આઝાદીનો અમૃત મહોત્સવ અને ગુજરાત સમાચારની સુવર્ણજયંતીનો શાનદાર અવસર

મારે પણ કંઇક કહેવું છે...

હેમાંગના પ્રફુલ્લચંદ્ર પંડ્યા, મીચામ Wednesday 06th September 2023 11:17 EDT
 
 

માનનીય શ્રી ચંદ્રકાંતભાઈ, ગોલ્ડન જ્યુબિલી ઉજવી રહેલા આપના કાર્યાલય અને તેની સાથે સંકળાયેલા તમામ સાથીદારોને મારા ખૂબ જ અભિનંદન. ભાઈશ્રી આપનું નામ જ આપના કાર્યને સાર્થક કરે છે એમ કહું તો તેમાં અતિશ્યોકિત નથી. ચંદ્રની શીતળતા અને સૂર્યની કાંતિ સાથે પ્રસરતી પુષ્પની ફોરમે આપના સકળ કાર્યને સિદ્ધ કરી દીધા છે.
તમારી ‘જીવંતપંથ’ની જાદુગરી એવી છે કે તેના અંગે લખ્યા વગર રહી શકાતું નથી. આપણા ગુજરાત સમાચારની સુવર્ણ જયંતી અને ભારતની આઝાદીના અમૃત મહોત્સવના આ શાનદાર સમયમાં ભારતમાં અને ભારતની બહાર રહેતા નિવાસીઓની સિદ્ધિ આજે આકાશને ચૂમી
રહી છે.
નાનપણમાં આપણે આઝાદીની કવિતા ચોપડીમાં ભણેલા જે આજે સિદ્ધ થતી જણાય છેઃ
‘ઝંડા અજર અમર રહેજે, વધ વધ આકાશે જાજે.’
આ જ ગીતમાં બીજી પંક્તિ છેઃ
‘અશોક ચંદ્રે અંકિત એ તો સાચવશે,
સન્માન ભૂમિ ભારતનું.’
અમારી મર્ટન કાઉન્સિલમાં સોશિયલ સર્વિસમાં કાર્ય કરતા આફ્રિકાનિવાસી (ગાયેના)બહેને મને ચંદ્રયાન માટે અભિનંદન આપ્યા હતા અને ભારતની આ શાનદાર સિદ્ધિના ખૂબ ખૂબ જ વખાણ કર્યાં છે. તેમણે ફોન દ્વારા આપેલા અભિનંદન આપના માધ્યમ મારફતે વ્યક્ત કરું છું અને તેમના પ્રત્યે જાહેર આભાર વ્યક્ત કરું છું.
ભારતના ભાગ્ય વિધાતાઓની આ પંક્તિ સાચે જ 23મી ઓગસ્ટના રોજ શબ્દશઃ સિદ્ધ થયેલી લાગે છે. ચંદ્ર પર રાષ્ટ્રધ્વજ અને અશોકચક્રનું ચિહ્ન – આજે જ્ઞાન અને વિજ્ઞાન બંને પરસ્પર વાત કરતા હોય તેમ લાગે છે.
ચંદ્રકાન્તભાઇ અને સોમનાથભાઇ - આપનામાં મોટું કોણ? આ સવાલ મારા મનમાં જાગૃત થયો. આનો જવાબ મારી અંતરની ઊર્મીઓ સાથે વ્યક્ત કરું છું. આથી પહેલેથી જ આપની માફી માંગું છું કે નાની બહેનને આ હરકત બદલ માફ કરશોજી.
ચંદ્રની અજવાળી રાતની શુભ ચેતના અને આપના 50 વર્ષના અથાગ પરિશ્રમની સુવાસ આપ સહુ કોઇને વાચન દ્વારા પૂરી પાડી રહ્યા છો, સમાજના તમામ વર્ગને એનો લાભ મળે છે. આ જ રીતે આપણા ઈસરોના ભાઈશ્રી સોમ(ચંદ્ર)ને નાથવા ગગનને ચૂમી ગયા. અહીં વિજ્ઞાન કહે છે કે મને જો જ્ઞાનની અનુભૂતિ કરાવનાર બુદ્ધિ - મનની ચેતના મળી તો એનો ઉપયોગ કર્યો. અને વિજ્ઞાન કહે છે કે મને વિશેષ પ્રકારની વિશુદ્ધતા મળી જેની ઊર્જાથી જ્ઞાનની પ્રાપ્તિ થઈ, એ નામની અનુભૂતિમાં એક જ નામનો સમન્વય એવો સુંદર રીતે થયો છે, જે શિવજીની સાથે જોડાયેલો છે.
‘આવ ભાઈ હરખા, આપણે બેઉ સરખા,’ આવી અતીતની યાત્રા કરનારા બંને ભાઈઓને સદાય મહાદેવના આશિષ પ્રાપ્ત થતા રહો અને જીવનના તમામ ક્ષેત્રોમાં આગળ વધો અને સમાજનું ગૌરવ પ્રાપ્ત કરતા રહો એ જ અભ્યર્થના.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter