ગુજરાતમાં સૌપ્રથમ જ્ઞાતિવિષયક માસિક તે પાટીદાર. ૧૯૨૧માં તેની સ્થાપના કરી નરસિંહકાકાએ. આમાં ડાહ્યાભાઈ પાટીદાર સમાજના કુરિવાજોથી સર્જાતી દુઃખદ ઘટનાઓની પ્રસંગકથા લખે. નરસિંહકાકાના મરણ પછી તેઓ પાટીદારના તંત્રી બન્યા.
ડાહ્યાભાઈના પોશાક અને રહનસહનમાં સાદગી. એમની ભાષા સાદી, સરળ અને સચોટ. ડાહ્યાભાઈ સુધારાવાદી વિચારો ધરાવે. એમના વિચાર અને આચારમાં સાદગી. અસ્પૃશ્યતા, પાટીદારોની પૈઠણપ્રથા, સ્ત્રીઓ પ્રત્યે રખાતો ભેદભાવ ભરેલો વર્તાવ એ બધાના તે વિરોધી.
૧૯૦૭માં જન્મેલા ડાહ્યાભાઈ પાકા આર્યસમાજી. પટેલ હોવા છતાં નાતજાતનાં ન માને તેથી નાગરિક અટક ધારણ કરેલી.
વડોદરામાં એક વર્ષ કોલેજમાં ભણીને તેઓ તાન્ઝાનિયા ગયા. તે જમાનામાં ત્યાં ભણેલા લોકો ઓછા. આથી કસ્ટમ ખાતામાં અધિકારીની નોકરી મળી. પ્રામાણિક ડાહ્યાભાઈ લાંચ ન લે. કોઈને હેરાન ન કરે.
ડાહ્યાભાઈ વાચનના રસિયા. વાંચે અને વિચારે. આથી ઉદાર અને ક્રાંતિકારી વિચારો ધરાવતા થયા. કુરિવાજો નાબૂદ કરીને સુધારો લાવવા મથનાર સુધારાવાદી થયા.
દીકરીઓને ભણાવવામાં માને. આથી દીકરી નલિનીબહેનને ભણાવ્યાં અને તે ડોક્ટર થયાં. પાટીદારોમાં પૈઠણની બોલબાલા. ડાહ્યાભાઈ પૈઠણમાં ન માને. વિના પૈઠણે દીકરી માટે તેમને મૂરતિયો ના જડે. અંતે પૈઠણ વિના પરણવા તૈયાર થનાર મૂરતિયો મળ્યો. મૂરતિયાની શરત વિચિત્ર લાગે તેવી. કહે, ‘અમે બંને પરણ્યા વિના સાથે રહીએ. પછી બંનેને ફાવશે તો પરણીશું કે છુટ્ટા થઈશું.’ તે જમાનામાં ભાગ્યે જ કોઈ પાટીદાર પિતા સ્વીકારે એવી કપરી શરત ડાહ્યાભાઈએ શરત સ્વીકારી.
ડાહ્યાભાઈ અસ્પૃશ્યતામાં ના માને. તેમણે વસિયતનામું કર્યું, ‘મારા મરણ પછી હરિજન પાસે અગ્નિદાહ કરાવવો અને કોઈ પણ ધાર્મિક કે સામાજિક વિધિ ન કરવો.’
ડાહ્યાભાઈ નાગરિક ઈશ્વર પેટલીકરની જેમ લગ્નોત્સુક યુવક-યુવતીઓને મદદરૂપ થવા ‘લગ્નમંગલ’ સંસ્થા ચલાવતા. આમાં લગ્નોત્સુક યુવક-યુવતીઓની માહિતી રાખતા અને માગનારને મદદરૂપ થતા. એકબીજાને યોગ્ય પાત્ર સૂચવતા. તેમની મારફતે થતાં લગ્નોમાં પૈઠણ, સામાજિક દાપાં, સામાજિક વ્યવહાર અંગે શરતનો અભાવ રહેતો.
૧૯૪૭માં ભારતની આઝાદીના દિવસે તેમનું પુસ્તક ‘ઉકળતો ઉપખંડ’ બહાર પડ્યું. ઉપખંડ શબ્દ તેમણે ભારત માટે વાપર્યો છે. આઝાદી પહેલાંના ત્રીસ વર્ષનું તેમાં અભ્યાસપૂર્ણ નિરુપણ છે. તો આઝાદી પછીનાં પચ્ચીસ વર્ષનું અભ્યાસ આધારિત ભવિષ્ય આલેખ્યું છે. તેઓએ ખુરશીલોભી, માટીપગાં અને બની બેઠેલા નેતાઓની મુસ્લિમ તુષ્ટિકરણની નીતિનો વિરોધ કર્યો હતો. તે મુસ્લિમોના વિરોધી ન હતા, પણ બધાને સરખા અધિકારમાં માનતા. મત માટે કોઈને ખુશ કરવાની નીતિના દૂષણની તેમણે ટીકા કરી છે.
પુસ્તકના આરંભે લખ્યું છે, ‘જેવું સાધન તેવી સિદ્ધિ. કતલથી જે મેળવાય છે તે કતલના સ્વભાવનું બની રહે છે. કાયદાભંગથી જે મેળવાય છે તે કાયદાભંગના સ્વભાવનું બની રહે છે.’
આઝાદીના પ્રથમ પ્રભાતે લખાયેલી આ નોંધ આજે ભારત માટે સાચી પડી છે.
ક્રાંતિકારી, વિચારક, આચારક, સમાજસુધારક ડાહ્યાભાઈ નાગરિક આણંદના, નોખા નાગરિક હતા.