તારી બાંકી રે પાઘલડીનું...

- અવિનાશ વ્યાસ Wednesday 09th October 2024 04:55 EDT
 
 

આ સપ્તાહે અવિનાશ વ્યાસ

(જન્મઃ 21-7-1911 • નિધનઃ 20-8-1984)

લોકપ્રિય ગીતકાર અને સંગીતકાર. ચલચિત્રો માટે પણ ચિક્કાર ગીતો લખ્યાં. આજે પણ ગાયક કલાકારો અને પ્રજા એમનાં ગીતો હોંશે હોંશે ગાય છે. ‘રાસદુલારી’ જેવી સફળ નૃત્યનાટિકા પણ લખી. ‘પાંદડું લીલું ને રંગ રાતો’ એમનો ગીત-સંચય.

તારી બાંકી રે પાઘલડીનું...

તારી બાંકી રે પાઘલડીનું ફૂમતું રે, મને ગમતું રે,
આ તો કહું છું રે પાતળીયા, તને અમથું!
તારા પગનું પગરખું, ચમચમતું રે,
અને અંગનું અંગરખું તમતમતું રે, મને ગમતું રે,
આ તો કહું છું રે પાતળીયા, તને અમથું! તારી...
પારકો જાણીને તને ઝાઝું શું બોલવું?
ને અણજાણ્યો જાણી તને મન શું ખોલવું?
તને છેટો ભાળીને મને ગમતું રે!
આ તો કહું છું રે પાતળીયા, તને અમથું! તારી...
હાથમાં ઝાલી ડાંગ કડિયાળી,
હરિયાળો ડુંગરો આવતો રે હાલી;
લીંબુની ફાડ જેવી આંખડિયું ભાળી,
શરમ મૂકીને તોયે થાઉં શરમાળી.
તારા રૂપનું તે ફૂલ મધમધતું રે, મને ગમતું રે,
આ તો કહું છું રે પાતળીયા, તને અમથું! તારી...
કોણ જાણે કેમ મારા મનની ભીતરમાં એવું તે ભરાયું શું,
કે એક મને ગમતો આભનો ચાંદલો ને બીજો ગમતો તું!
ઘરમાં, ખેતરમાં કે ધરતીના થરમાં,
તારા સપનનમાં મન મારું રમતું રે, મને ગમતું રે,
આ તો કહું છું રે પાતળીયા, તને અમથું! તારી...


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter