આદમથી શેખાદમ સુધી

આપણી કવિતાનો અમર વારસો...

- શેખાદમ આબુવાલા Saturday 08th February 2025 05:06 EST
 
 

શેખાદમ આબુવાલા

(જન્મઃ 15-10-1929 • નિધનઃ 20-05-1985)

એમનો પહેલો પરિચય ઉમાશંકરના ‘સંસ્કૃતિ’ના અંકોમાં આવતી ગઝલ દ્વારા થયો. વાતોનો અને પ્રેમનો પાતાળકૂવો. ગઝલ એમને હથેળીમાં. પૃથ્વી છંદમાં પણ ગઝલ લખી શકે. પ્રયોગો એમને પ્રિય હતા. પરદેશમાં વસ્યા. વિશેષ તો જર્મનીમાં રહ્યા. ભારત પાછા ફર્યાં. અમદાવાદમાં મરણ. ભારતઝુરાપો એમને વેઠ્યો. સમગ્ર ગઝલો - ‘દીવાને આઝમ’.

•••

આદમથી શેખાદમ સુધી

માનવીને આ જગત આદમથી શેખાદમ સુધી
એ જ દોરંગી લડત આદમથી શેખાદમ સુધી
એ જ ધરતી એ જ સાગર એ જ આકાશી કલા
એ જ રંગીલી રમત આદમથી શેખાદમ સુધી
રૂપનું રંગીન ગૌરવ પ્રેમના લાચાર હાલ
એ જ છે (લાગી શરત) આદમથી શેખાદમ સુધી
મોતને શરણે થવામાં સાચવે છે રમ્યતા
જિંદગીની આવડત આદમથી શેખાદમ સુધી
ફૂલમાં ડંખો કદી કયારેક કાંટામાં સુવાસ
લાગણીની આ રમત આદમથી શેખાદમ સુધી
બુદ્ધિના દીપકની સામે ઘોર અંધારાં બધે
એક સત બાકી અસત આદમથી શેખાદમ સુધી
બુદ્ધિ થાકી જાય તો લેવો સહારો પ્રેમનો
સારી છે આ બૂરી લત આદમથી શેખાદમ સુધી
મોતનું બંધન છતાં કરતો રહ્યો છે માનવી
જિંદગીની માવજત આદમથી શેખાદમ સુધી
જિંદગી પર રૂપ યૌવન પ્રેમ મસ્તી ને કલા
સૌ રહ્યાં છે એક મત આદમથી શેખાદમ સુધી
કોઈના ખોળે ઢળી છે કે પોઢી ઠંડક પામવા
માનવી છે યત્નરત આદમથી શેખાદમ સુધી
રંગ બદલાતા સમયના જોઇ દિલ બોલી ઉઠ્યું
શું ખરું ને શું ગલત આદમથી શેખાદમ સુધી


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter