આચારશુદ્ધ ગાંધીવાદી લોકસેવકઃ શિવાભાઈ આશાભાઈ પટેલ

દેશ-વિદેશે ગુજરાત

પ્રા. ચંદ્રકાન્ત પટેલ Thursday 28th June 2018 08:50 EDT
 

‘ઈન્દ્ર ખરાબ નથી, ઈંદ્રાસન ખરાબ છે અને તે પર બેસનાર બદલાઈ જાય.’ એવી વાત મોટા ભાગનાને લાગુ પડે છે. સત્તા વિનાની, ધન વિનાની વ્યક્તિ જ્યારે સત્તા કે ધન પામે ત્યારે બદલાઈ જાય. છતાં ન બદલાય એવી વિરલ વ્યક્તિઓ પણ હોય છે, તેમાંના એક ભાદરણના શિવાભાઈ આશાભાઈ પટેલ.
શિવાભાઈ ભાદરણના આશાભાઈ ગોવિંદભાઈ પટેલ કે જે શિક્ષક મટીને ગાયકવાડી રાજમાં જમાદાર બનેલા તેમના ૧૮૯૯માં જન્મેલા પુત્ર. ગાંધીજીએ ૧૯૨૧માં અસહકારની લડત જાહેર કરતાં શિવાભાઈએ સીડનહામ કોલેજમાંથી અભ્યાસ છોડીને રાષ્ટ્રસેવામાં ઝંપલાવ્યું. દીકરાની સલાહ માનીને પુત્રપ્રેમી પિતાએ ત્યારે જમાદારની નોકરી છોડી દીધી!
શિવાભાઈએ ભાદરણ આવીને અસ્પૃશ્યતાનિવારણ, ચરખાપ્રવૃત્તિ અને મદ્યનિષેધ પ્રવૃત્તિ શરૂ કરી. યુવાનોનું સંગઠન કર્યું. આસપાસના ગામોના યુવકોએ તેમને નેતા માન્યા. ૧૯૨૧માં ૨૨ વર્ષની વયે તેઓ બોરસદ તાલુકાના કોંગ્રેસ સમિતિના મંત્રી બન્યા. નાગપુર ઝંડા સત્યાગ્રહમાં જોડાઈને જેલમાં ગયા.
બહારવટિયાઓને ડામવા વધતા પોલીસ ખર્ચ પેટે સરકારે બોરસદ તાલુકાનાં ગામો પર હૈડિયાવેરો નાંખતાં, હૈડિયાવેરા વિરોધી લડતમાં જોડાઈને ખેડૂતોને વેરો ના ભરવા સમજાવવા તેમણે ગામડાં ખૂંદ્યાં. અંતે સરકારે નમતું આપતાં ગાંધીચિંધ્યા માર્ગે ખેડૂતોના પ્રશ્ન હલ થઈ શકે તેવી શ્રદ્ધા વધી.
૧૯૨૮માં ગુજરાતના રેલસંકટ વખતે રવિશંકર મહારાજ અને દરબાર સાહેબના સહાયક બનતાં માત્ર ભાદરણને બદલે સમગ્ર કાંઠા ગાળામાં એમની પ્રવૃત્તિ વધી.
૧૯૩૦માં દાંડીકૂચ વખતે રાસમાંથી સરદાર પટેલની ધરપકડથી શરૂ થયેલી ના-કરની લડતમાં જમીન મહેસૂલ ના ભરનાર ખેડૂતોનાં ઢોર, ઊભો પાક, ઘરવખરી વગેરે જપ્ત થવા લાગ્યાં. સરકારે રાસના પાટીદારોની બધી જમીન ખાલસા કરતાં, ભાદરણમાંથી પત્રિકાનું પ્રકાશન શિવાભાઈએ ગોઠવ્યું. અહીંથી તેઓ બ્રિટિશ હદમાં પત્રિકાઓ પહોંચાડતા. બોરસદ તાલુકા સંગ્રામ સમિતિના તે સરમુખત્યાર નીમાયા. લડતમાં તેમને અઢી વરસની સજા થતાં, તે સમયે વિસાપુરની જેલમાં રહ્યા. જેલમાંથી છૂટીને લોકસેવામાં મંડી પડ્યા. આવું પછી પણ થતું રહ્યું.
૧૯૩૪માં બોરસદ તાલુકામાં પ્લેગ ફાટી નીકળતાં, તેમણે જીવના જોખમે પ્લેગગ્રસ્ત લોકોની સેવા દરબારસાહેબ અને ભક્તિબા સાથે બોરસદ છાવણીમાં રહીને ૧૯૩૫ સુધી કરી.
૧૯૪૦માં વ્યક્તિગત સત્યાગ્રહમાં ૧૦ માસની જેલ પછી તે બોરસદ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ થયા.
શિવાભાઈ ભાદરણવાસીઓના માનીતા. તેમણે ભાદરણના લોકોની સેવા કરવા ભાદરણ પ્રગતિ મંડળની સ્થાપના કરી હતી. તેના પ્રમુખ તરીકે ભાદરણમાં વિવિધ કોલેજો અને બીજી સંસ્થાઓની સ્થાપના કરી. શિવાભાઈનો વહીવટ શુદ્ધ અને પારદર્શક. જાહેર નાણાંનો ઉપયોગ તે ચીવટભેર અને જે હેતુ માટે ધન હોય તેમાં જ કરતા. આના કારણે તેમને દાન મળ્યાં કરતાં.
શિવાભાઈના મોટા ભાઈ હીરાભાઈ આશાભાઈ મુંબઈના સોનાવાલા શેઠના ભાગીદાર હતા. તેમણે તે જમાનામાં જ્યાં કોઈ બાંધકામ ન કરે ત્યાં મરીન ડ્રાઈવ વિસ્તારમાં જમીનો ખરીદી, મકાનો બાંધ્યાં, તેથી મુંબઈનો વિકાસ થયો અને હીરાભાઈની સમૃદ્ધિ વધી. હીરાભાઈની નાના ભાઈને કાયમી હૂંફ મળતી તેથી શિવાભાઈ નચિંત બનીને સેવા કરી શક્યા. આને કારણે ભાદરણના વિકાસમાં વેગ આવ્યો.
શિવાભાઈ ભાદરણ નગર પંચાયતના પ્રમુખ હતા. ધારાસભામાં ચૂંટાઈને તેઓએ લોકપ્રશ્નોની રજૂઆત કરી ઉકેલવા પ્રયત્ન કર્યો. ગાંધીવાદી, સેવાનિષ્ઠ, આચારધર્મી અને પારદર્શક વહીવટવાળા શિવાભાઈ પાટીદારોની શાન હતા!


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter