સન 1857ના ‘વિપ્લવ’ની વાત હોય કે 1942ની ‘હિન્દ છોડો’ ચળવળ, ગુજરાત અગ્રેસર રહ્યું છે અને તેનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. સ્વાતંત્ર્ય જંગમાં ભલે જોમ ને જોશ 1885માં રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના અને 1915માં ગાંધીજીના સ્વદેશાગમનથી આવ્યાં હોય પણ ગુજરાત 1857ના સંગ્રામથી સ્વાતંત્ર્યની ચળવળ સાથે સક્રિય રીતે જોડાયેલું છે તે વાતનો ઇતિહાસ સાક્ષી છે. સ્વાતંત્ર્ય સંગ્રામમાં બે ગુજરાતી મહાપુરુષો મહાત્મા ગાંધી અને સરદાર પટેલનું મોખરાનું સ્થાન છે પણ તેથી થોડા આગળ જઈએ તો સરદાર પટેલના જીવનચરિત્રમાં રાજમોહન ગાંધીએ નોંધ્યું છે કે, વલ્લભભાઈના પિતા ઝવેરભાઈ પટેલ 1857માં ઘર છોડીને અંગ્રેજો સામે લડનાર ઝાંસીની રાણી લક્ષ્મીબાઈના લશ્કરમાં જોડાવા ગયા હતા, પણ રસ્તામાં ઇન્દોરના રાજવી હોલ્કરના હાથે તેઓ કેદ થયા. આમ વલ્લભભાઈને પણ દેશદાઝનો વારસો પિતા ઝવેરભાઈ પાસેથી મળ્યો હતો.
1857માં ગુજરાતમાં 100 જેટલા સ્થળોએ વિપ્લવ થયાના અને 10,000 જેટલા નાગરિકોનાં મૃત્યુ થયાં હોવાના હેવાલ છે. આ બધા ભીલ, ઠાકોર, નાયક, વાઘેર, સંધી, પટેલ, કોળી, બ્રાહ્મણ અને સાધુઓ પણ હતા. સારસામાં ફાંસિયા વડ પર 250 લોકોને અંગ્રેજ સરકારે ફાંસીએ ચડાવ્યા હતા.
1857માં નાંદોદ, રાજપીપળા, ગોધરા, દાહોદ, આણંદ, છોટાઉદેપુર, વડોદરા, અમદાવાદ, કડી, ઇડર, ડાકોર, ખેરાલુ, સંખેડા, વડનગર, ઓખા, દ્વારકા, દેવગઢ-બારિયા, તાજપુર, પાલ, સંતરામપુર, ડભોડા, જાંબુઘોડા સહિત અનેક સ્થળે ગુજરાતમાં વિપ્લવની ચિનગારીઓ સળગી હતી. અનેક મોતને ભેટયા હતા તો અનેકને કાલાપાણીની સજા થઈ હતી. આણંદ ગરબડદાસ મુખી ને કૃષ્ણારાય દવે જેવા ક્રાંતિવીરોનું કેન્દ્ર હતું. 1865માં ચાલેલા કેસમાં 30 જેટલા આરોપીઓમાંથી ગરબડદારા અને બીજા 9 જણને કાલાપાણીની સજા થઈ હતી, ને બધાએ આંદામાનની જેલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તાત્યાટોપેના મદદગાર રાજપીપળાના દયાશંકરને જાહેર ફાંસી અપાઈ હતી. ઓખા મંડળની વાઘેર મહિલાઓએ અંગ્રેજોના બોમ્બગોળાનો સામનો કર્યો હતો. પોરબંદર પાસેના વાછોડામાં મૂળુ માણેક ને સાથીઓની ખાંભી છે.
1909માં લોર્ડ મિન્ટની સવારી પર અમદાવાદમાં બોમ્બ ફેંકાયો હતો. પોરબંદરના છગન વર્મા ને સુરતના કાસીમ ઇસ્માઇલ જેવા ક્રાંતિકારીઓને ફાંસીએ ચડાવાયા હતા. સુભાષચંદ્ર બોઝની આઝાદ હિન્દ ફોજને આઝાદ હિન્દ સરકારમાં હેમરાજભાઈ, નીલમબહેન, રમાબહેન, પ્રાણજીવન મહેતાનો પરિવાર પણ સક્રિય હતો. 1857ની નિષ્ફળતા પછી પણ ગુજરાતમાં સ્વાતંત્ર્ય સંગ્રામ સક્રિય રીતે આગળ ધપ્યો હતો. ઇચ્છારામ દેસાઈ, ફિરોજ મહેતા, નથ્થુરામ શર્મા, મણિભાઈ દ્વિવેદી, કૃષ્ણાલાલ ઝવેરી, નરસિંહરાવ દિવેટિયા, કેશવ ધ્રુવ, રમણભાઈ નીલકંઠ, આનંદશંકર ધ્રુવ, ભૂલાભાઈ દેસાઈ, વિઠ્ઠલભાઈ પટેલ, ઇન્દુલાલ યાજ્ઞિક, ગાંધીજી, સરદાર પટેલ, શંકરલાલ બેંકર, રવિશંકર મહારાજ જેવા અનેકના નેતૃત્વમાં ગુજરાત લડતના વિવિધ તબક્કામાં અગ્રેસર રહ્યું હતું.
1878માં ઇચ્છારામ દેસાઈએ સુરતમાં હડતાળ પડાવતાં કેસ ચાલતાં ફિરોજ મહેતાએ કેસ લડી છોડાવ્યા હતા. 1875માં હરગોવિંદદાસ કાંટાવાળા ને અંબાલાલ સાકરલાલ દેસાઈના નેતૃત્વમાં લડત ચાલી હતી. 1874માં નવસારીમાં પારસી મહિલાઓએ રેંટિયો-સૂતર માટે સત્યાગ્રહ કર્યો હતો. 1885માં રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના થતાં બે ગુજરાતી દાદાભાઈ નવરોજી ને ફિરોજ મહેતાએ તેમાં ભાગ લીધો હતો. નર્મદે જાગૃતિની હવા ફેલાવી હતી. કચ્છ-માંડવીના ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણવર્માએ લંડનમાં ઇન્ડિયા હાઉસ સ્થાપી ‘સોશિયોલોજિસ્ટ’ નામે ક્રાંતિકારી પત્ર શરૂ કર્યું હતું. તેમના સાથીદારો મેડમ ભીખાઈજી કામા, સરદારસિંહ રાણા અને ગોદરેજ હતા. મેડક કામા રાષ્ટ્રીય ધ્વજ ક્રાંતિના માતા તરીકે જાણીતા બન્યાં હતાં.
1902માં અમદાવાદમાં ને 1907માં સુરતમાં રાષ્ટ્રીય મહાસભાના અધિવેશન મળ્યાં. 1915માં ગાંધીજી ભારત આવ્યા ને કોચરબ આશ્રમ તથા સાબરમતી સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કરી જે દેશના સ્વાતંત્ર્ય સંગ્રામના મુખ્ય કેન્દ્રો બની રહ્યાં. રાષ્ટ્રીય મહાસભાનું બીજું અધિવેશન કલકત્તામાં દાદાભાઈ નવરોજી ને ત્રીજું મદ્રાસમાં બદરુદ્દીન તૈયબજીના અધ્યક્ષપદે મળ્યું હતું. શસ્ત્રક્રાંતિની કળા અરવિંદ ઘોષ પાસેથી અંબુભાઈ પુરાણીએ મેળવી હતી. 1848માં ગુજરાત વિદ્યાસભા ને 1851માં બુદ્ધિવર્ધક સભા સ્થપાઈ જેમાં દુર્ગારામ મહેતા, મહિપતરામ, કરશનદાસ મૂળજી, દલપતરામ સક્રિય હતા. 1914માં હોમરુલ લીગ અને પ્રાંતિક પરિષદ જેવી સંસ્થાઓ ગુજરાતમાં શરૂ થઈ હતી. 1921માં અમદાવાદમાં રાષ્ટ્રીય મહાસભાનું અધિવેશન મળ્યું હતું. 1918માં મિલમજૂરોની હડતાલનું નેતૃત્વ અમદાવાદમાં ગાંધીજી ને અનસૂયાબહેન સારાભાઈએ કર્યું હતું. મુંબઈમાં શરૂ થયેલ ‘યંગ ઇન્ડિયા’ ગાંધીજીને સોંપાયું ને ઇન્દુલાલ યાજ્ઞિકે શરૂ કરેલ ‘નવજીવન’નું તંત્રીપદ ગાંધીજીએ સ્વીકાર્યું. આ પત્રોએ આઝાદીની લડતની જાગૃતિમાં મહત્ત્વનું યોગદાન આપ્યું. 1922માં ગાંધીજી સામે રાજદ્રોહનો કેસ ચાલ્યો ને તેમને 6 વર્ષની તથા નવજીવનના પ્રકાશક શંકરલાલ બેંકરને દોઢ વર્ષની સજા થઈ.
ખેડા સત્યાગ્રહ થયો. સ્વદેશી શિક્ષણ માટે ગૂજરાત વિદ્યાપીઠ, દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવન જેવી સંસ્થા સ્થપાઈ. બોરસદમાં સરદાર પટેલ, દરબાર સાહેબ ને અબ્બા સાહેબના નેતૃત્વમાં સત્યાગ્રહ થયો. સૌરાષ્ટ્રના કેટલાક રાજ્યોમાં રાજા હતા પણ અંગ્રેજતરફી હોવાથી લોકતંત્ર માટે ઢેબરભાઈ, ડો. જીવરાજ મહેતા વગેરેના નેતૃત્વમાં લડતો ચાલી. ઝવેરચંદ મેઘાણીને ધ્રાંગધ્રા કોર્ટે રાજદ્રોહના કેસમાં સજા ફરમાવી હતી. 1928માં સરદારના નેતૃત્વમાં ઐતિહાસિક બારડોલી સત્યાગ્રહ ને 1930માં ગાંધીજીની રાહબરીમાં દાંડીકૂચ યોજાઈ. જેથી ભારતની આઝાદીની ચળવળ અંગે વિશ્વનું ધ્યાન ખેંચાયું. 1931માં કરાચી અધિવેશનના પ્રમુખ સરદાર પટેલ હતા. 1939માં રવિશંકર મહારાજ, બબલભાઈ મહેતા વગેરેની ધરપકડ થઈ હતી.
1942ની ‘હિંદ છોડો’ની આખરી લડતમાં ગુજરાત મોખરે હતું. ગાંધીજી - સરદારની ધરપકડ થઈ હતી. અમદાવાદના મિલમજૂરોએ 105 દિવસની ઐતિહાસિક હડતાળ પાડી મિલો બંધ રાખીને લડતમાં ઝુકાવ્યું હતું. કસ્તૂરબા, મણિબહેન પટેલ, મૃદુલા સારાભાઈ, ભક્તિબા દેસાઈ, જ્યોત્સનાબહેન શુક્લ, અનસૂયાબહેન સારાભાઈ, મીઠુબહેન પીટીટ, ગંગાબહેન ઝવેરી, સુમિત્રાબહેન ભટ્ટ, દેવીબહેન પટ્ટણી, શારદાબહેન શાહ, સરલાબહેન સારાભાઈ, નીલમબહેન મહેતા, રમાબહેન મહેતા, હીરાબહેન બેટાઈ, તારાબહેન મોડક, સૂરજબહેન પટેલ જેવી સેંકડો નારીશક્તિ પણ લડતના વિવિધ તબક્કે સક્રિય હતી. મણિબહેન પટેલ અને કસ્તુરબાએ તો જેલવાસ પણ વેઠયો હતો. કસ્તુરબાનું જેલવાસ દરમિયાન પૂનાના આગાખાન મહેલમાં અવસાન થયું હતું. ધરાસણા સત્યાગ્રહને દારૂના પીઠા પર પીકેટિંગમાં બહેનોની સક્રિય ભૂમિકા હતી.
1942માં અમદાવાદમાં ઠેરઠેર પથ્થરબાજી, સરઘસ, રેલીઓ ને ગોળીબાર થયા હતા. વિદ્યાર્થીઓએ શાળા-કોલેજો છોડી દીધી હતી. ‘વાનર સેના’ ને ‘વિદ્યાર્થી મંડળ’ જેવી વિદ્યાર્થીઓની સંસ્થાઓ લડત માટે સ્થપાઈ હતી. મકાનો પર ચડીને બ્યૂગલ વગાડીને ‘અંગ્રેજો ચાલ્યા જાવ’ના સૂત્રો પોકારતા યુવાનોને પોલીસ પકડતી હતી ને તેમના બેન્ડ - બ્યૂગલ કબજે કરી લેતી હતી. અડાસ ગામે વિદ્યાર્થીઓ પર ગોળીબાર થયો હતો. અમદાવાદમાં વિનોદ કિનારીવાળા ને ઉમાકાંત કડિયા શહીદ થયા હતા.
28 જુલાઇ 1942ના રોજ અમદાવાદમાં વિદ્યાર્થીઓને સંબોધતાં સરદાર પટેલે કહ્યું હતું કે, બધાને સરકાર પકડી લેશે તો શું થશે? એનો જવાબ એ છે કે, તમારે દરેકે સરદારી લેવાની છે. આ સરદારી માટે લશ્કરી તાલીમ કે દાક્તરી તપાસ જરૂરી નથી. એમાં તો દિલનું બળ જોઈએ. ગાંધીજીને જુઓ... તમારામાંથી કોઈ એના કરતાં નબળો નહીં હોય પણ એ એક અવાજ કાઢે છે તેનો પડઘો વિશ્વમાં પડે છે. એના અવાજથી તો હિંદ જગતની બત્રીશીએ ચડયું છે. એણે અવાજ કાઢયો છે કે, જાઓ ભાઈ, અહીંથી તમારા મુલકમાં ચાલ્યા જાવ.
29 જુલાઇ 1942ના રોજ અમદાવાદમાં રાષ્ટ્રીય વિદ્યાર્થી મંડળને સંબોધતાં સરદાર પટેલે કહ્યું હતું કે, ગાંધીજીની લડત ચાલે કે તરત જ ચોપડીઓને કબાટમાં તાળાં વાસીને મૂકી દેજો. પ્રિન્સિપાલ કહે છે ભણો તો તેને કહી દેજો કે લડત પૂરી થઈ ગયા પછી આવજો ને અમને ભણવાનું કહેજો. પછી અમે ભણવા આવીશું.