૧૮૦૩માં બ્રિટિશ લશ્કરે ભરૂચનો કબજો લીધો તે દિવસે ભરૂચમાં ગિરધરદાસ શેઠને ત્યાં પુત્ર રણછોડદાસનો જન્મ થયો. નાની વયે માતાનું મરણ થતાં પિતાએ મા બનીને દીકરો ઉછેર્યો. ગિરધરદાસમાં ભગવાનમાં અપાર શ્રદ્ધા અને પ્રામાણિકતા. દીકરામાં બાપના ગુણ ઉતર્યાં. આ સમયે હજી કોઈ સરકારી શાળાઓ ન હતી. મહેતાજીની ખાનગી શાળા ચાલે. મોટા ભાગના લોકો ભણવામાં ન માને. ત્યારે નોટબુક, પેન્સિલ, સ્લેટ કે પાઠ્યપુસ્તકનો ઉપયોગ નહીં. લાકડાની પાટી પર ધૂળ નાંખીને રેતી નાંખીને આંગળીથી એકડો, બગડો કે મૂળાક્ષર લખાય અને ઘૂંટાય. શાળામાં કોઈ અભ્યાસક્રમ નહીં. શિક્ષકની શૈક્ષણિક યોગ્યતા જોવાની નહીં. લાલ પાઘડી, પંચિયુ અને શેલુ ધારીને મહેતાજી આવે. મહેતાજી માને કે બરાડા પાડ્યા સિવાય શીખવાય કે શિખાય જ નહીં. શિષ્યોએ લખતી વખતે મોટેથી બોલવું જ પડે. બધા લખે ત્યારે શોરબકોર મચે. શિક્ષણની કોઈ ફી નહીં. શનિ-રવિની રજા નહીં. પૂનમ, અગિયારસ અને અમાસની રજા હોય. હોળી, ધૂળેટી, દિવાળી, રામનવમી, બળેવ, ગુરુપૂર્ણિમા, ધનતેરસ રજા હોય. વિદ્યાર્થીએ ગુરુને દક્ષિણા આપવાની. દાણા, તેલ, ઘી, ગોળ, કપડાં વગેરે દક્ષિણામાં આવે. કેટલાક દૂધ આપે. તહેવારોમાં દક્ષિણા વધુ મળે. તેમાં પૈસા આવે. તહેવારોમાં મહેતાજી દક્ષિણા ઉઘરાવવા શિષ્ય ટોળી સાથે ઘેર ઘેર ફરે. મહેતાજી લાકડી રાખે, કૂતરાં, હરાયા ઢોરને દૂર રાખવા અને વિદ્યાર્થીઓને સીધા રાખવા લાકડી વાપરે.
ભરૂચમાં દાદુપંથી સંન્યાસી વિમળાનંદ પાસે હિન્દી શીખ્યા અને ગીતા શીખ્યા. અંગ્રેજી શાળા ન હતી. ખ્રિસ્તી ચર્ચના અપંગ અંગ્રેજ ચોકીદાર ટક્કર પાસે અંગ્રેજી શીખ્યા. ચર્ચની તપાસ માટે મુંબઈથી કાર સાહેબ આવ્યા. ટક્કરે ભલામણ કરતાં કાર સાહેબે રણછોડદાસને પ્રશ્નો પૂછ્યા. અંગ્રેજીમાં જવાબ મળતાં ખુશ થયેલાં કાર સાહેબે કહ્યું, ‘નોકરી જોઈએ તો મુંબઈ આવીને મળજો.’
રણછોડદાસ મુંબઈ પહોંચ્યા અને કાર સાહેબની ભલામણથી ‘બોમ્બે નેટિવ એન્ડ સ્કૂલ બુક સોસાયટી’માં તેમને ૨૨ વર્ષની વયે માસિક ૪૦ રૂપિયાના પગારે નોકરી મળી. ત્યારે સોનું ૧૮ રૂપિયે તોલો હતું. મુંબઈ યુનિવર્સિટીની સ્થાપનાને હજી ત્રણ દસકા બાકી હતા. યુનિવર્સિટી શરૂ થયા પછી પણ પ્રોફેસરને આટલો પગાર મળતો ન હતો.
આછુંપાતળું ભણેલા રણછોડદાસને કાર સાહેબની કૃપા ફળી. બુક સોસાયટી ત્યારે મરાઠીમાં વિદ્યાર્થીઓ માટે પુસ્તકો તૈયાર કરાવતી હતી. રણછોડદાસને ગુજરાતીમાં પુસ્તકો તૈયાર કરવાની જવાબદારી સોંપી. રણછોડદાસે રાત-દિવસ શ્રમ કરીને અંગ્રેજી અને મરાઠીમાંથી પુસ્તકોનો ગુજરાતીમાં અનુવાદ કર્યો. ભૂગોળ, ગણિત, ભૂમિતિ વગેરેનાં પુસ્તકો તૈયાર કર્યાં. આમ લિપિધારા, બોધવચનો, વિદ્યાનો ઉપદેશ, લાભ અને સંતોષ, ઈસપની કથાઓ વગેરે લખીને ગુજરાતીમાં પ્રગટ કર્યું.
કનૈયાલાલ મુનશીએ રણછોડદાસ વિશે લખ્યું, ‘એમણે ગુજરાતી ભાષાને પારસી છાપાંની ખારાવાસાઈ બોલીમાંથી ઉગારી.’ ગુજરાતી સાક્ષર નવલરામે શાળાપત્ર માસિકમાં લખ્યું, ‘રણછોડદાસ ગુજરાતી ગદ્યના આરંભક હતા.’
રણછોડદાસનું ગુજરાતના ઘડતરમાં સૌથી મહત્ત્વનું પ્રદાન છે. રેલવે શરૂ થઈ ન હતી તે જમાનામાં તેણે ગુજરાતનો પ્રવાસ કરીને નવી પદ્ધતિની શાળાઓ શરૂ કરાવી. આવા પ્રવાસમાં ઘોડો, ઊંટ, ગાડું, હોડી વાપરવી પડે કે પગપાળા ય જવું પડતું. આમ છતાં ઠેર ઠેર ફરીને, આગેવાનોને સમજાવીને, લાયક શિક્ષકો શોધીને તેમણે શાળાઓ શરૂ કરી. તે જમાનામાં લોકો માનતા કે, ‘આવી શાળાઓમાં ભણનારને વટાલાવવામાં આવે છે અને લશ્કરમાં જોડવામાં આવે છે.’ આવા વખતે કોઈને સમજાવવામાં પણ જીવલેણ હુમલો થવાનો ભય રહેતો. તેમણે ૨૦ જેટલી નવી શાળાઓ શરૂ કરી. પછી વધી. જો આ ના થયું હોત તો ગુજરાતની સ્થિતિ કદાચ બિહાર કે મધ્ય પ્રદેશ જેવી હોત!
રણછોડદાસનાં કામથી ખુશ થઈને સરકારે તેમનો પગાર બમણો કરીને શાળા નિરીક્ષક બનાવેલા.
જીબરીન નામે ન્યાયાધીશે ભરૂચની એક શાળાની મુલાકાતમાં વિદ્યાર્થીને, ખંડ કેટલાં છે તે પૂછતાં, વિદ્યાર્થીને ના આવડ્યું. શિક્ષકને પૂછ્યું તો તેણે પોતાના જૂનાં જ્ઞાનના આધારે કહ્યું, ‘નવ.’ આ અજ્ઞાન દૂર કરવા ન્યાયાધીશે સરકારને સલાહ આપી. સરકારે શિક્ષકોની તાલીમ માટે યોજના કરીને તેની જવાબદારી રણછોડદાસને સોંપી.
રણછોડદાસે શિક્ષકોને નવા જમાનાનું જ્ઞાન આપ્યું. પૃથ્વી શેષ નાગના માથા પર છે એવા ભ્રમ દૂર કર્યાં. આધુનિક શિક્ષણ દ્વારા એમણે નવો વિચાર પ્રવાહ વહાવીને વહેમ, અંધશ્રદ્ધા અને કુરિવાજો પર ઘા કર્યાં. આમ ગુજરાતમાં આધુનિક શિક્ષણનો પાયો નાંખ્યો અને નવઘડતરના આરંભક બન્યા.
શિક્ષણના પાયા પર સમાજ સુધારનો ઝંડો રોપનાર રણછોડદાસ નથી, પણ એમના નામ અને કામની સુવાસ મઘમઘે છે.