આજકાલ આપણું જગવિખ્યાત બોલીવુડ બહુ ચર્ચાના ચગડોળે ચઢ્યું છે. ટી.વી સિરીયલમાંથી બોલીવુડ ફિલ્મોમાં એન્ટ્રી લઇ ખૂબ ઝડપથી એ સફળતાના શિખરો સર કરતો જતો હતો એ સુશાંત સિંહ રાજપૂત "કાઇપો છે, ધોની, કેદારનાથ અને છિછોરે" જેવી ફિલ્મો દ્વારા ફિલ્મજગતના કહેવાતા દિગ્ગજોને પાછળ પાડી અવ્વલ નંબરે પહોંચવાની તૈયારીમાં હતો ત્યાં જ એના રહસ્યમય મૃત્યુએ મોટો પ્રશ્નાર્થ મૂકી દીધો!!
એટલું જનહિ પણ એના રહસ્યમય મોતે બોલીવુડ જગતના અનેક રાઝ ખોલ્યા. સુશાંતની કહેવાતી ગર્લફ્રેન્ડ રિયા ચક્રવતીની ધરપકડના પગલે નાર્કોટીક્સ કંટ્રોલ બ્યુરો સમક્ષ નાશામાં ધૂત રહેતા અનેક કલાકારો, નિર્માતાઓ, દિગ્દર્શકો અને ડિસ્ટ્રીબ્યુટર્સની પોલ ખુલી છે. હાલમાં મુંબઇનું બોલીવુડ ટી.વી.પ્રચાર માધ્યમોમાં ખૂબ ચમકી રહ્યું છે.
એક ફિલ્મ રિલીઝ થતાં ૧૦૦-૨૦૦ કરોડોની અધધધ કમાણી કરનાર આધુનિક ફિલ્મોમાં આમ જુઓ તો ઘણીવાર મ્હોં-માથા વગરની મારફાડની સ્ટોરીઓ હોય. એમાં સ્ટોરીને રીલેવન્ટ જ ના હોય એવાં અર્થહીન ગીતો હોય. ઘણીવાર તો તમારા કાનના પડદા ફાડી નાંખે તેવા ધમાકેદાર મ્યુઝીક સાથે યુવાપેઢી પાર્ટીઓમાં મસ્ત બનીનેે નાચી શકે એવાં જ ગીતોની ભારે બોલબાલા છે. હમણાં અમે ઘરે બેઠાં કામ કરતા હોઇએ છીએ એટલે ઘરના રેડિયો પર કેટલાંક ફિલ્મી ગીતો સાંભળી મન ખૂબ ત્રાસ અનુભવે છે. આપણને પ્રશ્ન થાય કે આ હિન્દી ફિલ્મગીતો Lyric લખનાર ગીતકારો રસોઇ સ્પેશીયાલીસ્ટ, વાનગી ચાહક હશે કે પછી ભારતીય ભોજનની જાહેરાત કરે છે!!! આપ વિચારશો કે આવું હોતું હશે? પ્યારા વાંચકો...લ્યો આપને થોડો નમૂનો સાદર કરું...
ફિલ્મ કૂલી નં-૧નું સમીરે લખેલું ગીત.. “મૈં તો રસ્તે પે જા રહા થા, મૈં તો ભેલપુરી ખા રહા થા, તુજે મિર્ચી લગી તો મૈં ક્યા કરું"!!, આનંદરાજ આનંદે "ડબલ ધમાલ"માં લખેલું "અચ્છે ચીકને મુજપે ફિસલ ગયે, સબ મુજે પૂછતે હૈ, કૌન દેશસે આઇ જલેબીબાઇ"!! બીજું "બટાટાવડા, દિલ નહિ દેના, દેના પડા, પ્યાર નહીં કરના થા કરના પડા!!” ફિલ્મ મિસ્ટર ખિલાડીનું "જબ તક રહેગા સમોસે મેં આલુ, તેરા રહૂંગા ઓ સાલુ"! બજરંગી ભાઇજાન ફિલ્મનું મયુર પૂરીએ લખેલું "ચોક ચાંદની, ચૌધરી ધાબા, આધા વેજ આધા નોનવેજ,ચાહીએ નાન યા રોટી, ચાહીએ રાન યા બોટી, લે આજ ધર્મ ભ્રષ્ટ હો ગયા કૂકડુકૂક!”. ફિલ્મ ગીતમાં સૌથી વધુ વેજ-નોનવેજનો રસથાળ પીરસ્યો હોય તો સોના મહોરોથી લદાયેલા આપણા ભોજનપ્રેમી બંગાળીબાબુ ભપ્પી લહેરીજીએ એમના આ ગીતમાં પ્રેમલા-પ્રેમલી એકબીજાને વાનગી સાથે સરખાવીને કેવો પ્રેમ પ્રગટ કરે છે એ જુઓ.. લ્યો."યુ આર માય ચીકનફ્રાય, યુ આર માય ફીશફ્રાય, કભી ના કહના કુડિયે બાય બાય.. યુઆર માય સમોસા, યુ આર માય મસાલા ઢોંસા મૈના કહુંગી મૂન્ડિયા બાય બાય.. યુ આર માય ચોકલેટ, યુ આર માય કટલેસ ગરમાગરમ તાંદૂરી તું હૈ, મૂહમેં પાની આ જાતા હૈ જબ મૈં તુજે દેખું, યુ આર માય રસગુલ્લા, યુઆર માય રસમલાઇ કભીના કહના કુડિયે બાય બાય"!!
અક્ષયકુમારના "પેડમેન" ફિલ્મમાં કૌશર મૂનિરે લખેલા એક ગીતમાં આજનો પાગલ પ્રેમી એની પ્રેમિકાને દિલ આપીને શું લેવા-દેવાનું કહે છે એનો નમૂનો જુઓ, "આજસે તેરી સારી ગલીયાંઁ મેરી હો ગઇ, તેરી બીજલી કા બીલ હૈ, આજસે વો મેરા હો ગયા, મૈ તેરે માથેકા કુમકુમ મૈં તિલક લગા કે ઘૂમૂંગા"! ઇર્શાદ કામીલે લખેલા ફિલ્મ ગીતમાં પ્રેમી રંગબેરંગી શરબતો જોડે પોતાને સરખાવતાં મીઠી વીરડી જેવી પ્રેમિકાને શું કહે છે એ સાંભળો, “મૈં રંગ શરબતો કા, તૂં મીઠે ઘાટ કા પાની, મુજે ખૂદમેં ઘોલ દે તો, મેરે યાર બાત બન જાયે!
આ બધા વાનગી સભર, વેવલાં ગીતો આજની પાર્ટીપ્રેમી યુવા પેઢીને ફાવે.. ભાઇ.. આપણને તો...એ પેલા. ૪૦-૫૦ વર્ષ પહેલાંના દિવસો તાજા કરાવે એવા અર્થસભર, લાગણીસભર, હ્દયના તાર ઝણઝણી ઉઠે એવા કર્ણને પ્રિય હતાં. પહેલાંની ફિલ્મોમાં ખેતરો, નદીઓ, ઝરણાં ને પ્રાકૃતિક સૌંદર્યો વચ્ચે શરીરનું અંગ ના દેખાય એવી રીતે હીરોઇનો એમના હીરોથી બે મીટર દૂર લચકતી ચાલે કે કોઇ ઝાડ ફરતે ગીતો ગાતી હોય, હીરો પણ મદમસ્ત અદાથી પ્રેમિકા સાથે પ્રણય ગીત ગાતો હોય એ કેવાં ઉર્મિશીલ ગીત હતાં. લતા મંગેશકર અને આશા ભોંસલેના કંઠે ગવાયેલાં “ઉડે જબ જબ ઝુલ્ફે તેરી કુવારીયોં કા દિલ મચલે..” પ્યાર કિયા તો ડરના કયા, રેશમી સલવાર કૂર્તા જાલીકા, સાથીયા નહિ જાના કે જી ના લગે, હેમંતકુમારના કંઠે ગવાયેલા..ના યે ચાંદ હોગા, ના તારે રહેંગે, મગર હમ હંમેશા તૂમ્હારે રહેંગે", “યાદ કિયા દિલને કહાં હો તુમ, ઝુમતી બહાર હૈ કહાં હો, પ્યાર સે પુકાર લો જહાં હો તુમ", તસવીર તેરી દિલમેં જબ દિનસે ઉતારી હૈ", જાયે તો જાયે કહાં, સમજેગા કૌન યહાં, અહેસાન તેરા હોગા, સુહાના સફર હૈ, યે મૌસમ હસી, "ઝુલ્મી સંગ આંખ લડી" જેવાં ગીતો આજેય અમર છે.૧૯૪૦ પછીના સમયના ફિલ્મ જગતમાં હસરત જયપુરી, શકીલ બદાયુની, નૌશાદ,શાહીર લુધિયાનવી જેવા ગીતકારોએ સુપર હીટ યાદગાર ગીતોની ભેટ આપી છે. જેમાં મધર ઇન્ડિયા, દીદાર, બૈજુબાવરા, મુગલે આઝમ, ટેક્સી ડ્રાઇવર, તીનદેવિયાં, જબ ય્યાર કીસીસે હોતા હૈ, ચોરી ચોરી, શ્રી ૪૨૦, આવારા, મધુમતી, ગાઇડ, દિલ તેરા દિવાના, તેરે ઘર કે સામને, જંગલી જેવી અસંખ્ય ફિલ્મોના ગીતો સદાસર્વદા યાદગાર રહેશે.