કેટલાય લોકો જીવનભર મહેનત કરે છતાંય કઈ ખાસ સફળતા ન મળે તેવું બનતું હોય છે. મોટા ભાગના લોકો તો આખું જીવન વૈતરું કરીને જ કાઢી નાખતા હોય છે. તેમને ખબર જ નથી હોતી કે તેમની નિપુણતા ક્યાં ક્ષેત્રમાં છે અને તેમની પ્રતિભા ક્યાં ક્ષેત્રમાં સારી વિકસી શકે તેમ છે. એટલા માટે તેઓ જ્યાં સારા પૈસા મળે અને ઘર ચાલે તે ક્ષેત્રમાં મહેનત કર્યા કરે છે. તેની સામે કોઈ કોઈ એ દિશામાં પણ રચ્યાપચ્યા રહે છે જ્યાં પ્રસિદ્ધિ વધારે હોય અને નામના મેળવવાની શક્યતા હોય. ઉપરાંત તેવા લોકોની તો કોઈ કમી જ નથી ને કે જેઓ સ્પોર્ટ્સ, ફિલ્મ કે એવી બીજી કોઈ ગ્લેમરસ દુનિયામાં જઈને પોતાનું નામ બનાવવા માંગતા હોય.
પરંતુ આ બધા લોકો પૈકી બહુ ઓછા સફળ થાય છે. તેનું એક કારણ એ છે કે તેમને તે કામ કે કળા સાથે તેટલું તાદાત્મ્ય હોતું નથી જેટલું જરૂરી છે. એટલે કે તે ક્ષેત્રમાં તેમને સાચો રસ અને રુચિ હોતા નથી. જ્યાં સુધી કોઈ કામ પ્રત્યે અંતરમાં આગ જાગે તેવી ધગશ ન હોય ત્યાં સુધી તેમાં નૈપુણ્ય હાંસલ કરવું આસાન નથી. ફૂટબોલને પોતાનું પેશન ગણાવતા લોકો કેટલો સમય રોજ મેદાનમાં વિતાવે છે? જેને ડાન્સમાં પોતાનું કરીઅર બનાવવું હોય તેઓ શું નિયમિત રીતે રોજ મહેનત અને પ્રેક્ટિસ કરે છે? ગાયક બનાવ ઇચ્છનારા રોજ રિયાઝ કરે છે? જો તેમાં કમી આવે તો કેવી રીતે ટોચ સુધી પહોંચાય?
વિન્સેન્ટ વેન ગોહ ઓગણીસમી સદીના ડચ પોસ્ટ-ઇમ્પ્રેશનિસ્ટ પેઈન્ટર હતા. તેઓ વિશ્વના સૌથી પ્રખ્યાત ચિત્રકારો પૈકીના એક છે. તેના ચિત્રો આજે મિલિયન્સ ડોલર્સમાં વેંચાય છે. તેની પેઇન્ટિંગ પરથી ઇન્સ્પાયર થઈને અનેક ડિઝાઇન બનાવવામાં આવે છે. તેના સૌથી મોંઘા ચિત્રની કિંમત આજે ૧૪૨ મિલિયન ડોલર છે. પરંતુ શું લોકો એ જાણે છે કે જીવનભરમાં તેમની માત્ર એક જ પેઇન્ટિંગ વેંચાયેલી? હા, તેના સંપૂર્ણ જીવન દરમિયાન તેનું એક જ ચિત્ર વેંચાયું હતું અને તે પણ તેના અંગત મિત્રએ ખરીદેલું. તો વિન્સેન્ટે શું કર્યું? તેના ચિત્રો વેંચાતા ન હોવા છતાં તે પોતાની ચિત્રકલા પ્રત્યેની લગનને કારણે પેઇન્ટિંગ બનાવતા રહ્યા અને જીવન દરમિયાન તેમણે ૮૫૦ જેટલા તૈલ ચિત્રો બનાવ્યા. આ પૈકીના મોટા ભાગના ચિત્રો તેમણે જીવનના છેલ્લા તબક્કામાં બનાવેલા. આ વાત દર્શાવે છે કે તેમને ચિત્રકલા પ્રત્યે સાચો પ્રેમ હતો, સાચી પેશન હતી.
શું આવી પેશન કે ધગશ આપણે પોતાના લક્ષ પ્રત્યે ધરાવીએ છીએ? આપણામાં એવી સમર્પણની ભાવના છે? જ્યાં સુધી આવી લગન અને ધૂન મનમાં ન હોય ત્યાં સુધી તે ક્ષેત્રમાં ચીલો ન ચાતરી શકાય. આજે વિન્સેન્ટ વેન ગોહ પોતાની એક આગવી ઓળખ ધરાવે છે અને તેનું નામ આવનારી સદીઓમાં પણ વિસરાવાનું નથી. તેવું નામ કરવા ઇચ્છતા લોકોએ પોતાની જાતને પૂછવું જોઈએ: હું જે કામ કરું છું તે મારા સંતોષ અને શોખ માટે કરું છું કે લોકોને દેખાડવા માટે? શું વળતર નહિ મળે તો પણ હું આ કામ સતત કર્યે રાખીશ? (અભિવ્યક્ત મંતવ્યો લેખકના અંગત છે.)