ભગવાન શિવ હિન્દુ સંસ્કૃતિના પ્રણેતા આદિદેવ મહાદેવ છે. આપણી સાંસ્કૃતિક માન્યતા અનુસાર 33 કરોડ દેવી-દેવતાઓમાં ‘શિરોમણિ’ દેવ શિવજી જ છે. સૃષ્ટિના ત્રણે લોકમાં ભગવાન શિવ એક અલગ, અલૌકિક શક્તિ આપનારા દેવ છે. શિવજીનાં અનેક નામ છે તેમને કોઈ પણ નામથી ભજો તે પ્રસન્ન જરૂર થશે. પુરાણોમાં ભોળાનાથનાં 108 નામોનો ઉલ્લેખ જોવા મળે છે. મહાદેવ, ભોળાનાથ, નીલકંઠ, શંકર, ગંગાધર, આદિદેવ, મહાદેવ, નટરાજ, ત્રિનેત્ર, પશુપતિનાથ, જગદીશ, જટાશંકર, વિશ્વેશ્વર, હર, શિવશંભુ, ભૂતનાથ અને રુદ્ર વધારે જાણીતાં છે. પવિત્ર શ્રાવણ પર્વે આવો આપણે, દેવાધિદેવ મહાકાલના સ્વરૂપ અને તંત્રશાસ્ત્ર વિશે જાણકારી મેળવીએ.
શિવજીની વેશભૂષા એટલે માથા પર ગંગા અને ચંદ્રમા, ત્રિનેત્ર, કંઠમાં વીંટળાયેલો સર્પ, કમર પર વ્યાઘ્રામ્બર, વ્યાઘ્રામ્બરનું આસન, પદ્માસનમાં ભૈરવી મુદ્રા, ત્રિશૂળ અને ડમરું સાથે માતા પાર્વતી અને તેમનું વાહન નંદી. આ શિવની જટામાં જ્યાં ગંગાજીને દર્શાવાયા છે તે ભારતીય તંત્ર (શરીરશાસ્ત્ર)માં સહસ્ત્રારજ્ચક્ર તરીકે ઓળખાય છે. બાળક જન્મે છે ત્યારે માથાનો મધ્ય ભાગ કોમળ હોય છે. ઉંમર થતાં તે સ્થાન કઠણ થાય છે. સહસ્ત્રારનો સામાન્ય અર્થ સહસ્ત્રદલ કમળ કરી શકાય. તે અમરતાનો સ્ત્રોત છે. માથાના એ ભાગની બનાવટ કમળની પાંખડીઓ જેવી છે. પુષ્પને પેદા થવા પાણીની જરૂર પડે છે. જળનું પવિત્રતમ રૂપ છે ગંગા અને ગંગાનું ઉદ્ગમ ક્ષેત્ર છે શિવજીની જટા. તેનો અર્થ એ થયો કે ગંગાને ત્યાં સ્થાપિત કરવા પાછળ કારણ એક લક્ષ્ય છે. આમ ભગવાન શિવ જ સાધનાની અનેક વિધિઓ જણાવે છે, જે શાસ્ત્રોમાં વર્ણિત છે. થોડાક નીચે ચંદ્રમા સ્થાપિત છે.
શિવના શરીરમાં જે સ્થાન પર ચંદ્રમાનાં દર્શન થાય છે તેને તંત્રમાં બિન્દુ વિસર્ગ કહે છે. ભૌતિક શરીરમાં આ સ્થાન બુદ્ધિનું કેન્દ્ર છે. ચંદ્રમાનો સ્વભાવ શીતળ છે. આપણી બુદ્ધિ પણ શીતળ અને શાંત હોવી જોઈએ તેનો તે સંકેત આપે છે. કંઠ અને ભુજાઓમાં સર્પમાળા છે. સાપ જ એવો જીવ છે જે સંપૂર્ણ કાયાકલ્પ (કાંચળી કાઢવી) કરે છે. મનુષ્યના કંઠમાં જે ચક્ર સ્થાપિત હોય છે તેનું નામ છે વિશુદ્ધિ ચક્ર. જે શરીરમાં ઘણાં પ્રકારના રસોનું ઉત્પાદન કરે છે. જેને પાચકરસ તરીકે ઓળખાય છે. તેમાં સમસ્યા સર્જાય તો ઘણાં રોગ ઘર કરી જાય છે. તંત્રના સાધકોનું એવું માનવું છે કે વિશુદ્ધિ ચક્ર જાગૃત થાય તો વ્યક્તિમાં વિષને પચાવવાની ક્ષમતા આવે છે. આપણા શરીરના સૌથી નીચેના ભાગમાં કુંડલીની શક્તિનું સ્થાન હોય છે જેને મૂળાધાર ચક્ર પણ કહે છે. મૂળાધાર ચક્ર જાગૃત થાય તો શક્તિ ઉર્ધ્વગામી થાય છે અને શરીરનાં બધાં જ ચક્રોનું છેદન કરીને સહસ્ત્રાર સુધી જઈને વિસ્ફોટ કરે છે. આ સુષુપ્ત શક્તિનો જે આકાર છે તે કુંડલી મારીને બેઠેલા સાપ જેવો હોય છે. તેથી સાપને શિવજીએ ગળામાં સ્થાન આપ્યું છે. શિવજીના કપાળમાં એક અધખૂલી (ત્રીજી) આંખનાં દર્શન થાય છે. તેથી તેઓ ત્રિનેત્ર પણ કહેવાય છે. શિવજીનું આ નેત્ર તંત્રમાં આજ્ઞાચક્ર તરીકે પરિભાષિત છે. આજ્ઞાચક્ર બધાં જ ચક્રોનું નિયંત્રણ કરે છે. ઉત્તમ સાધના કરવા માટે ત્રિનેત્રનું ખૂલવું જરૂરી છે, કારણ કે સાધના દરમિયાન આ શરીર એક અનંત ઊર્જાનું પ્રતીક બનતું જાય છે. જ્યારે સાધકનું આજ્ઞાચક્ર એટલે કે ત્રિનેત્ર ખૂલે ત્યારે આપણે એક નવા બ્રહ્માંડમાં પહોંચી જઈએ છે.
સંકટમુક્ત કરે શિવજી
• જે વ્યક્તિ રોગગ્રસ્ત થઈને પથારીમાં પડી હોય, તે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરીને પોતાને સ્વસ્થ કરી શકે છે. • શિવજી ગૃહસ્થ જીવનના આદર્શ છે. જેઓ અનાસક્ત રહેવા છતાં પણ પૂર્ણ ગૃહસ્થ સ્વરૂપ છે. તેમની આરાધનાથી મનુષ્યના ગૃહસ્થજીવનમાં અનુકૂળતા પ્રાપ્ત થાય છે અને ગૃહસ્થી સુખમય બને છે. • શિવોપાસનાથી મનુષ્યના ત્રિવિધ તાપોનું શમન થઈ જાય છે. • ભોળાનાથ સૌભાગ્યદાયક છે. તેથી શિવરાત્રીમાં કુંવારી કન્યા દ્વારા શિવજીની આરાધના કરાય તો મનોવાંછિત વરની પ્રાપ્તિ થાય છે. • ભગવાન શિવ પરમપિતા પરમાત્માનું સંપૂર્ણ સ્વરૂપ છે, તેથી તેમની આરાધના જીવનપર્યંત કરવામાં આવે છે અને શ્રાવણ માસમાં તેમની આરાધનાથી વ્યક્તિ ધન્ય થઈ જાય છે, તેના સમસ્ત મનોરથ પૂર્ણ થઈ જાય છે.
શ્રાવણ પર્વે 12 જ્યોર્તિલિંગ અને
12 ઉપજ્યોર્તિલિંગની યાત્રા...
દેવાધિદેવ મહાદેવ ભારતભૂમિમાં 12 જ્યોર્તિલિંગ સ્વરૂપે બિરાજે છે તેમ ચારે દિશાએ 12 ઉપજ્યોર્તિલિંગ રૂપમાં પણ બિરાજે છે.
પવિત્ર શ્રાવણ પર્વે 12 જ્યોર્તિલિંગ અને તેના ઉપજ્યોર્તિલિંગનું નામ-સ્મરણ.
1) સોમનાથ - ઉપજ્યોર્તિલિંગ છે અંતકેશ્વર - ભરૂચ નજીક
2) મલ્લિકાર્જુન - ઉપજ્યોર્તિલિંગ છે રૂદ્રેશ્વર - હિમાલયમાં
3) મહાકાલ - ઉપજ્યોર્તિલિંગ છે દુગ્ધેશ્વર - નર્મદાકિનારે
4) ઓમઅમલેશ્વર - ઉપજ્યોર્તિલિંગ છે કર્મમેશ્વર - બિન્દુ સરોવર
5) કેદારેશ્વર - ઉપજ્યોર્તિલિંગ છે ભૂતેશ્વર - હિમાલયમાં
6) ભીમશંકર - ઉપજ્યોર્તિલિંગ છે ભીમેશ્વર - પૂના નજીક
7) વિશ્વનાથ - ઉપજ્યોર્તિલિંગ છે અવિમુક્તેશ્વર - કાશીમાં
8) ત્ર્યંબકેશ્વર - ઉપજ્યોર્તિલિંગ છે બિલેશ્વર - બરડા ડુંગરમાં
9) વૈદ્યનાથ - ઉપજ્યોર્તિલિંગ છે મહાબળેશ્વર - ગૌકર્ણ તીર્થમાં
10) નાગેશ્વર - ઉપજ્યોર્તિલિંગ છે ભૂતેશ્વર - ઉજ્જૈન નજીક
11) રામેશ્વર - ઉપજ્યોર્તિલિંગ છે ગુપ્તેશ્વર - પુષ્કર નજીક
12) ધુષ્મેશ્વર - ઉપજ્યોર્તિલિંગ છે વ્યાઘેશ્વર - હિમાલયમાં