પ્રાઈમ મિનિસ્ટર રિશિ સુનાકે તો ગોળી છોડી દીધી છે અને દેશને બચાવવાની સ્પર્ધા શરૂ થઈ ચુકી છે. ઈતિહાસમાં સ્થાન મેળવી ચૂકેલા 4 જુલાઈના દિવસે મહાન બ્રિટિશ પ્રજાને તેમની આગામી સરકાર માટે મત આપવાનો અધિકાર હશે. દેશનું ભવિષ્ય હવે લોકોના હાથમાં છે. આપણી પાસે હવે આ દેશને બચાવવા માટે ગણતરીના 40 દિવસ રહ્યા છે. હવે તમે પ્રશ્ન કરશો કે દેશને શેનાથી બચાવવાનો છે?
આપણે હવે પ્રામાણિક બનીએ, દેશમાં માત્ર બે રાજકીય પક્ષો છે જેમની પાસે આગામી સરકાર રચવાની તક છે. કન્ઝર્વેટિવ અથવા લેબર પાર્ટી. અન્ય બધા પક્ષો રાજકીય સમરાંગણમાં માત્ર કોલાહલ જ કરતા રહેવાના છે. કદાચ એવું પણ બની શકે કે ઈલેક્શન ભારે રસાકસીપૂર્ણ બને ત્યારે સરકાર કોની બની શકે તેવો તફાવત સર્જવા તેમની પાસે કદાચ પૂરતી બેઠકો હોઈ શકે છે. આના સિવાય, આ નગણ્ય પક્ષોને અપાયેલા દરેક મત વેડફાઈ જવાના છે.
દરેક મતદાર માટે હેડલાઈન સરળ છે, પસંદગી કરો. શું તમારે લેબર અથવા કન્ઝર્વેટિવ સરકાર જોઈએ છે? તો, તેમાંથી એક પાર્ટીને વોટ આપો. જરા પણ અજ્ઞાન અને ભ્રમમાં રહેશો નહિ અને તમારો મત અન્ય પાર્ટીઓ પર વેડફશો નહિ.
મતદાનની વાત કરીએ તો, તેને તમારા અને દેશ વચ્ચે થયેલા કરાર તરીકે સમજી લેશો. એક નાગરિક તરીકે મત આપવો તમારું કર્તવ્ય અને જવાબદારી છે. દર પાંચ વર્ષે તમે ચોક્કસપણે એક દિવસ તો મહત્ત્વપૂર્ણ વોટ આપવા જવા માટે ફાળવી જ શકો છો. દેશમાં રાષ્ટ્રીય સ્તરે મતદાર હાજરી કે વોટર ટર્નઆઉટ આ મુજબ રહેલ છેઃ GE1992 - 77.7 ટકા, GE1997 - 71.6 ટકા, GE2001 - 59.4ટકા, GE2005 - 61.4ટકા, GE2010 - 65.1 ટકા, GE2015 - 66.2 ટકા, GE2017 - 68.8 ટકા અને GE2019 - 67.3 ટકા.
આમ, રાષ્ટ્રીય સ્તરે વોટર ટર્નઆઉટ આશરે 66 ટકાની આસપાસ રહ્યો છે ત્યારે લઘુમતી કોમ્યુનિટીઓ દ્વારા મતદાન ઘણું નબળું રહ્યું છે. ધાર્મિક દૃષ્ટિએ વોટર ટર્નઆઉટ અસ્પષ્ટ કે અસ્થિર છે. આમ છતાં, મોટા ભાગના રાજકીય વિશ્લેષકો માને છે કે ઈન્ડિક (હિન્દુ, શીખ અને જૈન) કોમ્યુનિટીઓ માટે તો આ ટર્નઆઉટ ઘણો જ નીચો છે. હિન્દુઓ માટે 2019માં મોટા ભાગના અંદાજો આશરે 25 ટકા હોવાનું જણાવે છે. આના વિશે વિચારો, બ્રિટિશ સમાજમાં હિન્દુઓ સૌથી ઉત્પાદક સભ્યો છે છતાં, મતદાનની વાત આવે છે ત્યારે આપણે સૌથી ખરાબ છીએ.
શું તમે જાણો છો કે તમામ વંશીય લઘુમતીઓની લગભગ 50 ટકા વસ્તી માત્ર 75 બેઠકોમાં (કુલ 650 બેઠકમાંથી) જ વસે છે. શું તમે એ પણ જાણો છો કે આ 75 બેઠકમાંથી 70 બેઠક પર લેબર પાર્ટીએ વિજય મેળવ્યો હતો? અને કલ્પના કરો કે આ બેઠકોમાંથી 50 બેઠકમાં વંશીય મતદારો બહુમતીમાં હતા. લેબર પાર્ટી 2019માં એ તમામ બેઠકો જીતી હતી જ્યાં અશ્વેત આફ્રિકન્સ/ કેરેબિયન્સ વસ્તી 14 ટકાથી વધુ હતી. તેણે 46માંથી 40 બેઠક પર વિજય મેળવ્યો હતો જ્યાં ‘એશિયન’ વસ્તીનું પ્રમાણ 15 ટકાથી વધુ હતું અને કલ્પના પણ ન કરી શકાય કે તેણે 20 બેઠકોમાંથી 18 બેઠકોમાં વિજય હાંસલ કર્યો હતો જ્યાં સૌથી વધુ મતદારો ભારતીય હતા.
બધા જ ઓપિનિયન પોલ્સ જણાવે છે કે લેબર પાર્ટી જંગી બહુમતીથી વિજય મેળવશે અને કેર સ્ટાર્મર નવા પ્રાઈમ મિનિસ્ટર બનવાનું નિશ્ચિત છે. જો આ સાચું હોય તો, મતદારો પાસે આ દેશને લેબર સરકારથી બચાવવા 40 દિવસથી પણ ઓછો સમય રહ્યો છે, જે આ દેશના પોતના તાણાવાણાનો નાશ કરશે. આગામી સપ્તાહોમાં આપણે નીતિઓ વિશે વાતો કરીશું પરંતુ, હાલ પુરતું તો નીચે જણાવેલી બાબતો ધ્યાનમાં-મગજમાં રાખજો.
1. યુકેમાં પ્રવેશ માટે પેલેસ્ટીનીઓને ખાસ વિઝા માટે લેબર સાંસદની માગણી
2. વડા પ્રધાન મોદી અને ભાજપ માટે બનાવટી નેરેટિવ્ઝને લેબર સાંસદનું ઉત્તેજન
3. લેબર સાંસદ દ્વારા ખાલિસ્તાનીઓનું તુષ્ટિકરણ
4. લેબર સાંસદ દ્વારા ઈસ્લામિક કટ્ટરવાદીઓનું તુષ્ટિકરણ
5. લેબર સાંસદ દ્વારા જ્યુઈશ કોમ્યુનિટી તરફ પૂર્વગ્રહ
6.પાકિસ્તાનના કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીર (POK)ને લેબર સાંસદનું સમર્થન
7. લેબર સાંસદની હિન્દુવિરોધી લાગણીઓ
જો માગણી નંબર1નો અમલ થશે તો આ દેશના સંપૂર્ણ વિનાશના દ્વાર ખુલી જશે. આને સ્ટાર્મરની જાહેરાત સાથે સાંકળો કે જો તેઓ ચૂંટાશે તો રવાન્ડા બિલને તત્કાળ નાબૂદ કરશે. આના પરિણામે, દરેક ત્રાસવાદી અને કટ્ટરવાદીઓ માટે બધી મૌસમમાં બ્રિટિશ તટો પર પહોંચવાના માર્ગ ખુલી જશે.
મને સ્પષ્ટ કહેવા દો. લેબર સરકારને ચૂંટી લાવો અને આપણી શેરીઓમાં સંપૂર્ણ અરાજકતા માટે તૈયાર થઈ જાઓ. એક સપ્તાહ પણ એવું નહિ જાય જ્યારે આપણી શેરીઓમાં નિરંકુશપણે વિરોધ પ્રદર્શનો-સરઘસો જોવા નહિ મળે જે ઘણા ભાગે હિંસક બની રહેશે. લેબર સાંસદો તેમના આ ગાંડપણને પણ સમર્થન આપશે તેમ જાણતા આ નફરત ફેલાવનારાઓ અને ઘૂંટણીએ પાડનારાઓ વૃદ્ધિ પામતા રહેશે.
નફરત ફેલાવતા આ પ્રદર્શનકારીઓએ યુનિવર્સિટી કેમ્પસીસમાં જ્યુઝ માટે પ્રવેશી ન શકાય તેવાં ઝોન્સ બનાવી દીધા છે. નોંધી રાખજો, હવે હિન્દુઓ અને શીખોનો વારો આવશે. તમારે આશ્ચર્ય કરવાનું રહેશે કે મુખ્યત્વે પાકિસ્તાની મૂળના પુરુષો દ્વારા વ્યવસ્થિતપણે યૌનશોષણનો શિકાર બનેલી અસલામત શ્વેત છોકરીઓ અને સ્ત્રીઓનું શું થશે. યાદ રાખજો કે આમાંથી મોટા ભાગનું તો લેબરના અંકુશ હેઠળની કાઉન્સિલો, લેબર પાર્ટીના મેયરો અને લેબર નિયુક્ત પોલીસ કમિશનર્સ હોવા સાથે બન્યું હતું. શું આ બધુ માત્ર સંયોગ-જોગાનુજોગ હતો? નિર્ણય તમારે લેવાનો છે.
આ તો આપણી તરફ ધસી રહેલી લેબર હિમશીલાનું ટોચકું જ છે. તમે તમારા હિસાબે અને જોખમે જ ડાબેરીઓ દ્વારા ધકેલાનારા ગાંડપણના જોખમને અવગણી શકો છો. દેશ જ્યારે ટાઈટનિક જ્હાજની માફક ડૂબી જાય ત્યારે રડશો કે ફરિયાદ કરશો નહિ. 40 દિવસ મિત્રો, આ દેશના ભવિષ્યને બચાવવા માટેના 40 દિવસ. તમારો મત ગણતરીમાં લેવાય તેમ કરજો.