આપણા જીવનના સોળસંસ્કારમાં છેલ્લો અંત્યેષ્ઠી સંસ્કાર કેવો હોવો જોઇએ !?

રમૂજ ગઠરિયા

કોકિલા પટેલ Wednesday 17th March 2021 04:35 EDT
 

બદલાતા યુગની સાથે માનવી પણ બદલાઇ રહ્યો છે, સાથે એની વિચારધારા, એની સાંસ્કૃતિક પરંપરા, માન્યતાઓ, નીતિરીતિઓમાં પણ ભારે બદલાવ થતો દેખાય છે. પહેલાં પરિવારનું કોઇ સ્વજન તમારા મૃત્યુ પછીની અંતિમક્રિયાની ઇચ્છાઓ વિષે પૂછવાની હિંમત કરતો નહીં જ્યારે આજે તમારા સંતાનો તમને સહજભાવથી પૂછી શકે છે કે તમારા અસ્થિ વિસર્જન કયાં કરવાં?તમારી અંતિમવિધિ કેવી રીતે કરવી? જો કે આવા સવાલ સામે કેટલાક વડીલોને સંતાનોનો "સ્વાર્થ" હોવાની ગેરસમજ ઉભી થતી હોય છે પણ આધુનિક યુગની વિચારધારા ધરાવનાર સંતાનનો આશય એવો નથી હોતો. પશ્ચિમી પરંપરામાં તો તમારી અંતિમવિધિ કેવી રીતે કયાં કરવી, કબરની જગ્યા ક્યાં રાખવી એ તમામ વિગતો જે તે વ્યક્તિ એના વીલમાં લખી દેતો હોય છે એટલે કદાચ આપણી યુવાપેઢી આપણી ઇચ્છા વિષે પૂછે તો મનદુ:ખ આણવું નહિ, સહજભાવે જ લેવું જોઇએ.
અહીં અમે ઘણા વડીલો ખાસ કરીને "માસીલોક"ને મોંઢે સાંભળ્યું છે કે, "રાણીના રાજ"માં અહીં માનભેર, ફુલ શણગારેલી રોલ્સરોય ગાડીમાં જવાનું મળે એટલે નસીબદાર છીએ, અહીં તો આપણે ધોળા કે કાળા ઘોડાવાળી ફુલો શણગારેલી બગીમાં જવાની ઇચ્છા હોય તો છોકરાં એવું ય કરી આપે..! બાકી ઇન્ડિયામાં તો માણસ મરે, શ્વાસ ટાઢા પડે કે તરત કાઢો… કાઢો !!”
ઇન્ડિયામાં અંતિમયાત્રાની વાત નીકળી ત્યારે આણંદ નજીક એક ગામમાં અમે નજરે જોયેલી એક ઘટના જાણવા જેવી છે. મૃત્યુશૈયા પર પડેલા એક ૯૦-૯૫ વર્ષના વૃધ્ધ વડીલના છેલ્લા ધીમા શ્વાસ ચાલી રહ્યા હતા, ત્યાં તો સગાં સ્વજનોએ વાત વહેતી કરી "દાદાની છેલ્લી ઘડી". આજુબાજુના જુવાનિયા ને મોટેરા પુરુષો ખભે ખેશ નાખીને આવી પહોંચ્યા. સંધ્યાકાળ થવાની તૈયારી હતી એટલે કેટલાક ઉતાવળીયા "અલ્યા ઠાઠડી બાંધવાની શરૂ કરો, સ્મશાન સુધી જતાં જતાં "રામ બોલો ભઇ રામ" કરીશું ત્યાં સુધીમાં તો દાદા રામનું શરણું લઇ લેશે!!! હે...રામ....
હવે અહીં રાણીના રાજમાં કેવો ઠાઠ હોય એ જાણો!! લંડન બહાર ત્રણેક વર્ષ અગાઉ અમે એક મિત્રની અંતિમક્રિયામાં હાજરી આપવા ગયેલા. એ પાર્ટી પ્રિય મિત્ર "પીવો ને પીવડાવો"ના શોખીન. એમનું અકાળે અણધાર્યું અવસાન થયું પણ એ ઉદારદિલ મિત્રએ બહુ પહેલેથી જ હસીમજાકમાં જ એમના મિત્રો, સ્વજનોને એમની અંતિમ ઇચ્છાઓ વિષે કહી દીધેલું કે "મારી અંતિમ વિધિ ભલે હિન્દુશાસ્ત્રોક્ત મુજબ જ કરજો પણ મારી પેટીમાં નાળીયેરની જગ્યાએ વ્હીસ્કીની બોટલ મૂકવાનું ભૂલતા નહિ! જો કે એમની ઇચ્છાનું સન્માન કરી શબપેટીમાં સ્વર્ગારોહણ કરતા આત્માને જેમ અવળા હાથે મૃતકને કાચા લોટનો લાડુ ને ખીચડીની પોટલી અર્પણ કરીએ એમ બ્રાહ્મણ જુએ નહિ એમ ઇચ્છુકને ચાર ખૂણે "મીનીચર "વ્હીસ્કીની બોટલ અર્પણ કરાઇ હતી.
એ સ્વર્ગસ્થ આત્માની બીજી એક મહેચ્છા હતી કે એમની અંતિમક્રિયા પતાવી ડાઘુઓ ઘરે પરત આવે ત્યારે ઘરના બારણે વ્હીસ્કીના જ કોગળા કરાવવા. એમની એ ઇચ્છા પરિપૂર્ણ કરવા ઘર બહાર પવાલીમાં વ્હીસ્કી ભરી રાખી હતી એનાથી પુરુષોએ કોગળા કર્યા હતા.
વર્તમાન સમયના આ આધુનિક યુગમાં મનુષ્યના મોતનું મહત્વ કેટલું? એવો પણ મનમાં સવાલ થાય? આપણે મોર્ડન થયા છીએ પણ હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ-વિધાનમાં જોડાયેલા તો છીએ જ. ઘરમાં સ્વજનનું મૃત્યુ થાય એટલે આપણા શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ ૧૨ દિવસ આત્મા ધરતી પર રહે ત્યાર બાદ અનંત તરફ પ્રયાણ કરે એટલે આપણી પરંપરા મુજબ ૧૨ દિવસ ઘરના બારણે દૂધ-પાણીની વાટકીઓ મૂકીએ. વ્યક્તિનું મૃત્યુ થાય એટલે મિત્રો-સગાંસહોદર એ એના ઘરના સ્વજનો, કુટુંબીજનોને આશ્વાસન આપવા જતા હોય છે પણ હું અને તમે જોતા હોઇએ છીએ કે ખરખરો કરવા જનારાઓ માટે મૃતકનું ઘર એક મિટીંગ પોઇન્ટ જેવું બની જતું હોય છે,મરનારની નજીકનું સ્નેહી, પ્રિયજન કદાચ શોકાતુર બની બેઠું હોય પણ બાકીના બધા કુટુંબીજનો કે મિત્રમંડળ અલકમલકની વાતો ને ગામગપાટા મારતા હોય છે, કદાચ શોકાતુર સ્વજનોને હળવા કરવા એવું હોઇ શકે પણ પેલો મૃત થયેલી વ્યક્તિનો આત્મા ઘરના ટોડલે બેસીને કોણ આવ્યું, કોણ ગયું જોતો હશે, એ જોઇને જરૂર વિચારતો હશે કે મારા સ્વજનોને મારા જવાનું કોઇ દુ:ખ કે શોક નથી એટલે ગદા લઇને પાડા પર આવેલા યમરાજને નિ:સાસો નાખીને કહેતો હશે કે ચાલો..યમરાજ આપણે સ્વર્ગ તરફ પ્રયાણ કરીએ…
ગુજરાતમાં પહેલાના જમાનામાં જે કાણ-મોકાણની પ્રથા હતી એ લગભગ ચાલી ગઇ છે, હવે ત્યાં બેસણા પ્રથા ચાલી છે, મૃતક પાછળ એક દિવસનું બેસણું અને એ પણ કેવું!! આપણે અહીં પ્રાર્થનાસભા રાખીએ પણ ત્યાં તો મંડપના શમિયાણા કે હોલમાં પ્રોફેશ્નલ સિંગરો ભજનો ગાતા હોય, મૃતકના પરિવારના સફેદ કૂર્તા-પાયજામાધારી પુરુષો અને સ્ટાર્ચ કરેલા કડક કટવર્કના બગલાના પાંખ જેવા સફેદ સાડલા ને મોતી-હીરાના પેંડન્ટ, હીરા બંગડીઓમાં સજ્જ થઇને મૃતકના ઘરની મહિલાઓ બનાવટી શોકાતુર ચહેરે હાથ જોડીને બેઠી હોય પણ ખાસ તો કોણ, કેટલા અને કયાંથી આવ્યા એની ગણતરીમાં બેસણામાં બેઠી હોય. હાલમાં ત્યાં કોરોનાકાળમાં ત્યાં નવો ટ્રેન્ડ શરૂ થયો છે. સ્થાનિક છાપાઓમાં ટચૂકડી જાહેરાત આપીને "ટેલિફોનિક બેસણું" એટલે કે સવારે ૮ થી ૧૦ વાગ્યામાં મરનારના સ્વજનોને ફોન કરી ખરખરો કરી લેવાનો!!
પહેલાના જમાનામાં મોતનો મલાજો કેવો હતો! બ્રિનમાં વસનારા મોટાભાગના આપણા ભાઇ-બહેનો આફ્રિકાથી અહીં આવીને વસ્યા છે તેમછતાં કેટલાક જણે કયારેક તો એમના કોઇ સગા-સહોદર કે સ્વજનના મોતનો માતમ કેવો મનાવતા એ જોયું તો હશે જ. પહેલાના જમાનામાં વિધવા બનેલી સ્ત્રીઓને જીવનભર અપમાનિત અને કલંકિત જીવન જીવવું પડતું. યુવાન પતિનું મૃત્યુ થાય તો એ સ્ત્રીને મહિનાઓ સુધી ખૂણે બેસવું પડતું, બાર દહાડે માથે મૂંડન કરાવવું પડતું અને ઘેરા ઘેરુ (મરૂન) કલરનાં સેલાં જિંદગીભર પહેરવાં પડતાં. વિધવા બનનાર સ્ત્રીને પતિની સ્મશાનયાત્રા વેળા ફૂલગજરા અને સિલ્કની રંગીન સાડી સાથે અંતિમ શણગાર સાથે સ્મશાનયાત્રામાં પતિની ઠાઠડી પકડીને ચલાવાતી અને શેરીના નાકે બંગડીઓ અને શણગાર પતિની ઠાઠડીમાં મૂકી દેવાતી. એ પછી કૂડાળે પડી સ્ત્રીઓ છાજિયા લેતી ત્યારે એ વિધવાને વચ્ચે રાખી છાતી કૂટવામાં આવતી. કાણ-ખરખરાના રિવાજો કયારેક મૃતકના સ્નેહીજનો માટે હાનિકારક સ્વરૂપ ધારણ કરતા. બીજી તરફ વિધવા સ્ત્રીના પિયરમાં પણ માતમ છવાતો. ગામમાં જમાઇના મોતનો સાદ પડે એટલે લાલ કિનાર છાપેલા કાળા બંજીડા, છિદ્રાં પહેરેલી ગામની સ્ત્રીઓ ભાગોળેથી હનાન કાઢે અને છાતી કૂટતાં એ દીકરીના પિતાના ઘરઆંગણે કરૂણતા છવાય એવા રૂદન થાય. ઉપરાંત મૃત થયેલી વ્યક્તિને ઘેર ફોઇ, માસી, મામા ઇત્યાદિ સ્વજનોને ગામથી કાણ-મોકાણનો દોર શરૂ થાય તે ૧૫ દિવસ સુધી ચાલે. એ વખતે ગામમાં એક સ્પેશીયલ મરસિયા ગાનાર હોય એ મરનાર વ્યક્તિની આખેઆખી હિસ્ટ્રી ગાઇને છાજિયા લેવડાવે એ સાંભળી અચ્છે અચ્છા રડી ઊઠે.
પુરુષોને માથે ફાળીયા ને ખભે ખેશ અને કાળા બંજીડા, હાથમાં સોને મઢયાં ચિપિયાં પહેરેલી સ્ત્રીઓનાં ટોળાં શોકમગ્ન પરિવારને જાણે શોકમાં જ ડૂબેલો રાખવાની ઝૂંબેશ ચલાવતાં હોય એવું લાગે! ગામની ભાગોળે ઢેબરાં-પૂરીઓની મિજબાની કરી જે છાતી કૂટતાં છાજિયા કૂટતાં બબ્બે-ચારની લાઇનમાં ચાલ્યાં જતાં.
એમાં મજા એ આવતી કે મોટાભાગની સ્ત્રીઓ છાતી કૂટવાનો ડોળ કરતી, હાથ ઉંચા કરી છાતી પર મારવા જાય ત્યારે બીજા હાથ ઉપર રાખી ટપલા જ મારતી. ગામ વચ્ચેથી છાજિયા લઇ રાજિયા ગવાતા હોય ત્યારે મોં ઢાંકેલા બંજીડા પાર વાતચીત ચાલતી હોય, એકવાર આવી છાજિયા લેતી ટૂકડી જતી હતી ત્યારે રડમસ અવાજે રાજિયાના ઢાળમાં ગાતી હોય એમ બાજુવાળી બેનપણીને કહે "હાય હાય અલી ગળગૂંદાં દેખ્યાં" ત્યારે બીજીએ ગાવાના ઢાળમાં કહ્યું "રાંડ પાછા આવતા લઇશું"!!
આપ સૌને કદાચ ખબર નહિ હોય પણ આ મરસિયા એ અરબી ભાષામાં "મરસિ" એટલે કે વિલાપ કરવો થાય, સંસ્કૃતમાં મર્સિય: એટલે મરનાર માણસની પ્રશસ્તિ કરતું વિલાપ ગીત. આ ગાવા પાછળનું મુખ્ય પ્રયોજન કોઇપણ પ્રિયજનનું મૃત્યુ થાય ત્યારે તેનો આઘાત ઓછો કરવા સ્વજનોને રડાવી શોકનો ભાર, હૈયામાં ભરાયેલો ડૂમો ઓગાળવા આવા મરસિયા- વિલાપ ગીતો ગવાતાં. મરસિયાંને આપણી એક લોકસંસ્કૃતિ તરીકે ગણવામાં આવે છે. મરસિયા એકચિત્તે સાંભળનાર સમક્ષ મૃતકનું આખું કલ્પના ચિત્ર ઉભુ કરવાની ક્ષમતા આ મરસિયા સ્પેશીયાલીસ્ટ ગાતા હોય છે. વાંચક ભાઇ-બહેનો આ વાંચી તમે આપણા પૂર્વજોની પ્રાચીન પ્રથા વાંચી હેરત પામશો પણ "રૂડાલી" ફિલ્મ જોઇ હશે તો એ મરસિયા પરથી જ બની હતી.
નિશ્ચિંત રહો ખુશ રહો આપણે મહારાણીના બ્રિટનમાં શાનભેર મનગમતા ફુલો શણગારેલી શબવાહિનીમાં જઇશું અને પંડિતના ભગવદગીતાના શ્લોકોચ્ચાર વચ્ચે અગ્નિસંસ્કાર પામીશું. સૌને સદાશિવ ભોલે તન-મનથી ખુશ, તાજાતરોજા રાખે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter