પ્રહલાદ નારાયણને ખૂબ જ માનતો હતો.
પિતા અસુર હિરણ્યકશિપુએ તેનું સામ્રાજ્ય અકબંધ રાખવા માટે બાળકને નારાયણથી દૂર કરવાનો પ્રયત્ન કર્યો. અનેક પ્રયત્નો કરવા છતાં આ બાળકને નારાયણથી દૂર કરવામાં તે નિષ્ફળ ગયો. અંતમાં આ અસુર તેના બાળકને મૃત્યુદંડ આપવા તૈયાર થયો અને પ્રહલાદને જીવતો સળગાવી દેવા માટે વિચાર કર્યો.
બહેન હોલિકાને બ્રહ્માજીનું વરદાન હતું કે, અગ્નિ તેને સ્પર્શ કરી શકશે નહીં. હોલિકા સદ્વૃત્તિની હતી. તે પ્રહલાદને ખૂબ જ પ્યાર કરતી હતી. પોતાને અગ્નિ નહીં બાળે તે વરદાન હતું જેના આધારે તે પ્રહલાદને બચાવી લેવા માગતી હતી. પ્રહલાદને ખોળામાં લઈને મોટી ચિતા ઉપર જઈ બેઠી. ખોળામાં અષ્ટાક્ષર મંત્રના જાપ કરતો આ પ્રહલાદ બેઠો. અગ્નિ પ્રગટયો. સદ્વૃત્તિનો આ બાળક સતત પ્રભુનું નામસ્મરણ કરતો હતો તેથી પ્રભુએ તેને બચાવી લીધો. જ્યારે હોલિકાની સાથે પ્રહલાદ હતો તેથી તેનું વરદાન નિષ્ફળ ગયું અને તે બળીને ભસ્મ થઈ ગઈ. કહેવાનું તાત્પર્ય એ છે કે જે હંમેશાં પ્રભુને પોતાની સાથે રાખે છે, પોતાના દિલમાં રાખે છે પ્રભુ તેનું ક્યારેય પણ અહિત થવા દેતા નથી.
હોલિકા અને અગ્નિદેવનું પૂજન
આ પવિત્ર તહેવારની સાંજે દરેક ઘરની બહાર ચોકે ચોકે આ તહેવારની યાદમાં છાણાં અને લાકડાં ગોઠવી અગ્નિ પ્રજ્વલિત કરવામાં આવે છે. અગ્નિદેવ અને હોલિકા બંનેનું પવિત્ર પૂજન કરવામાં આવે છે. એક તો અગ્નિદેવનું પૂજન એ માટે કે સત્યનિષ્ઠ, પ્રભુનિષ્ઠ, સદ્વૃત્તિના પ્રહલાદને બચાવી લેવા માટે નગરજનોએ ખાસ અગ્નિદેવને પ્રાર્થના કરી હતી. બીજું, આપણે આ પ્રસંગે હોલિકા પૂજન પણ કરીએ છીએ તેનું કારણ એ કે હોલિકા એ સદ્વૃત્તિની સ્ત્રી હતી. તેણે પોતાના વરદાનથી પ્રહલાદને બચાવી લીધો અને પોતે પ્રહલાદ માટે જીવ આપી દીધો. આથી હોલિકાના આત્માની શાંતિ માટે પ્રજ્વલિત અગ્નિની પરિક્રમા ફરતાં ફરતાં શ્રદ્ધાળુઓ પાણીની ધારાવહી કરે છે. આ ઉપરાંત અગ્નિદેવ અને હોલિકાની અબીલ ગુલાલ ચોખા કુમકુમ વડે, ફૂલો વડે પવિત્ર પૂજા પણ કરવામાં આવે છે. વિશેષમાં ખજૂર-ધાણી-દાળિયાનો પ્રસાદ પણ ધરવામાં આવે છે.
હોલિકા પર્વ સાથે સાથે અન્ય ઉત્સવ
વસંતના વૈભવમાં કામાંધ કામદેવે શિવજી ઉપર પોતાનો જાદુ ચલાવવાનો પ્રયત્ન કર્યો હતો અને શિવજીનું ધ્યાનભંગ કર્યું હતું ત્યારે સદાશિવે ગુસ્સે થઈને કામદેવની કામાંધ પ્રવૃત્તિ તેમજ કામવાસના દૂર કરી કામદેવનું દહન કર્યું હતું એ જ આ દિવસ.
વ્રજભૂમિમાં આ ઉત્સવ ફાગ ઉત્સવ તરીકે ઊજવાય છે. ખાસ કરીને શ્રી વૈષ્ણવોનો હોળી ઉત્સવ આ રીતે ઊજવાય છે. વૈષ્ણવો હોલિકા દહનને બદલે પૂતના દહન કરે છે. વ્રજમાં બાળકો ફાગણ સુદ-14એ પૂતનાની પ્રતિમા બનાવીને તેને સળગાવે છે અને ફાગણી પૂનમે રંગોથી હોળી રમે છે.
ભાગવત પુરાણમાં જણાવ્યા પ્રમાણે ભગવાન શ્રીકૃષ્ણને આત્મન્યૂનતા સતાવતી હતી કે રાધા ખૂબ ગોરી છે અને પોતે શ્યામ વર્ણના હતા. બંનેના રંગમાં ખાસ્સું અંતર હતું. કનૈયાએ માતા યશોદા પાસે શંકા વ્યક્ત કરી કે રાધા ગોરી છે તો તે મને - શ્યામ વર્ણને ચાહશે કે નહીં? ત્યારે યશોદાએ સલાહ આપી કે તું રાધાને રંગથી રંગી દે, તેની ઉપર ગુલાલ ઉડાડી તેને પણ શ્યામ વર્ણની બનાવી દે. આ સલાહ માની શ્રીકૃષ્ણએ રાધા ઉપર ગુલાલ ઉડાડયો અને વ્રજમાં રાધાકૃષ્ણ વચ્ચે ગુલાલ ઉત્સવ પ્રથમ વખત થયો. તે પવિત્ર દિવસની યાદમાં આપણે હોળી- ધુળેટીમાં ગુલાલ ઉત્સવ મનાવીએ છીએ. આ બાબતની સુંદર પ્રતીતિ કરાવતું આ સુંદર પદ છે.
હોરી ખેલે સહુ બ્રિજનારી, સ્હાના સોહે કુંજબિહારી
સુંદર બ્રિંદાવન યમુનાની ઋતુ વસંત સુખકારી
સુંદર સખી સુંદર સામગ્રી સુંદર શ્યામ મુરારી
શ્યામે સદ્ય સખીઓ જેટલા, કીધા સ્વરૂપ વધારી
સૌ પાસેથી ખૂંચી સામગ્રી સ્હામી કરી ચોટ ભારી
ખેલ જામ્યો ચિત્ત હારી... હોરી ખેલે સહુ બ્રિજનારી.
ફાગણ સુદ પૂનમની એક વિશેષતા એ છે કે તે દિવસે ધનની દેવી તથા શ્રી વૈકુંઠના અધિપતિ શ્રી હરિ વિષ્ણુ ભગવાનની પત્ની શ્રી લક્ષ્મીજીનો જન્મદિવસ પણ છે. લક્ષ્મીજી આ દિવસોમાં સ્વર્ગના અધિપતિ ઈન્દ્રના પત્ની હતાં તે સ્વર્ગલક્ષ્મીના નામથી પ્રચલિત હતાં ત્યારે હરિવિષ્ણુ ભગવાન સાથે તેમનો વિવાહ થયો ન હતો. તે સ્વર્ગલક્ષ્મી શચી દેવીના નામથી પ્રચલિત હતાં.
હોલી ઉત્સવનો શુભ સંદેશ
હોળીના ઉત્સવમાં ફાગણના વિવિધ રંગોથી આપણા જીવનને સંયમ સાથે રંગીન બનાવીએ. વસંતના વૈભવમાં પણ સંયમની સીમાને ન ઓળંગીએ. આ ઉપરાંત સત્યનિષ્ઠ, પ્રભુનિષ્ઠ અને સદ્વૃત્તિની રક્ષા કરીને અસદ્ વૃત્તિને હોળીમાં બાળીને ભસ્મ કરીએ એ જ આ હોળી ઉત્સવનો મુખ્ય સંદેશ છે.