આ સપ્તાહે અમૃત ‘ઘાયલ’

આપણી કવિતાનો અમર વારસો...

- અમૃત ‘ઘાયલ’ Wednesday 26th June 2024 06:29 EDT
 
 

આ સપ્તાહે અમૃત ‘ઘાયલ’

• જન્મઃ 30 સપ્ટેમ્બર 1915 • નિધનઃ 25 ડિસેમ્બર 2002

મૂળ નામ અમૃતલાલ ભટ્ટ. અમૃત ઘાયલ એટલે મુશાયરાનો મિજાજ. આ વાક્યથી કોઈ એમ ન સમજે કે ગઝલકાર તરીકેની એમની સિદ્ધિ, પ્રસિદ્ધિ કે સમૃદ્ધિ મુશાયરા પૂરતી જ છે. ઘાયલને શાયરી લખતાં ને રજૂ કરતાં આવડતી. ઘાયલની ગઝલોમાં સૌરાષ્ટ્રી શબ્દોની લિજ્જત માણવા જેવી છે. ‘આઠોં જામ ખુમારી’ એમનો દીવાન છે. એમને નરસિંહ મહેતા એવોર્ડ પણ પ્રાપ્ત થયો.

કાજળભર્યા નયનનાં...

કાજળભર્યાં નયનનાં કામણ મને ગમે છે;
કારણ નહીં જ આપું કારણ મને ગમે છે.
લજ્જા થકી નમેલી પાંપણ મને ગમે છે;
ભાવે છે ભાર મનને, ભારણ મને ગમે છે.
જીવન અને મરણની હરક્ષણ મને ગમે છે;
એ ઝેર હોય અથવા મારણ, મને ગમે છે.
ખોટી તો ખોટી હૈયાધારણ મને ગમે છે;
જળ હોય ઝાંઝવાંના તો પણ મને ગમે છે.
હસવું સદાય હસવું, દુઃખમાં અચૂક હસવું,
દીવાનગી તણું આ ડહાપણ મને ગમે છે.
આવી ગયાં છો આંસુ, લૂછો નહીં ભલા થઈ,
આ બારે માસ લીલાં તોરણ મને ગમે છે.
લાવે છે યાદ ફૂલો છાબો ભરી ભરીને,
છે ખૂબ મહોબતીલી માલણ, મને ગમે છે.
દિલ શું હવે હું પાછી દુનિયાય પણ નહીં દઉં,
એ પણ મને ગમે છે, આ પણ મને ગમે છે.
હું એટલે તો એને વેંઢારતો રહું છું,
સોગંદ જિંદગીના! વળગણ મને ગમે છે.
ભેટ્યો છું મોતને પણ કૈં વાર જિંદગીમાં!
આ ખોળિયાની જેમ જ ખાંપણ મને ગમે છે!
‘ઘાયલ’, મને મુબારક આ ઊર્મિકાવ્ય મારાં,
મેં રોઈને ભર્યાં છે, એ રણ મને ગમે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter