એક એવી સ્ત્રી જેનો પતિ એનો તિરસ્કાર કરતો હોય, અપમાનિત કરતો હોય, એને હડધૂત કરતો હોય, એના ચારિત્ર્ય અંગે શંકાકુશંકાઓ કરતો હોય, એને હેરાનપરેશાન કરતો હોય અને મારઝૂડ કરતો હોય.... સત્તરમી સદીમાં પતિના પત્ની પ્રત્યેના આવા ક્રૂર વ્યવહારની ઝાઝી નવાઈ નહોતી. મોટા ભાગની સ્ત્રીઓ પણ પોતાનું દુર્ભાગ્ય સમજીને પતિનો દુર્વ્યવહાર સાંખી લેતી. બંધ ઓરડામાં આંસુ સારી લેતી. બીજું શું કરી શકે ?
પરંતુ એક સ્ત્રીએ ચીલો ચાતરીને પોતાની વ્યથા – કથાને કાવ્યદેહે કંડારી. એમ કરીને એ આત્મકથા લખનાર પ્રથમ સ્ત્રી બની ગઈ. એ કૃતિનું શીર્ષક ‘બહિણીબાઈ ગાથા’ કે આત્મનિવેદન. અને એ રચનાર સ્ત્રી એટલે મરાઠીનાં પારંપરિક સંત કવયિત્રી બહિણાબાઈ..!
બહિણાબાઈની ગાથામાં તત્કાલીન સમાજમાં સ્ત્રીના ઊતરતા સ્થાન અંગેની વિગતો જોવા મળે છે. એણે આત્મકથામાં સ્ત્રીદેહને કારણે પોતે ભોગવવી પડેલી સામાજિક સમસ્યાઓનું અને વિષમતાઓનું હૃદયસ્પર્શી વર્ણન કર્યું છે. સત્તરમી સદીમાં અત્યંત નિમ્ન સામાજિક દરજ્જો ભોગવતી સ્ત્રીનું નિરૂપણ પણ બહિણાબાઈએ બખૂબી કર્યું છે. સ્ત્રી હોવું જાણે અભિશાપ ગણાતો. બહિણાબાઈ કહે છે,
‘સ્ત્રીનો દેહ ધરીને મારે કરવું શું ? સ્ત્રીના દેહને કારણે પરાધીન જ રહેવાનું ? મારે દુન્યવી પ્રવૃત્તિઓને ત્યજી દેવાની ? મારાં અરમાનોને મનમાં જ ધરબી દેવાનાં ?’
આત્મકથાના માધ્યમથી ઈશ્વર સાથે સીધો સંવાદ કરનાર આ બહિણાબાઈનો જન્મ ૧૬૨૮માં મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં થયો. બહિણાબાઈના પિતા આઉજી દેવગાંવના મહેસૂલ અધિકારી હતા. દેવું કરવાના ગુના હેઠળ તેમણે જેલવાસ વેઠવો પડેલો. પરંતુ એક રાત્રે તેઓ જેલમાંથી નાસી છૂટ્યા. રહિમતપુર ખાતે બે વર્ષ ભૂગર્ભ અવસ્થામાં રહ્યા પછી આઉજી કાયમી નિવાસ માટે સપરિવાર કોલ્હાપુર જઈને વસ્યા.
બહિણાબાઈ નવેક વર્ષનું નાનું બાળ હતી, ત્યારે રત્નાકર પાઠક નામના વિધુર સાથે એના વિવાહ કરી દેવાયા. સંત તુકારામે બહિણાબાઈને સ્વપ્નમાં દર્શન આપ્યાં અને મંત્રદીક્ષા આપી. એ સમયે મહારાષ્ટ્રમાં સંત તુકારામ ઘેર ઘેર જાણીતા હતા. બહિણાબાઈએ તુકારામને પોતાના ગુરુ જાહેર કર્યા. ચોવીસ કલાક તુકારામના ધ્યાનમાં મગ્ન રહેવા લાગ્યાં. આ ગાળામાં બહિણાબાઈએ ગર્ભ ધારણ કર્યો. પણ રત્નાકરના મનમાં આનંદ થવાને બદલે બહિણાબાઈના ચારિત્ર્ય અંગે વહેમ પેઠો. એ તુકારામને અને બહિણાબાઈને ગાળો ભાંડવા લાગ્યો.
આ અરસામાં રત્નાકરે બહિણાબાઈનો ત્યાગ કરવાનો નિર્ણય કર્યો. એ જાણીને બહિણાબાઈને માથે આભ તૂટી પડ્યું. ત્યારની પોતાની મનોસ્થિતિનો ચિતાર આપતાં બહિણાબાઈએ ‘બહિણીબાઈ ગાથા’માં વર્ણવ્યું છે કે, જાળમાં ફસાયેલા હરણ કે જંગલમાં માર્ગ ભૂલેલા આંધળા જેવી મારી દશા છે. હું જાઉં તો ક્યાં જાઉં ? હે ઈશ્વર, હું બહિણી તને વિનવું છું કે મારા પર કૃપા કર...’ અને ઈશ્વરે કૃપા કરી. કહેવાય છે કે જેવી કરણી તેવી ભરણી... રત્નાકરે જેવું કર્યું તેવું ભર્યું. એ જીવલેણ બીમારીમાં સપડાયો. રત્નાકર પશ્ચાતાપથી ઘેરાયો. મનોમન તુકારામ મહારાજની માફી માગી.
બહિણાબાઈએ અભંગો, ભજનો, કાવ્યો અને પદો સહિત સાતસો કરતાં વધુ રચનાઓ કરી છે. અભંગોમાં તુકારામ અને તેમની ગુરુ પરંપરાનું વર્ણન કર્યું છે. આ સંત કવયિત્રીની સઘળી રચનાઓ ઉચ્ચ કોટિની ગણાય છે, પરંતુ નારી-આત્મકથા લેખનક્ષેત્રે ‘બહિણીબાઈ ગાથા’ દ્વારા પગરણ કરીને પાછળની સ્ત્રીઓ માટે પગદંડી તૈયાર કરી આપવાનું બહિણાબાઈનું પ્રદાન સર્વોચ્ચ કક્ષાનું અને અણમોલ લેખાય છે !