ઉજ્જૈન: આ વર્ષે શ્રાદ્ધ પૂરા થતાં જ અધિક માસનો પ્રારંભ થશે. તેના કારણે નવરાત્રિ સહિત બધા તહેવાર પણ એક મહિનો મોડા શરૂ થશે. આ વખતે ૧૯ વર્ષના લાંબા અરસા બાદ આસોનો અધિક માસ રહેશે. સાથે સાથે એક સંયોગ એ પણ છે કે અંગ્રેજીનું લીપ યર અને અધિક માસ ૧૬૦ વર્ષ બાદ સાથે આવી રહ્યા છે.
આમ તો દર વર્ષે શ્રાદ્ધ પૂરા થાય તેના બીજા દિવસથી નવરાત્રિ શરૂ થાય છે પણ આ વખતે આસો અધિકમાસ હોવાથી શ્રાદ્ધ પક્ષ અને નવરાત્રિ વચ્ચે એક મહિનાનું અંતર આવી જશે. નવરાત્રિ દેવીની આરાધનાનું પર્વ છે. અધિક માસને પુરુષોત્તમ માસ પણ કહે છે. ત્યાર બાદ નવરાત્રિમાં ઘટ સ્થાપના સાથે ૯ દિવસ સુધી દેવીની આરાધના થાય છે. આસોમાં અધિક માસ અને એક મહિનાના અંતરે દુર્ગાપૂજા આરંભ થવાનો આ સંયોગ લગભગ દોઢ સદી કરતાં પણ વધુ વર્ષ બાદ થઈ રહ્યો છે. ચાતુર્માસ કાયમ ચાર મહિનાના હોય છે, જે આ વખતે પાંચ મહિનાના હશે.
ભારતીય ગણના પદ્ધતિ પ્રમાણે દરેક સૂર્ય વર્ષ ૩૬૫ દિવસ અને અંદાજે ૬ કલાકનું હોય છે જ્યારે ચંદ્ર વર્ષ ૩૫૪ દિવસનું ગણાય છે. બન્ને વર્ષો વચ્ચે લગભગ ૧૧ દિવસનું અંતર હોય છે, જે દર ત્રણ વર્ષે લગભગ એક મહિના જેટલું થઇ જાય છે. આ અંતર દૂર કરવા દર ત્રણ વર્ષે એક વાર અધિક માસ આવે છે. લીપ યરમાં ફેબ્રુઆરીમાં ૨૮ના બદલે ૨૯ દિવસ હોય છે. ૨૦૨૦માં લીપ યર તથા આસોમાં અધિક માસ બન્ને સાથે આવ્યા છે. આસોમાં અધિક માસ છેલ્લે ૧૯ વર્ષ અગાઉ ૨૦૦૧માં આવ્યો હતો, પણ લીપ યર સાથે આસોમાં અધિક માસ ૧૬૦ વર્ષ પૂર્વે ૨ સપ્ટેમ્બર ૧૮૬૦થી શરૂ થયો હતો.
૧૭ સપ્ટેમ્બરે શ્રાદ્ધ પૂરા થશે
શ્રાદ્ધ પક્ષ ૧ થી ૧૭ સપ્ટેમ્બર સુધી ચાલશે. ૧૮મીથી અધિક માસ શરૂ થશે અને ૧૬ ઓક્ટોબરે પૂર્ણ થશે. ૧૭ ઓક્ટોબરથી નવરાત્રિ શરૂ તશે. ૨૫ નવેમ્બરે દેવઊઠી એકાદશીથી ચાતુર્માસ પૂરા થશે અને શુભ કાર્યો શરૂ થશે. અધિક માસને કારણે દશેરા ૨૫ ઓક્ટોબરે અને દિવાળી ૧૪ નવેમ્બરે મનાવાશે.
વિષ્ણુ ભગવાને આપ્યું નામ
પૌરાણિક કથાઓ મુજબ, મલિન હોવાના કારણે કોઇ અધિક માસના સ્વામી થવા નહોતું ઇચ્છતું. ત્યારે આ મહિનાએ તેના ઉદ્ધાર માટે ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી. ત્યારે સ્વયં ભગવાને તેને પોતાનું નામ આપ્યું, પુરુષોત્તમ. આશીર્વાદ આપ્યા કે આ મહિનામાં ભાગવત્ કથા શ્રવણ, મનન, ભગવાન શંકરનું પૂજન, ધાર્મિક અનુષ્ઠાન, દાનકર્મ વગેરે કરશે તે અક્ષયફળ આપનારું હશે.