બાંગ્લાદેશમાં જે બન્યું તેને કેટલાક હરખપદુડા ‘વિદ્યાર્થીઓની ક્રાંતિ’ અને જનઆંદોલન કહી રહ્યા છે. ખરેખર તો એવું કંઈ જ નથી. માત્ર અરાજકતા તરફ દેશને ધકેલીને 1971 પહેલાના પૂર્વ પાકિસ્તાન જેવું રેડિકલ ઈસ્લામિક શાસન સ્થાપિત થાય તેવા ઇરાદાથી યુવકોને હાથો બનાવાયા છે, ને તેની પાછળ મુખ્ય જમાતે ઇસ્લામી છે અને સાથે નેશનલ ડેમોક્રેટિક પાર્ટી (બાંગલા દેશમાં તેને જાતીય સમાજતાંત્રિક દલ કહેવામા આવે છે) છે, જે અગાઉ સત્તાનો સ્વાદ ચાખી ચૂકી છે.
હવે ત્યાં બાંગ્લાદેશ પ્રત્યે સ્નેહ રાખનારી સેના નથી રહી. વારંવાર તેણે સરકારોને ઊથલાવી નાખીને પોતાની સત્તા જમાવી હતી. સેનામાં કામ કરતાં પાકિસ્તાનતરફી સૈનિકોનાં એક વર્ગે 15 ઓગસ્ટ, 1975ના શેખ મુજીબ-ઉર રહેમાન અને તેના પરિવારની સામૂહિક હત્યા કરી નાખી. મુજીબ-ઉરની બે દીકરી લંડનમાં ભણતી હતી તે બચી ગઈ અને તેમાંની એક શેખ હસીના ત્રણ વાર વિધિવત ચૂંટણીમાં જીતીને અવામી લીગની બહુમતી સાથે સરકારો રચી, પાકિસ્તાન 1971ના યુદ્ધ દરમિયાન અવામી લીગને ‘પૂર્વ પાકિસ્તાનનો જનસંઘ’ કહેતી થઈ હતી.
પાકિસ્તાનની મુક્તિ વાહિની અને ભારતની સેનાએ સાથે મળીને ઇતિહાસ રચ્યો. લેફ્ટનન્ટ જનરલ જગજીત સિંહ અરોરા પાકિસ્તાનની સેનાના જનરલ નિયાઝીને શરણાગતિના ટેબલ પર લાવ્યા.
1985માં જનરલ અરોરા ભાવનગરમાં એક કાર્યક્રમમાં આવ્યા ત્યારે અમદાવાદથી તેની સાથે રહેવાનો મોકો મળ્યો ત્યારે તેમણે મારા એક સવાલના જવાબમાં કહ્યું કે આ પૂર્વ અને પશ્ચિમ બંગાળ એ સાવ કૃત્રિમ વિભાજન છે, બંગાળી માનસિકતા બંને જગ્યાએ છે.
આ યુદ્ધ દરમિયાન બંગ લેખક શંકરે એક પુસ્તક લખ્યું હતું ‘આ પાર બાંગ્લા, ઓ પાર બાંગ્લા’. પછીથી રાજયપાલ બનેલા ડો. વિષ્ણુકાંત શાસ્ત્રીએ તે સમયની બાંગ્લાદેશી કવિતાઓનું હિન્દીમાં અવતરણ કર્યું હતું.
બાંગ્લાદેશમાં જેના મસ્તક માટે આજે પણ ફતવો ચાલુ છે તેવા લેખિકા તસલીમા નાસરીન ભારતમાં સુરક્ષિત જીવે છે.
પણ ભૂતકાળથી અલગ એવી આજની પરિસ્થિતિ છે. ટીવી પર દ્રશ્યો જોયા હશે તેમાં પોલીસ અને કેટલાક સૈનિકો સાથે છે, ‘રાષ્ટ્રપિતા’ કહેવાયેલા શેખને મારી નાખવામાં આવ્યા, ત્યારે ઝીયા ઉર રહેમાન સેનાપતિ બન્યા હતા. તેમને સેનાના બીજા બ્રિગેડીયર ખાલીદે પદભ્રસ્ટ કરીને
જેલભેગા કર્યા.
ત્યાં ત્રીજો બળવો થયો. તેણે ‘સિપોય-જોનતા બિપ્લવ’ કહેવામા આવ્યો તે અત્યારે જેલવાસી નેતાઓની નેશનલ ડેમોક્રેટિક પાર્ટીનો ખેલ હતો. સેનામાં રહેલા ડાબેરી સૈનિકોનો તેણે ટેકો મળ્યો હતો.
ઝિયા ઉર રહેમાનની સત્તાને પાકિસ્તાન તરફી સેનાના વર્ગે ઊથલવ્યો તો 1982માં ઇર્શાદ સત્તાના સિંહાસને આવ્યો, મેજર જનરલ હતો તે. તેણે બંધારણને જ રદ કરી નાખ્યું. આખા દેશમાં માર્શલ લો! તે પણ ટકી શક્યો નહીં. પછી થોડા વર્ષે લોકશાહી અને ચૂટણી થઈ, તેમાં શેખ હસીના વડા પ્રધાન બન્યાં.
હવે તેમને ઊથલાવી દેવામાં આવ્યા છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં રાજકીય વડાઓની હત્યા સાવ સામાન્ય બાબત બની ગઈ છે.
કદાચ ઈસ્લામિક દેશોમાં લોકતંત્રને પસંદ કરવામાં આવતું નથી, એ કારણ હશે. જોકે રાજકીય બળવો હવે બીજે પણ રસ્તો બની ગયો છે.
તેની શરૂઆત કોઈ આંદોલનથી થાય છે.
બાંગ્લાદેશમાં અનામત વિરોધની પાછળ 1971માં પાકિસ્તાનને પરાજિત કરીને બાંગ્લાદેશનું નિર્માણ થયું ત્યારે તે લોહિયાળ યુદ્ધમાં માર્યા ગયેલા સૈનિક પરિવારોના સંતાનો માટે જે આરક્ષણ રાખવામાં આવ્યું હતું તે મુખ્ય કારણ હતું.
સ્પષ્ટ છે કે પાકિસ્તાન સાથે હજુ લગાવ રાખનારાઓ આ આંદોલનમાં સામેલ હતા. તેમાં કેટલાક સૈનિકો પણ જોવા મળ્યા હતા.
શેખ હસીનાના નિવાસસ્થાને જે યુવકોએ ભાંગફોડ કરી અને રસોડામાં જઈને જે રીતે બધું ખાતા યુવકો ટીવી પર જોવા મળ્યા તે કોઈ સાચા આંદોલનકારી દેખાતા નહોતા. રખડુ અને સમાજનો છેલ્લી કક્ષાનો ઉતાર હોય તેવું વર્તન હતું. આને લોકશાહી માટેનું આંદોલન કઈ રીતે કહી શકાય? સ્પષ્ટ છે કે અરાજકતા ફેલાવવામાં કામ આવે તેવા તત્વોનો કેટલાકે ઉપયોગ કર્યો છે.
હવે આમાં થીગડા મારીને કદરૂપા ઈરાદાને છૂપાવવા સેના ‘સૌને સાથે લઈને’ સરકાર બનાવવાનો ખેલ કરશે.
એ તો સાફ દેખાય છે કે 1971ના પાકિસ્તાનથી અલગ પડવાના પુરુષાર્થની સાથે રહેલાઓને હાંસિયામાં ધકેલી દેવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
મુજીબની તમામ પ્રતિમાઓ તોડી પાડવામાં આવી. જેલવાસી ખાલીદા ઝિયાને તબિયતના બહાને વિદેશ મોક્લવાની રજા આપવામાં આવી.
સર્વોચ્ચ અદાલત, સંસદ ગૃહ, વડા પ્રધાન નિવાસ, હિન્દુ મકાનો... આ બધું ધ્વસ્ત કરવામાં આવ્યું. શું આને આંદોલનની ક્રાંતિ કહી શકાય?
ભારતને માટે આ બેવડી મુશ્કેલી છે. શરૂઆતમાં ઈશાન ભારતમાં પૂર્વ પાકિસ્તાનથી ઘુસણખોરીની મોટી સમસ્યા હતી. હજુ સાવ સમાપ્ત થઇ નથી. ઉલ્ફા અને બીજા અલગાવવાદી તત્વો બાંગ્લાદેશમાં જઈને તાલીમ મેળવતા રહ્યા છે. બાંગલાદેશમાં હિન્દુ વસતિ ઓછી સતત થતી જાય છે કેમ કે અસલામતી મોટા પ્રમાણમાં છે. બાબરી વિવાદી ઢાંચાને અયોધ્યામાં તોડી પાડવામાં આવ્યો ત્યારે સૌથી વધુ હિંસક પ્રતિક્રિયા બાંગલાદેશમાં થઈ હતી.
રમખાણો અને મંદિરો તોડી પાડવાની ઘટનાઓ તસલીમા નાસરીનની ‘લજ્જા’ નવલકથામાં આલેખિત છે, તેને લીધે મા-બાપ અને દેશ છોડવો પડ્યો હતો. જેમ તિબેટમાંથી દલાઇ લામાને દેશ છોડી દેવો પડ્યો હતો તેવું જ શેખ હસીનાનું થયું.
જો તેમણે દેશ છોડ્યો ના હોત તો ઢાકામાં તેમના પિતા જેવા જ હાલ થયા હોત. તેમના પુત્રે બીબીસીને કહ્યું કે ‘હવે બાંગ્લાદેશ બીજું પાકિસ્તાન બની ગયું છે’. આ વિધાન ખરેખર સહુ કોઇએ સમજવા જેવું છે.
ભારતે પાકિસ્તાનની જેમ હવે બાંગ્લાદેશ સાથેની સરહદો પર સાવધાન બનવું પડશે. શ્રીલંકા, મ્યામાર, નેપાળ, પાકિસ્તાન અને હવે બાંગલા દેશ... આ બધા ભારેલા અગ્નિ જેવા દેશો છે, આંતરિક અરાજકતા ફેલાવનારો એક વર્ગ ભારતમાં અસ્તિત્વ ધરાવે છે. કેન્દ્ર સરકાર કોઈ ભ્રમમાં ના રહે તે ઇચ્છનીય છે.