સ્વતંત્ર ભારતે એક આઝાદ દેશ તરીકેના 75 વર્ષનો પડાવ પાર કરી દીધો છે. હવે ભાવિ મુસાફરી પર નજર નાખવાનો યોગ્ય સમય આવી ચૂક્યો છે. આ સીમાસ્થંભ સુધીની મુસાફરીને યાદગાર બનાવવા ભારત સરકારે બે વર્ષ સુધી રાષ્ટ્રવ્યાપી અમૃત મહોત્સવ ઉજવવાની જાહેરાત કરી હતી. આઝાદ ભારતની મુસાફરીનો પ્રારંભ 15 ઓગસ્ટ 1947ના રોજ થયો હતો. 1857માં પહેલા સ્વાતંત્ર્ય સંગ્રામ બાદ 1858માં બ્રિટિશરોએ ભારતનું શાસન પોતાના હાથમાં લીધું હતું. અખંડ ભારતનું વિભાજન કરી ધર્મના આધારે પાકિસ્તાનની રચના કરાઇ હતી જેમાં એકથી બે કરોડ લોકો વિસ્થાપિત થયાં હતાં અને રમખાણોમાં 10થી 20 લાખ લોકો માર્યા ગયાં હતાં. કોમી તણાવનો અગ્નિ દેશના ઘણા વિસ્તારોમાં પ્રસરી ગયો હતો. પૂર્વ અને પશ્ચિમ પાકિસ્તાનની સરહદો નજીક અસામાન્ય હિંસા આચરવામાં આવી હતી. નવા આઝાદ થયેલા ભારત પાસે આટલી બધી કટોકટીઓ સામે બાથ ભીડવાની ક્ષમતા નહોતી. વિસ્થાપિત થયેલા લાખો લોકોને માનવીય સહાય અને હિંસાના પીડિતોને રાહત તથા સુરક્ષા આપવામાં નવા નવા આઝાદ થયેલા ગરીબ ભારતના સ્ત્રોતો ખર્ચાઇ ગયાં હતાં.
સ્વતંત્ર ભારતે સૌથી પહેલી સફળતા બંધારણ તૈયાર કરવામાં મેળવી હતી. 1950માં બંધારણનો સ્વીકાર કરીને ભારતને લોકતાંત્રિક દેશ જાહેર કરાયો હતો. ભારતનું બંધારણ વિશ્વમાં નવા આઝાદ થયેલા દેશોમાં સૌથી અલગ પ્રકારની લોકતાંત્રિક આઝાદી તેના નાગરિકોને આપતું હતું. 26 નવેમ્બર 1949ના રોજ ડો. બી આર આંબેડકરના નેતૃત્વમાં બંધારણ સમિતિએ તૈયાર કરેલા ભારતના બંધારણનો સ્વીકાર કરાયો હતો અને 26 જાન્યુઆરી 1950ના રોજ ભારતને પ્રજાસત્તાક દેશ જાહેર કરાયો હતો. 75 વર્ષથી ભારતમાં લોકશાહી ધબકતી રહી છે. પાડોશમાં આવેલા કેટલાક દેશો સહિતના અન્ય વિકાસશીલ દેશોની જેમ ભારતમાં ક્યારેય સરમુખત્યારશાહી કે સેનાનું શાસન લદાયું નથી. આજના ભારતના નાગરિકો બાબાસાહેબ ડો. ભીમરાવ આંબેડકર અને આધુનિક ભારતના અન્ય સ્થાપકોના ઋણી છે.
ભારત આઝાદ થયો ત્યારે બ્રિટિશ ઇન્ડિયામાં 17 પ્રોવિન્સ અને 565 રજવાડાં હતાં. રજવાડાઓને ભારત અથવા પાકિસ્તાન સાથે જોડાવા અથવા તો સ્વતંત્ર રહેવાનો અધિકાર અપાયો હતો. ભારતના સ્થાપકોની સામે એક ભંગિત દેશ હતો અને 500 કરતાં વધુ રજવાડાને એકજૂથ કરવાનો મહાકાય લક્ષ્યાંક તેમની સામે હતો. ભારતને રાજકિય રીતે એકજૂથ કરવાનો શ્રેય તત્કાલિન નાયબ વડા પ્રધાન સરદાર વલ્લભભાઇ પટેલને જાય છે. સરદાર પટેલે વી પી મેનનની સાથે મળીને રજવાડાના રાજવીઓને ભારતમાં જોડાવા માટે મનાવી લીધાં હતાં. આજનો ભારત દેશ સરદાર પટેલની વિચક્ષણતા અને સૂઝબૂઝનું પરિણામ છે.
આધુનિક ભારતે ઘણી સિધ્ધિઓ પ્રાપ્ત કરી છે. 1947માં સાક્ષરતાનો દર અત્યંત નીચો 12 ટકા હતો. આઝાદી પછીના સાડા સાત દાયકામાં ભારતની વસતી 135 કરોડ પર પહોંચી સાથે સાથે સાક્ષરતાનો દર 78 ટકા નજીક પહોંચી ગયો હતો. ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુના વિઝનને કારણે આધુનિક ઉદ્યોગો આધુનિક ભારતના મંદિરો બની રહ્યાં અને ઉચ્ચ શિક્ષણના સંસ્થાનોએ ત્યારબાદ મળેલી સફળતાઓનો પાયો નાખ્યો હતો.
આઝાદી સમયે ભારતમાં 50 મિલિયન ટન અનાજનું ઉત્પાદન થતું હતું. 34 કરોડની વસતીનું પેટ ભરવા માટે આટલું અનાજ અપુરતું હતું. પરંતુ ભારતની વસતી વધવાની સાથે કૃષિ ઉત્પાદન પણ વધ્યું હતું. આજનો ભારત દેશ પોતાની 135 કરોડની જનતાનું પેટ ભરવાની સાથે અનાજની નિકાસ પણ કરી રહ્યો છે. હરિત ક્રાંતિ અને ઓપરેશન ફ્લડે ભારતને ખાદ્યાન્નમાં સ્વનિર્ભર બનાવ્યો અને બે દાયકાથી ચાલી આવતી અનાજની આયાત બંધ થઇ હતી. હરિત ક્રાંતિ દ્વારા ભારતના કૃષિ ઉત્પાદનમાં મબલખ વધારો થયો હતો. જનરિક બિયારણ અને ખેડૂતોને આર્થિક સહાયના કારણે ઘઉં, ચોખા અને મકાઇ જેવા અનાજ અને કપાસ,, ચ્હા, તમાકુ અને કોફી જેવા કોમર્શિયલ પાકના ઉત્પાદનમાં વધારો થયો હતો. ઓપરેશન ફ્લડ અંતર્ગત સરકારે દૂધનું ઉત્પાદન વધારવા માટે પ્રોત્સાહન આપ્યું અને ભારતભરમાં પશુધનની સ્થિતિ સુધરી હતી. 1970ના દાયકામાં ગુજરાતના આણંદ ખાતે આવેલી અમૂલ ડેરી સૌથી સફળ સહકારી સંસ્થા બની રહી હતી.
જીડીપીના મામલામાં ભારતે મેળવેલી સફળતા પ્રભાવિત કરનારી છે. 1947માં ભારતનો જીડીપી ફક્ત 2.7 લાખ કરોડ રૂપિયા હતો જે વિશ્વના જીડીપીના ફક્ત 3 ટકા જેટલો હતો. 2022માં ભારતનો જીડીપી 3 લાખ કરોડ ડોલરને પાર કરી ગયો છે અને ભારત હવે વિશ્વના સૌથી મોટા અર્થતંત્ર પૈકીનો એક ગણાય છે. છેલ્લા 75 વર્ષમાં ભારતમાં માથાદીઠ આવકમાં પણ ઘણો વધારો થયો છે. છેલ્લા 10 વર્ષમાં ભારતમાં અબજોપતિઓની સંખ્યા 3 ગણી થઇ છે.
ભારતે ઇકોનોમી, ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી માંડીને સ્પેસ, સાયન્સ અને ટેકનોલોજીમાં નોંધપાત્ર મજલ પાર કરી છે. પરંતુ આ પ્રગતિના ફળ સમાજના છેવાડાના માનવી સુધી પહોંચે તે એક મોટો પડકાર છે. જનધન-આધાર-મોબાઇલની ત્રિમૂર્તિ સરકારી સબસિડીઓના દુરુપયોગને અટકાવવા શરૂ કરાઇ છે. આયુષમાન ભારત યોજના દ્વારા ગરીબોને આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે. શિક્ષણ, મહિલા કલ્યાણ અને ઉદ્યોગોના વિકાસ માટેની યોજનાઓ સંપત્તિ અને લાભોની સમાન વહેંચણીમાં મદદરૂપ બનશે.
એક સમયે ભારતને ત્રીજા વિશ્વનો દેશ ગણાતો હતો. ઘણા લોકો અસ્તિત્વ ટકાવવા લડાઇ લડી રહ્યાં હતાં પરંતુ ભારતે તેની ટીકા કરનારાઓને દરેક મોરચે શાંત કરી દીધાં છે. ઘણા પડકારો હોવા છતાં ભારત આશાથી ભરપૂર ભાવિ તરફ મીટ માંડી રહ્યો છે.
(રુચિ ઘનશ્યામ ભારતના યુકેસ્થિત પૂર્વ હાઈ કમિશનર છે. ભારતીય વિદેશ સેવામાં ૩૮ કરતાં વધુ વર્ષની કારકિર્દી ધરાવવા સાથે તેમણે યુકેમાં આવતા પહેલા સાઉથ આફ્રિકા, ઘાના સહિત અનેક દેશોમાં કામગીરી બજાવી હતી. ભારતની આઝાદી પછી યુકેમાં હાઈ કમિશનરનું પોસ્ટિંગ મેળવનારા તેઓ માત્ર બીજા મહિલા હતાં. તેમનાં કાર્યકાળ દરમિયાન તેઓ યુકે-ભારતના સંબંધોમાં નોંધપાત્ર વિકાસ અને ઘટનાઓનાં સાક્ષી રહ્યાં છે.
@RuchiGhanashyam)