સેન્ટ પૌલ કેથેડ્રલ પાસે કે પછી પિકાડેલી સર્કસ પાસે વેનીસના જેવા ગોંડોલા તરતા હોય અને તેમાં બેસીને તમે ફરતા હોય તેવી કલ્પના કરી છે ખરી? િવચારી જુઅો એ દ્રશ્ય કેવું મનોહર લાગે? જી હા, આવી જ કલ્પના આજથી ૧૧૫ વર્ષ પહેલા ૧૯મી સદીમાં કરાઇ હતી અને તે કલ્પનાના આધારે લંડનના વિવિધ શેરીઅો અને સ્મારકોના ફોટો બનાવાયા હતા.
આજના જેવી ફોટોમાં મનફાવે તેવા ફેરફાર કરવાની 'ફોટોશોપ'ની ટેક્નોલોજી તો ત્યારે નહોતી. પરંતુ દેશી ભાષામાં આપણે જેને 'કેમેરાની કરામત' કહીએ છીએ તેવી કરામત ડાર્કરૂમમાં હાથ વડે જ ફોટોમાં ફેરફાર કરીને સેન્ટ પૌલ કેથેડ્રલ અને પિકાડેલી સર્કસના ફોટોમાં જાણે કે કેનાલનું પાણી વહેતું હોય અને તેના પર ગોંડોલા તરતા હોય તેવી રચના કરાઇ હતી.
સુંદર મઝાની કલ્પના કરતા ફોટો ૧૮૯૯માં ધ હાર્મ્સવર્થ મેગેઝીનમાં પ્રસિધ્ધ કરાયા હતા. પર્યાવરણની સમતુલા ખોરવાઇ જાય તો આ ધરતી પર કેવા ફેરફાર થાય તેની માહિતી આપતી તસવીરો તે સમયે પ્રસિધ્ધ કરાઇ હતી. અમાલ્ગમેટેડ પ્રેસની માલીકીના આ મેગેઝીન દ્વારા લંડનના વિખ્યાત રીજેન્ટ્સ સ્ટ્રીટ, હાઇડ પાર્ક કોર્નર, હોર્સ ગાર્ડ પરેડ, હે માર્કેટ સ્થિત હર મેજેસ્ટીસ થિએટર, સેન્ટ પેન્ક્રાસ સ્ટેશનની બ્લેક એન્ડ વ્હાઇટ તસવીરો પ્રકાશીત કરાઇ હતી.